Wednesday, October 31, 2012

ક્ષમાપના સંમેલન

ગયા રવિવારે તા ૩૦-૦૯-૨૦૧૨ના રોજ ઘાટકોપર ખાતે સમાજનુ ક્ષમાપના સંમેલન દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવાઇ ગયું.ક્ષમાપના સંમેલનનું આયોજન બહુ જ મહેનત બાદ પાર પડે છે અને આનુ આયોજન સમાજ અને યુવક મંડળ સાથે મળીને કરે છે પરંતુ તેની ફળશ્રુતિ ખરેખર નિરાશા જનક જ હોય છે. કોઇ પણ સમજદાર વિચારક આવુ આપણે શા માટે કરવું જોઇએ તેમ સવાલ કરી શકે. મનમાં ખૂંચતા થોડા દાખલાઓ જોઇએ.

૧) સ્વામિ વાત્સલ્યમાં જમવા માટે જ્ઞાતિજનોની હાજરી ૬૫૦ જેટલી હોવા છતાં ક્ષમાપના પ્રસંગે માંડ ૨૦૦-૨૨૫ વ્યક્તિઓ હાજર હોય તે શા માટે ? આ એક વર્ષે જ આવું થયું છે એવું નથી.વર્ષાનુંવર્ષ આવું જ થતું આવે છે.  જે કાર્ય માટે આપણને આમંત્રણ આપવામાં આવ્યુ છે તેને સદંતર અવગણીને ફકત જમવા માટે જઇએ તો આપણને એવું લાગે કે આ ક્ષમાપના સંમેલન નથી પરંતુ ભૂખ્યાને ભોજન સમારંભ છે. પ્રસંગની ગરિમા સાચવવાનો વિચાર સુધ્ધા કોઇ કરતું નથી અને બેફિકરાઇથી જમી જમીને સૌ પોતપોતાના ઘરે જતું રહે તે કેટલું કઢંગુ લાગે તેનો વિચાર સુધ્ધા કોઇ કરતું નથી.

૨) તપસ્વીઓનું બહુમાન કરવાનું હોવા છતા ૬૦ % તપસ્વીઓ ગેરહાજર હોય અને તેઓના બદલે તેમના ઘરવાળા કે સગા સંબંધી સન્માન પત્ર લઇ જાય તો તેને સન્માન કહી શકાય ? આપણા સન્માનની આટલી જ કિંમત હોય તો તે કરવું જોઇએ ? કરવું જ હોય તો જમણવાર વખતે જ  એક કાઉંટર ખોલી ત્યાથી જ થેલીઓ આપી દઇએ તો ચાલે કે ?

૩) તપસ્વીઓ અને તેમના સગા સંબધીઓ સુધ્ધા મોટી મોટી તપસ્યાઓ કરીને આવ્યા  હોવા છતાં તેમને પણ તપસ્યાનો મહિમા હોતો નથી કારણ કે પોતાનું બહુમાન થઇ જાય એટલે તપસ્વી અને તેની સાથે આવેલ મિત્ર સમુદાય પણ ચાલતી પકડે છે. આથી જેમનું નામ છેલ્લે બોલાય તેમને જોવા વાળુ પણ કોઇ હોતું નથી ત્યારે તાળીની આશા કેમ રાખી શકાય ?

૪) આ જાતની વર્તણૂકથી સમાજ અને યુવક મંડળના સભ્યોને આભાર વિધી કરવાનો અવસર પણ મળતો નથી કારણ કે આભાર વિધી સાભળવા માટે જાજમ અને ખુરશી સપ્લાયરના મજુરો સિવાય કોઇ હોતુ જ નથી.

૫) આપણા સમાજની એક ખૂબી છે કોઇ પણ કાર્યની છેલ્લી તારીખ બાદ ૨૦-૨૫ જણા તેમના નામ લઇને કાર્યકરો પાસે પહોંચી જાય અને કાર્યકરો પણ તેવા નામો સ્વિકારતા જાય એટલું જ નહિ પરંતુ પ્રસંગને દિવસે સુધ્ધા કોઈ કોઈ જ્ઞાતિજન પોતાની વિગતો લઇને પહોંચી જાય અને પારિતોષિક કે બહુમાન પત્ર મેળવવાનો તેમનો હક્ક હોય તેવી રીતે માંગણી કરે. શિસ્તના સંપૂર્ણ અભાવને લીધે પછી ગોટાળા થાય અને ગેરવ્યવસ્થા બદલ ટીકા થાય પરંતુ પોતાનુ મોઢું અરિસામાં કોઇને જોવુ ન હોય. સમાજ  અને યુવક મંડળે પણ આ બાબત કડક પગલા લેવા જોઇએ અને આપેલ તારીખ બાદ આવેલ કોઇ પણ અરજી સ્વિકારવી ન જોઇઐ.  ક્ષમાપના સંમેલનમાં પણ ૧૨૫ નામ છપાયા હતા પરંતુ તે ઉપરાંત બીજા ૧૫-૨૦ નામ બીજા પણ ઉમેરવામાં આવેલ હતા.

૬) સમાજ કે યુવક મંડળ દ્વારા અપાતા પ્રમાણ પત્રની કિંમત શું છે ? તેની ઉપયોગિતા શું ? તે ક્યાં કામ લાગે ? તેનો જવાબ નથી કારણ કે તેની કોઇ જ વજુદ નથી. આવા પ્રમાણ પત્રો જે એક પણ રીતે ઉપયોગમાં આવી શકે તેમ નથી તેવા એકને બદલે બે પ્રમાણ પત્રો આપવાની શું જરૂર ? શું આપણે દાતાને આ વાત સમજાવી ન શકીયે ? શું તેમને તેમના દાનનો ઉપયોગ બીજી રીતે કરવા ન સમજાવી શકાય ?


બદલતા સમય સાથે આપણે બદલાવું જ જોઇએ નહિતર આપણે એકલા પડી જઇશું અને પાછળ રહી જશું. આવતા સમયને ઓળખીશુ નહી તો ભવિષ્યની પ્રજા આપણા ઉપર જરૂરથી હસસે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.