Monday, October 1, 2012

ધર્મ : નવી દૃષ્ટીએ–સ્વામી શ્રી. સચ્ચીદાનંદજી(દંતાલીવાળા)


          પ્રશ્ન : આપણાં શાસ્ત્રોમાં આત્માની શુદ્ધી, મનની શુદ્ધી, વીચારોની શુદ્ધી વગેરે પર બહુ ભાર મુકાયો છે. પરંતુ કોઈ શાસ્ત્રમાં એમ કેમ નથી લખ્યું કે અલ્યા, કપડાં ચોખ્ખાં પહેરો, ઘર ચોખ્ખાં રાખો, આંગણાં સ્વચ્છ રાખો, શેરીમાં ગંદકી ના કરો, જ્યાં ત્યાં ઉકરડા ના કરો , ગમે ત્યાં ના થુંકો. ઝાડો–પેશાબ વગેરે કરવાની કોઈ શાસ્ત્રોક્ત વીધીઓ કેમ નથી ?
     ઉત્તર : બહુ મહત્વનો અને મુદ્દાનો પ્રશ્ન પુછાયો છે. આપણે ત્યાં જેટલી વાર પવીત્ર શબ્દ વપરાયો છે તેટલો બીજે ભાગ્યે જ ક્યાંય વપરાયો હશે. છતાં પવીત્રતા અને અસ્વચ્છતા બન્ને સાથે સાથે આનંદથી ચાલતાં રહે છે; કારણ કે પવીત્રતા અને અસ્વચ્છતાને ગાઢ મૈત્રી થઈ ગઈ છે. પવીત્રમાં પવીત્ર મન્દીરમાં એટલી જ અસ્વચ્છતા જોવા મળશે. આટલાં અસ્વચ્છ ધર્મસ્થાનો બીજે ભાગ્યે જ જોવા મળશે.
     મંદીરો પવીત્ર છે, ભગવાન પવીત્ર છે; પણ પુજારીઓ અસ્વચ્છ જોવા મળશે. ખાસ કરીને ઉપરથી દુરથી પ્રસાદ ફેંકનારાનાં  વસ્ત્રો મેલાં અને કેટલીક વાર તો ગન્ધ મારતાં જોવા મળશે. સતત નહાતા રહેવાથી તથા પાણીમાં પગ પલળતા રહેવાથી પગમાં ચીરા પડી ગયેલા જોવા મળશે. જો કે આવું બધે નથી હોતું; પણ જે સૌથી વધુ આભડછેટ રાખનારા અને પોતાને સૌથી વધુ પવીત્ર માનનારા લોકો છે તેમની આવી સ્થીતી ઘણી જગ્યાએ જોવા મળશે.
     આમ થવામાં અનેક કારણોની સાથે વીપુલ સામગ્રીથી પુજા–અર્ચન કરવું એ પણ એક કારણ છે. બીજા ધર્મો કશી સામગ્રી વીના જ પ્રાર્થના વગેરે કરે છે, જ્યારે આપણે વીપુલ સામગ્રીથી પુજા–અર્ચન કરીએ છીએ, જેમાં અબીલ–ગુલાલ, કંકુ, ચન્દન, ચોખા, દુધ, ગોળ, ઘી, પુષ્પો,  દહીં  વગેરે ઘણી સામગ્રી વપરાય છે. આ બધી સામગ્રી ગમે ત્યાં વેરાય છે, જેથી અસ્વચ્છતા વધે છે. દુધ–દહીં વગેરે પદાર્થો ચઢાવવાથી પણ અસ્વચ્છતા વધે છે. અસ્વચ્છતા અને ઘોંઘાટનો મેળ જામે છે. આ બધાને કોણ રોકે ? કોણ અળખા થાય ?
     હું જ્યારે કેન્યા ગયો હતો ત્યારે ત્યાં નવી નવી ગાયો આવેલી, જે બહુ દુધ આપતી. આપણા ભાઈઓ સોમવારે કે બીજા દીવસોમાં પણ મહાદેવજી પર ખુબ દુધ ચઢાવતા, તેમાં પણ સોમવતી અમાવાસ્યા હોય તો તો પછી પુછવું જ શું ? બધું દુધ બહારના એક નીશ્ચીત સ્થાનમાં ભેગું થાય, સડે, કીડા પડે, દુર્ગંધ મારે, વીદેશીઓ ફોટા પાડે અને તેમના દેશોમાં જઈને બતાવે કે જ્યાં ગરીબ બાળકોને દુધ પીવા મળતું નથી ત્યાં ભગવાનના નામે કેટલો દુર્વ્યય થાય છે વગેરે..
