Friday, September 21, 2012

અવગણાયેલા મહામાનવો–મુરજી ગડા


મહાકાવ્યો લખનાર ઋષી–કવી લોકમાનસમાં અમર થઈ ગયા છે. એમનાં માનસ પુત્રો અને પુત્રીઓ (પાત્રો) એમના કરતાં પણ વધારે અમર થઈ ગયાં છે. ઘણા રાજાઓ, સેનાપતીઓ, તત્ત્વજ્ઞાનીઓ, દાર્શનીકો ઈત્યાદી પણ વત્તેઓછે અંશે અમર થઈ ગયા છે. વાર્તાકાર અને એમનાં વાસ્તવીક તેમ જ કાલ્પનીક પાત્રો (ટારઝન, સુપરમેન, શેરલોક હોમ્સ વગેરે) પણ અમર થઈ ગયાં છે. વર્તમાનમાં પ્રસીદ્ધીની ટોચ પર પહોંચેલી રમતગમત અને મનોરંજન ક્ષેત્રની થોડી વ્યક્તીઓ પણ આગળ જતાં અમર થઈ જશે.

આ બધાં ક્ષેત્રની વ્યક્તીઓ કરતાં માનવજીવનને પ્રત્યક્ષ રીતે વધારે સ્પર્શી ગયેલી વ્યક્તીઓ પાઠ્યપુસ્તકો સીવાય સદંતર વીસરાઈ ગઈ છે. આ અવગણાયેલ વ્યક્તીઓ છે : વૈજ્ઞાનીકો અને સંશોધકો. આપણી આસપાસ માનવસર્જીત જે પણ દેખાય છે તે તમામ આ લોકોની સાધના અને મહેનતનું ફળ છે. આ લોકોએ પોતાનું કાર્ય ન કર્યું હોત તો આજે પણ આપણે ગુફાઓમાં રહેતા હોત, ઝાડનાં પાનફળ ખાતા હોત અને શરીરે ચામડું લપેટતા હોત.વીસરાઈ ગયેલા આવા અસંખ્ય લોકોમાંથી હજી કંઈક યાદ હોય એવા નજીકના ભુતકાળમાં થઈ ગયેલા થોડા લોકો અને એમના કાર્ય વીશે જાણીએ.

વૈજ્ઞાનીકોની વાત આવે એટલે સૌથી પહેલાં આલ્બર્ટ આઈન્સ્ટાઈનનું નામ લેવાય છે. એમની શોધોએ પ્રત્યક્ષ રીતે આપણી જીન્દગી પર હજી સુધી ખાસ અસર કરી નથી. એ થવાની હજી બાકી છે.

આધુનીક શોધખોળોના પાયામાં સૌથી વધારે યોગદાન રહ્યું છે આઈઝેક ન્યુટનનું. એમનું નામ જેમણે સાંભળ્યું છે તેઓ એમને  ગુરુત્વાકર્ષણના શોધક તરીકે ઓળખે છે. તે એમની એક મહત્ત્વની શોધ ખરી; પણ તે સીવાય એમણે ભૌતીકશાસ્ત્ર, યન્ત્રશાસ્ત્ર, ગણીત, ખગોળ વગેરે વીષયોમાં ખુબ ઉપયોગી કામ કર્યું છે.

કાગળની શોધ આશરે બે હજાર વરસ પહેલાં ચીનમાં થઈ હતી. બીજા દેશોમાં પહોંચતાં એને કેટલીક સદીઓ લાગી. આ અગત્યની શોધનો ખરો લાભ છાપખાનું શોધાયું ત્યારે જણાયો. છાપખાનાની શોધનો યશ આશરે છસો વર્ષ પહેલાં થઈ ગયેલ જોહાનીસ ગુટેનબર્ગને ફાળે જાય છે. આને લીધે જ્ઞાન અને માહીતી વધુ લોકો પાસે ઝડપથી પહોંચવા લાગી.

વીજળીની શોધ અને એના જુદાં જુદાં ક્ષેત્રોના ઉપયોગ પાછળ પચાસ જેટલા મુખ્ય સંશોધકોનું યોગદાન છે. વીજળીના અગણીત ઉપયોગમાંથી મુખ્ય છે પ્રકાશ, ઈલેક્ટ્રીક મોટર, ટેલીફોન વગેરે. વીજળીની લાઈટ શોધનાર થોમસ એડીસનનું નામ પ્રમાણમાં વધુ જાણીતું છે. એમણે રાતના અંધારાનું વર્ચસ્વ ઘટાડી નાખ્યું અને કામના કલાકો વધારી આપ્યા. ચોવીસે કલાક ચાલુ રાખવી પડે એવી જીવન જરુરીયાતની પ્રવૃત્તી વીજળીને લીધે શક્ય બની છે.

