Saturday, July 21, 2012

રૅશનલ વસીયત

મારા જીવનના અંતીમ દીવસો અને અંતીમક્રીયા બાબતમાં હું મારી ઈચ્છાઓનું વસીયતનામું નીચે પ્રમાણે કરું છું –

જો મારી જીન્દગીના છેલ્લા દીવસોમાં અકસ્માત અથવા અસાધ્ય બીમારીઓથી જો હું લાંબા સમય સુધી બેભાન અવસ્થામાં (કોમામાં) ચાલ્યો જાઉં અથવા નીર્ણય કરવા અક્ષમ થાઉં, યોગ્ય ડૉક્ટરો મારા મગજને મૃત જાહેર કરે, ફક્ત વેન્ટીલેટર્સના સહારે જીવતો રાખવામાં આવે, યોગ્ય સારવાર કરવા છતાં જો કોઈ ઉપાય કારગત થાય તેમ ન હોય, સામાન્ય (નોર્મલ) સ્થીતી થવાની કોઈ શક્યતા ન હોય, તો મારા કુટંબના સભ્યોએ યોગ્ય ડૉક્ટરો સાથે સલાહ–મસલત કરી, મારા શરીરના પીડારહીત સરળ મોત (યુથનેસીયા)નો નીર્ણય લઈ લેવો અને એ માટે નીર્ણય લેનાર કોઈને કાયદાકીય કે સામાજીક રીતે જવાબદાર ગણવા નહીં. 

એ પછી મારા શરીરનાં વધારેમાં વધારે શક્ય અવયવો જેવાં કે આંખો, ચામડી, લીવર, પેન્ક્રીયાસ, કીડની, બોનમૅરો વગેરે વગેરે જરુરીયાતવાળા યોગ્ય દરદીને યોગ્ય રીતે મળી શકે એ માટે વીશ્વાસુ હૉસ્પીટલ, સંસ્થા અને ડૉક્ટરોનો સમ્પર્ક કરી દાન કરી દેવાં. બાકીનું શરીર પણ મૅડીકલ કૉલેજના વીદ્યાર્થીઓને શીક્ષણ માટે દાન કરી દેવું.

અવારનવાર પહાડોમાં મુસાફરી કરતો હોવાથી જો દુરના પ્રદેશોમાં મને અકસ્માત થાય અને અવયવદાન કે દેહદાન પણ અશક્ય થઈ જાય તો તેવા સંજોગમાં મારા દેહના અગ્નીસંસ્કારને બદલે ભુમીસંસ્કાર કરવા (મૃતદેહને દાટવો) અને તે પર એક વૃક્ષ રોપવું.

જો ઉપરનાં કારણો સીવાય અલગ પરીસ્થીતીમાં મારું મૃત્યુ થાય તો પણ ચક્ષુદાન અને દેહદાન તો કરવું જ કરવું.

આનો અર્થ એમ નથી કે હું ભૌતીક અને નાશવંત શરીરને ધીક્કારું છું. આખી જીન્દગી મેં મારા પાર્થીવ શરીરને સાચવી રાખવા અને એનો અંત લંબાવવા ભરપુર કોશીશો કરી છે. મારા દેહને અને પૃથ્વી પરના આ જીવનને મેં શ્રેષ્ઠ અને એકમાત્ર જીવન ગણ્યું છે. મૃત્યુ નીશ્વીત છે; પણ એનો સમય નીશ્વીત નથી. એટલે આ શરીરના એક-એક અંગને બીમારી અને પીડામાંથી બચાવવા હું હંમેશાં ઝઝુમ્યો છું. હવે આ રીતે મારા અવયવોનું દાન કરી અવયવની જીન્દગી લંબાવવાનું મને સાર્થક લાગે છે.

