
મહાત્મા ગાંધી બધું જ છોડીને ભારતની પ્રજાની જાગૃતિમાં પોતાની જીવનશક્તિ હોમી દે, મોતીલાલ નહેરુ ધીકતી વકીલાત છોડીને આઝાદીના જંગમાં ઝંપલાવે કે મહર્ષિ અરવિંદ ઉજ્જવળ કારકિર્દીનાં સ્વપ્ન જોવાનું છોડીને આત્મજ્ઞાનનો પંથ પકડે ત્યારે તેમાં તેમના જીવનધર્મનો નાદ સાંભળી શકાય છે. આપણા જીવનમાં રૂપિયા અને માનસત્તાનું ચલણ એટલું બધું વધી ગયું છે કે આપણે આજીવિકાને આપણી તમામ શક્તિઓના લિલામનું બહાનું બનાવી દીધું છે. આઇન્સ્ટાઇને પોતાની શોધોનો વેપાર કરવાની ના પાડી હતી અને વેપાર માટે કોઇ શોધ કરવાની ના પાડી હતી. તેમાં તેમના જીવનધર્મની સચ્ચાઇ બોલતી હતી. અગાઉ જેમને સાહિત્યનું નોબેલ પારિતોષિક મળ્યું હતું તે યહૂદી લેખક સિંગર એક છાપાના પ્રૂફરીડર છે. પ્રૂફ વાંચનારા સિંગર, તેની વાર્તાઓને લીધે, તેની નવલકથાઓને લીધે, ઘણાં બધાં વર્ષો લગી જીવશે. પ્રૂફરીડરની નોકરી એ તો આજીવિકાનું સાધન. માણસ આજીવિકા માટે ગમે તે સાધન મેળવે એનું બહુ મહત્ત્વ નથી. અગત્યનો સવાલ એનો જીવનધર્મ શું છે એ છે. આવો જીવનધર્મ બધા માણસોની બાબતમાં અમર કીર્તિ, નામના કે વેપારી લાભની ગુંજાશવાળો હોઇ ના શકે, પણ જીવનધર્મ એ માણસની પોતાની ખુશબો છે. આપણે આજીવિકાને કારકિર્દીના મોટા ચોકઠામાં વધુ ને વધુ ગોઠવવા માંડી છે ને આમ કરીને આપણે આજીવિકાની મર્યાદિત જરૂરિયાતને ભિક્ષુકની સદા અસંતુષ્ટ યાચનામાં ફેરવી નાખી છે.
જેમ વધુ ધન મળે, વધુ નામ મળે, વધુ માન મળે, વધુ પ્રભાવ કે સત્તા મળે તેમ આપણું કામ ઊંચું! નાટકમાં એક માણસ બરાબર રાજા બને છે, પણ તે ખરેખર રાજા નથી હોતો. નાટકમાં એક માણસ ભિખારી બને છે, પણ તે ખરેખર ભિખારી હોતો નથી. ખરી ખૂબી ત્યાં જ છે કે તે ખરેખર શું કરે છે અને તેની નજર આગળ કે પાછળ કેટલી પહોંચ છે! કેટલીક વાર એવું બને કે માણસનો જીવનધર્મ જ એવો હોય છે કે તેણે અપ્રસિદ્ધિનો અંધકાર જ ઓઢી રાખવો પડે. મૃત્યુ મેળવવું સારું, પણ પારકો ધર્મ બજાવવામાં જબરું જોખમ છે. આજીવિકાનું સાધન જે હોય તે, આપણો કોઇ જીવનધર્મ તો શોધવો જ જોઇએ.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.