Friday, October 19, 2012

ચક્રવર્તી પદ – ભાણદેવ

[‘અધ્યાત્મ-કથાઓ’ પુસ્તકમાંથી સાભાર.]
ક મહાન રાજા હતા. રાજા શૂરવીર અને સમર્થ હતા. રાજાના મનમાં એક મહત્વાકાંક્ષા હતી કે ચક્રવર્તી બનવું, ચક્રવર્તીપદ પ્રાપ્ત કરવું. રાજા શૂરવીર અને સમર્થ તો હતા જ. રાજાએ પોતાની મહત્વાકાંક્ષાની પૂર્તિ માટે એક વિશાળ સેના તૈયાર કરી. બધી તૈયારીઓ પરિપૂર્ણ કરીને શુભ મૂરત જોઈને પોતાની વિશાળ સેના, સેનાપતિઓ, અમાત્યો આદિને સાથે લઈને રાજાએ દિગ્વિજયયાત્રા માટે પ્રસ્થાન કર્યું. રાજા શૂરવીર અને સમર્થ હતા અને તેમના સેનાપતિઓ પણ વફાદાર તથા સમર્થ હતા. રાજાની સેનાને જીતી શકે તેવી કોઈ સેના કે રાજા તે કાળે હયાત હતો નહિ.

રાજાએ એક પછી એક રાજ્યો જીતવા માંડ્યા. કોઈ કોઈ રાજ્ય મેળવતાં યુદ્ધ થતું, પરંતુ અનેક રાજ્યો તો યુદ્ધ વિના જ શરણે થયા. આ રીતે રાજાની દિગ્વિજય યાત્રા ચાલુ રહી. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ, એમ ચારે દિશામાં રાજા પોતાની સેનાસહિત ફરી વળ્યા. ત્રણ વર્ષ સુધી રાજા આ રીતે દિગ્વિજય માટે જ ફરતા રહ્યા. આખરે રાજાએ દિગ્વિજય સિદ્ધ કર્યો. રાજા ચક્રવર્તી બન્યા. સર્વ રાજાઓએ રાજાને ચક્રવર્તી સમ્રાટ તરીકે સ્વીકારી લીધા. આખરે એક વિશાળ અને ભવ્ય કાર્યક્રમ ગોઠવીને રાજાનો ચક્રવર્તી સમ્રાટ તરીકે વિધિવત અભિષેક થયો. હવે આપણા આ રાજવી ચક્રવર્તી સમ્રાટ બન્યા. રાજાની જીવનભરની મહત્વાકાંક્ષા પરિપૂર્ણ થઈ.

તે કાળે એવો નિયમ હતો કે જે કોઈ રાજવી ચક્રવર્તી સમ્રાટ બને તેને મેરુ પર્વત પર પોતાનું નામ અંકિત કરવાનો અધિકાર મળે. આપણા આ રાજાએ ચક્રવર્તીપદ પ્રાપ્ત કર્યું છે, તેથી નિયમ પ્રમાણે તેને પણ મેરુ પર્વત પર પોતાનું નામ અંકિત કરવાનો અધિકાર મળ્યો. રાજાએ એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું. આપણા આ ચક્રવર્તી સમ્રાટ પોતાના પ્રધાનમંડળ અને સેનાપતિ તથા પુરોહિત સહિત યાત્રા કરતાં કરતાં આખરે મેરુ પર્વતની તળેટીમાં પહોંચ્યા. 

તેમણે પોતાની સાથે સારા શિલ્પકારને પણ લીધા હતા. ચક્રવર્તી સમ્રાટે પોતાના શિલ્પીને આજ્ઞા આપી – ‘મેરુ પર્વત પર ચક્રવર્તી સમ્રાટ તરીકે મારું નામ અંકિત કરો.’ શિલ્પકાર પોતાના ઓજારો લઈને મેરુ પર્વત પર ચડ્યા. તેઓ પોતાના ચક્રવર્તી સમ્રાટનું નામ અંકિત કરવા માટે મેરુ પર્વત પર યોગ્ય સ્થાન શોધવા લાગ્યા. પરંતુ આશ્ચર્યની વાત એમ હતી કે તેમને મેરુ પર્વત પર કોઈ ખાલી જગ્યા મળતી ન હતી. મેરુપર્વતની સપાટી પર ચારે બાજુ સર્વત્ર ઠાંસી ઠાંસીને નામો લખેલાં હતાં. કોઈ જગ્યાએ આપણા આ નવા ચક્રવર્તીનું નામ નાના અક્ષરે પણ લખી શકાય તેટલી ખાલી જગ્યા જ મળતી નથી. શિલ્પકાર તથા રાજાના અન્ય અનુચરોએ ખૂબ તપાસ કરી, પરંતુ મેરુ પર્વતની બધી જ સપાટી પર ખૂબ તપાસ કરવા છતાં તેમને એવું નાનું સરખું પણ ખાલી સ્થાન મળ્યું નહિ જ્યાં નવું નામ લખી શકાય.

