Thursday, August 16, 2012

લાડકા પપ્પા હોવું એટલે…. ગુણવંત શાહ.


 [ વિચારપ્રેરક નિબંધોના પુસ્તક ‘પ્રેમ એટલે....’ માંથી પ્રસ્તુત લેખો સાભાર લેવામાં આવ્યા છે. હંમેશની જેમ આદરણીય શ્રી ગુણવંત સાહેબના લેખો આપણને ‘વિચારોના વૃંદાવન’ની સફરે લઈ જાય છે]

લાડકી દીકરી પર ઘણુંબધું લખાયું છે. વહાલી દીકરી માટે લાડકા પપ્પા ખૂબ જ મહત્વના હોય છે. લાડકા પપ્પા જે વાત કોઈને ન કરે એ પોતાની વહાલી દીકરીને કરે છે. પપ્પાને એક જ વાતનો ગમ સતાવે છે કે દીકરી ઝટપટ મોટી થઈ જાય છે. એ મોટી થાય એના ત્રણ તબક્કા જાણી રાખવા જોઈએ :

પ્રથમ તબક્કો એટલે : યસ, પપ્પા !
બીજો તબક્કો એટલે : વ્હાઈ પપ્પા !
ત્રીજો તબક્કો એટલે : વ્હાઈ નૉટ પપ્પા !

કોઈને પણ ખબર ન પડે એવો ચોથો તબક્કો કેવળ પ્રેમાળ પપ્પાને સમજાય છે. એ તબક્કો એ દીકરીની ગેરહાજરી વસમી લાગે ત્યારે કોઈ ન જાણે તેમ રડી લેવાનો તબક્કો. નરસિંહ મહેતાએ પત્ની ગુજરી ગઈ ત્યારે કહ્યું : ‘ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાળ.’ આવો દઢ વૈરાગી નરસૈંયો કુંવરબાઈનું મામેરું કરવા વેવાઈને ત્યાં પહોંચી ગયેલો. પ્રત્યેક પપ્પાને કુંવરબાઈ જેવી દીકરી મળવી જોઈએ. લગ્નને માંડવેથી દીકરીને વળાવતી વખતે ગમે એવો નિષ્ઠુર બાપ પણ થોડીક ક્ષણ માટે નરસિંહ મહેતો બની રહે છે. સાસરે જતી દીકરી સુખી થશે કે દુઃખી ? આ પ્રશ્નનો જવાબ છે : સસ્પેન્સ.

પપ્પા દાઢી કરે ત્યારે સામે બેઠેલો દીકરો ગાલ પર આકાર લેતી ફીણ-ઘટનાને વિસ્મયપૂર્વક જોતો રહે છે. એ દીકરાને પોતાના ગાલ પર ફીણ લગાડીને રેઝર ફેરવવાનું મન થાય છે. સમજુ પપ્પા એના ગાલ પર બ્રશ ફેરવીને સાબુનું સફેદ ફીણ લગાડી આપે છે, પરંતુ રેઝરમાંથી બ્લેડ કાઢી લે છે. બાળક નિરાંતે રેઝર ફેરવતો રહે છે અને ગાલ પરથી સફેદ ફીણ સાફ થતું જાય એમ હરખાતો રહે છે. દીકરાનો ભ્રમ પણ કુંવારા વિસ્મયથી ભર્યો ભર્યો હોય છે. જો આ દશ્યની ફિલ્મ પાડી લેવામાં આવે તો ! મોટો થઈને જ્યારે દીકરો પિતાની સામે થાય ત્યારે એ ફિલ્મ કદાચ ખપ લાગે. મોંઘવારી વધે ત્યારે માલદાર માણસની સિલક ખોરવાય છે, મધ્યમ વર્ગના માણસનું બજેટ ખોરવાય છે અને ગરીબ માણસનું જીવન ખોરવાય છે. જાહેરખબરની પજવણી પામવામાં સ્ત્રીઓ મોખરે હોય છે. જાહેરખબર માલદાર ગૃહિણીના સમૃદ્ધ અહંકારને પંપાળે છે, મધ્યમ વર્ગની ગૃહિણીને લલચાવે છે અને ગરીબ ગૃહિણીને પરેશાન કરે છે. જાહેરખબર આપનારી મોટી મોટી કંપનીઓની કુદષ્ટિ ટાર્ગેટ ગ્રુપ્સને ધ્યાનમાં રાખે છે. જાહેરખબર પપ્પાના કાનમાં કહે છે : ‘દુનિયા ફસતી હૈ, ફસાનેવાલા ચાહિયે.’ શું માણસનો જન્મ પ્રચારના ધોધ સામે ઊભા રહીને પોતાની સ્વતંત્ર વિચારશક્તિ અને વિવેકશક્તિની આહુતી આપવા માટે થયો છે ? કહેવું પડશે કે ટીવી સરમુખત્યાર છે. એની સરમુખત્યારી માણસને ખૂંચતી નથી.

