[‘અખંડ આનંદ’માંથી સાભાર.]
ઈચ્છા-અગણિત, અડાબીડ, ઘનઘોર ઈચ્છાઓ…. આખી માનવજાત ઈચ્છાઓના જંગલમાં અટવાય છે. ઈચ્છાની પાંખે ગગનવિહાર ન કર્યો હોય એવી વ્યક્તિ કોણ હશે ? ગરીબમાં ગરીબ માનવીએય ઈચ્છાઓની આંખે અને કલ્પનાની પાંખે સ્વર્ગનાં સુખો ભોગવી લીધાં હોય !! આ વિભાવના માટે શબ્દોનીયે રેલમછેલ છે- ઈચ્છા, મહેચ્છા, આકાંક્ષા, મરજી, મન, મનોરથ, ખ્વાબ, સપનાં… હા, ખુલ્લી આંખે જોવાતાં સપનાં.
બાળપણમાં ચોકલેટની દુકાન કે રમકડાના સ્ટોરનો માલિક બનવા મન થનગનતું હોય તો કિશોરાવસ્થામાં કંઈક અનોખા આકાશો આંબવાની આકાંક્ષાઓ ઊછળતી હોય અને યુવાની તો છે જ મનની મહેલાતો સર્જવાની મોસમ. શમણાંઓની રંગીન સફર કે કલ્પનાની હસીન દુનિયા આ જ વયે ઊઘડતી હોય !! સપનાંનો રાજકુમાર કે રાજકુમારી ખયાલોમાં પ્રવેશે એટલે છાતીમાં કલકલ ઝરણાં વહેવા માંડે, આંખોમાં વાદળની ભીનાશ અંજાઈ જાય અને મનમાં મેઘધનુષી રંગોળે રચાય. વાતવાતમાં ગીતો સ્ફુરે, બોલે તો ફૂલો ઝરે અને ચુપકીમાં આખું આકાશ મહોરે…. આવા સમયે સૃષ્ટિનું તમામ સૌંદર્ય આંખમાં આવીને વસે.
પડદાની જેમ જીવનમાંયે દશ્યો બદલાતાં જ રહે છે. કશું જ નહીં સ્થાયી કે નહીં સ્થિર ! પ્રિયપાત્રને પામવાની સફર પૂરી થાય કે કારકિર્દીની ટોચ આંબવાનું આહવાન આદમીને જંપવા ન દે. કુટુંબ, સુખ, માન, યશ, પદ, પ્રતિષ્ઠા કેટકેટલાં ક્ષેત્રો !! વયના વાર્ધક્યની સાથે સ્વાસ્થ્ય, સલામતી, સ્થિરતા અને શાંતિનીયે ઝંખના. આમ જુઓ તો જન્મથી મૃત્યુ સુધી ઈચ્છા જ ઈચ્છા અને સૌ એમાં જ રમમાણ. માનવીની અઢળક ઈચ્છાઓ, સેવેલા મનોરથો કે કલ્પેલા કોડ હંમેશાં વાસ્તવિકરૂપ નથી ધારણ કરતા. ક્યારેક એવુંયે બને કે સપનાંએ કલ્પનામાં જે સુખ આપ્યું હોય એ ખરેખર આવીને મળે ત્યારે એટલું સુંદર ન પણ હોય !!
ઈચ્છા જ્યારે નરી ઈચ્છાના સ્વરૂપમાં જ જીવે ત્યારે એ કંઈ પરિણામ નથી લાવી શકતી. આવી વાંઝણી ઈચ્છાઓ દુઃખ જ નોતરે છે. જ્યારે સપનાંઓની શતરંગી દુનિયાની કાર્યમાં પરિણતિ થાય, મંઝિલ સુધી પહોંચવાની ઊંડી સમજણ સચવાઈ રહે અને મનોરથના શિખરને આંબવાના આત્મવિશ્વાસથી દિલ દિમાગ તરબતર રહે ત્યારે આ સપનું સાચો અને પાકો રંગ પકડે. સપનાંની સાથે સચ્ચાઈ, સમજણ અને સામર્થ્યનો સુયોગ સૌને સુલભ નથી હોતો એટલે જ મોટાભાગના માનવીઓનું ઈચ્છાઓના અરણ્યમાં આથડતાં આથડતાં આયખું આથમી જાય છે.
ઈચ્છાઓ વ્યક્તિની પોતાની સાખ, સમાજ અને સૃષ્ટિને વધુ સુંદર ને કલ્યાણકારી બનાવે એવી હોય તો ઉત્તમ પણ આંખ અને આયખાને અભડાવે એવી ઈચ્છાઓ ધરાવનારાઓનો સમાજમાં તોટો નથી હોતો એટલે જ સંતોએ અને શાસ્ત્રોએ ઈચ્છાને વખોડી છે. માનવીને ઈચ્છાથી મુક્તિ મેળવવાનો ઉપદેશ આપ્યો છે.
ઈચ્છામુક્તિના આધ્યાત્મિક પાસાને એકબાજુ રાખીએ અને એને આ વાસ્તવિક દુનિયાના સંદર્ભમાં, એનું હકારાત્મક પાસું વિચારીએ તો એમ કહી શકાય કે પ્રબળ ઈચ્છાઓ જ માનવીને વિકાસને માર્ગે લઈ જાય છે. માનવી મોક્ષ માટે ઝંખે કે ઈચ્છારહિત થવા મથે એ ઈચ્છવાયોગ્ય હોવા છતાં હંમેશાં સંભવ નથી. એ કક્ષાએ કોઈક જ પહોંચી શકે. બાકીના લોકો ભલે ભૌતિક ધ્યેયોને આંબવા મથે. એનાં પરિણામો આ સૃષ્ટિને વધુ સુંદર અને સમૃદ્ધ કરે છે. જગતને વધુ જીવવા જેવું બનાવે છે. બધી શોધખોળો અને ભૌતિક સુખ સમૃદ્ધિ માનવીની ઊંચી અને પ્રબળ ઈચ્છાઓનાં જ પરિણામો છે.
બાકી ઈચ્છારહિત થવાનીયે ઈચ્છા તો ખરી જ ને !! એટલે સાચી વાત એ કે ઈચ્છાઓ માનવીને ઝાંખરાની જેમ બાંધે છે તો અખિલાઈ સાથે સાંધેય છે અને ત્યારે ઈચ્છાનું ઊર્ધ્વીકરણ થાય છે. એ સ્વકલ્યાણથી પરકલ્યાણ અને પરમતા તરફનું પ્રયાણ છે. ઈચ્છાઓ છોડવાના અને અહમને તોડવાના કામમાં માનવી સફળ થાય તો એને માટે કલ્યાણનો રાજમાર્ગ ખૂલે. જીવનમાં અલ્લાઉદ્દીનના જીનની જેમ વ્યાપેલી ઈચ્છાઓ સામેના તમામ રસ્તા ખુલ્લા છે. કદમ આપણાં છે અને કંઈ પણ પસંદ કરવાની ઈચ્છાયે આપણી છે. સૌને શુભ અને કલ્યાણમય ઈચ્છાએથી ઊભરાતું જીવન મુબારક !

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.