કોઈપણ મશીન ચલાવવા માટે ઈલેક્ટ્રીક મોટરની જરુર પડે છે. આ મોટરની શોધનો યશ મુખ્યત્વે માઈકલ ફેરાડેના નામે જાય છે. મોટરથી ચાલનાર દરેક યન્ત્ર પાછળ વળી બીજા જ કોઈ વૈજ્ઞાનીકનો ફાળો છે.

દુનીયાને ટેલીફોન આપનાર એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલનું નામ પણ કંઈક જાણીતું છે. એના લીધે દુર બેઠેલી વ્યક્તીઓ વચ્ચે તાત્કાલીક વાતચીત શક્ય બની. સંદેશવ્યવહાર ખુબ સરળ અને કાર્યદક્ષ બન્યો.

ટી.વી.ના આગમન પહેલાં લાંબા સમય માટે રેડીયોની બોલબાલા હતી. એની શોધનો યશ માર્કોનીના ફાળે જાય છે. રેડીયોએ હવે ભલે એનું મહત્ત્વ ગુમાવ્યું હોય; પણ ત્યાર પછીનો બધો વાયરલેસ સંદેશ વ્યવહાર માર્કોનીની શોધ પર આધારીત છે.

બધાં વાહનોમાં વપરાતાં પેટ્રોલ અને ડીઝલ એન્જીનના શોધક નીકોલસ ઓટો અને વરાળથી ચાલતા એન્જીન શોધનાર જેમ્સ વૉટ.  આ બે જણાએ વાહનવ્યવહાર બદલાવી દીધો છે. ત્યાર પછી રાઈટ બંધુઓએ વીમાનની શોધ કરી દુનીયાને નાની બનાવવામાં મોટી હરણફાળ ભરી છે.


આ ઉપરાંત આરોગ્ય અને ચીકીત્સા ક્ષેત્રે પણ આજ સમય દરમીયાન ખુબ અગત્યની શોધો થઈ છે. એલેકઝાંડર ફ્લેમીંગે શોધેલ પેનેસીલીનને લીધે જાતજાતના ચેપ સામે રક્ષણ મળ્યું છે. વીલીયમ મોર્ટને શોધેલ એનેસ્થેસીયાને લીધે શસ્ત્રક્રીયા શક્ય અને સહ્ય બની છે. તે ઉપરાંત વીવીધ ચેપી રોગો સામે રક્ષણ આપતી રસીઓ, ટીસ્યુ કલ્ચર, જર્મ થીયરી, ડી.એન.એ., એક્સ–રે, એન્ટીબાયોટીક વગેરે શોધોએ ચીકીત્સાક્ષેત્રને સમુળગું બદલાવી દીધું છે.

આ શોધોના પરીણામે ચેપી રોગથી મરતા લાખો લોકો બચી ગયા છે. શીતળા જેવો રોગ દુનીયામાંથી સદન્તર નાબુદ થઈ ગયો છે. અને બીજા બધા રોગોના ઉપચાર શક્ય બન્યા છે. બાળમૃત્યુનું પ્રમાણ ઘણું ઘટી ગયું છે અને માણસોની સરેરાશ આવરદા બમણી થઈ ગઈ છે.

આ બધાનાં પરીણામ સ્વરુપ થયેલ વસતીવીસ્ફોટનું નીવારણ પણ શોધી કઢાયું છે. ગર્ભનીરોધક ગોળીઓ અને અન્ય સાધનોએ વસતી નીયન્ત્રણ ઉપરાન્ત સ્ત્રીઓનો પ્રસુતી આધારીત ઉંચો મૃત્યુદર ઘટાડી એમનાં સ્વાસ્થ્ય અને આવરદાને ઘણી વધારી છે.

