Friday, December 14, 2012

જૂની કડવાશને જતી કરીએ - ભૂપતભાઇ વડોદરિયા

વૃદ્ધ સુમતિચંદ્ર પાસે એક યુવાન મદદ માગવા આવ્યો છે. એ યુવાન સુમતિચંદ્રની બહેનનો દીકરો છે. ઘણા વર્ષે ભાણેજ મામાને મળવા આવ્યો છે. ભાણેજ મોં ખોલીને કશું કહેતો નથી પણ એક પત્ર મામાના હાથમાં મૂકે છે. સુમતિચંદ્રે એ પત્ર વાંચ્યો, ફાડીને કચરાની ટોપલીમાં નાખ્યો. તેમણે પોતાના કોટમાંથી એક હજાર રૂપિયા કાઢીને એ યુવાનને આપ્યા. ક્ષોભભરી નજરે પણ આભારવશ હૈયે એ જુવાન વિદાય થયો. એના ગયા પછી તુરંત જ સુમતિચંદ્રનાં પત્ની ભાગીરથીબહેન દીવાનખાનામાં આવ્યાં. તેમના પતિને પૂછ્યું, ‘કોણ હતું?’ સુમતિચંદ્રે ટૂંકો જવાબ આપ્યોઃ ‘બહેનનો મહેશ હતો. મેં તો તેને ચાપાણીનું પણ પૂછ્યું નહીં! મને એમ કે તમે અંદર સૂતાં હશો.’ પત્નીએ કડવું હસીને કહ્યું, ‘હું તો જાણતી જ હતી અને તમારા મામાભાણેજની લીલા જોઈ! તમને શું કહેવું એ મને સૂઝતું નથી. શું તમને કશું જ યાદ નથી? તમારી આ બહેન પાસે વર્ષો પહેલાં જ્યારે મેં આપણી દીકરી માટેતેની ફી અને કોલેજના ચોપડા માટેમાત્ર ત્રણસો રૂપિયા જ માગ્યા હતા ત્યારે તમારાં બહેન અને બનેવીએ પૈસા આપવા તો દૂર રહ્યા, પણ એવું મહેણું માર્યું હતું કે ‘સ્થિતિ નથી તો દીકરીને શું કામ આગળ ભણાવો છો! છેવટે દીકરીને તો પરણાવીને સાસરે જ મોકલવી છે ને?’ ત્યારે આપણી સ્થિતિ ખૂબ ખરાબ હતી. તેઓની સ્થિતિ ખૂબ સારી હતી. આજે તમે તમારી એ બહેનના દીકરાને કંઈ સવાલજવાબ કર્યા વિના નગદ એક હજાર આપી દીધા! બહેને ચિઠ્ઠીમાં ચાર લીટી લખી અને ભાઈનું દિલ પીગળી ગયું! ખેર, એ ચિઠ્ઠી ફાડીને ફેંકી શું કામ દીધી? હું તે કોઈને વાંચી સાંભળાવત!’ સુમતિચંદ્રે કહ્યું, ‘‘મારી સગી બહેનનો દીકરો છે, આજે મુશ્કેલીમાં આવી પડ્યો ને પોતાની મા પાસે ચિઠ્ઠી લખાવીને આવ્યો! બનેવી તો આજે હયાત નથી. ભૂતકાળમાં કોઈ સગાંસંબંધીએ આપણી સાથે ભલે ગમે તેવો વહેવાર કર્યો હોય, એ સગાંસંબંધી મુશ્કેલીમાં આવી પડે અને આપણી મદદ માગે ત્યારે આપણી શક્તિ મુજબ મદદ આપવી. આપણી ત્રેવડ ન હોય તો ના પણ પાડીએ, પણ મદદની શક્તિ છે. મદદ માગનારની ભીડની સચ્ચાઈમાં પણ કાંઇ શંકા નથી ત્યારે જૂની વાત યાદ કરી તેને નનૈયો ભણાવે એ શું સારું છે? મને તો એ વાતનો આનંદ છે કે