મારા તાબામાં રહેલી સધળી નીખાલસતા
નીચોવીને મારે કહેવું છે: ‘‘હે હીન્દુઓ ઉઠો, જાગો અને સન્તોને બગાડવાનું
બન્ધ કરો.’’ અજ્ઞાની પ્રજા કદી ધાર્મીક નથી હોતી. ગમે તેવા લેભાગુ માણસને
સાધુ માની લેવાની હીન્દુઓની શક્તી અપાર છે.
કોઈ પણ માણસને સન્ત કહેતાં પહેલાં
એનું કે એના આશ્રમનું બૅન્ક બૅલેન્સ તપાસી લો. હવે નવી તરકીબ શરુ થઈ છે.
ઉપદેશકો સાથે વીરાટ રકમોની લેવડદેવડવાળાં ટ્રસ્ટો રચવામાં આવે છે. હીસાબો
જાહેર થતા નથી અને ગોટાળા ધાર્મીક હોય છે; તેથી ઑડીટમાં પણ વાંધો આવતો નથી.
ટ્રસ્ટીઓ નજીકના સ્વજનો કે પ્રીયજનો હોય છે. કહેવાતા સન્ત બહારથી અલીપ્ત
હોય છે; પરન્તુ અન્દરથી સવાયા સંસારી થઈને પ્રજાના પૈસે લહેર કરતા રહે છે.
એમના પી.આર.ઓ. ઈમેજ બીલ્ડ-અપ કરતા રહે છે. વાતો ત્યાગની અને ખાનગીમાં
ભોગની બોલબાલા. આશ્રમમાં રહસ્યમય ભોંયરું હોય તો જરુર એમાં બાવાજીની
લમ્પટલીલા ચાલવાની. સ્ત્રીઓ અને પુરુષ એકબીજા પ્રત્યે આકર્ષાય તેમાં
અધાર્મીક કશું નથી. બાવાજીને પણ પ્રેમ કરવાનો અધીકાર છે. બાવાજી પ્રેમ નથી
કરતા; તેઓ સ્ત્રીઓને ફસાવે છે અને વળી આત્મા-પરમાત્માની વાતો કરીને ફસાવે
છે. તેઓ શક્તીપાતની વાતો સાથે વીર્યપાત કરતા રહે છે. બાવાજીનું ભોંયરું,
સંસારીના બેડરુમ કરતાં વધારે ખતરનાક હોય છે. ભોળી સ્ત્રીઓ માટે ફળીયાનું
અંધારું, આશ્રમના અજવાસ કરતાં વધારે સલામત ગણાય. બાવાજી સ્ત્રીને પ્રેમ નથી
કરતા; તેઓ સ્ત્રીઓને મુર્ખ બનાવે છે. મુર્ખ બનવા માટે હીન્દુ સ્ત્રીઓ
જેટલી ઉત્સુક સ્ત્રીઓ મેં બીજા કોઈ દેશમાં જોઈ નથી.
કોઈ કહેવાતા લોભાનન્દજી કે
લમ્પટેશ્વર કે મોહાનન્દજીને પનારે પડનારી અન્ધશ્રદ્ધાળુ પ્રજા ‘રામાયણ’,
‘ગીતા’ કે ‘ઉપનીષદ’ નથી વાંચતી. હે હીન્દુ ભાઈબહેનો, એકવીસમી સદીને છાજે
તેવા જીવનવ્યવહાર વગર વાસી ધર્મના ઢોલ પીટ્યે રાખીશું તો ખતમ થઈ જઈશું.
ધર્મ સાથે તાજા અરમાનોનો મેળ પાડવો પડશે. અન્ધશ્રદ્ધાની આરતી ઉતારવાનું
બન્ધ કરવું પડશે. અશ્વમેધ જેવા બોગસ યજ્ઞો બન્ધ કરવા પડશે. અસ્પૃશ્યતા
નાબુદ કરવી પડશે. દહેજપ્રથા ખતમ કરવી પડશે. દેવદાસી પ્રથાના કલંકને દુર
કરવું પડશે. વીધવાઓની અવદશા દુર કરવી પડશે. આશ્રમોનો અને મન્દીરોનો કચરો,
માનસીક કચરો અને આર્થીક કચરો સાફ કરવો પડશે. સાચો પ્રેમ કેમ કરવો તે નવી
પેઢીને શીખવવું પડશે. નવી સદી, વાસી ધર્મનું નવસંસ્કરણ માગે છે. નવી પેઢી
બ્લુ ફીલ્મ ‘જુએ’ છે; જ્યારે બાવાજીઓ તો બ્લુ ફીલ્મ ‘જીવે’ છે !
રામાયણ આપણું ઉદાત્ત મહાકાવ્ય છે, એ
જરુર સૌએ વાંચવું જોઈએ; પરન્તુ વાંચીને પણ આપણા વીવેકને ગીરવે મુકવાનો
નથી. ચરણસેવા, ચરણસ્પર્શ અને ચરણ ધોઈને પાણી પીવામાં ધર્મ છે એમ માનનારી
નીર્માલ્ય પ્રજાને કેશવાનન્દ ન મળે તો શું વીવેકાનન્દ મળે ? હીન્દુઓ ક્યારે
જાગશે ? એંશી ટકા પ્રજા ઉંઘતી હોય ત્યારે લઘુમતી જાગતી રહે એવું બને ખરું ?
એ બીચારી મુલ્લાગ્રસ્ત છે ! બન્ને વચ્ચે હરીફાઈ જાગવાની નહીં; બેભાન
રહેવાની ચાલે છે. માંજી માંજીને વાસણ ચકચકતું કરીએ તેમ ધર્મને પણ સ્વચ્છ
કરીને ચક્ચક્તો કરવાનો છે.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.