આપણી નિશાળોમાં અપૂર્ણાંક વિશે ભણાવવામાં આવે છે. જ્યારે જ્યારે ગરીબના ઘરમાં બે રોટલા પાંચ જણ વચ્ચે વહેંચીને ખાવાની નોબત આવે ત્યારે ભૂખ્યાં બાળકોને અપૂર્ણાંક આપોઆપ આવડી જાય છે. શિયાળાની કડકડતી ઠંડીમાં ફાટેલી ગોદડી ઓઢીને ભેગાં પડી રહેલાં છોકરડાં અંદર અંદર જે ખેંચાતાણી કરે એની જાણ કેવળ અંધારાને જ હોય છે. દેશની ગરીબી કિલોગ્રામને હિસાબે ઘટે છે અને વસ્તી ક્વિન્ટલના હિસાબે વધે છે. ગરીબ હોય તોય પપ્પા તો પપ્પા જ રહે છે ! જે પપ્પા બાળકોને એક કપ દૂધ ન આપી શકે એના હૃદયની પીડા ગરીબ થોડી હોય ? જ્યાં જીવવાનાં ફાંફાં હોય ત્યાં લાડકોડ ગેરહાજર હોય છે. લાડકોડ શબ્દને સમૃદ્ધિ પ્રત્યે જબરો પક્ષપાત હોય છે. દેશની ગરીબી ક્યારેય મટશે ખરી ? પપ્પા-મમ્મીનાં લાડકોડ ન પામ્યાં હોય એવાં લાખો-કરોડો બાળકો મોટાં થાય પછી નાગરિક બને એ કેવાં હશે ? ક્યારેક લાગે છે કે કશુંય બદલાતું નથી. માલદાર પપ્પાનો લાડકવાયો સ્ટેશનના પ્લૅટફૉર્મ પર આઈસ્ક્રીમના કપમાંથી ચમચો મારીને આઈસ્ક્રીમ વડે પોતાના હોઠ ગંદા કરે છે. એ જોઈને પાસે ઊભેલા ગરીબ બાળકના મોંમાં જે પાણી આવે એને કોઈ ગંગાજળ ન કહે. મોંમાં પાણી આવે, પણ વાનગી ન મળે ત્યારે ગરીબ બાળકને જે વ્યથા પહોંચે એ શબ્દથી પર હોય છે. ક્યારેક એ ગરીબ બાળક પણ પારકા ટીવી પર ચૉકલેટની કે આઈસ્ક્રીમની આકર્ષક જાહેરખબર જોઈને કેવી ખલેલ પામતો હશે ? કોઈ ગરીબ પપ્પા જો મન કઠણ કરીને આઈસ્ક્રીમનો એક કપ ખરીદે તો એમાં ભાગ પડાવનારા જીવ કેટલા ?

કલ્પના કરવા જેવી છે. રેલવે સ્ટેશનના પ્લૅટફૉર્મ પર એક સુખી પરિવાર ટ્રેનની રાહ જોઈને ઊભો છે. બાળકો મોજથી આઈસ્ક્રીમ ખાઈ રહ્યાં છે. પપ્પા-મમ્મી પણ પોતપોતાના કપમાંથી આઈસ્ક્રીમ ખાઈ રહ્યાં છે. વૈશાખ મહિનાના ઉકળાટમાં ઉપર ફરતો પંખો પણ ગરમ ગરમ હવા ફેંકી રહ્યો છે. એ વખતે પાસે ઊભેલાં ચાર ગરીબ બાળકો ટગર ટગર આઈસ્ક્રીમના કપને જોઈ રહ્યાં છે. અચાનક પપ્પાના મનમાં પવિત્ર ઝબકારો થાય છે. એ ચાર કપ ખરીદે છે અને પેલાં બાળકોના હાથમાં મૂકી દે છે. શું આવું બને તે અશક્ય છે ? ના, એવું કશુંક જોયું પછી જ આટલું લખ્યું છે.

ગુણવંત શાહ

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.