     એ જ મન્દીરમાં હું પ્રવચન કરતો હતો. મારું હૃદય કકળી ઉઠ્યું. અળખા થઈને પણ મારે તો મારું કર્તવ્ય બજાવવું જ જોઈએ. પુરા દોઢ કલાક સુધી મેં પ્રવચન કર્યું અને લોકોને સમજાવ્યું કે તમે ભગવાનને દુધ જરુર ધરાવો; બગાડો નહીં. બદામ–પીસ્તા–કેસર વગેરે નાખીને મણ બે મણ દુધ એક પાત્રમાં પ્રસાદ તરીકે આગળ ધરો અને પછી એ દુધ અનાથાશ્રમમાં મોકલી આપો. અનાથ બાળકોને પીવડાવો. ધર્મનો જયજયકાર થઈ જશે. અહીંના કાળાં બાળકો કહેશે કે વાહ, હીંદુ ધર્મ કેટલો સારો છે ! આપણને દુધ પીવડાવે છે, વગેરે વગેરે..
     મારી વાત ઘણાને ગમી, કેટલાકને ના ગમી; પણ શરુઆત આવી જ હોય. હમણાં જ મારા એક પરીચીત પટેલે પોતાની ભેંસનું દસ લીટર દુધ શીવજીને ધરાવી, બાલમંદીરનાં બાળકોને પીવડાવી દીધું. આ ધર્મક્રાન્તી છે. જો બધા જ આવો ઉપદેશ આપે તો ઘણો સુધારો થાય અને ઘણી અસ્વચ્છતા ઓછી થાય.
      આપણે ત્યાં પ્રાચીન કાળમાં ૠષીઓ સંધ્યા કરતા હતા. કદાચ ત્યારે મન્દીરો ન હતાં. સંધ્યામાં ખાસ કોઈ સામગ્રી જોઈતી નહીં. દર્ભાસન પર બેસીને બહુ જ સાદાઈથી સંધ્યા–પુજા થતી. પછી મહાત્મા ગાંધીજી પણ કશી જ સામગ્રી વીના પ્રાર્થના કરતા. તે એટલે સુધી કે દીપ તથા અગરબત્તી પણ નહીં વાપરતા; છતાં એમની પ્રાર્થનામાં મહાન શક્તી પ્રગટતી.
      સાચી વાત કરીએ તો આપણે મન્દીરોને કમર્શીયલ બનાવી દીધાં છે. એટલે બધા ભાવો પણ લખેલા હોય છે. ‘આ કરાવો તો આટલા પૈસા અને આ કરાવો તો આટલા પૈસા.’ ભેટની રકમ પ્રમાણે પ્રસાદ અપાય છે. આ બધું વ્યાપારીકરણ નહીં તો બીજું શું ? ભલે પૈસા લો; પણ મન્દીરોમાં સ્વચ્છતા તો રાખો ! પણ મોટે ભાગે આવું થતું નથી. પરદેશથી આવેલાં આપણાં ભાઈઓ–અહીંના પણ શીક્ષીત ભાઈઓને આવી અસ્વચ્છતાથી ભારોભાર ગ્લાની થાય છે. વ્યાપારી વૃત્તીથી તો ઘણા નાસ્તીક જેવા થઈ જાય છે. બીજીવાર જવાની ભાવના જ મરી જાય છે. જરુર છે સામગ્રી વીનાની ઉપાસનાની, જેથી મન્દીરો સ્વચ્છ રહે, લોકોની શ્રદ્ધા બની રહે અને વારમ્વાર જવાનું મન થાય.
     સામાન્ય જીવનમાં પણ આવી જ દશા દેખાય છે. પરદેશમાં આપણે સ્વચ્છતા, શીસ્ત, પ્રામાણીકતા, સમયપાલન વગેરે જોઈએ અને તેમનાં વખાણ કરીએ એટલે ઘણાને ના ગમે. ઘણા મને કહે : ‘તમે પરદેશનાં વખાણ બહુ કરો છો.’  હું કહું કે જે સાચું હોય અને પ્રેરણાદાયી હોય તે તો લખવું જ જોઈએ ! સ્વચ્છતા, શીસ્ત, પ્રામાણીકતા, સમયપાલન વગેરે ગુણો આપણામાં હોય તો હું આપણાં પણ વખાણ કરું. જરુર કરું; પણ બતાવોને !
     મેં આફ્રીકામાં પણ કોઈને ખુલ્લામાં કુદરતી હાજતે જતાં જોયો નથી. તેના કુબાની બાજુમાં જ ઘાસનું બનાવેલું સંડાસ જરુર હોય. ભલે પ્રજાનો રંગ કાળો છે; પણ તે ખુલ્લામાં એકી–બેકી બેસતાં નથી.