મારી અંતીમક્રીયાઓ શાંતીથી કરવી, સ્મશાનયાત્રામાં કોઈ પણ સંજોગોમાં અગીયારથી વધુ વ્યક્તીઓને બોલાવવી નહીં. જો મારું મૃત્યુ હૉસ્પીટલમાં થયુ હોય તો ત્યાંથી જ શરીરનો નીકાલ કરવો, શબ ઘરે લાવવું નહીં. એક સાદી ચાદરમાં મારા મૃતદેહને સાદી રીતે લપેટી લેવો. જો ઘરે મૃત્યુ થયું હોય તો પણ એ પ્રમાણે જ કરવું. નનામી બાંધવી નહીં. જરુર હોય તો એલ્યુમીનીયમની નનામીનો ઉપયોગ કરવો. આરોગ્યની દૃષ્ટીએ જરુર ના હોય તો મારા મૃતદેહને સ્નાન કરાવવું નહીં. ધુપ-દીવો કે અગરબત્ત્તી કરવાં નહીં. સુખડની કે ફુલની માળા પહેરાવવી નહીં. મૃત શરીરને વન્દન કરવા નહીં. જીવનના છેલ્લા સમયને સુધારવાના કે આત્માની સદ્ ગતી માટેનાં ઉચ્ચારણો કરવાં નહીં. એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવો.

દેહદાન કે ભુમીદાન શક્ય ન હોય અને જો ઈલેક્ટ્રીક સ્મશાન ઉપલબ્ધ હોય તો તેનો ઉપયોગ કરવો. સુકાં કોપરાંની વાટી કે કાચની બંગડીઓ બાંધવી નહીં. નાળીયેર, અબીલ કે ગુલાલ વાપરવાં નહીં. મૃતદેહની આગળ બળતાં છાણાંની માટલી લઈ ચાલવું નહીં.રામ બોલો ભાઈ રામ’ કે ‘જય જીનેન્દ્ર’ જેવાં સુત્રો બોલવાં નહીં, કે કોઈ લૌકીક વ્યવહારો પાળવા નહીં.

સમાજની પત્રીકામાં મારા ગામનું અને મારું નામ, ઉમ્મર, અવસાનનું કારણ ખાસ કરીને મારાં અવયવનાં દાન થયાની વીગત જરુર લખવી; પણ ફોટો આપવો નહીં. સગાંઓ સાથેનાં સગપણો લખાવવાં નહીં. પ્રાર્થના કે પ્રાર્થનાસભા રાખવી નહીં. તમામે તમામ પ્રકારના લૌકીક વહેવારો બંધ રાખવા. મારાં કોઈપણ સરનામાં કે ફોન નમ્બર પત્રીકામાં આપવાં નહીં. આત્માના કલ્યાણ માટે નવકાર ગણાવવાનો આગ્રહ રાખવો નહીં.

છેલ્લે, હું કેવી રીતે મૃત્યુ પામ્યો એની લાંબી લાંબી કથાઓ કરવી નહીં. ઘરની દીવાલ પર મારો ફોટો ટાંગીને તેને હાર પહેરાવવો નહીં. ખુણો પાળવો નહીં. સફેદ કપડાં પહેરવાં નહીં. મારી પત્નીએ વૈધવ્ય પાળવું નહીં. જૈન મન્દીરમાં પુજા રાખવી નહીં. અગીયારમું, બારમું, તેરમું કે વરસી વગેરે કંઈ જ કરવું નહીં. ઘરના સભ્યોએ પોતાની માનસીક શાંતી માટે જરુરીયાતમંદોને યથાશક્તી મદદ કરવી. પક્ષી-પ્રાણીઓને ખવડાવવું અને યોગ્ય સંસ્થાઓને દાન આપવું.

આ મારી અંતીમ ઈચ્છા છે અને આ નીર્ણય કોઈ પણ જાતની કડવાશ વીના રાજીખુશીથી, મારી સદ્ બુદ્ધીથી અને સંપુર્ણ જાગૃત અવસ્થામાં લઉં છું.

(સહી): નેમજી મુરજી છેડા 

સૌજન્ય : અભિવ્યક્તિ 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.