Sunday, August 26, 2012

અણગમો ઑફિસનો – ડૉ. પ્રજ્ઞા પૈ


[‘જનકલ્યાણ’ ફેબ્રુઆરી-2011માંથી સાભાર.]

‘ઓહ નો, આજે સોમવાર. ફરી પાછું ઓફિસે જવાનું. એ જ ખટપટ, એ જ વાતાવરણ, એટલો કંટાળો આવે છે, એલાર્મની ઘંટડી બંધ કરી પાંચેક મિનિટ પછી ઊઠી જ જવું છે, નહીંતર પાછું જવાનું મોડું થશે…’ એવું વિચારી ઝંખના પથારીમાં આડી પડી.

શુક્રવારની સાંજ પડે ત્યારે અથવા કોઈ વાર સવારે જ ‘થેંક ગોડ, હવે શનિ-રવિ બે દિવસ નિરાંત. ઑફિસ જવાની કડાકૂટ નહીં.’ એવું ઘણા અનુભવે છે. જેમ કેટલાંક બાળકો શાળાએ જવું પડશે એ વિચારથી સોમવારે સવારે ગમગીન થઈ જાય છે તેવું કેટલાંક નોકરિયાત વર્ગ પણ અનુભવે છે. ‘શું થાય ? જવું જ પડશે. બીજો કોઈ ઉપાય નથી. કોઈ વાર થાય છે કે રાજીનામું આપી દેવું જોઈએ. પણ એવું ગાંડપણ કરાય ? નવી નોકરી કંઈ મારી રાહ જોઈને નથી બેઠી…..’ પોતાની મરજી અને મહત્વકાંક્ષા પ્રમાણે મળેલી નોકરી, સારી સંસ્થા, સારો પગાર, બીજી સુવિધાઓ વગેરે હોવા છતાં ઘણી વ્યક્તિઓને પોતાનો વ્યવસાય, નોકરી, કારકિર્દી એક બોજા જેવાં લાગે છે. સાંજે ઘેર જવાનો સમય થાય એટલે મન થોડી હળવાશ અનુભવવા માંડે, હાશ, આજનો દિવસ તો પૂરો થયો – જેવો વિચાર આવે તે પણ સામાન્ય છે. જોકે અમુક લોકો, ખાસ કરીને સ્ત્રીઓને ઘેર જવાના આનંદ સાથે ‘ચાલો, હવે ફરી પાછું રસોઈ, ખરીદી અને બાળકોના હોમવર્કમાં જોતરાવું પડશે, કેવી જિંદગી છે ?’ એવો વિચાર પણ ઝબકી જાય છે. છતાં સાધારણ રીતે ઓફિસ એટલે જ્યાં મન તાણ અનુભવે એવું સ્થળ અને ઘર એટલે મન શાતા અનુભવે તેવું સ્થળ – એવો મોટા ભાગની વ્યક્તિનો અનુભવ છે.


લગભગ બધી જ સંસ્થાઓ એકમેક સાથે સ્પર્ધા કરવા માંડી છે. ઉત્તમ કક્ષાની કામગીરી બજાવ્યા પછી સારો એવો નફો અને નામના મેળવવા છતાં બીજી કંપનીઓ કરતાં આગળ વધી જવાના-મુઠ્ઠી ઊંચેરા બનવાની હાયવોયને લીધે ઉત્કૃષ્ટ કામગીરીનો આનંદ અને સંતોષ અનુભવવાને બદલે તાણ નિર્માણ થાય છે. આવી સ્પર્ધા માત્ર બે કંપની વચ્ચે, બે સંસ્થા વચ્ચે કે બે ઑફિસ વચ્ચે જ હોય તેવું નથી. એક જ સંસ્થાની બે શાખા વચ્ચે, એક જ ઑફિસના જુદાજુદા વિભાગો વચ્ચે અને કેટલીક વાર એક જ વિભાગમાં – એક જ ટીમમાં, જૂથમાં કામ કરતા કર્મચારીઓ વચ્ચે પણ હરીફાઈ ચાલતી હોય છે. અમુક અંશે રચનાત્મક સ્પર્ધા-હેલ્ધી કોમ્પિટિશન ફાયદો કરે છે તેની ના નહીં, પરંતુ સામાન્ય રીતે બીજા આગળ વધી જશે, હું પાછળ રહી જઈશ, મારું પ્રમોશન નહીં થાય, ગમે તેમ કરીને મારે આગળ નીકળી જવું છે – વગેરે વિચાર સહકાર- કૉ-ઑપરેશનનું સ્થાન સ્પર્ધા કે પ્રચ્છન્ન સંઘર્ષ – કોમ્પિટિશન અને કોન્ફિલીક્ટ લઈ લે છે. બીજાની ઈર્ષા, તેમને ઉતારી પાડવાની વૃત્તિ કે તેમનો વિકાસ અવરોધવાનું વલણ જોર પકડવા માંડે છે. છેતરપિંડી અને કનડગતને પણ હથિયાર બનાવવામાં આવે છે. આવા નકારાત્મક વિચારો અંગ્રેજી શબ્દોમાં કહીએ તો ‘કોમ્પિટિશન’, ‘કોન્ફિલીક્ટ’ (સંઘર્ષ), ‘કનિંગનેસ’ (લુચ્ચાઈ) અને ‘ક્રુઅલીટ’ (ક્રૂરતા)નું મિશ્રણ હોય છે.

