Tuesday, August 28, 2012

જ્યોતીષ

 વીજ્ઞાને ગુરુત્વાકર્ષણની શોધ કરી એને આધારે જ્યોતીષીઓને વળી અન્ય એક ફાવતી દલીલ જડી ગઈ : ચંદ્રના આકર્ષણથી જો સમુદ્રમાં ભરતી ચઢતી હોય તો એની માનવદેહ ઉપર પણ અચુક અસર થાય; કારણ કે માણસના શરીરમાં પણ સીત્તેર ટકા પાણી રહેલું છે. આમ જ્યોતીષીઓને એમની વ્યાપક છેતરપીંડીનો એક નવો જ નુસખો મળી ગયો. જુઠ્ઠો: કારણ કે ચંદ્રના આકર્ષણથી ભલભલાં તળાવોમાં, તરણકુંડોમાં કે ઘરનાં ગોળા–માટલાંમાં પણ ભરતી નથી ચઢતી, તો પછી માનવ દેહમાં રહેલા અલ્પ પાણીને તો એ કેમ કરીને ખળભળાવી શકે ? હકીકતે ચંદ્રના કેવળ આકર્ષણ માત્રથી દરીયામાં ભરતી નથી જ આવતી અને જો એમ હોય તો રોજેરોજ એક સરખી જ ભરતી ચડવી જોઈએ, કારણ કે ચંદ્ર તો રોજ જ આકાશમાંથી પસાર થાય છે. પરન્તુ વૈજ્ઞાનીક કારણ ભીન્ન જ છે: સમુદ્રમાં  ભરતી તો ચંદ્ર અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અમુક અવસ્થાને પરીણામે ઉત્પન્ન થતા ‘ભરતી–બળ’ (ટાઈડલ ફોર્સ)ને પરીણામે આવે છે અને તે કેવળ મહાસાગરોમાં જ. ચંદ્રનું ગુરુત્વાકર્ષણ માનવદેહ યા માનવજીવન ઉપર કશો જ નીર્ણાયક પ્રભાવ પાડી શકતું નથી. છતાં ધારો કે ગ્રહોનું ગુરુત્વાકર્ષણ માનવ કે પ્રાણીના દેહને અસ્વસ્થ કરતું પણ હોય, તોય તે કેવળ આરોગ્યને અસર કરી શકે એ સમજી શકાય. પરન્તુ લગ્નયોગ, પતી–પત્ની વચ્ચેની લેણદેણ, સંતાનયોગ, સ્થાવર–જંગમ મીલ્કત, લોટરી, નોકરી, પ્રેમ–રોમાન્સ કે કોર્ટ–કચેરીના ખટલા જેવી માનવસર્જીત વ્યવસ્થાઓ ઉપર ગુરુત્વાકર્ષણ તે કેવી રીતે અને શી અસર પાડી શકે ? પરન્તુ માણસને મુરખ બનવાનું હમ્મેશાં ગમે જ છે, એટલે શું થાય ?

જ્યોતીષ વીજ્ઞાન નથી, અજ્ઞાન છે, એનો સચોટ પુરાવો તો એ જ કે એના અજ્ઞાન રચનાકારો બાપડા ફક્ત પાંચ જ ગ્રહોને ઓળખી શકેલા. વળી, એક તારકપીંડ એવા સુર્યને તેમ જ પૃથ્વીના ઉપગ્રહ એવા ચન્દ્રને પણ તે ‘ગ્રહો’ જ ગણીને ચાલતા. નરી આંખે આવું બધું નીરીક્ષણ કરી, એનું ગણીત રચવા બદલ, તેઓને આપણે આદરપુર્વક જરુર ધન્યવાદ આપીએ; પરન્તુ તેનાં ફળજ્યોતીષનાં જીવનસ્પર્શી બનતાં તારણોને સત્ય માનીને, સમાજને માથે વણજોઈતી, બીનજરુરી આપત્તી તો ઝીંકી શકીએ જ નહીં. અવૈજ્ઞાનીક એવી જ્યોતીષવીદ્યાના પ્રચારથી, સમાજમાં વહેમો, અન્ધશ્રદ્ધાઓ, નસીબવાદ તેમ જ ફરેબી ઠગધંધાનું વર્ચસ્વ વધશે; એવી સચોટ આગાહી જ્યોતીષની મદદ વીના જ પાકી થઈ શકે. રાહુ ને કેતુ જેવા તો કોઈ પીંડો જ અવકાશમાં નથી, જ્યારે યુરેનસ, નેપચ્યુન અને પ્લુટોના ગ્રહોની હસ્તીની તો મુદ્દલે જાણકારી જ આ કાલસાપેક્ષ વીદ્વાનોને હતી નહીં. આ તથ્યોના ઉપલક્ષમાં પછી, ફળજ્યોતીષ સત્ય કે આધારભુત સંભવી જ ક્યાંથી શકે ?

યાદ રાખો કે, પ્રાચીન ભારતમાં ફલજ્યોતીષ શાસ્ત્ર હતું જ નહીં. કેટલાક પંડીતો– સંશોધકોના મતે તો એ વીદ્યા બહારથી પ્રાચીન મીસર, બેબીલોન કે ગ્રીસથી આયાત કરેલી છે. એનો પુરાવો એ જ કે, રામાયણમાં, સીતાજી ગુમ થતાં, રામ એની શોધ માટે કોઈ જ્યોતીષીને પુછવા નથી જતા કે પાંડવો – દ્રૌપદીના લગ્ન પાકાં કરવા માટે જન્મકુંડળીઓ મેળવ્યાનો કોઈ ઉલ્લેખ મહાભારતમાં જોવા મળતો નથી. એથી ઉલટું, કર્ણ તો સગર્વ જાહેર કરે છે કે, મારો જન્મ ભલે દૈવને આધીન હોય, કીન્તુ મારું જીવનકાર્ય તો મારા પુરુષાર્થને જ વશ છે. વેદ–ઉપનીષદોમાં પણ ફલજ્યોતીષ શાસ્ત્રનો કોઈ ઉલ્લેખ જ નથી…!

–રમણ પાઠક

ગુજરાતમીત્ર દૈનીક, સુરતમાં વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘રમણભ્રમણ’ ના લેખોમાંના જુદા જુદા મુદ્દાઓ વીશે, જુદા જુદા વીષયોનું સંકલન કરીને સુરતના શ્રી વીજય ભગત: vmbhagat@gmail.com, ‘વીવેકવીજય’ (પુસ્તક માટે ભાઈ વીજય ભગતનો ઈ–મેઈલ પર સમ્પર્ક સાધવા વીનન્તી) ગ્રંથ સાકાર કર્યો. ‘વીવેકવીજય’ ગ્રંથના પ્રકરણ – 5માંથી ઉપરોક્ત મુદ્દા લેખક અને સંપાદકશ્રીના સૌજન્યથી..

અક્ષરાંકન: ગોવીન્દ મારુ
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.