Wednesday, October 17, 2012

ભાગ્યની દેવી પત્ની !– ભૂપત વડોદરિયા

આપણી સંસ્કૃતિમાં આદર્શ પત્નીના જે ગુણો દર્શાવવામાં આવ્યા છે તેમાં ‘ભોજનેષુ માતા’ અને ‘કાર્યેષુ મંત્રી’ એવા ગુણોનો સમાવેશ થાય છે. રશિયાના મહાન નવલકથાકાર ફાઈડોર દોસ્તોવસ્કીને મોટી ઉંમરે જે પત્ની મળી તે ઉંમરમાં નાની પણ ગુણોમાં ઘણી મોટી. ‘ક્રાઈમ ઍન્ડ પનિશમેન્ટ’ અને ‘બ્રધર્સ કેરેમેઝોવ’ જેવી મહાન નવલકથાઓ લખનારા આ રશિયન સર્જકે સેક્રેટરી તરીકે, ખરું કહીએ તો સ્ટેનોગ્રાફર તરીકે ફરજ બજાવનારી આ યુવતીના પ્રેમમાં પડીને પછી તેની સાથે લગ્ન કર્યાં.

દોસ્તોવસ્કી દેવાના ડુંગર નીચે દટાઈ ગયા હતા. નાણાભીડમાં રહેતા આ મહાન સર્જકનું શોષણ કરવામાં પ્રકાશકોએ કશું બાકી રાખ્યું નહોતું. આ આર્થિક ગુલામીમાંથી અન્નાએ તેના પતિ દોસ્તોવસ્કીને મુક્ત કર્યા. દોસ્તોવસ્કી કહે છે કે મોડી રાત સુધી લેખનમાં પ્રવૃત્ત રહેવાને લીધે બીજા દિવસે હું મોડો ઊઠતો ત્યારે પત્નીને પુસ્તકવિક્રેતાઓ સાથે લાભકારક સોદો કરવાની કડાકૂટ કરતી જોઈને મારી આંખમાં આંસુ આવી જતાં. એ પત્ની ખરેખર મારા માટે ‘ભાગ્યની દેવી’ બની ગઈ. દોસ્તોવસ્કીનું શોષણ માત્ર પ્રકાશકો જ કરતા નહોતા, એના ઉદાર સ્વભાવનો લાભ લઈને નિકટનાં સગાં-સંબંધીઓ પણ તેને પરેશાન કર્યાં કરતાં. આ બધાં જ બંધનોમાંથી પત્નીએ તેમને મુક્ત કર્યા. ઉંમરમાં મોટો તફાવત હોવા છતાં એકથી વધુ અર્થમાં એ એક આદર્શ પત્ની બની રહી.

આ રશિયન સમાજની વાત છે. ભારતીય સમાજની આજની સ્થિતિનો વિચાર કરીએ તો આપણે જોઈએ છીએ કે આજે પત્ની ‘કાર્યેષુ મંત્રી’ બની રહેવાને બદલે પતિને વધુ ને વધુ નાણાં કમાવવાની ફરજ પાડનારી વ્યક્તિ બની ગઈ છે. પૂરતી કમાણી ના હોય તો કેટલાક કિસ્સામાં એ પતિને સીધી કે આડકતરી એવી સૂચના આપે છે કે કોઈ પણ રીતે નાણાં લાવો ! લાંચરુશવત લઈને પણ પૈસા મેળવો. બે નોકરી કરીને પણ નાણાં લાવો. પત્નીના મનમાં બીજાઓની દેખાદેખી વિશેષ છે. તેને જાતે રસોઈ કરવામાં ખાસ રસ નથી અને પતિના કાર્યમાં મદદરૂપ થવાની વાતમાં પણ ખાસ દિલચશ્પી નથી. 

આપણી જૂની કહેવત એવી છે કે માતા પુત્રને માત્ર ‘આવતો’ જોઈને સંતોષ માને છે પણ પત્ની તો પતિ કંઈક લઈને આવે એવી અપેક્ષા રાખે છે. બીજી બાજુ આજે અનેક પરિવારોમાં પતિની કમાણી અપૂરતી હોય તો પૂરક કમાણી માટે પત્ની પોતે બહાર ક્યાંક ને ક્યાંક નોકરી કરે છે. આમાં કશું ખોટું નથી. આમાં સ્ત્રી પોતાની કાર્યશક્તિ બતાવી શકે છે અને આર્થિક સ્વાતંત્ર્યનો થોડો અનુભવ પણ કરી શકે છે. છતાં આમાં એક પરિણામ એ પણ આવે છે કે સ્ત્રી નથી બરાબર ઘર સંભાળી શકતી કે નથી પોતાનાં બાળકોનાં પોષણ-શિક્ષણ પર પૂરું ધ્યાન આપી શકતી.

ઊંચા જીવનધોરણનો મોહ એટલો બધો વધી ગયો છે કે ‘સંતોષ’ એ જ સાચું સુખ એવી વાત જુનવાણી લાગે છે અને ‘અસંતોષ’, આગળ ને આગળ જવાનો. અજંપો આપણને પ્રગતિનું એક લક્ષણ લાગે છે. આમાં કમાણી વધે છે, જીવનધોરણ બેશક ઊંચું આવ્યાનો અહેસાસ થાય છે પણ ઘરનાં સુખ-શાંતિનું શું ? કેટલાંય એવાં ઘર છે જ્યાં બાળકોની આંખ સામે માતા અને પિતા હાજર હોય એવું ઓછું બને છે. કેટલાક કિસ્સામાં તો બાળકો નોકરના પનારે પડ્યાં હોય છે અને ઘણાબધા કિસ્સામાં માતા-પિતાની સ્થૂળ હાજરી જ બાળકોને જોવા મળે છે. બાળક કાંઈક તોફાન કરે, ક્યાંકથી ફરિયાદ લઈ આવે ત્યારે મા-બાપનું ધ્યાન જાય છે, બાકી તો બધું રામભરોસે ચાલતું હોય તેવું જ લાગે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.