Wednesday, January 9, 2013

વીવેકબુદ્ધી વીના બઘું નકામું- યાસીન દલાલ

જીવનમાં આપણે જે કંઈ પ્રવૃત્તી કરીએ છીએ, એમાંથી કેટલી સહજ આંતરીક અનુભુતીથી પ્રેરાઈને કરીએ છીએ અને કેટલી માત્ર ક્રીયાકાંડ ખાતર કરીએ છીએ, એ કદીક નીરાંતે બેસીને વીચારવા જેવું છે. એનું તારણ કદાચ આપણને આંચકો આપનારું હશે. આપણા શહેરોમાં સારા-માઠા પ્રસંગોની વણઝાર ચાલ્યા જ કરે છે. રોજ છાપાંમાં આવતી અવસાનનોંધ પર નજર કરીએ, એટલે થોડાં નામો એવાં નીકળે, જે આપણી સાથે સમ્બન્ધીત હોય અને થોડાં નામો એવાં પણ નીકળે કે જેમાં જવાનું આપણે માટે વ્યવસાય કે બીજા કારણોસર જરુરી હોય. આ જ રીતે રોજ સાંજ પડે અને ઘરમાં બેચાર લગ્નની કંકોતરી એકઠી થઈ હોય, જેમાંથી મોટાભાગે તો બહુ ઝાઝો અંગત ઉમળકો કે લાગણી નહીં; પણ વ્યવસાય કે એવાં બીજાં કારણો જ હાજરી માટે પ્રેરતા હોય. શહેરની વાત બાજુએ રાખીએ તો બહારગામથી પણ લગ્નની કંકોતરી આવે તો બીજીબાજુ મૃત્યુના સમાચાર પણ આવે.
એક વાર આવા એક લગ્ન પ્રસંગે હાજરી આપવા હું જઈ ચડ્યો. લગ્નસ્થળ એક જાહેર જીમખાનામાં હતું. ત્યાં મોટા મેદાનના ત્રણ ભાગ પાડ્યા હતા અને ત્રણ જગ્યાએ જુદાં જુદાં લગ્નોનો ઉત્સવ ચાલુ હતો. હું એક મંડપમાં દાખલ થયો, ત્યાં થોડા પરીચીત ચહેરાઓ જોઈને નક્કી કર્યું કે મારે જ્યાં જવાનું છે તે આ જ મંડપ છે. મોટું મેદાન અને હજારો માણસોની હાજરીને લીધે વરવહુ ક્યાં બેઠાં હતાં, તે તો દુરથી દેખાતું જ નહોતું. બે-ચાર મીત્રો મળી ગયા, એમની સાથે જમવાનું પતાવીને પછી વરવઘુને શુભેચ્છા આપવા જઈએ, એમ વીચારીને જ્યાં રીસેપ્શનના પ્લેટફોર્મ પર ગયો ત્યાં આશ્ચર્ય ! વરરાજા તો કોઈ બીજા જ હતા ! મને ખ્યાલ આવી ગયો કે હું ભુલથી કોઈ બીજા જ લગ્નસમારંભમાં જઈ ચડ્યો છું. તરત બહાર નીકળી પાકી તપાસ કરીને પછી સાચો મંડપ શોધી કાઢ્‌યો. કોઈ મંડપ ઉપર કોના લગ્નપ્રસંગ છે એનું કોઈ બેનર પણ મુકેલું નહોતું.
ખરી વાત હવે આવે છે. એ લગ્ન સમારમ્ભમાં પણ મોટા ભાગે એ જ ચહેરા, એ જ ટોળાં. એ જ શહેરના આગેવાન લોકો અને એ જ ઝાકઝમાળ. બધે એક પ્રકારનો બીબાંઢાળ ક્રીયાકાંડ, જમવામાં પણ એ જ વાનગીઓ, બઘું જ યાંત્રીક ત્યારે મનમાં પ્રશ્ન થયો : આ સ્થળે દરરોજ આવા ત્રણ-ચાર લગ્નપ્રસંગો યોજાય છે, એમાં આવનારા લોકોમાંથી અડધા તો એના એ જ લોકો હોય છે. કેટરર પણ મોટાભાગે એક જ. લગ્નનો મંડપ ઉભો કરનારા કોન્ટ્રાક્ટર પણ એ જ શહેરના જાણીતા એક-બે કોન્ટ્રાક્ટરમાંથી જ હોય. માત્ર વરવઘુ બદલાય. બાકીનો બધો તમાશો, બધો તાસીરો એકસરખો જ હોય, તો પછી આવા નીરર્થક અને યાંત્રીક ક્રીયાકાંડોમાં લાખો રૂપીયાનો ખર્ચ કરવો અને અનેક લોકોની કીંમતી સમય બગાડવો કેટલો જરૂરી ?
