Saturday, October 27, 2012

પ્રેમ હાસ્યકોશ (ભાગ 1)– સં. પી. પ્રકાશ વેગડ


[ ચબરાકિયાંનો અંગ્રેજી અર્થ થાય છે ‘એપિગ્રેમ્સ’. એપિગ્રેમ એટલે ચબરાક અને અર્થમાધુર્ય ધરાવતા વિચારોની અલ્પતમ શબ્દોમાં થયેલી અભિવ્યક્તિ. ‘પ્રેમ’ તત્વને અનુલક્ષીને આવા કેટલાક ચબરાકિયાં ‘પ્રેમ હાસ્યકોશ’ નામના આ પુસ્તકમાં સંગ્રહિત થયાં છે. તેમાંથી કેટલાક સાભાર માણીએ. ]

[1] કુંવારા લોકો પર બમણો ટેક્સ નાખવો જોઈએ, કેમ કે એવા થોડાક લોકો બીજા કરતાં વધારે સુખ માણે, એ તો ઉચિત ન ગણાય ! (ઑસ્કર વાઈલ્ડ – આઈરિશકવિ, નાટ્યકાર અને હાસ્યસર્જક, 1854-1900)

[2] અપરિણીતોનું જીવન એક સરસ બ્રેકફાસ્ટ છે, પણ નીરસ લંચ અને દયાજનક ડિનર. (લ બ્રૂયેર – ફ્રેન્ચ લેખક અને નીતિવેત્તા, 1645-96)

[3] મૂર્ખાઓ અને અવસાન પામેલા લોકો પોતાના અભિપ્રાયો કદી બદલતા નથી. (જેમ્સ રસેલ લૉવેલ – અમેરિકન કવિ અને વિવેચક, 1819-91)

[4] વ્યક્ત થયા વગર મૃત્યુ પામતા પ્રેમ જેટલો સાચો અન્ય કોઈ પ્રેમ નથી હોતો. (ઓલિવર વેન્ડલ હોલ્મ્સ – અમેરિકન કવિ, નવલકથાકાર અને હાસ્યસર્જક, 1809-94)

[5] સ્ત્રી પોતાના પ્રેમીને જે કહે, તે પવન અને પ્રવાહિત જળમાં લખવું જોઈએ. (કેટુલસ – રોમન કવિ, ઈ.પૂર્વે 87-54)

[6] યુવાનીના દિવસોમાં મેં નિશ્ચય કર્યો હતો કે કોઈ આદર્શ યુવતી નહિ મળે ત્યાં સુધી હું લગ્ન કરીશ નહીં. થોડા વર્ષો બાદ મને એવી યુવતી મળી, પણ એ આદર્શ પતિની શોધમાં હતી. (માઈકલ સાયમન – અમેરિકન લેખક)

[7] માનપૂર્વક જીવનયાપન કરવાનો સૌથી નાનો અને ઉત્તમ ઉપાય એ છે કે આપણે અન્ય લોકોની સામે જેવો દેખાવ કરવા ઈચ્છીએ છીએ, એવા બનીએ પણ ખરા. (સૉક્રેટીસ – ગ્રીક ફિલસૂફ ઈ. પૂર્વે 469-399)

[8] પ્રેમમાં આંસુનો લેપ કરવામાં આવે ત્યારે પ્રેમની મધુરતા ઉચ્ચ શિખરે પહોંચી જાય છે ! (વૉલ્ટર સ્કૉટ – સ્કોટિશ કવિ અને નવલકથાસર્જક, 1771-1832) 

[9] માણસની અડધી ઈચ્છાઓ પણ પૂરી થઈ જાય, તો એની મુશ્કેલીઓ બેવડાઈ જાય છે ! (બેન્જામિન ફ્રેન્કલિન – અમેરિકન ફિલસૂફ અને રાજનીતિજ્ઞ, 1706-90)

[10] પ્રેમની અવળચંડાઈ પર રમૂજ કરતાં ગાલિબે કહ્યું છે :
‘ઈશ્ક સે તબિયતને જીસ્ત કા મઝા પાયા;
દર્દ કી દવા પાઈ, દર્દ બેદવા પાયા !’
(પ્રેમને કારણે જીવનનો આનંદ મળ્યો, દુઃખની દવા મળી અને દવા ન થઈ શકે એવું દુઃખ મળ્યું !)
(ગાલિબ – ફારસી અને ઉર્દૂ શાયર, 1797-1869)

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.