Thursday, July 5, 2012

“ સારવાર મંદિર “.–સ્વામિનારાયણ સંપ્રદાયના આદરણીય પ્રમુખસ્વામીશ્રીનું સ્તુત્ય, સરાહનીય, પ્રશંસનીય અને અનુકરણીય કાર્ય


“ સારવાર મંદિર “.
શાહીબાગ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરને તાજેતરમાં પચાસ વર્ષ પૂરા થતા આ સુવર્ણજયંતિ મહોત્સવની ઉજવણી દરમિયાન સંસ્થાના વડા પ્રમુખસ્વામીશ્રીની પ્રેરણા અને આશીર્વાદથી મંદિરના પરિસરમાં 100 બેડની આધુનિક સુવિધાથી સજજ એક હોસ્પિટલનું ઉદઘાટન થયું.
આ “ સારવાર મંદિર “નું અંદાજીત ખર્ચ પચીસ કરોડ રૂપિયા થશે. જેમાં 250 ઉપરાંત પેરા મેડીકલ સ્ટાફ સાથે એકસો આસપાસ વિવિધ રોગોના નિષ્ણાત ડૉકટરો સેવા આપશે.
પાંચ માળની આ અતિ આધુનિક હોસ્પિટલની એક આગવી વિશેષતા એ પણ હશે કે, આધુનિક એલોપથી સારવાર પધ્ધતિ સાથે આયુર્વેદ અને પંચકર્મ, યોગ, હોમિયોપેથી, નેચેરોપથી જેવી સારવાર પધ્ધતિ વડે પણ ઉપચાર કરવામાં આવશે. આમ એલોપથી સાથે આપણી પારંપરિક ઉપચાર પધ્ધતિનું સંયોજન ધરાવતી આ પ્રકારની દેશભરમાં એક માત્ર હોસ્પિટલ બની રહેશે. વાઢકાપ વગર હ્ર્દયની સારવાર માટે ગુજરાતમાં દુર્લભ એવી એન્હેનસ્ડ એક્સટર્નલ કાઉન્ટર પલ્શેસ્ન ( ઈઈસીપી ‌) સારવાર પણ અહીં ઉપલબ્ધ કરવામાં આવી છે.
આ હોસ્પિટલના ઉદઘાટન ને દિવસે જ શ્રી પ્રમુખસ્વામીજીના ગુરૂ શ્રી યોગીજી મહારાજનો 120મો જન્મ દિન હતો. અને આમ શરીર સાથે મન પણ નીરોગી બને એવી હોસ્પિટલ તૈયાર કરવાનો શ્રી યોગીજી મહારાજનો સંકલ્પ પૂરો થયો.
“ સારવાર મંદિર “માં લેટેસ્ટ ટેકનોલોજી વડે ફિલ્ટર્ડ સેટ દ્વારા અત્યંત સ્વચ્છ રહેતા પાંચ ઓપરેશન થીયેટરો, કોમન વોર્ડથી ડિલક્સ વોર્ડ સુધી તમામ રૂમમાં એક સરખી અને સમાન સુવિધા સાથે કન્સલટનસી તથા સારવારના અલગ અલગ સ્તરે નીચા દર રાખવામાં આવ્યા છે.
શ્રી પ્રમુખસ્વામીએ દેશ-વિદેશમાં મંદિરો બાંધી સંપ્રદાયને ક્યારેય ના મળ્યો હોય તેવો લોકપ્રિય બનાવવા ભરપૂર પ્રયાસો કરી ઉચ્ચ શિખરો સિધ્ધ કર્યા છે. હવે આ સંપ્રદાય –માત્ર મંદિરો બાંધવાની પ્રક્રિયામાંથી મુકત બની –લોકાભિમુખ અને સમાજને કંઈક નક્કર આપવા તરફ વળી રહ્યો છે તે જાણી વિશેષ આનંદ થાય છે. સાથે જ શ્રીપ્રમુખસ્વામીને આવા નવા અભિગમ માટે, તથા સમાજને નવો રાહ ચીધવા માટે લાખ લાખ ધન્યવાદ સાથે વંદન !
“ સારવાર મંદિર “ માત્ર સંપ્રદાયના અનુયાયીઓ પૂરતું મર્યાદિત ના બની રહે અને દેશની છેવાડેની વ્યકિત સુધી તેનું સેવાકીય કાર્ય ફેલાશે અને અમીરો કરતાં દીન-દુઃખિયા માટે વિના મૂલ્યે અથવા તદન નજીવા દરે આધુનિક તબીબી સારવાર મળી રહેશે તેવી અપેક્ષા અસ્થાને નહિ ગણાય !
આપણાં સર્વેનો અનુભવ છે કે, તબીબી સારવાર દિન પ્રતિ દિન અત્યંત ખર્ચાળ થતી જાય છે. એક એવો વર્ગ પણ છે કે માત્ર પૈસાની સગવડ નહિ કરી શકવાને કારણે મૃત્યુ પસંદ કરવું અનિવાર્ય બની રહેતું હોય છે. આવી અત્યંત કરૂણ અને દારૂણ પરિસ્થિતિમાં અનેક પરિવારો ફસાયેલા જોવા મળે છે. તેવા સંજોગોમાં આવા પરિવારો માટે આવા “ સારવાર મંદિરો “ આશીર્વાદ રૂપ બની રહેશે તેમ માનવું વધુ નહિ ગણાય !
આવા “ સારવાર મંદિર “માં સેવા આપનાર ડૉકટરો અને પેરા મેડિકલ સ્ટાફ આજે પ્રવર્તી રહેલા કોમર્શીયલ અભિગમને ત્યજી મીશનરી ઝીલ અને સ્પીરીટ વડે દર્દીઓની સારવાર કરશે તેવી આશા અને અપેક્ષા રહે !
આવા “ સારવાર મંદિરો” ની આસપાસમાં જ દર્દીઓના સગા-વ્હાલા માટે રોકાવાની સગવડ પણ કરવી અનિવાર્ય બની રહેશે તો તે દિશામાં પણ પ્રયાસો કર્યા હશે કે કરવાના રહેશે.
વધુમાં જયારે એક અનોખા અભિગમ સાથે સામાજિક પ્રવૃતિ “સારવાર મંદિરો” બનાવવાની શરૂ થઈ ચૂકી છે ત્યારે આવા “ સારવાર મંદિરો “ની શૃખંલા દેશભરમાં વધુ અને વધુ શહેરોને આવરી લે કે વધુ અને વધુ શહેરોમાં ફેલાય તેવો વ્યુહ વિચારવાનો રહે કે જે અન્ય સંપ્રદાયોને પણ આવી રચનાત્મક દિશામાં સેવાકીય પ્રવૃતિ તરફ વાળવા પ્રેરણા સ્ત્રોત બની રહે !
માત્ર અને માત્ર સંપ્રદાયો વચ્ચે સંપદાયના મંદિરો બાંધવાની સ્પર્ધા આવા “ સારવાર મંદિરો “ બાંધવાની સ્પર્ધામાં પરિવર્તિત થશે તો સાચા અર્થમાં પરમ કૃપાળુ પરમાત્મા સર્વે ઉપર પ્રસન્ન થઈ આશીર્વાદ વરસાવસે તે નિઃશંક છે. અસ્તુ !

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.