Thursday, April 11, 2013

ભ્રષ્ટાચારનું મુખ્ય કારણ જ અન્ધશ્રદ્ધા છે

–મહેશ ઓઝા
પૌરાણીક કથા–વાર્તા અને ભગવાનો અને તે અંગેનાં (ઉપર કહ્યાં તેવાં અવૈજ્ઞાનીક) લખાણો પ્રતીબન્ધીત થવાં જોઈએ. કુકડા ઉપર કે વાઘ ઉપર 8-10 હાથવાળી સ્ત્રી ગદા, ખડ્ગ, ત્રીશુળ, તલવાર વગેરે લઈને દેવીરુપે બેસે તેવું માત્ર ચીત્રમાં જ હોય, વાસ્તવમાં ન હોય.
તરવૈયાની જેમ એક હાથમાં ગદા અને બીજા હાથમાં મોટો પહાડ લઈને આકાશમાં ઉડતા હનુમાન પણ માત્ર ચીત્રમાં જ હોય, વાસ્તવમાં ન હોય. આવા અનેક પ્રકારના માઈથોલોજીકલ ભગવાનોનાં ચીત્રો બનાવવાં, વેચવાં, રાખવાં ઉપર પ્રતીબન્ધ લાવવાની જરુરત છે. આવા કાલ્પનીક ભગવાનોએ અન્ધશ્રદ્ધાનો ફેલાવો સમાજમાં ઉધઈની જેમ કર્યો છે. તેથી જ આખા દેશમાં ખુણેખાંચરે નાના–મોટા અશોક જાડેજાઓ ફુલ્યા–ફાલ્યા છે. આ બધું વસ્તીવધારાનું પરીણામ પણ છે. એકના ડબલ કે એકના ત્રણ ગણા કરવાની લાલચ ગરીબ પ્રજામાં હોય જ અને ગરીબી વસ્તીવધારાને કારણે છે. વધારાની વસ્તી પેરાસાઈટ્સ–પરોપજીવી જ હોય.
સસ્તામાં સસ્તું (સબસે અચ્છા– સબસે સસ્તા) મનોરંજનનું સાધન સેક્સ છે. ગરીબ માણસ વાઈડ એંગલમાં જઈ ન શકવાથી નેરો એંગલમાં ચાલ્યો જાય છે. પછી તેણે તો ‘દેવના દીધેલા’ કહીને તેની પોતાની જવાબદારીમાંથી છુટી જવાનું જ રહે ! આમ ને આમ વસ્તી ત્રણ ગણી થઈ જવા પામી છે. 40 કરોડની આજીવીકા જેટલું પણ ઉત્પન્ન ન હોવાથી 120 કરોડને ખવડાવશો શું ? હવા ? આવી ગરીબ ભુખી, અર્ધશીક્ષીત વસતીના દેશમાં લોકશાહી ? લોકતંત્ર ? ચુંટણી ? જનાદેશ ? સંસદ ? પ્રધાનમંડળ ?  લોકતંત્ર જેવું કશું હોતું નથી, જે હોય છે તે રાજતંત્ર જ હોય છે. લોકતંત્ર શબ્દ તો ઠગારો છે.
દેશનો સળગતો પ્રશ્ન છે વસતીવધારો. વસતીવધારાને નાથવામાં ન આવે ત્યાં સુધી બધું જ નકામું. ચુંટણીઓ તો આવે ને જાય. બધા દાટ વાળે. વસતીવધારા પછી બીજો મુખ્ય મુદ્દો છે પર્યાવરણનો. સમજાય છે ? કોઈ અમસ્તુ વૃક્ષો નથી કાપતું, કોઈ અમસ્તું પાણી નથી ઉલેચતું. વસતી એટલી બધી છે કે પીવાના પાણીનાં પણ ફાંફાં છે. પર્યાવરણ માટે પાણી જરુરી છે. આખી વસતી સહેલાઈથી ડુબી મરે એટલો વીશાળ દરીયો છે; પણ એ પાણી તો મરવા માટે કામનું છે. જીવવા માટેનું પાણી તો જમીનમાંથી જ ઉલેચવું પડે. પર્યાવરણ જમીન ઉપરની જીવસૃષ્ટીનો વીષય છે. રામાયણ, મહાભારત, સુન્દરકાંડ, સત્યનારાયણ કે એવી માઈથોલોજીકલ કથાઓ કહેતા કથાકારોને મુંગા કરો ! આ બધી કથાઓ, વાર્તાઓને ‘આપણી સંસ્કૃતી’ કહેતાં પણ શરમ આવવી જોઈએ.
કૈકેયીમાં લટ્ટુ દશરથે તેની માગણી સામે વીટો વાપરવાને બદલે પોતાના મોટા પુત્ર રામને 14 વર્ષના વનવાસની સજા કરી. કહેવું પડે ! આવું તો ઘણું છે. આનાથી ઉલટું, રામે ગામના એક ધોબીના બોલવાના આધારે પોતાની પત્ની સીતાને જંગલમાં ધકેલી દીધી. કહેવું પડે !
મહાભારત કથા વળી આને પણ માથે પછાડે એવી છે. ધર્મના અને ભગવાનના નામે ટીલાં–ટપકાં કરીને કથાકાર આવી કથાઓ કરીને લાખો–કરોડો રુપીયા ભેગા કરે છે અને તેમાંથી ધન્ધાદારી મન્દીરો બનાવે છે. સરદાર પટેલે જે રીતે ફટાફટ દેશી રાજ્યોનું વીલીનીકરણ કર્યું એ રીતે બધા જ પ્રકારના કાલ્પનીક ભગવાનોનાં મન્દીરોનું વીલીનીકરણ થવું જોઈએ. પથ્થરની કે માટીની મુર્તી બનાવી તેમાં પ્રાણપ્રતીષ્ઠા કરવાનું બહુ મોટું ડીંડક ચાલે છે. મન્દીરોમાં આવી મુર્તીઓ સામે હાથ જોડીને બધા ભીખ માંગે છે અને તેના બદલામાં તેને લાંચ આપવાનું વચન આપે છે. મન્દીરમાંથી શીખવા મળેલો ભ્રષ્ટાચાર નાબુદ કરવાની વ્યર્થ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. મહાત્મા જ્યોતીરાવ ફુલે ‘ગુલામગીરી’ નામના પુસ્તકમાં લખે છે, ‘વીદ્યાના અભાવે મતી નાશ પામી, મતીના અભાવે નીતી નાશ પામી, નીતીના અભાવે ગતી નાશ પામી, ગતીના અભાવે ધન નાશ પામ્યું, ધનના અભાવે શુદ્રોનું પતન થયું – માત્ર એક અજ્ઞાનતાને કારણે જ આ બધું થયું.’
[મુક્તીનાયક’ 15-08-2010ના અંકમાંથી]

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.