Tuesday, December 18, 2012

હાસ્યમ શરણં ગચ્છામિ (રમૂજી ટૂચકા) – સંકલિત


એક પહેલવાન દુબળા-પાતળા માણસની ધોલાઈ કરી રહ્યો હતો. ભેગી થયેલી ભીડમાંથી એક માણસે પૂછ્યું:
‘ઉસ્તાદ ! તમે આ માણસને શા માટે મારો છો ?’
પહેલવાને એ માણસને મારવાનું ચાલુ રાખતાં જવાબ આપ્યો : ‘મારો અગરબત્તીનો ધંધો છે. આ માણસના છાપામાં મેં જાહેરખબર આપી હતી ‘પહેલવાન છાપ અગરબત્તી’ અને એણે છાપી નાખ્યું- ‘અગરબત્તી છાપ પહેલવાન…!’
****

પપ્પુ એક વખત પેપ્સી સામે રાખીને ઉતરેલી કઢી જેવું મોં કરીને બેઠો હતો. એટલામાં ત્યાં ગપ્પુ આવી ચઢ્યો. ગપ્પુ પેપ્સી ગટગટાવી ગયો અને બોલ્યો :
‘કેમ પપ્પુ ઉદાસ દેખાય છે ?’
પપ્પુ રડતાં મોંએ બોલ્યો, ‘આજે દિવસ જ સાવ ખરાબ છે. સવારે ઘરવાળી જોડે ઝઘડો થયો, રસ્તામાં કાર પંચર થઈ ગઈ, ઑફિસ મોડે પહોંચ્યો તો શેઠ્યાએ બે-ચાર સંભળાવી અને નોકરીમાંથી નીકાળી દીધો અને હવે મરવા માટે જે પેપ્સીમાં ઝેર નાખીને બેઠો તો એ પણ તું પી ગયો….’
****

છગનના ઘરે ચોર આવ્યા.
તેઓએ હિંદીમાં છગનને પૂછ્યું : ‘સોના કહાં હૈ ?’
ઊંઘણશી છગન ઊંઘમાં જ બોલ્યો : ‘અલ્યા આટલી બધી તો જગ્યા છે, જ્યાં મરજી પડે ત્યાં સૂઈ જા ને. અડધી રાતે બૂમો શેનો પાડે છે !’
****

કંઈ કેટલીય છોકરીઓ સપનાં જોતી હોય છે કે એક દિવસ એક રાજકુમાર ઘોડા પર સવાર થઈને આવશે….
ખરેખર ! હવે પેટ્રોલના ભાવ જોતાં એ સપનું સાકાર થાય એવા દિવસો નજીક આવી રહ્યાં છે…
****

છગન : ‘જીવનમાં માત્ર બે શબ્દો જો યાદ રાખીશ તો અનેક દરવાજા ખૂલી જશે.’
મગન : ‘એ વળી ક્યા બે શબ્દો ?’
છગન : ‘PUSH’ અને ‘PULL’
****

પતિ : ‘શું તું મારા જીવનનો ચાંદ બનવા માંગે છે ?’
પત્ની (ઉત્સાહથી) : ‘હા…હા….!’
પતિ : ‘તો મારાથી 1 લાખ 86 હજાર માઈલ દૂર રહેજે !’
****

કર્મચારી : ‘સાહેબ, જબરજસ્ત ટેન્શન છે ! મારી પત્ની કહે છે કે વેકેશનમાં કાશ્મીર લઈ જાવ.’
બૉસ : ‘સૉરી ! રજા નહિ મળે.’
કર્મચારી : ‘થેન્કયૂ સર ! મને ખાતરી હતી કે સંકટ સમયે તમે જ મદદ કરશો !’
****

છગન : ‘સાહેબ, તાજેતરમાં મારાં લગ્ન થયાં છે, કંઈક પગારવધારો કરો તો મહેરબાની !’
બૉસ : ‘જે ઘટના ઑફિસ બહાર ઘટે તે માટે ઑફિસ જવાબદાર નથી.’
****

