Saturday, September 29, 2012

અત્યંત રસપ્રદ જીવનચરિત્ર – ડંકેશ ઓઝા


[‘વિચારવલોણું’ સામાયિકમાંથી સાભાર.]
પણે સારાં જીવનચરિત્રોની શોધમાં હોઈએ છીએ. પરંતુ ઘણી બધી વખત આપણે આખા પુસ્તકના બદલે છાપાં કે સામાયિકમાં આવેલા એકાદ લેખથી સંતોષ માનતાં હોઈએ છીએ. માણસ માત્રને બીજાના જીવનમાં ડોકિયું કરવું ગમતું હોય છે જેથી પોતાના જીવન માટે ઉપયોગી એવું કંઈક એમાંથી મેળવી શકે અને તાળો પણ મેળવી શકે. અંગ્રેજીમાં ખૂબ સારાં જીવનચરિત્રો લખાયેલાં જોવા મળે છે. એનું કારણ એ છે કે તેનો લેખક એક સંશોધનની માફક ચારેતરફ ખાંખાખોળા કર્યા પછી વિષયને ન્યાય આપતો હોય છે. કોઈપણ વ્યક્તિત્વને ચારેતરફથી જોવાનો પ્રયત્ન કરીએ તો કદાચ સમગ્ર ચિત્ર અને ચરિત્ર આપણી સમક્ષ આવે. ઘણી બધી વખત આપણને આખું જોવામાં રસ નથી અને તેથી પાર વિનાની મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. શિવાજી વિશે આવું સમગ્રદર્શી લખાયું તો ભાંડારકર ઈન્સ્ટિટ્યૂટ રફેદફે થઈ ગયું. હમણાં કોઈકે મહર્ષિ અરવિંદનું જીવનચરિત્ર લખ્યું તો પોંડીચેરીમાં અરવિંદભક્તોએ ધરણા કર્યા.

અંગ્રેજીના વિદ્વાન પ્રાધ્યાપક અને નવી દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં લાંબો સમય કામ કરનાર મીનાક્ષી મુખરજીએ રોમેશચંદર દત્ત (1848-1909) વિશેનું સંપૂર્ણ જીવનચરિત્ર 400 પાનાના પુસ્તકમાં લખ્યું છે. એક ICS અધિકારી આજથી 150 વર્ષ પહેલાં સરકારમાં અને સમાજમાં કેવું કામ કરેઅને લોર્ડ કાર્ઝનને દુકાળની પરિસ્થિતિ અને તેમાં મરતા માણસો વિશે કેવા પ્રશ્નો ઊભા કરે છે તે જાણવું અત્યંત રસપ્રદ બને તે રીતે આખું પુસ્તક લખાયું છે.

વડોદરામાં સ્ટેશનથી અલકાપુરી તરફનો જે રસ્તો છે તે આર.સી.દત્ત રોડ કહેવાય છે. દત્ત તેમના ત્રણ સાથીદારો સાથે ICSની પરીક્ષા માટે ઘર છોડીને ઈંગ્લેન્ડ ગયા હતા જ્યારે દરિયો ઓળંગવો એ પાપ ગણાતું હતું. જે વિશે ટાગોરે પણ ‘સમુદ્રયાત્રા’ (1892)માં બંને પ્રકારની દલીલોની ચર્ચા કરી છે. સૌથી પહેલા કોઈ ભારતીય ICS થયા હોય તો તે ટાગોરના મોટાભાઈ સત્યેન્દ્રનાથ હતા અને બીજા 1871માં આર.સી. દત્ત. બિહારીલાલ ગુપ્તા સુરેન્દ્રનાથ બેનરજી અને શ્રીપાદ બાબાજી ઠાકોર ICSમાં તેમની સાથે હતા. જે જમાનામાં પ્રવાસની અત્યંત મુશ્કેલીઓ હતી ત્યારે દત્ત તરાપામાં બેસીને કે ઘોડા પર બેસીને અંતરિયાળ મુલકોમાં ગયા છે અને પ્રજા સાથે વાતચીત કરી છે તેના અનુભવો જાણવા જેવા છે. આશ્ચર્ય એ વાતનું થાય કે એક ICS અધિકારી ઋગવેદનો બંગાળીમાં અનુવાદ કરે, ભારતની આર્થિક પરિસ્થિતિનો ઈતિહાસ લખે, પ્રાચીન ભારતની સંસ્કૃતિનો ઈતિહાસ લખે, બંગાળી સાહિત્યનો ઈતિહાસ લખે, મહાભારત અને રામાયણ વિશે અંગ્રેજીમાં લખે જેની ભૂમિકા ખુદ મેક્સમૂલર લખી આપે અને તે ઉપરાંત બંગાળીમાં નવલકથાઓ લખે જે લખવાની પ્રેરણા ખુદ બંકીમબાબુએ પૂરી પાડી હોય અને પ્રાદેશિક ભાષામાં લખવા બાબતે અવઢવ અનુભવતા દત્તને બંકીમબાબુએ કહ્યું હોય કે માતૃભાષામાં લખશો તેમાં જ તમને ખરો યશ મળશે !