મેરુ પર્વતની તળેટીમાં એક ઋષિનો આશ્રમ હતો. સમ્રાટ ચક્રવર્તી પોતાના સર્વ સાથીઓને સાથે લઈને તે ઋષિના આશ્રમમાં ગયા. ઋષિએ સમ્રાટ તથા તેમના સાથીઓનું સ્વાગત કર્યું. સૌએ આસન ગ્રહણ કર્યા. પછી ઋષિએ સમ્રાટને આગમનનું કારણ પૂછ્યું. સમ્રાટે ઋષિને કહ્યું :
‘મહારાજ ! હું ચક્રવર્તી સમ્રાટ બન્યો છું. પરંપરા પ્રમાણે મને મેરુ પર્વત પર મારું નામ અંકિત કરવાનો અધિકાર છે. અમે સૌ ચક્રવર્તી તરીકે મારું નામ અંકિત કરવા માટે જ અહીં આવ્યા છીએ. પરંતુ અમને જોઈને આશ્ચર્ય થયું કે આટલા વિશાળ અને ઉત્તુંગ મેરુપર્વત પર સર્વત્ર નામો અંકિત થયેલા છે અને મારું નામ અંકિત કરવા માટે એક તસુભાર સ્થાન પણ ખાલી નથી. હવે આપ જ કહો મારે શું કરવું ? આપ મને એ પણ કહો કે મેરુ પર્વત પર અંકિત કરેલા આ બધાં નામો કોના છે ?’

ઋષિએ રાજાને સસ્મિત ઉત્તર આપ્યો :
‘રાજન ! આ બધાં નામો ભૂતકાળમાં થઈ ગયેલા ચક્રવર્તી સમ્રાટોના જ છે.’
‘આટલા બધા ચક્રવર્તીઓ થઈ ગયા છે ?’
‘અરે રાજન ! આ નામોથી અનેકગણા, અગણિત સમ્રાટો આ ધરતી પર થઈ ગયા છે. સૌએ પોતાનાં નામો આ મેરુપર્વત પર કોતરાવ્યા છે.’
‘તો, ઋષિરાજ ! હવે ઉપાય શો છે ? હવે મારે મારું નામ અંકિત કરવું કેવી રીતે ?’
‘રાજન ! એ તો બહુ સહેલું છે. કોઈ પણ એક નામ કાઢી નાખો અને તમારું નામ કોતરાવી દો.’
‘તો, મહારાજ ! આ જ સુધીમાં આ પહેલાં અનેક ચક્રવર્તીઓના નામ ભૂંસાઈ ગયા હશે ને !’
‘અરે, રાજન ! આ પૃથ્વી પર એટલા ચક્રવર્તીઓ થઈ ગયા છે કે આ મેરુ પર્વત પર અગણિત વાર નામો ભૂંસાઈ ગયા છે અને નવાં નવાં નામો અંકિત થતાં રહ્યાં છે.’
‘ઋષિરાજ ! જેમ અનેકવાર નામો ભૂંસાઈ ગયા છે. અને જેમ હું કોઈનું નામ ભૂંસીને મારું નામ અંકિત કરું તેમ મારું પણ નામ ભૂંસાઈ જશે ને !’
‘હા, રાજન ! નામ ભૂંસાવાની અને અંકિત કરવાની આ પ્રક્રિયા તો સતત ચાલુ જ છે. કાળના પ્રવાહમાં કશું જ અચળ નથી. આ મેરુ પર્વત પર અગણિત નામો લખાયા છે અને અગણિત નામો ભૂંસાયા છે. તેનો કોઈ હિસાબ નીકળી શકે તેમ નથી.’


ચક્રવર્તી સમ્રાટ થવાનો રાજાનો ઉત્સાહ ઓસરી ગયો. મેરુ પર્વત પર પોતાનું નામ અંકિત કરવાનો રાજાનો ઉમંગ પણ ઓસરી ગયો. રાજા મેરુપર્વત પર પોતાનું નામ લખાવ્યા વિના જ પોતાના સાથીઓને સાથે લઈને પાછા ફર્યા ! 

આ અસ્તિત્વ અપરંપાર છે અને કાળ તો અનંત છે. આ અફાટ દેશ અને કાળની કલ્પનાતીત વિશાળતાનો વિચાર કરીએ તો સમજાય કે આપણે કોણ છીએ ? જે પૃથ્વીના પ્રમાણમાં આપણે મગતરા જેવા છીએ, તે પૃથ્વી પણ અસ્તિત્વના સાગરમાં રેતીના એક કણ સમાન પણ નથી. ચક્રવર્તીપદને મહાન ગણનાર અને જીવનભર ચક્રવર્તી સમ્રાટ બનવાની મહત્વાકાંક્ષા સેવનાર ડાહ્યો રાજવી આખરે સમજ્યો કે જે પદને પોતે આટલું મહાન ગણ્યું તે પદ પણ સમગ્રના સંદર્ભે કેટલું તુચ્છ છે, કેટલું નગણ્ય છે ! અસ્તિત્વની આ અફાટ વિશાળતા અને કાળની ગણનાતીત ગતિશીલતાનું ચિંતન માનવીને પોતાના યથાર્થ સ્વરૂપનું ભાન કરાવે છે અને એથીયે વિશેષ તો સાચી નમ્રતા શીખવે છે.

મેરુ પર્વતની વિશાળતાનો પાર નથી અને તો યે તેના પર ચક્રવર્તીનું નામ લખવા માટે તસુભર ખાલી જગ્યા નથી. આવા નામો અગણિત વાર લખાયા છે અને અગણિત વાર ભૂંસાયા છે ! જો આમ જ છે તો કોઈ ચક્રવર્તી મેરુ પર્વત પર પોતાનું નામ અંકિત કરે કે ન કરે, તેથી શું ફેર પડે છે ! અને કોઈ માનવી ચક્રવર્તી બને કે ન બને, તેથી પણ શો ફેર પડે છે ! દેશ અને કાળની અફાટ વિશાળતા પર દષ્ટિ કરો અને આપણા જીવનના યથાર્થ સ્વરૂપને ઓળખી લો !

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.