સુરતીલાલો પંડિતને : ‘મને સંસ્કૃત શીખવો.’
પંડિત : ‘એ દેવોની ભાષા છે.’
સુરતી : ‘એટલે જ તો શીખવી પડે ને ? મરીને સ્વર્ગમાં ગયો તો ?’
પંડિત : ‘ને નરકમાં ગયો તો ?’
સુરતી : ‘તો ક્યાં વાંધો છે ? સુરતી તો આવડે જ છે ને !’
****

દુકાનના પાટિયાં કદી ધ્યાનથી વાંચ્યા છે ? જુઓ :
(1) ગાંધી હેરડ્રેસર
(2) મલ્લિકા ટેક્સટાઈલ
(3) સલમાન મેરેજબ્યુરો
(4) રાખી સાવંત સત્સંગ મંડળ
****

આજના યુવાનોએ આજના વૃદ્ધોને માન અને સન્માન બંને આપવું જોઈએ કારણ કે આ એ પેઢી છે… જે ગુગલ અને વિકીપીડીયા વિના પાસ થઈ છે !
****

એક ભૂત સલૂનમાં વાળ કપાવવા આવ્યું.
કારીગરે કીધું : ‘બેસો, હજી કલાક થશે.’
ભૂતે જવાબમાં એવું કંઈક કહ્યું કે બિચારો કારીગર બેહોશ થઈ ગયો.
ભૂતે કહ્યું : ‘મારું માથું અહીં મૂકી જાઉં છું. તું વાળ કાપી રાખજે !’
****

છોકરી : ‘I only talk in English. So you better talk in English only. Otherwise I am not interested.’
છોકરો : ‘Ok. Walk away… How many percentage I have….’
છોકરી : ‘What ?’
છોકરો : ‘હાલતી થા… મારે કેટલા ટકા !’
****

નવા સંશોધન મુજબ વૈજ્ઞાનિકો કહે છે કે જગતની 1 ટકા મહિલાઓ માનસિક બિમારીની દવાઓ લે છે.
ટૂંકમાં ચેતજો ! 99 ટકા મહિલાઓ યોગ્ય દવાઓ વિના છૂટ્ટી ફરી રહી છે !
****

બે કીડીઓ સાઈકલ રેસ કરતી હતી.
રસ્તામાં એક હાથી આવી ગયો.
કીડીએ બૂમ પાડી : ‘અલ્યા જાડીયા, મરવું છે કે શું ?’
****

ગોલુ : ‘સર ! મારી પત્ની ખોવાઈ ગઈ છે.’
પોસ્ટ માસ્તર : ‘આ પોસ્ટ ઑફિસ છે. પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ લખાવો.’
ગોલુ : ‘શું કરું ? આનંદના અતિરેકમાં મને કંઈ સમજાતું નથી.’
****

‘યાર ! હું એક બહુ મોટી મુશ્કેલીમાં ફસાઈ ગયો છું.’
‘એવું તે શું થયું ?’
‘મારી પત્નીના મેક-અપનો ખર્ચ હું બરદાસ્ત નથી કરી શકતો અને મેક-અપ ન કરે તો પત્નીને બરદાસ્ત નથી કરી શકતો !’
****

સંતા : ‘યાર ! મેં એક બાબતની ખાસ નોંધ લીધી છે.’
બંતા : ‘કઈ બાબતની ?’
સંતા : ‘રેલવે ફાટક જ્યારે બંધ હોય છે ત્યારે અચૂક ટ્રેન આવે જ છે.’
****

ડૉક્ટર : ‘હું તમને એવી દવા આપીશ કે તમે ફરીથી જુવાન થઈ જશો.’
દર્દી : ‘ના બેટા ! એવું ન કરીશ. મારું પેન્શન બંધ થઈ જશે.’
****

જાદુગર : ‘હવે હું આ ભાઈની ધર્મપત્નીના વચ્ચેથી બે કટકા કરીશ અને તમને જાદુ બતાવીશ.’
સંતાસિંગ : ‘રહેવા દો જાદુગરભાઈ…. એક સમસ્યાને બમણી કરો એ કંઈ જાદુ ના કહેવાય….!’


સૌજન્ય : રીડગુજરાતી 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.