Saturday, August 27, 2016

જૈન ધર્મનો ગૌરવવંતો ઇતિહાસ- સંજય વોરાસ્પોટ લાઈટ - સંજય વોરા

આવતી કાલથી જૈનોનું પર્યુષણ મહાપર્વ શરૂ થઇ રહ્યું છે. પર્યુષણમાં જૈનાચાર્યો અને મુનિઓ જે પ્રવચનો કરે છે તેમાં કહેવામાં આવે છે કે અકબર બાદશાહે એક જૈનાચાર્યના ઉપદેશથી પ્રભાવિત થઇને માંસાહારનો ત્યાગ કર્યો હતો અને સમગ્ર ભારતમાં તેની હકુમતમાં વર્ષના છ મહિના કતલખાનાંઓ બંધ રખાવ્યાં હતાં. જો એક મુસ્લિમ બાદશાહે જીવદયાનું આવું ઉદાહરણીય પાલન કર્યું હોય તો ઇતિહાસકારો દ્વારા તેની નોંધ લેવાવી જ જોઇએ, પણ જે ગુજરાતમાં જૈનોની બહોળી વસતિ છે તેની સ્કૂલોમાં પણ જૈન ધર્મના ઉજ્જવળ ઇતિહાસનું આ પ્રકરણ ભણાવવામાં આવતું નથી. આ પ્રકારે જૈન ઇતિહાસનાં એક નહીં પણ અનેક પ્રકરણો ઉપર પડદાઓ પાડીને ઇતિહાસકારો દ્વારા જૈન ધર્મને અન્યાય કરવામાં આવ્યો છે.

શરૂઆત જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભ દેવ ભગવાનથી કરીએ. વૈદિક પરંપરાના સૌથી પ્રાચીન ગ્રંથ ઋગ્વેદમાં પણ ઋષભ દેવ ભગવાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે સૂચવે છે કે જૈન ધર્મ ઋગ્વેદના કાળ કરતાં પણ વધુ પ્રાચીન છે. આ હકીકતનો ઉલ્લેખ ઇતિહાસના કોઇ પાઠ્યપુસ્તકોમાં કરવામાં આવતો નથી. જૈન ધર્મ અનાદિકાલીન છે, પણ ઇતિહાસનાં પાઠ્યપુસ્તકોમાં ખોટી રીતે જણાવવામાં આવે છે કે જૈન ધર્મની સ્થાપના મહાવીર સ્વામી ભગવાને કરી હતી. હકીકતમાં મહાવીર સ્વામી ભગવાન પહેલાં પણ જૈન ધર્મમાં ૨૩ તીર્થંકરો થઇ ગયા હતા, પણ ઇતિહાસકારો માત્ર મહાવીર સ્વામી ભગવાન અને પાર્શ્ર્વનાથ ભગવાનના અસ્તિત્વનો જ સ્વીકાર કરે છે. ઇતિહાસના પાઠ્યપુસ્તકોમાં તો એવું પણ લખવામાં આવે છે કે વૈદિક ધર્મમાં યજ્ઞયાગની હિંસા વધી જતાં મહાવીર ભગવાને જૈન ધર્મની સ્થાપના કરી હતી. આ વાત બરાબર નથી, કારણ કે ભગવાન મહાવીરના જન્મ પહેલા જૈન ધર્મ વિદ્યમાન હતો. ભગવાન મહાવીરે હિંસાનો ત્યાગ કરવાનો ઉપદેશ આપ્યો હતો તે હકીકત છે, પણ વૈદિક ધર્મના રીતરિવાજનો વિરોધ કરવા જૈન ધર્મની સ્થાપના કરવામાં આવી તેમ કહેવું યોગ્ય નથી.

ઇતિહાસકારો તો શરૂઆતમાં એવું કહેતા હતા કે જૈન ધર્મ બૌદ્ધ ધર્મનો ફાંટો છે. પાછળથી તેઓ જૈન ધર્મના સ્વતંત્ર અસ્તિત્વનો સ્વીકાર કરતા થયા હતા. હકીકતમાં બૌદ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધ તેમના પૂર્વાશ્રમમાં જૈન સાધુ હતા. જૈન ધર્મનો તપશ્ર્ચર્યાનો માર્ગ તેમને કઠોર લાગતાં તેમણે મધ્યમ માર્ગની સ્થાપના કરી હતી. જૈન ધર્મના અને બૌદ્ધ ધર્મના મૂળભૂત નિયમોમાં સામ્ય છે તેનું રહસ્ય એ છે કે ગૌતમ બુદ્ધે જૈન સાધુઓ પાસે તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો.