તમે કોઈ બસ કે ટ્રેનમાં પ્રવાસ કરો ત્યારે પ્રવાસીઓ સાથેની વાતચીતમાં એમના પ્રવાસનું કારણ પુછજો. કેટલાક લોકો કોઈ લગ્નપ્રસંગે જતા હશે, તો વળી કેટલાક સગામાં કોઈના અવસાન નીમીત્તે ખરખરો કરવા જતા હશે, તો બહુ મોટી સંખ્યામાં લોકો કોઈને કોઈ માનતા પુરી કરવા માટે. કોઈ ને કોઈ ધર્મસ્થળોએ ધસી જવાની આપણી પ્રજાની ઘેલછા પણ ગજબની છે. ઘરમાં બાળક અવતરે, પતીની નોકરીમાં પ્રમોશન મળે, કોઈ બીમારી મટી ગઈ કે દીકરાને કૉલેજમાં એડમીશન મળ્યું, આવી દરેક નાનીમોટી, પણ ક્ષુલ્લક બાબતમાં આપણા શ્રદ્ધાળુ લોકો માનતા કરે છે, અને પછી એ પુરી કરવા માટે ટ્રેન કે બસમાં ચડી બેસે છે. પ્રવાસ માટેના પૈસા ન હોય તો ઉછીના લઈશું, અને પ્રવાસમાં ગમે તેટલી ભીડ હોય, ધક્કામુક્કી થાય, એ બઘું સહન કરી લઈશું; પણ માનતા તો પુરી કરવી જ પડે. આ દેશમાં બસ અને ટ્રેનોમાં ભીડ ઓછી થઈ જાય, એવી માનતા કોઈ કેમ નથી માનતું ? અને, કોઈ ચોક્કસ ધર્મસ્થાને જઈને અમુક વીધી કરીએ તો જ માનતા પુરી થાય ? ઘરમાં બેસીને પુજાપાઠ વડે ભગવાન કે ખુદાનો આભાર માની શકાય ? વાસ્તવમાં આવાં નકામાં કારણોસર પ્રવાસ કરીને બીજા અનીવાર્ય કામ માટે પ્રવાસ કરતા લોકોને ત્રાસ આપવો અને ભીડમાં ઉમેરો કરવો એ જ મોટી અધાર્મીકતા છે.
જે રીતરીવાજો અને ક્રીયાકાંડોમાં જવાનું ટાળી શકાય તેમ હોય ત્યાં પણ અતીઉત્સાહમાં ધસી જવું એમાં સમયનો ભારોભાર બગાડ તો છે જ, પણ જાહેર વાહનવ્યવહાર વ્યવસ્થાનો પણ એમાં ભારે દુરુપયોગ છે. જે દેશમાં ટ્રેન, બસ કે વીમાનવ્યવહારની સગવડો ખુબ અપુરતી હોય, રસ્તાઓ વાહનોથી ખીચોખીચ હોય, નવી ટ્રેન કે બસ શરૂ કરવાના પૈસા ન હોય, બળતણની ભારે તંગી હોય, ત્યાં એક પણ નકામો પ્રવાસ એ દેશનાં ટાંચાં સાધનો ઉપરનો અત્યાચાર છે. આવા આધુનીક બળાત્કારોની આપણે નોંધ લેતા નથી, એ આપણી કમનસીબી છે.