આપણને પ્રત્યક્ષ અસર કરતા આ થોડાં ઉદાહરણ છે. પરોક્ષ રીતે અસર કરતી શોધો આનાથી અનેકગણી વધારે છે. દરેક વસ્તુને વધારે અસરકારક અને કાર્યક્ષમ બનાવવાના પ્રયાસો સતત થઈ રહ્યા છે. જો બધા વૈજ્ઞાનીકો અને સંશોધકોનું લીસ્ટ બનાવવા જઈએ તો એક દળદાર પુસ્તક બની જાય. એ ઉપરાન્ત કેટલાયે એવા સંશોધકો છે જેમનાં નામની દુનીયાને ખબર સુધ્ધાં નથી.

વળી, આ ભૌતીક ઉપકરણોની શોધ જે પાયાના સીદ્ધાન્તો પર રચાયેલી છે તે સીદ્ધાન્તો ઘડનારા વૈજ્ઞાનીકોનું યોગદાન પણ એટલું જ મહત્ત્વનું છે. એમની નામાવલીમાં જવાનું હમણાં ટાળીએ.

આપણી જીવનશૈલીમાં બધું જ માનવસર્જીત છે. ખાવાનું અનાજ સુધ્ધાં. આ વીકાસ–પ્રગતીને ભૌતીકવાદ કહેતા લોકો પોતે એનો જેટલો પણ લાભ મળે એટલો લેવાનું ચુકતા નથી !

આ બધા ઉપરાંત ગેલીલીયો, કોપરનીકસ, હબલ, ચાર્લ્સ ડાર્વીન, સીગમંડ ફ્રોઈડ વગેરે જેવાઓએ આપણી બાહ્ય દુનીયા અને આંતરમન વીશેની પ્રચલીત માન્યતાઓને ધરમુળથી બદલાવી દીધી છે.

તાજેતરમાં શોધાયેલી કમ્પ્યુટર, ઈન્ટરનેટ અને સ્ટેમ સેલ જેવી શોધોનો પુરો વ્યાપ હજી હવે ખબર પડવાનો છે. નીત નવી શોધોનો અહીં અન્ત નથી આવતો. બધું ક્યાં પહોંચશે એની કોઈને ખબર નથી. ભવીષ્યની કલ્પના કરતા ઘણાં પુસ્તકો લખાયાં છે, ફીલ્મો બની છે ને બનતી રહેવાની છે.

એ જ રીતે ભુતકાળમાં ત્યારના ભવીષ્ય વીશે જે પણ લખાયું છે એમાંની ઘણી બાબતો તે વખતની વાસ્તવીકતા નહીં; પણ કવીકલ્પના હોવાની શક્યતા ઘણી વધારે છે. આના અનુમોદનમાં પુષ્પક વીમાન, પવન પાવડી, સંજય દૃષ્ટી જેવા ઘણા દાખલા આપી શકાય.

આગળ વર્ણવેલા બધા લોકો વૈજ્ઞાનીકો અને સંશોધકો ઉપરાન્ત સાધક અને તપસ્વી પણ હતા. આ સીદ્ધીઓ એમને કોઈ મન્ત્રનો જાપ જપવાથી નથી મળી, કે કોઈ મંદીરના ઘંટ વગાડવાથી નથી મળી. પુજાપાઠ કરવાથી, જાત્રાઓ કરવાથી, શીબીરોમાં જવાથી કે બાધા–આખડીઓ રાખવાથી પણ નથી મળી.

આવી શોધો કરવા માટે રાત દીવસ જોયા વગર અભ્યાસ ખંડમાં અને પ્રયોગશાળામાં જાત ઘસી નાંખવી પડે છે. એ માર્ગે કેટલીયે નીષ્ફળતાઓને પચાવવી પડે છે. એમાં કૌટુમ્બીક જીવનનો ભોગ દેવાય છે અને ઘણી વખત આર્થીક પાયમાલી પણ નોતરવી પડે છે. ફક્ત પોતાના આત્માના ઉદ્ધાર માટે નહીં; પણ સમસ્ત માનવજાતના લાભ માટે કરેલી આ એમની સાધના અને તપસ્યા છે.

આ શોધખોળોની વીશેષતા એ છે કે –એક ચીનના અપવાદ સીવાય– એ બધી જ પશ્વીમના દેશોમાં થઈ છે. આની પાછળ એમની સવાલો કરી, એના ઉત્તર મેળવવા માટે જાતમહેનત અને પ્રયોગો કરવાની વૃત્તી રહેલી છે. રાજકીય કારણોસર અંગ્રેજો સાથેના દ્વેષથી પ્રેરાઈને આપણે વીચાર્યા વગર પશ્વીમના દેશોની બધી બાબતોનો આંધળો વીરોધ કરતા આવ્યા છીએ.  જ્યારે એમની મહેનતનું ફળ ભોગવવામાં જરાય સંકોચ કરતા નથી.