ભગવાન મહાવીર અને ગૌતમ બુદ્ધના સમકાલીન સમ્રાટ બિંબિસાર મગધના રાજા હતા. એક સમયે તેઓ ગૌતમ બુદ્ધને પોતાના ગુરુ માનતા હતા, પણ પાછળથી તેઓ ભગવાન મહાવીરના પરમ ભક્ત બન્યા હતા. જૈન ઇતિહાસમાં તેમની ઓળખ શ્રેણિક મહારાજા તરીકે કરાવવામાં આવે છે. તેમના પુત્ર અભયકુમારે ભગવાન મહાવીર પાસે દીક્ષા લીધી હતી. શ્રેણિક મહારાજાનો જીવ આગામી ચોવીસીમાં તીર્થંકર બનવાનો છે, એવું પણ જૈન ઇતિહાસમાં કહેવાયું છે. પાઠ્યપુસ્તકોમાં બિંબિસાર ભગવાન મહાવીરના ભક્ત હતા એ લખવામાં આવતું નથી.

સમ્રાટ અશોકે યુદ્ધોથી કંટાળીને બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો હતો તેનો ઉલ્લેખ ઇતિહાસનાં લગભગ તમામ પાઠ્યપુસ્તકોમાં કરવામાં આવે છે. સમ્રાટ અશોકના પૌત્ર સંપ્રતિ મહારાજા પરમાત્મા મહાવીરના પરમ ભક્ત હતા. આર્ય સુહસ્તિસૂરિજી નામના જૈનાચાર્યના ઉપદેશથી તેમણે જૈન ધર્મ અંગિકાર કર્યો હતો અને સમગ્ર ભારતમાં તેમ જ ભારતવર્ષની બહાર પણ તેનો પ્રચાર કર્યો હતો, તેવો ઉલ્લેખ કોઇ પાઠયપુસ્તકોમાં કરવામાં આવતો નથી. સંપ્રતિ મહારાજાના સમયમાં ભારતમાં ૪૦ કરોડ જૈનો હતા. સંપ્રતિ મહારાજાએ ભારતભરમાં આશરે સવા લાખ જૈન મંદિરો બંધાવ્યાં હતાં. તેમણે જૈન તીર્થંકરોની સવા કરોડ મૂર્તિઓ ભરાવી હતી. આજે પણ અનેક જિનાલયોમાં સંપ્રતિ મહારાજાની બનાવેલી મૂર્તિઓની પૂજા થાય છે. ગુજરાતમાં સિદ્ધરાજ જયસિંહ પછી કુમારપાળ મહારાજા ગાદીએ આવ્યા હતા. કુમારપાળ મહારાજા જ્યારે સિદ્ધરાજ જયસિંહથી ભાગતા ફરતા હતા ત્યારે કલિકાલ સર્વજ્ઞ જૈનાચાર્ય વિજયહેમચન્દ્રસૂરિજી મહારાજે તેનો જીવ બચાવ્યો હતો અને તેને જૈન ધર્મનો બોધ આપ્યો હતો. કુમારપાળ મહારાજાએ હેમચન્દ્રાચાર્યના ઉપદેશથી માંસાહારનો ત્યાગ કર્યો હતો અને તેઓ જૈન ધર્મના ચુસ્ત શ્રાવક બની ગયા હતા. કુમારપાળ મહારાજા જે ૧૮ દેશોના રાજા હતા તેમાં તેમણે તમામ કતલખાનાંઓ કાયમ માટે બંધ કરાવ્યાં હતાં. તેમના રાજમાં જૂ મારવા ઉપર પણ પ્રતિબંધ હતો. કુમારપાળ મહારાજાએ ગુજરાતમાં અનેક ભવ્ય જૈન મંદિરો બનાવ્યાં હતાં. આજે તારંગા હિલ ઉપર અજિતનાથ ભગવાનનું જે ભવ્ય ગગનચુંબી જિનાલય જોવા મળે છે તે પણ કુમારપાળ મહારાજાએ બનાવ્યું હતું. ગુજરાતમાં આજે પણ જે અહિંસાનો પ્રભાવ જોવા મળે છે તેની પાછળ શ્રી હેમચન્દ્રાચાર્ય અને કુમારપાળ રાજાનો પ્રભાવ કામ કરી રહ્યો છે.