આવાં નકારાત્મક સ્પંદનોથી ખદબદતું, ડહોળાયેલું વાતાવરણ માનસિક તાણ નિર્માણ ન કરે તો જ આશ્ચર્ય થાય. પોતે કરેલી મહેનતની બીજાને કદર નથી, આટલું સારું પ્રેઝન્ટેશન કર્યું છતાં બોસ વખાણનો એક શબ્દ બોલ્યા ? આ પ્રોજેક્ટ કરવાનો મારો આઈડિયા હતો, પણ એનો બધો યશ આજકાલનો નવો આવેલો ઓફિસર ખાટી ગયો, કારણ કે એ મિનિસ્ટરની લાગવગથી આવ્યો છે. મારે શું ? આપણાથી થાય એટલું કામ કરવું. બોડી બામણીના ખેતર જેવો કારભાર હોય તો કંપની ખાડે જ જાય ને ? બોસ એ જ લાગનો છે.

જે સ્થળે આપણે દિવસનો મોટા ભાગનો સમય ગાળતા હોઈએ તે સ્થળ આપણને પારકું લાગે, અણગમતું લાગે અને ત્રાસદાયક લાગે તો તેની માઠી અસર મન પર પડે છે, કર્તવ્ય પર પડે છે. એટલું જ નહીં, એનો ભંગાર આપણે ઘેર લઈ જઈને ઘરનું વાતાવરણ પણ અમુક અંશે કલુષિત કરીએ છીએ. આ જાતની પરિસ્થિતિમાં વ્યક્તિએ શું કરવું જોઈએ ? બોસ નિવૃત્ત થાય, બીજા ખટપટી સહકાર્યકર્તા નોકરી છોડીને જતા રહે અથવા કોઈ સમસ્યા નિર્માણ થવાને લીધે તેમને લાંબી રજા પર ઊતરી જવું પડે, ઓફિસનું વાતાવરણ સુધરે… વગેરે  અપેક્ષા રાખવાને બદલે જો વ્યક્તિ પોતાની વૃત્તિ, વિચારો અને વર્તનનું નિયંત્રણ કરે તો જ સુધારો શક્ય છે.

સાસરે ગયેલી પુત્રી જો સાસરાને પોતાનું ઘર માની લે તો જ એનું મન ત્યાં બેસશે. એ જ હિસાબે સંસ્થા-ઓફિસ સાથે લગાવ કેળવવો – સેન્સ ઑફ બીલોન્ગિન્ગ આવશ્યક છે. મારી ઑફિસ માટે હું બધું જ કરી છૂટવા તૈયાર છું એ પ્રથમ સંકલ્પ. બીજાને પોતાના હરીફ કે દુશ્મન તરીકે જોવાને બદલે સહકાર્યકરો અને એથીયે બહેતર શુભેચ્છકો ગણી તેમની પ્રત્યે હૂંફાળું વર્તન રાખવાથી સમય જતાં ત્યાંથી પણ પ્રેમાળ વર્તન મળશે. આપણે મન દઈને જે કાર્ય કરીએ છીએ તે આપણા સંતોષ માટે કરીએ છીએ, બીજાને રાજી રાખવા નહીં. તેથી પ્રશંસા કે ઉત્તેજનના શબ્દો સાંભળવા ન મળે તો ‘ઈટ ઈઝ ઑ.કે.’ માની લેવું. બાહ્ય પરિસ્થિતિ આપણા મન પર કાબૂ જમાવી દે તેને બદલે આપણી પોતાની સ્થિતિ બાહ્ય પરિસ્થિતિનું પરિવર્તન કરે એવા પ્રયાસો જ સફળ થશે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.