સદીઓથી અવગણાયેલ આ વર્ગનું છેલ્લાં સો વરસથી જાહેર સન્માન થવા લાગ્યું છે. આવા સન્માનોમાં સૌથી પ્રતીષ્ઠીત છે, દર વર્ષે અપાતું નોબલ પ્રાઈઝ. એનાથી એમને કદર અને કલદાર બન્ને મળે છે. હવે સંશોધકોને આપવો પડતો ભોગ ઘણો ઓછો થયો છે અને મળતું વળતર પણ વધ્યું છે. આ સ્વીકાર–સન્માન હજીયે મર્યાદીત વર્તુળમાં સીમીત છે.

ભુતકાળમાં સ્વીકાર–સન્માન તો દુર રહ્યાં; સર્વસ્વીકૃત માન્યતાથી અલગ કહેનારને પણ ઘણું સહન કરવું પડતું હતું. એવું કહેનારને ક્યારેક જેલવાસ તો કયારેક દેહાન્ત દંડ પણ મળ્યો છે. આજે પણ જુનવાણી સમાજોમાં રુઢીગત માન્યતાથી અલગ વીચારનારને દંડાય છે.

ઘણી વખત  સાંભળ્યું અને વાચ્યું છે કે પ્રથમ જૈન તીર્થંકર ઋષભદેવે માણસોને ખેતી કરતા શીખવાડ્યું છે. ખોરાક પાછળ ભટકવા કરતાં સ્થાયી થઈ ખેતી કરવી એ માનવ ઉત્ક્રાન્તીનું ખુબ અગત્યનું પગથીયું હતું. આગળના કથનને બીજી રીતે પણ જોઈ શકાય જૈન વીચારધારાએ એક સંશોધક–વૈજ્ઞાનીક તપસ્વીને તીર્થંકર ગણ્યા છે. આ ગૌરવની વાત છે. કોઈ પ્રગતીશીલ વાસ્તવવાદી ધર્માચાર્ય આ પરમ્પરાને આગળ ચલાવવા ઈચ્છે તો એમને એવા ઘણા સંશોધકો, વૈજ્ઞાનીકો, તપસ્વીઓ મળી આવે. ફરક એટલો છે કે એ ભારતની ભુમી પર ઓછા અને અન્ય દેશોમાં ઘણા વધુ મળશે.

મુળ સવાલ તરફ પાછા ફરીએ. ગીત ગાતા, ક્ષણીક મનોરંજન કરાવતા, ધનનો ઢગલો ભેગો કરતા, કથા–વાર્તા કરતા વગેરે લોકો લોકજીભે રહે છે અને એમનું સન્માન થાય છે. ક્યાંકથી મળી આવેલી અજાણી પથ્થરની મુર્તીને નવું નામ આપી એને પુજાય છે. જ્યારે આપણી રોજબરોજની પ્રવૃત્તીઓને આટલી આસાન અને સગવડભરી બનાવી આપણી જીન્દગી ધરમુળથી બદલી નાંખનારાઓનાં નામ સુધ્ધાં કોઈને ખબર નથી કે જાણવાની દરકાર પણ નથી !

રાજકીય, સામાજીક, ધાર્મીક વગેરે બધી જ વીચારધારાઓએ માનવ સમુદાયના મર્યાદીત વર્ગને પ્રભાવીત કર્યા છે. ઘણી વખત એકબીજા સાથે લડાવ્યા પણ છે. અવગણાયેલ મહામાનવોની મહેનતનું ફળ સમસ્ત માનવજાત ભોગવી રહી છે. બધા જ એમના ઋણી છે. એમનું યથાયોગ્ય સન્માન સૌની નૈતીક ફરજ બની જાય છે.

જે લોકોને હજી આવી સગવડો ભોગવવાથી વંચીત રાખવામાં આવ્યા છે, એને માટે એમના રાજકારણીઓ અને ધર્મગુરુઓ જવાબદાર છે. આ વાસ્તવીકતા સ્વીકારવી આપણા હીતમાં છે.
 ( મૂળ લેખ ટૂંકાવીને )
અક્ષરાંકન: ગોવીન્દ મારુ
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.