મોગલસમ્રાટ અકબરે જૈનાચાર્ય વિજયહીરસૂરિજી મહારાજને પોતાના ગુરુપદે સ્થાપ્યા હતા. અકબરને પ્રતિબોધ કરવા આચાર્યશ્રી વિજયહીરસૂરિજી મહારાજ છેક ગુજરાતના ગંધાર બંદરેથી પગપાળા વિહાર કરીને દિલ્હી ગયા હતા. અકબરે દિલ્હીમાં તેમનું ભવ્ય સામૈયું કર્યું હતું, જેની લંબાઇ છ માઇલ જેટલી હતી. વિજયહીરસૂરિજી મહારાજના ઉપદેશથી અકબરે માંસાહારનો કાયમ માટે ત્યાગ કર્યો હતો અને સમગ્ર ભારતનાં કતલખાનાંઓ વર્ષના છ મહિના બંધ કરવા માટે ફરમાનો બહાર પાડ્યાં હતાં. અકબરે શત્રુંજય, ગિરનાર, સમ્મેતશિખરજી વગેરે તીર્થો શ્ર્વેતાંબર જૈન સંઘની માલિકીનાં છે, એવા મતલબનાં ફરમાનો પણ બહાર પાડ્યાં હતાં. અકબર બાદશાહનાં આ ફરમાનોની મૂળ નકલ આજે પણ અમદાવાદની આણંદજી કલ્યાણજીની પેઢી પાસે સુરક્ષિત છે. આજે શાળાઓમાં અને કૉલેજોમાં અકબરનો જે ઇતિહાસ ભણાવવામાં આવે છે તેમાંથી જૈનાચાર્ય સાથેનું પ્રકરણ ગાયબ કરી દેવામાં આવ્યું છે.

જૈન ધર્મ માત્ર ઉત્તર અને પશ્ર્ચિમ ભારત પૂરતો મર્યાદિત નહોતો. દક્ષિણ ભારતમાં પણ જૈન ધર્મનો વ્યાપક ફેલાવો થયો હતો. બિહારમાં જ્યારે ૧૨-૧૨ વર્ષનાં ત્રણ દુકાળો પડ્યાં ત્યારે જૈનાચાર્યો શ્રાવક-શ્રાવિકાઓ સાથે વિહાર કરીને દક્ષિણ ભારતમાં પહોંચ્યા હતા અને ત્યાં તેમણે જૈન ધર્મનો પ્રચાર કર્યો હતો. મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્તના ગુરુ જૈનાચાર્ય ભદ્રબાહુ સ્વામી હતા. ચંદ્રગુપ્તે ઘડપણમાં દીક્ષા લીધી હતી. બિહારના દુકાળ દરમિયાન તેમણે દક્ષિણ ભારત તરફ વિહાર કર્યો હતો. શ્રવણબેલગોડામાં બાહુબલિની જે વિશ્ર્વપ્રસિદ્ધ મૂર્તિ છે, તેની પ્રતિષ્ઠા ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા કરાવવામાં આવી હતી. કર્ણાટકમાં આવી અનેક મૂર્તિઓ મોજૂદ છે.

તમિળનાડુમાં જે થિરુવલુર નામના સંત થઇ ગયા હતા તેઓ હકીકતમાં જૈન સાધુ હતા. તેમણે લખેલા થિરુકુલ નામના ગ્રંથમાં જૈન ધર્મનો જ ઉપદેશ છે. આ ગ્રંથને આજે પણ તમિળનાડુના સત્તાવાર ધર્મગ્રંથ તરીકે માન આપવામાં આવે છે. કન્યાકુમારીના દરિયામાં સંત થિરુવલુરની ભવ્ય પ્રતિમા ઊભી કરવામાં આવી છે. ગોવામાં એક સમયે આશરે સવા કરોડ જૈનોની વસતિ હતી. વિદેશી આક્રમણખોરો દ્વારા ભારે હિંસા આચરીને તેમને વટલાવી દેવામાં આવ્યા હતા. આ કારણે ગોવામાં આજે પણ જૈન મંદિરોનાં ખંડેરો જોવા મળે છે. ગોવાનાં એક અભયારણને ભગવાન મહાવીરનું નામ પણ આ કારણે આપવામાં આવ્યું છે. ગુજરાત સરકારે ઇતિહાસનાં પાઠ્યપુસ્તકોમાં જૈન ઇતિહાસને પણ તેનું યોગ્ય સ્થાન આપવું જોઇએ.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.