Monday, September 17, 2012

એ જ મુક્તિ – ભૂપત વડોદરિયા

[‘ઉપાસના’ પુસ્તકમાંથી સાભાર.]

બુદ્ધિનું રોકાણ ખાસ વળતર આપતું નથી અને લાગણીનું રોકાણ પણ જિંદગીમાં લીલીછમ હરિયાળીનું આંખ ઠારે તેવું દશ્ય ખડું કરતું નથી એવું ઘણા જાતઅનુભવી માણસો મોટી ઉંમરે કહેતા હોય છે અને ત્યારે એક ત્રીજો માણસ મરક મરક હસીને કહેશે : ‘લોકોને જીવતાં જ આવડતું નથી. અમે તો પહેલેથી સમજી ગયા હતા કે જિંદગી એક રૂપાળી સ્ત્રી છે અને તેને બુદ્ધિની વાતો બહુ ગમતી નથી. જિંદગીની નાઝનીનને ખાસ લાગણીવેડા પણ ગમતા નથી. બેચાર આંસુ ઠીક છે ! બાકી જિંદગીને તમારે તાબે કરવી હોય તો એટલું અંદરની દીવાલ ઉપર લખી લો કે રૂપિયામાં જ દોડવાની અને દોડાવવાની શક્તિ છે ! તમારી જિંદગી નાનો ગલ્લો હોય, દુકાન હોય, પેઢી હોય, મોટો સ્ટોર હોય કે કારખાનું હોય, તમારી પાસે પાંચ પૈસાનું સધ્ધર જમાપાસું હશે તો તમે જિંદગી જીતી ગયા ! જિંદગી એટલે બુદ્ધિ નહીં, જિંદગી એટલે લાગણી નહીં, જિંદગી એટલે જમા-બંધી ! જિંદગીમાં જે કંઈ શક્ય અને શ્રેષ્ઠ છે તે મેળવવું હોય તો બીજી બધી બાબતોને ગૌણ બનાવીને લક્ષ્મીપૂજનમાં લાગી જાઓ !’

આ સાચી હકીકત છે અને મોટા ભાગના માણસો આ હકીકત હૈયામાં છુપાવી રાખે છે. આ હકીકત જવલ્લે જ પોતાની જીભ પર આવવા દે છે. દરેક માણસને પૂછો એટલે એ કહેવાનો કે, હું તો પૈસાને ધિક્કારું છું. દરેક માણસને તેની જરૂર પડે છે. એટલે શું કરે ! નાછૂટકે તેનો વહેવાર કરવો પડે છે. પણ કેટલાક આવી ક્ષમાયાચના શૈલીમાં વાત કરતા નથી. એ વળી બેધડક લક્ષ્મીનાં ગુણગાન ગાય છે. સ્ટેવન્સ કહે છે કે પૈસા એક પ્રકારની કવિતા છે ! (મની ઈઝ એ કાઈન્ડ ઓફ પોએટ્રી !) અંગ્રેજી ભાષાનો શબ્દકોશ રચનારા ડૉ. જોન્સન કહે છે કે, આર્થિક પ્રાપ્તિના હેતુ વગર તો બેવકૂફો સિવાય બીજું કોઈ કાંઈ જ ના લખે ! ફ્રાન્સનો સમર્થ નવલકથાકાર બાલ્ઝાક કહે છે કે પૈસા મળવાની પાકી આશા બંધાય છે ત્યારે હૈયું નાચી ઊઠે છે અને મારી કલમ ઉપરથી શબ્દો બહાદુર યોદ્ધાઓની જેમ કૂદી પડે છે !