આપણા મોટાભાગના લોકો મોટાં શહેરોમાં નાનકડા ફ્‌લેટમાં માંડમાંડ સંકડાશમાં રહેતા હોય છે. એમને ત્યાં છાશવારે સારા-માઠા પ્રસંગે ધસી જવાથી એમની તો દુર્દશા જ થઈ જાય છે. મહેમાનોને સાચવવાથી માંડીને એમની રસોઈ કરવામાં જ ગૃહીણી અડધી માંદી થઈ જાય છે. આવા પ્રસંગોએ એકઠા થયેલાં સગાવહાલાં એટલો બધો અવાજ કરે છે કે એ ઘોંઘાટથી પણ યજમાનો કંટાળી જાય. ઉપરથી આપણે ત્યાં સ્વચ્છ પાણી કે ખોરાક પણ ન મળતો હોવાથી સામુહીક રસોઈ અને સમુહભોજનમાં ગંદું પાણી અને ભેળસેળવાળી રસોઈ ખાઈને લોકોનું આરોગ્ય બગડે તે વધારામાં. આપણે ત્યાં દર ઉનાળામાં લગ્નપ્રસંગોએ પ્રદુષીત ભોજન ખાઈને ઝાડા-ઉલટી થવાના તથા ખોરાકી ઝેરથી મરી જવાના હજારો કીસ્સા બને છે, પણ તોય આમાંથી કોઈને બોધપાઠ લેવો નથી.
હવેનો કોઈ પ્રસંગ પચીસ-પચાસ હજારથી ઓછામાં ઉકલતો નથી અને લગ્નપ્રસંગ તો પાંચ-પચીસ લાખ સુધી લંબાય છે. પોતાના સ્વજનો કે મીત્રોને ભયંકર મુશ્કેલીમાં પાંચ રુપીયાની મદદ નહીં કરનાર લોકો બે દીવસના લગ્નપ્રસંગમાં પચાસ લાખનો ઘુમાડો કરી નાખતા હોય છે. ઉપરથી હજારો લોકો એમાં હાજરી આપવા માટે સમય બગાડે, ભેટસોગાદો ખરીદે, વાહનોનું પેટ્રોલ બાળે, ટ્રાફીક જામ થઈ જાય, એ બધા નુકસાનનો આપણે કદી વીચાર જ કરતા નથી. પરીણામે, આડેધડ પ્રસંગો, સમારંભો યોજાતા રહે છે અને લોકો વીચારશુન્ય બનીને એમાં આંધળી હાજરી પુરાવતા જ રહે છે, આપણાં અમુલ્ય સાધનો, શક્તી અને ઉર્જા આવા નીરર્થક તમાશામાં વેડફાતાં જ રહે છે.
કોઈ સ્વજન કે મીત્ર માંદા પડે ત્યારે આપણે એના ખબર કાઢવા હૉસ્પીટલ જઈએ છીએ. મોટાં શહેરોમાં હવે સ્વાભાવીક રીતે જ પરીચીતોનું વર્તુળ પણ ખાસ્સું મોટું હોય છે. પરીણામે દર્દીનાં સગાંવહાલાં, ખબર કાઢવા આવતા પરીચીતોથી ત્રાસી જાય છે. બધાને આવકાર આપવો, પછી શી બીમારી છે, ક્યારે હૉસ્પીટલમાં દાખલ થયા, હવે ક્યારે રજા મળશે, ડૉક્ટર શું નીદાન કરે છે, એ બધાની એકની એક રેકર્ડ વગાડીને એ લોકો થાકી જાય છે. પણ છતાં, આંતરીક થાક દબાવીને, હસતું મોઢું રાખીને બધાને જવાબ તો આપવો જ પડે છે! આપણી હૉસ્પીટલો આવા ખબર કાઢનારા સગાંવહાલાંનાં ટોળાંથી ઉભરાતી હોય છે. એનાથી હૉસ્પીટલમાં ઘોંઘાટ થાય છે, દર્દીને પણ ખલેલ પહોંચે છે, ઉપરથી આવનારા લોકો ખાવાપીવાની ચીજો જ્યાં ત્યાં ફેંકીને ગંદકી કરે એ વધારામાં અને ખબર કાઢનાર માણસ હૉસ્પીટલમાં જાય અને લાંબો સમય બહાર ન આવે, એટલે રસ્તા પર ગાડીમાં રાહ જોનાર એના મીત્રો કે સગાં-સંબંધી કારનું હોર્ન વગાડી વગાડીને આખી શેરીને ત્રાસ આપે.