ઈશ્વરે મને કોઈને પણ બે પૈસાની મદદ કરવાની શક્તિ આપી! હું પરમાત્માનો એટલો આભાર માનું છે કે મારે મારી બહેનના દીકરાને મદદ કરવાની વેળા આવી ત્યારે જૂની કડવાશે મારો હાથ રોકી ન રાખ્યો! મારી બહેનના પત્રમાં ‘લાચારી’ અને પોતે અગાઉ કરેલા વહેવારનો ‘પસ્તાવો’ પણ હતાં! એ ચિઠ્ઠી સંઘરીને આપણે શું કરવું હતું? હું તો માનું છું કે પોતાની ભીડની ક્ષણે પોતાનો હાથ બીજે ક્યાંક લંબાવવાને બદલે જૂની વાત ભૂલીને સગા ભાઈ પાસે જ મદદ માગવા જેટલી ‘ઉદારતા’ પણ તેણે બતાવી. ભગવાને જ એના અંતરમાં આવી પ્રેરણા મૂકી હશે! તે મારી ઓળખાણના બીજા કોઈ પણ વેપારી પાસે મદદ માગવા જઈ શકી હોત. કદાચ તેને મદદ મળી પણ હોત અને એને મદદ કરનારે હસતાં હસતાં મને સંભળાવ્યું પણ હોત કે ‘તમારાં બહેન બિચારાં મારી પાસે મદદ માટે આવ્યાં હતાં! મેં તેને મદદ તો કરી પણ મિત્ર, તમે બહેનનું મુદ્દલ ધ્યાન નથી રાખતા કે શું?’ એણે આવું કહ્યું હોત તો શરમથી મારું માથું ઝૂકી જાત! હું શું ત્યારે એ માણસ સમક્ષ એવો ખુલાસો કરત કે મારા નબળા સમયમાં મેં મારી દીકરી માટે કોલેજની ફીચોપડીના પૈસા માગ્યા ત્યારે મારાં બહેનબનેવીએ મને મદદ નહોતી કરી એટલે અત્યારે હવે હું એમને શું કામ મદદ કરું? તે વખતે મારાં બહેનબનેવીનું વર્તન જો ગેરવાજબી હતું તો આજે હું એવું જ વર્તન કરું તો તે કઈ રીતે વાજબી ગણાય? ‘‘એમ વિચાર કરીએ તો આપણા અત્યંત વિકટ સમયમાં તારા સગા ભાઈએ આપણી સાથે કેવો વહેવાર કર્યો હતો? આજે આપણે જે સ્નેહભર્યો સંબંધ તેમની સાથે નિભાવીએ છીએ તે સંબંધ ભૂતકાળની વાતો યાદ કરીએ તો ટકી શકે ખરો?

જીવન આવું જ છે. બધી સમયની લીલા છે. સમય એક સારા શક્તિમાન મનુષ્યને ભિખારીનાં કપડાં પહેરાવે છે અને સમય ફરી કોઈ વાર એ જ માણસને ધનવાનનો પોશાક પહેરાવે છે. એ દિવસોમાં તારા સગા ભાઈએ જે વહેવાર કર્યો હતો તે પણ ત્યારે તો ખૂબ ખટક્યો હતો. મારી સગી બહેને જે વહેવાર આપણી સાથે કર્યો હતો તે તને મને પણ ખૂબ ખટક્યો હતો, પણ માણસે યાદ રાખવું જ પડે છે કે સ્મૃતિઓનો પણ એક વિવેક છે. સારા પ્રસંગની શોભા પર વીતી ગયેલી વાતનો પડછાયો પાડવાથી આપણું સુખ ઘટે, ખારું બને તે વધે નહીં, તેમાં કોઈ મીઠાશ ન મળે.’’

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.