ICSમાંથી પણ વહેલી સ્વેચ્છા નિવૃત્તિ લઈ લીધી અને પાછલા વર્ષોમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડના નિમંત્રણથી તેઓ વડોદરામાં શરૂઆતમાં મહેસૂલ મંત્રી અને પછી દિવાન એટલે કે પ્રધાનમંત્રી તરીકે જોડાયેલા. જાહેરજીવનમાં સતત ઓતપ્રોત રહ્યા અને જે સમકાલીનો સાથે તેમણે કામ કર્યું તેમાં દાદાભાઈ નવરોજી, વ્યોમેશચંદ્ર બેનરજી, સુરેન્દ્રનાથ બેનરજી, ફિરોજશા મહેતા, બંકીમચંદ્ર ચેટરજી, રવીન્દ્રનાથ ટાગોર, બિપિનચંદ્ર પાલ, અરવિંદ ઘોષ, લાલા લજપતરાય, ગોપાલકૃષ્ણ ગોખલે, માર્ગારેટ નોબલ (સીસ્ટર નિવેદીતા) વગેરે હતાં. ડૉ. સુમંત મહેતાનાં પત્ની અને ગુજરાતનાં પહેલા મહિલા ગ્રેજ્યુએટ એવા શારદાબહેન મહેતાએ રોમેશચંદ્ર દત્તની ‘સંસાર’ નવલકથાનો અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ ‘સુધા-હાસિની’ નામે કરેલો. જે દત્તસાહેબ વિગતે જોઈ ગયેલા અને ગુજરાતી ભાષા પર પૂરતી પકડ હાંસલ કરી હોવાને કારણે અનુવાદની ચર્ચા પણ શારદાબહેન મહેતા સાથે કરતા. પોતાની પ્રથમ બંગાળી નવલકથા ‘બંગવિજેતા’ માં ચાર પાત્રોનાં નામ છે : બિમલા, કમલા, સરલા અને અમલા. આ નવલ લખી ત્યારે પોતાની બે પુત્રીઓનાં નામ આમાંથી હતા અને બાકીની બે પછી જન્મી જેનાં નામ આ રાખવામાં આવેલા. મહારાજ સાહેબે તેમને 3000 રૂ.નો માસિક પગાર 1904માં ઓફર કરેલો અને 1907માં જ્યારે નાદુરસ્ત તબિયતને કારણે તેમણે વડોદરા છોડવાનો નિર્ણય કર્યો ત્યારે એક મહિનાની રજા અથવા તો તેટલો પગાર તેમણે બક્ષીસરૂપે આપતાં ગૌરવ અનુભવેલું !

પુસ્તકની અંદર લગભગ 100 પાનાં પરિશિષ્ટોનાં છે, જેમાં તેમના કુટુંબનું વંશવૃક્ષ, મહારાજાના હસ્તાક્ષરમાં પત્રો, પ્રત્યેક પ્રકરણમાં આવતા સંદર્ભોની વિગતે નોંધ, દત્તનાં અંગ્રેજી તથા બંગાળીમાં પ્રકાશિત પુસ્તકોની યાદી, લેખકે ખપમાં લીધેલા સંદર્ભ ગ્રંથોની વિગતવાર યાદી (જેમાં શારદાબહેન મહેતાનાં સંસ્મરણોનો અંગ્રેજી અનુવાદ દિલ્હીની ઝુબાન સંસ્થા દ્વારા 2008માં પ્રગટ થયો છે તેનો ઉલ્લેખ છે) અને નામવાર અને વિષયવાર સૂચિનો પણ તેમાં સમાવેશ થાય છે. લંડનમાં હતા ત્યારે બ્રિટનની આમસભા અને ઉમરાવસભામાં તો ચર્ચા સાંભળવા જતા જ. પરંતુ જાહેર કાર્યક્રમમાં જવાના શોખને કારણે આર.સી.દત્તે જે.એસ.મીલ અને ચાર્લ્સ ડીકન્સને પણ સાંભળ્યાના ઉલ્લેખો છે. ડીકન્સ સરસ રીતે વાંચતા તો હતા જ પરંતુ તે યોગ્ય હાવભાવ સાથે વાંચતા. બ્રિટનની સંસદમાં ગ્લેડસ્ટોન અને ડીઝરાયલીને પણ તેઓ રસપૂર્વક સાંભળતા. ત્યાંના છાપાઓમાં પત્રો લખતા અને એક છાપાના ભારતીય ખબરપત્રી તરીકે તેમણે નિયમિત લખેલું. ભારતની સ્થિતિ સંદર્ભે ઘણાં વ્યાખ્યાનો લંડનની કલબોમાં આપેલાં.
તેઓ સ્વભાવે અત્યંત સૌજન્યશીલ અને સંસ્કારી હતા. વડોદરાના મહારાજા સાહેબના તબીબ ડૉ. સુમંત મહેતાનાં પત્ની શારદાબહેને નોંધ્યું છે કે દત્ત જ્યારે વડોદરા છોડીને ગયા ત્યારે તેમને પોતાનું પિયરઘર બંધ થયાની લાગણી થયેલી. દત્તની એકપુત્રીના લગ્નમાં બંકીમબાબુ અને ટાગોર બંને સાથે પધાર્યા ત્યારે બંકીમબાબુ તો સિદ્ધહસ્ત લેખક તરીકે જાણીતા હતા અને રવીન્દ્રનાથ હજુ નવા નવા ઊભરી રહ્યા હતા. દત્તે સ્વાગતમાં પહેલો ફૂલહાર બંકીમબાબુને પહેરાવ્યો તો બંકીમચંદ્રે તરત એ જ હાર રવીન્દ્રનાથને પહેરાવી દીધો અને કહ્યું કે હવે ટાગોરને તે પહેરાવાય તે વધુ યોગ્ય છે. આ ઘટના બંગાળી સાહિત્યમાં ઠેકઠેકાણે નોંધાઈ છે અને દંતકથા રૂપ બની ગઈ છે.