     એક વાર હું મુંબઈથી અમદાવાદ આવું. સાથે શ્રી. યશવંત શુક્લ અને એક અમેરીકન ભાઈ હતા. સવારનો પહોર અને રેલના પાટા ઉપર જ કેટલાય પુરુષો કુદરતી હાજતે બેઠેલા. પેલા અમેરીકન ભાઈએ મને પુછ્યું, ‘આ બધા અહીં લાઈનસર કેમ બેઠા છે ?’ હું ગુંચવાયો કે આ પરદેશીને હવે શું કહેવું ? ત્યાં તો યશવંતભાઈ મારી મદદે આવ્યા. તેમણે ઠાવકું મોઢું રાખીને કહ્યું, ‘આ બધા સવારની પ્રાર્થના કરવા બેઠા છે.’ હું મનમાં ને મનમાં હસી પડ્યો. મને ખબર છે કે આ જુઠાણું બહુ લાંબું ચાલવાનું નથી. મેં એક ઝુંબેશ ચલાવી કે હવે મન્દીરો બાંધવા બંધ કરો; સંડાસો બાંધો. મને આનન્દ છે કે આ વાત આપણા મોરારીબાપુએ પણ ઉપાડી છે. આ ધર્મક્રાન્તી છે.
     પરદેશની સ્વચ્છતાનું મુખ્ય કારણ તેઓ કચરો પાડતા જ નથી. સીગરેટ પીએ કે ચોકલેટ ખાય; કાગળ, કાં તો ગારબેજમાં નાખે કે પછી પોતાના ગજવામાં મુકી દે. રોડ ઉપર નાખે જ નહીં; તે એટલે સુધી કે કોઈ સ્ત્રી (આ મેં નજરે જોયેલું છે) પોતાનું કુતરું લઈને ફરવા નીકળી હોય અને એ કુતરું હાજત કરે તો તરત જ પેલી બાઈ પ્લાસ્ટીકની થેલીમાં તેનો મળ ઝીલી લે અને પછી ગારબેજ આવે ત્યાં નાખી દે. રસ્તામાં ના રહેવા દે. આવી ટેવો છેક બચપણથી જ તેમને સંસ્કારના રુપમાં અપાય છે. એટલે કચરો પાડતા જ નથી, સ્વચ્છતા આપોઆપ રહે છે. જ્યારે આપણે બધું જ રોડ ઉપર જ્યાં–ત્યાં–ગમે ત્યાં, ગમે તેમ ફેંકી દઈએ છીએ. એટલે વાળેલો રોડ હોય તો પણ થોડી જ વારમાં કચરો કચરો થઈ જાય છે.
     આપણે આધ્યાત્મીક પ્રજા છીએ (ભૌતીક નથી) એવો ઢંઢેરો ગુરુલોકો વારમ્વાર પીટ્યે રાખે છે અને પ્રજા એક કાલ્પનીક કેફમાં રાચતી રહે છે. એટલે ગુરુલોકો આત્માનો સાક્ષાત્કાર, ઈશ્વરનો સાક્ષાત્કાર, કુંડલી જગાડવી, વીશ્વશાન્તી માટે યજ્ઞો કરવા, ૧૦૮ સપ્તાહ–પારાયણો કરીને પરલોક કેવી રીતે સુધરે તેની વાતો કરવી કે કૃષ્ણવીરહમાં ગોપીઓ કેવી રડતી હતી તે બધું સમજાવે, તેવી વાતો કરે. પણ જીવન કેવી રીતે જીવવું, સ્વચ્છતા–શીસ્ત–સમયપાલન વગેરે કેમ જાળવવાં તે ખાસ કોઈ શીખવાડતું નથી. આ બધા સામાન્ય, હલકા, તુચ્છ વીષયો છે તેમ સમજીને તેની ઉપેક્ષા થતી રહે છે. ધર્મગુરુજનોએ પુરો અભીગમ બદલવાની જરુર છે. સ્વચ્છતા અને શીસ્તને સર્વોચ્ચ પ્રાથમીકતા અપાવી જોઈએ. સમયપાલન પણ પોતાના દ્વારા જ સીદ્ધ કરી બતાવવું જોઈએ.
     પ્રજાનું આ પ્રાથમીક ઘડતર છે. જો આ પ્રાથમીક ઘડતર જ નહીં કરાય અને કુંડલી જગાડવાની કાલ્પનીક વાતો જ કરવામાં આવશે તો ગામેગામ ધારાવી જેવી જ દશા થઈ જશે. જો કે થઈ જ ગઈ છે. કલ્પનામાંથી બહાર નીકળીને આપણે વાસ્તવીકતાને સમજીએ અને સ્વીકારીએ, જેથી આપણે મહાન થઈએ, દેશ મહાન બને અને ધર્મ પણ  ઉજ્જવળ બને
સ્વામી શ્રી. સચ્ચીદાનંદજી (દંતાલીવાળા)
     (તા.૨૪ ડીસેમ્બર ૨૦૦૬ના ‘ગુજરાત સમાચાર’ દૈનીકની ‘રવીવારીય પુર્તી’માંથી સાભાર… છેલ્લાં કેટલાંક સપ્તાહોથી એક એક પ્રશ્ન લઈને તે ઉપર સ્વામીજી પોતાના વીચારો વીશદ રીતે આલેખે છે.. તેવો આ એક પ્રશ્ન અને તેનો સ્વામીજીનો ઉત્તર…ઉત્તમ ગજ્જર)

પુન:અક્ષરાંકન: ગોવીન્દ મારુ
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.