એવું નથી કે સામાજીક રીતરીવાજો બીલકુલ બંધ કરવા અને સ્મશાનયાત્રામાં જવું નહીં, કોઈનાં લગ્નમાં જવું નહીં કે કોઈની ખબર કાઢવા જવું નહીં. આમાં પ્રશ્ન વીવેકબુદ્ધીનો છે, અગ્રતાનો છે, જ્યાં બહારગામ જવું અનીવાર્ય ન હોય ત્યાં ફોન કે પત્ર દ્વારા દીલસોજી કે અભીનન્દન આપી શકાય. બહારગામ જવાનો ખર્ચ ટાળીને એના પૈસા ભેટરુપે કે ચાંદલા રુપે મોકલીએ તો એ સામી વ્યક્તીને કામ પણ આવે. કોઈ ગરીબ કુટુમ્બમાં મરણ થયું હોય તો એની ઉત્તરક્રીયાઓના ખર્ચમાં એ ખપ લાગે, ગામમાં ને ગામમાં પ્રસંગ હોય ત્યાં પણ જેટલા ઓછા લોકો એકઠા થાય એટલા વાહનો ઓછાં વપરાય, પેટ્રોલ ઓછું બળે, પ્રદુષણ ઓછું થાય. ગામમાં પણ સારો સંદેશો કે દીલસોજી પાઠવી શકાય. બહુ જ અંગત હોય, જ્યાં જવા માટે અંદરથી મન ધક્કો મારતું હોય, એવા સ્વજન કે પરીચીતના પ્રસંગમાં જવું જ જોઈએ. પણ એ સીવાય પણ ક્રીયાકાંડ કે ઔપચારીકતા ખાતર જવાનું આપણે ઘણા કીસ્સાઓમાં ટાળી શકીએ.
સમય બગાડવા માટેનાં બહાનાં શોધતી પ્રજા પ્રગતીનાં સપનાં જોઈ શકે નહીં. આપણે કેટલા બધા નીરર્થક તહેવારો અને નીરર્થક પ્રસંગો તથા ઔપચારીકતાઓમાં સમય બગાડીએ છીએ ? દર રવીવાર થાય અને હૉટલનું પ્રદૂષીત ભોજન લીધા વીના ચાલે નહીં એવાં કુટુંબો બહાર જવામાં, હૉટેલમાં પહોંચીને ટેબલ પર ભોજનની રાહ જોવામાં, પોતાનો નંબર આવે એની લાઈન લગાડવામાં અને પછી ઘરે પાછા ફરવામાં કલાકો બગાડી નાંખે છે. આટલી વારમાં ટૉફલર, પીટર, ટ્રકર, એરીક ફ્રોમ કે માર્શલ મેકલુહાનનું એક સુંદર પુસ્તક વાંચી શકાય; પણ આવા સાદા હીસાબકીતાબ માંડવાની ફુરસદ કોને છે ?
આપણે ક્યારેક સામાજીકતાના અતીરેકમાં સરી પડીએ છીએ અને વીચારતા નથી કે આમાં સમય બગડે છે. નકામા પ્રવાસથી જાહેર વાહન– વ્યવહાર વ્યવસ્થા ઉપર દબાણ આવે છે. લોકોની ભીડ થાય છે. પ્રવાસ સગવડભર્યો બનવાને બદલે અગવડ ભરેલો બની જાય છે. ધાર્મીકતાનો તકાજો પુરો કરવા આપણે ધાર્મીક સ્થળોએ અવારનવાર ધસી જઈએ છીએ. લગ્નમાં હાજરી આપવા દુર સુધી જઈએ છીએ.
આપણે એમ માનીએ છીએ કે એમ નહીં કરીએ તો ફલાણા મીત્ર કે ફલાણા સગાને માઠું લાગી જશે; પણ વીચારતા નથી કે લોકો આવેલા મહેમાનોની યાદી રાખતા નથી. આ જમાઉધારનો તમાશો નથી. આપણી હાજરીમાં આંતરીક અનુભુતી છે કે માત્ર ઔપચારીકતા એનો વીચાર આપણે ઉંડાણથી કરવો જોઈએ. જો આવો વીચાર કરીએ તો દેશ અને સમાજ ઉપર દેખાડા ખાતર થતા પ્રવાસ અને દેખાડા ખાતર યોજાતા ઉત્સવોમાંથી બચી શકાય.


અક્ષરાંકન: ગોવીન્દ મારુ
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.