ઋગવેદનો બંગાળીમાં અનુવાદ કર્યો તેથી બ્રાહ્મણોની મોનોપોલીમાં ગોબો પડતો અનુભવાયેલો અને ત્યારે જે ટીકાટીપ્પણ સહેવાનાં આવ્યાં તેમાં સમાજસુધારક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર આર.સી.દત્ત ની પડખે ઉભા રહેલા. મોરલે મીન્ટો કમિશન વિકેન્દ્રિકરણ માટે નિમાયું ત્યારે જે એક માત્ર ભારતીયનો સભ્ય તરીકે સમાવેશ કરાયેલો તે આર.સી.દત્ત હતા. ભારતીય રાષ્ટ્રિય કૉંગ્રેસના પ્રમુખ તરીકે આર.સી.દત્તે 1899માં લખનૌમાં હવાલો સંભાળેલો. નિવૃત્તિ પછી લંડનની કોલેજોમાં એમણે અધ્યાપન કાર્ય કરેલું. આપણને આશ્ચર્ય થાય પરંતુ તેમની ઐતિહાસિક નવલકથઓમાં જ્ઞાતિવાદી મૂલ્યો ધરાવતા હિન્દુ સમાજ તેમજ સતી અને જૌહરપ્રથાના ગૌરવગાન પણ છે. વ્યવહારમાં તેઓ આંતરજ્ઞાતીય લગ્નોના પુરસ્કર્તા હતા અને પુત્રવધૂઓ સાસરીયાઓ સમક્ષ માથે ઓઢીને પેશ આવે તેના પુરસ્કર્તા હતા. એક જુનિયર ICS અધિકારીએ પોતે જુદા પ્રદેશ અને જુદી જ્ઞાતિના હોવા છતાં આર.સી.દત્તની દીકરીને પરણવાની ઈચ્છા પત્રથી પ્રગટ કરી તેનો સંમતિસૂચક જવાબ દત્તે આપ્યો છે. તેમાં આવી ઘણી વિગતો પ્રગટ થાય છે.

આર.સી.દત્ત વિશે એકથી વધુ જીવનચરિત્રો લખાયાં છે, જે બધાના ઉલ્લેખો પુસ્તકમાં આવે છે. સુંદર અને સરળ અંગ્રેજી ભાષામાં લખાયેલું આ જીવનચરિત્ર તે સમયના બ્રિટન અને ભારતના સામાજિક-રાજકીય વાતાવરણને તથા જાહેરજીવનને સુપેરે અને વિગતે પ્રગટ કરે છે અને તેથી જ તેનું વાચન અત્યંત રસપ્રદ બને છે ને અને વાચક તેમાં ડૂબી જાય છે. આર્થિક ઈતિહાસના બે ગ્રંથો તેમની અત્યંત મહત્વની અને યશસ્વી કામગીરી ગણાય છે. ભારત સરકારે આઝાદી પછી પણ તેનું પુનઃપ્રકાશન કરવાનું યોગ્ય માન્યું હતું અને ગાડગીલે તેની પ્રસ્તાવના લખી હતી. આર.સી.દત્તનું એક જીવનચરિત્ર ભારત સરકારની પ્રકાશન સંસ્થાએ પ્રગટ કર્યું છે. આપણે જે પુસ્તકની ચર્ચા કરીએ છીએ તે પેન્ગવીનનું પ્રકાશન છે. બહુ વખતે એક સુંદર જીવનચરિત્રનો અને તેથી એક સદાબહાર ગૌરવપ્રદ વ્યક્તિત્વનો પરિચય થયો તેનો આનંદ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.