Saturday, October 13, 2012

સ્નેહની માયા- ભૂપતભાઇ વડોદરિયા


આ સંસાર આર્થિક લેવડદેવડનો જ કારોબાર નથી પણ માણસ માણસ વચ્ચેના સ્નેહ સંબંધનો કારોબાર છે, એટલે તો માણસને જીવન આટલું મીઠું લાગે છે. માત્ર વેપારી ગણતરીઓ ઉપર જ આ બધો કારોબાર ચાલતો હોત તો માણસ માણસ વચ્ચેના સંબંધની કોઇ મીઠાશ કે કોઇ ભીનાશ હોત નહિ માણસ માણસ વચ્ચે સ્નેહની માયા ન હોત તો જીવન કેવું હોત? માણસ માણસની માયા તો બરોબર છે, પણ પશુપંખીની વચ્ચે પણ એક માયા છે. જેમણે નિરીક્ષણ કર્યું છે એ જાણે છે કે જો સ્નેહ અને માયાના સંબંધ ન હોત તો જીવનમાં કોઇ રસકસ હોત જ નહિ. માયા ન હોત તો માણસોને પોતાનાં સંતાનો અંગે કોઇ પ્રકારનો લગાવ હોત નહિ. આપણે જોઇએ છીએ કે સ્નેહના સંબંધોની સાંકળ દૂર દૂર પહોંચે છે. આપણે કહીએ છીએ કે મારી માતા કે મારા પિતા અમુક વ્યક્તિ પ્રત્યે સ્નેહથી એવા બંધાયેલા હતા કે માબાપ મોજૂદ ન હોય તો પણ સંબંધોની દોરી તો ચાલ્યા જ કરે છે. કોઇ આપણને પૂછે કે આ બાળક સાથે તમારે શો સંબંધ? આપણે કહીએ છીએ કે મારી માસીને કે મારા કાકાને એને માટે ખૂબ સ્નેહભાવ હતો. આપણે જોઇએ તો ખબર પડે કે સ્નેહસંબંધનાં મૂળ બહુ ઊંડાં હોય છે. સંબંધની આ કડી આટલી અખંડ ના હોત તો માણસ માણસ વચ્ચેના સંબંધમાં આપણું અદમ્ય ખેંચાણ ના જ હોત.

એક ગૃહસ્થને કોઇએ પ્રશ્ન કર્યો કે આ યુવાન જે રીતે જીવી રહ્યો છે તો એને માટે તમને આવું આકર્ષણ કઇ રીતે હોઇ શકે? આપણે જવાબ દઇએ છીએ કે મારે તે મિત્ર સાથે સગા ભાઇ જેવો સંબંધ હતો. તેની પ્રત્યે મારી એક વણલિખિત જવાબદારી હું સ્વીકારું છું. કૌટુંબિક સંબંધ ના હોય કે બીજા કોઇ પ્રકારની સગાઇ પણ ના હોય તો પણ માણસ સ્વેચ્છાએ કેટલીક જવાબદારીઓ ઉઠાવી લે છે. એક ગૃહસ્થને કોઇએ એવો પ્રશ્ન કર્યો કે તમારો સગો દીકરો ધંધામાં કોઇ નુકસાન વહોરે તો તમે તેની જવાબદારી પાર પાડવા નૈતિક રીતે બંધાયેલા છો? પણ તમે જે યુવાન માટે આવી જવાબદારી સ્વીકારી રહ્યા છો એ તમારી કોઇ નૈતિક ફરજ નથી. એના પિતાએ તમારે માટે એવું કર્યું નથી કે એનો પુત્ર જે કંઇ ખોટ કરે તેની જવાબદારી તમારે ઉઠાવવાની હોય. એક સાચો કિસ્સો છે કે એક મિત્રના અવસાન પછી બીજા મિત્રે એની બધી જ આર્થિક જવાબદારીઓ
સ્વીકારી. મિત્રની જે મિલકત હતી તેની સાથે એને તો કશી લેવાદેવા નથી. કોઇ સમાન ભાગીદારી કે વાબદારી નહોતી જ. છતાં કેટલીક વાર માણસો આવા સ્નેહસંબંધોમાં આવી જવાબદારીઓ ઉઠાવે છે. બહુ જ નિકટના મિત્રની આર્થિક જવાબદારી માત્ર સ્નેહસંબંધને કારણે એને ઉઠાવવાની નથી જ. મિત્રની મિલકત એના વંશજો લઇ જાય અને આર્થિક જવાબદારી મિત્ર ઉઠાવે, માત્ર સ્નેહમાંથી ઊભી થયેલી લાગણીના કારણે જ. વ્યાવહારિક રીતે કે કાનૂની રીતે આવી કોઇ જવાબદારી એના માથે નથી. મરનાર માણસની સંપત્તિ એના વંશજોના અધિકારમાં ગઇ. મિત્રનો અધિકાર તો માત્ર તેની આર્થિક લેણદેણની જ જવાબદારી પોતાના માથે લેવા પૂરતો રહ્યો.

આમ જુઓ તો સ્નેહના નામે આ ખોટનો ધંધો જ કહેવાય છતાં માણસ માત્ર જૂના સંબંધની સગાઇને કારણે ખોટનો આ ધંધો કરે છે. આ સંસાર આર્થિક લેવડદેવડનો જ કારોબાર નથી પણ માણસ
માણસ વચ્ચેના સ્નેહ સંબંધનો કારોબાર છે,એટલે તો માણસને જીવન આટલું મીઠું લાગે છે. માત્ર વેપારી ગણતરીઓ ઉપર જ આ બધો કારોબાર ચાલતો હોત તો માણસ માણસ વચ્ચેના સંબંધની કોઇ મીઠાશ કે કોઇ ભીનાશ હોત નહિ.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.