બીજી બાજુ ધર્માત્માઓ છે – એ કહે છે કે બધા પાપનું મૂળ પૈસા છે ! બુદ્ધ-મહાવીર અને ઈસુ ખ્રિસ્ત એક અગર બીજા શબ્દોમાં ધન કે તેની તૃષ્ણાને વખોડી કાઢે છે. મહંમદ પયગંબર તો વ્યાજની વૃત્તિને જ પાપ ગણે છે. રૂપિયા ઉપર વ્યાજની ચરબી ના ચઢવી જોઈએ એવી વાત આજની દુનિયામાં આપણને વધુ પડતી આદર્શવાદી અને અવ્યવહારુ લાગે, પણ આ ખ્યાલ ક્રાંતિકારી છે તે વિશે શંકા નથી. માણસના શ્રમ અને સેવાના વળતરરૂપે જ નાણાંના વિનિમયની સર્વોપરિતા પ્રવર્તે, શોષણને અવકાશ ન રહે અને માણસની મુદલ મદદ વગર એકલો રૂપિયો પડ્યો પેટ ફુલાવી જ ના શકે તેવી વ્યવસ્થા વધુ સારી પુરવાર થવાનો સંભવ છે. કોઈ કહે છે કે બુદ્ધિ એટલે બળ, બીજું કોઈ કહે છે કે હૂંફાળું હૈયું એટલે મૂડી, ત્રીજું કોઈ કહે છે કે રોકડો રૂપિયો એટલે જિંદગીનો મહામંત્ર ! કોઈ કહે છે કે સૌથી શ્રેષ્ઠ ચારિત્ર્યનું બળ ! કોઈક એમ પણ કહે છે કે, શ્રદ્ધા એ જ શ્રેષ્ઠ શક્તિ.

માણસે શું સમજવું ? માણસે શું કરવું ? બુદ્ધિ, લાગણી, પૈસા, ચારિત્ર્ય, શ્રદ્ધા. આમાંથી કોની ઉપાસના કરવી ? આ બાબત જ એવી છે કે સરળ કે જટિલ કોઈ નુસ્ખો સો ટકા સાચો પુરવાર થઈ શકશે નહીં. સામાન્ય માણસ એવો નિષ્કર્ષ કાઢી શકે કે આ બધા મુદ્દાઓમાં પ્રમાણભાન ને સમતુલા સાચવવી એ જ સાચો રસ્તો છે ! કોઈ એક જ બાબતનો અતિરેક ના કરીએ અને વિવેકને જીવનની વિદ્યાનો પહેલો અને છેલ્લો પાઠ ગણીએ તો વાંધો નહીં આવે. હમણાં સ્વામી વિવેકાનંદનું એક પુસ્તક વાંચીને ભારે આશ્ચર્ય થયું. વિવેકાનંદ સુખ અને દુઃખથી જ નહીં, શુભ અને અશુભથી પણ આગળ નીકળી જવાનું કહે છે. આપણને સારો પ્રસંગ અને સુખ મનગમતા મહેમાન જેવાં લાગે છે અને દુઃખ અણગમતા અતિથિ જેવું લાગે છે. શ્રીમંત મહેમાનની ખિદમતમાંથી કંઈક મળવાની આશા છે. ગરીબ મહેમાન આપણા કોઠારનો એક ભાગ ફોગટમાં હજમ કરી જવાનો એવું આપણને લાગે છે. મોટા ભાગે શ્રીમંત મહેમાનો કંઈ જ આપતા નથી, એટલે કે સુખના પ્રસંગોમાંથી કંઈ જ પ્રાપ્ત થતું નથી. મોટા ભાગે ગરીબ મહેમાનો અથવા દુઃખના પ્રસંગો જ કંઈક આશિષ કે વરદાન આપીને જતા હોય છે.

વિવેકાનંદે એક નાનકડું દષ્ટાંત આપ્યું છે. એક બળદના શીંગડા ઉપર એક મચ્છર ઘણી વાર સુધી બેસી રહ્યો. પછી મચ્છરનું અંતર ડંખવા લાગ્યું એટલે એણે બળદને કહ્યું, ‘ભાઈ બળદ ! અહીં હું ઘણા સમયથી બેઠો છું. તને તકલીફ પડી હશે. હું દિલગીર છું. હું ચાલ્યો જઈશ.’ પણ બળદે જવાબ આપ્યો, ‘નહીં. નહીં. તારા આખા કુટુંબને લઈ આવ અને મારા શીંગડા પર રહે. મને તું શું કરી શકવાનો હતો ?’ જે કંઈ આવે તેને સ્વીકારો. કોઈ ચીજની પાછળ પડવાની જરૂર નથી અને કોઈ ચીજનો ત્યાગ કરવાની પણ જરૂર નથી. કોઈ પણ વસ્તુની અસર નીચે ના આવવું એ જ મુક્તિ. માત્ર સહન કરવું એટલું જ બસ નથી, તેના વિષે ઉદાસીન અને અનાસક્ત બનવાની ત્રેવડ પણ કેળવવી જોઈએ.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.