Tuesday, September 25, 2012

ભારતના ૯૦ ટકા લોકો દસ રીતે મુર્ખ છે !!!–રવીન્દ્ર વેપારી

    ભારતના ૯૦ ટકા લોકો મુર્ખ છે એવું વીધાન સુપ્રીમ કોર્ટના નીવૃત્ત ન્યાયાધીશ માર્કંડેય કાત્જુએ કર્યું ત્યારે થોડો રોષ અને ખળભળાટ મચી ગયો. પરંતુ મહીનાના ચોક્કસ દીવસે અમુક તીર્થધામ પર પદયાત્રા કરનારાઓની સંખ્યા ઘણી મોટી છે. સમય, શક્તી અને નાણાંનો આ ગાંડો વ્યય થાય છે. આવા મુસાફરી કરનારા ગરીબ કે મધ્યમ વર્ગના હોય છે, તેમની નોકરી કે ધન્ધા પર કેટલી અસર થતી હશે ! ધર્મના કોઈપણ શાસ્ત્રમાં જણાવ્યું હોય કે આમ કરવાથી વધારે પુણ્ય મળે છે એવું મારા ધ્યાનમાં નથી. કહેવાતા પ્રચલીત તીર્થધામોમાં અમુક ક્ષેત્રોમાં ઉચ્ચકક્ષાએ પ્રતીષ્ઠીત થયેલી વ્યક્તી પગપાળા દર્શને જાય તેથી પણ શો ફાયદો થાય છે તેનું કોઈ પ્રમાણ નથી. સુર્યમંડળના ગ્રહો ખગોળશાસ્ત્રના નીયમ પ્રમાણે ફરી રહ્યા છે. પૃથ્વીની આટલી મોટી પ્રજાથી આટલે દુર રહી સુર્યમંડળના ગ્રહો કેવી રીતે દરેક વ્યક્તીના જીવન પર અસર કરી શકે ? અને કદાચ, તેમ કરી શકવાની શક્યતા હોય તો પણ; માત્ર અમુક પ્રકારની પુજાવીધીથી કેવી રીતે તે અસર દુર કરી શકાય કે ઓછી કરી શકાય ? ગ્રહો લગ્નજીવનમાં તકલીફ ન આપે તે માટે એક ખાસ વીધી ગ્રહશાન્તી કરવામાં આવે છે તે આ સન્દર્ભમાં કેટલી યોગ્ય છે તે વીચારવા અને ચકાસવા જેવું છે.   

 

  મુર્ખાઈના અનેક દૃષ્ટાંતો આપી શકાય છે. પરન્તુ વૈજ્ઞાનીક અભીગમના અભાવે વીવેકબુદ્ધીને બાજુએ મુકીને બીન અગત્યની વાતો પર ધ્યાન કેન્દ્રીત થતું હોય છે. ભણેલી કે અભણ પ્રજા આ રીતે વર્તે ને પોતાનો સમય, શક્તી અને ધન વેડફે છે. તે કારણે પ્રજાની આટલી મોટી જનસંખ્યાવાળા આપણા દેશમાંથી વીવીધ વૈજ્ઞાનીક સંશોધનોનાં ક્ષેત્રોમાં બહુ જ અલ્પ સંશોધકો હોય છે ને તેમાંથી જવ્વલે જ કોઈ વૈજ્ઞાનીકને નોબેલ પ્રાઈઝ મળતું હોય કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આપણી ગણતરી જ ન થતી હોય તો તેમાં નવાઈ ન લાગવી જોઈએ. વ્યર્થ ધાર્મીક ઉપવાસો કે પૌષ્ટીક તત્ત્વો સીવાયનું ભોજન ખાવામાંથી જ્યારે લોકો ઉંચા ન આવતા હોય; તો ઓલમ્પીક રમતોમાં માત્ર રડ્યાખડ્યા ને તેય નીચી પાયરીનાં પારીતોષીકોથી જ આપણે કેમ સન્તોષ લેવો પડે છે તે સમજાઈ શકે તેવું છે. દીપપ્રાગટ્ય જેવી અર્થહીન વીધીઓ કોઈ પણ સમારોહમાં થાય, કોઈ પણ નવા બાંધકામ કે પછી સરકારી કે અર્ધસરકારી હોય તેમાં ભુમીપુજનની વીધી થાય તે આપણા સેક્યુલર બન્ધારણ–સમાજ જોડે કેટલી અનુરુપ છે ? 

 

     પરન્તુ આપણે મગજ બન્ધ કરીને આગળ હાંક્યે રાખીએ છીએ. તેજસ્વીતાનો ચમકારો આવવા જ ન દેવો અને નવા વીચારો પર ચર્ચા–વીમર્શ જ ન થાય તે સામાન્ય થયું છે. જ્યાં બુદ્ધીને કોરાણે મુકીને નીર્ણયો લેવાતાં હોય કે વીવીધ પરમ્પરાગત વીધીવીધાનો થતાં રહેતાં હોય ત્યાં જસ્ટીસ કાત્જુનો ‘૯૦ ટકા ભારતીયો મુર્ખ છે’ એવો અંદાજ વધારવો જરુરી નથી લાગતો ???

 

અક્ષરાંકન: ગોવીન્દ મારુ

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર 


 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.