Friday, October 5, 2012

આપણી સમૃદ્ધિના આપણે જ કોલંબસ – સુરેશ દલાલ



જે લોકો પુસ્તકોની દુનિયા સાથે સંકળાયેલા છે એમને ખ્યાલ છે કે છેલ્લાં કેટલાંક વરસોથી ‘સેલ્ફ હેલ્પ’નાં પુસ્તકોની ગાજવીજ છે. આપણું જીવન કોઈ જીવી નહીં શકે. આપણા ગુરુ આપણે જ થવાનું છે. આપણે જ આપણી દીવાદાંડી. આપણે જ આપણા માર્ગદર્શક. આપણે ભીરુ નથી થવાનું પણ આપણે જ આપણા ભેરુ થવાનું છે. કોઈ બહારનો માણસ તમને તારી નહીં શકે. અનુભવથી જ આપણે શીખવાનું છે. આપણે જ આપણી યોગશાળા – પ્રયોગશાળા. છેલ્લા કેટલાયે વખતથી એક પુસ્તકની ચિક્કાર બોલબાલા છે. The Power of Now. અત્યારે અને અબઘડીની શક્તિ. એના લેખક ઍકહર્ટ ટોલી. ન્યૂયોર્ક ટાઈમ્સનું બેસ્ટ સેલર પુસ્તક. અનેક ભાષામાં આ પુસ્તકના અનુવાદ થયા. દુનિયાભરમાં એની યશોગાથા ચાલે છે.

કાલથી વિમુક્ત થવાની અને આ ક્ષણ સાથે યુક્ત થવાની વાત છે. વાત નવી નથી. બુદ્ધથી માંડીને જે.કૃષ્ણમૂર્તિએ પણ આ જ વાતને કહી છે. દરેકની કહેવાની રીત જુદી હોય છે. પણ નીંદમાં રહીને જીવવાને બદલે જાગૃતિથી જીવવાની વાત છે. આપણે જ આપણને પીડીએ છીએ. મળ્યું છે એને માણતા નથી અને નથી મળ્યું એનો વજનદાર વસવસો જીવનને નઠોર અને કઠોર કરી મૂકે છે. માત્ર સતત ચિંતા કરીએ છીએ. નથી નથીની વાતો કરીએ છીએ. કૈંક પાસે હોય તો એ છીનવાઈ જશે તો શું એની પણ ચિંતા. ચિંતા ચિત્તને કોરી ખાય છે. ભૂતકાળ અને ભવિષ્યને હડસેલી દઈને મનને એક જ વાત કહેવાની છે કે જે કૈં બનશે તે અત્યારે, અબઘડીએ જ બનશે. પોતાના મનની માંદગીનો પોતે જ ઈલાજ કરવાનો છે. માનસશાસ્ત્રીઓ અમુક હદ સુધી તમને મદદ કરી શકે. આપણે આપણી જાતને હડધૂત કરીએ છીએ. બીજા સાથે સરખાવીએ છીએ. આપણે જ આપણું મૂલ્ય ઓછું આંકીએ છીએ. આપણને આપણા પોતામાં જ ભરોસો નથી. દરેક વ્યક્તિમાં કૈંક ને કૈંક તો હોય જ છે. વૃક્ષોને જો અનુકૂળ જમીન અને હવા-પાણી મળે તો અંકુરિત થઈ શકે એમ છે. પણ આપણે જ બીજને દાઝેલી ભૂમિમાં વાવીએ છીએ અને પછી બીજમાંથી વૃક્ષ નથી થતું એની રાવ-ફરિયાદ કરીએ છીએ.

આપણી અંદર વિચારોનો ટ્રાફિક જામ છે. આપણે આપણી ભીતર અવકાશ નથી ઊભા કરતા. આપણો જામ ખાલી હોય તો એમાં કશુક ભરાય. આપણા જ જામમાં ગટરનું પાણી હોય અને એ ખાલી ન થાય તો પછી ગંગાજળથી પાત્રને ભરવા માટેની આપણી પાત્રતા ગુમાવી બેસીએ. કોલાહલોથી ઘેરાયેલા આપણે નર્યા આનંદનું સંગીત સાંભળી ન શકીએ. દિવસના ઘોંઘાટની આદત છે, પણ રાતની નીરવ શાંતિનો પરિચય નથી. યાતનાનો અંત આવે ત્યાંથી જ આનંદનો પ્રારંભ થાય છે. એક દષ્ટાંત આપે છે. રસ્તાની ધાર પર એક ભિખારી બેઠો હતો. ત્રીસ વર્ષથી આમ એક જ ઠેકાણે બેઠો બેઠો ભીખ માગે અને બોલે કે વધ્યુંઘટ્યું પરચૂરણ હોય તો ભિક્ષાપાત્રમાં નાખતા જજો. એક અજાણ્યો માણસ પસાર થયો અને એણે ભિખારીને કહ્યું કે મારી પાસે તને આપવા જેવું કશું નથી. તું જેના પર બેઠો છે એ બૉક્સને ખોલીને તેં કદી જોયું છે ? અજાણ્યા માણસે ભિખારીને પૂછ્યું. ભિખારીએ કહ્યું કે ના, કદી નહીં, બૉક્સ તો મારી બેઠકનું સાધન છે. અજાણ્યા માણસે કહ્યું કે તું જેના પર બેઠો છે એને અંદર ખોલીને જો. અજાણ્યા માણસે ભિખારીને આગ્રહ કર્યો. ભિખારીએ ખોલીને જોયું તો અંદર સોનામહોરો હતી.

આપણે બધા એક યા બીજી રીતે ભિખારી જેવા છીએ. જે લોકો પોતાનું ઐશ્વર્ય પોતે ઓળખી શકતા નથી એ કાયમના ભિખારી છે. એને બહારનો માણસ કૈં નહીં આપી શકે. આપણી સમૃદ્ધિના કોલંબસ આપણે જ થવાનું છે. આપણો રસ્તો આપણે જ કાપવાનો છે. આપણી નદી આપણે જ તરવાની છે અને આપણે જ આપણો કિનારો શોધીને સ્વસ્થ, તટસ્થ થઈને આનંદને મનભરીને માણવાનો છે. આપણો આનંદ જેટલો શબ્દોમાં સમાતો નથી એટલો મૌનમાં સમાયેલો હોય છે. રાજેન્દ્ર શાહ એટલે જ કહે છે : ‘આપણા આનંદને અંતરમાં રાખીએ, ન એનો કૈં કીજિયે લવારો.’ કવિ વાણીનો સ્વામી છે છતાંયે આનંદની ક્ષણને મૌનમાં મઢે છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.