[‘અહં હાસ્યાસ્મિ’ પુસ્તકમાંથી સાભાર.]
વૅકેશન ટૂરમાં આપણે કુલુ-મનાલી જઈએ એટલે શરૂઆતનાં પાંચ-સાત દિવસ તો યાહુ યાહુ થઈ જઈએ. મોટેથી બબડીએ પણ ખરાં કે કા…યમ આમ જ ઘરની બહાર રહીને લહેર કરવાની હોય તો કેવા જલસા પડી જાય ! પણ અઠવાડિયા પછી ધીરે ધીરે અહખ થવા માંડે. રસોડું ને પાણિયારું યાદ આવવા માંડે. કામવાળીનો કકળાટ અને ઑફિસનો બોસ યાદ આવવા માંડે.
એવું જ આઝાદી પછી થયું. સ્વતંત્રતાનો સૂપ પી લીધા પછી ફરી ગુલામીની ભૂખ ઊઘડી. પણ હવે અંગ્રેજોને ગોતવા ક્યાં ! અને તેઓશ્રી ફરી પાછા આપણને ગુલામ તરીકેય રાખશે કે કેમ, એ બાબતે પણ શંકા હતી. એટલે પછી માણસોએ જાતે જ જાતજાતનાં બંધનો શોધી કાઢ્યાં. કોઈ ધર્મના બંધનમાં બંધાયા તો કોઈ વિચારોના બંધનમાં બંધાયા. કોઈ સ્વભાવના બંધનમાં તો કોઈ સગવડના બંધનમાં. કોઈ પ્રેમના બંધનમાં બંધાયા તો કોઈ પૈસાના બંધનમાં બંધાયા. આમ દરેકે પોતપોતાનાં સ્વતંત્ર બંધનો ઊભા કર્યાં ત્યારે હાશકારો થયો !
આ બધા પાછા બંધનોનુંય ગૌરવ લે ! હું…..ઉં….ઉં….તો પાંચના ટકોરે ઊઠી જ જાઉં ! નવના ટકોરે સૂઈ જવાનું એટલે સૂઈ જ જવાનું. એને ટકોરાનુંય બંધન અને બંધનનુંયે ગૌરવ ! ઊઠ્યા પછી હરામ છે, ઉલ્લેખ કરવા જેવું એકેય કામ મૂળચંદ કરતો હોય ! ઈ જાગવા માટે જ ઊંઘતો હોય, અને ઊંઘવા માટે જ જાગતો હોય એવું લાગે આપણને ! આમ કેટલાંક ચુસ્ત નિયમિતતાના સ્વભાવવાળા હોય, તો કેટલાક વળી આજીવન બાધાઓમાં બંધાયેલા રહે. દૂધ, ઘી અને ગોળ ભગવાને બધા લેવા માટે જ બનાવ્યાં હોય એમ એનો ખાવા કરતાં તો બાધામાં વધારે ઉપયોગ કરે !
કેટલાંક વળી વિચારોના બંધનમાં અટવાયા કરે ! એમને બીમારી જ વિચારવાયુની. ઈ આખો દિવસ એમ જ વિચારતા હોય કે લોકો મારા માટે શું વિચારતાં હશે ! અબે, વાયુ કી ઔલાદ, લોકો પાસે સ્વવિચાર માટેય સમય નથી એ તારા વિચાર માટે સમય વેડફતા હશે ? આમ એના વિચારોય આપણને વાયુ કરે એવા હોય. ધર્મના બંધનમાં બંધાયેલા તો વળી એરટાઈટ ચુસ્ત હોય ! ‘હું તો નાહ્યા વગર માટલાને ન અડું !’ જાણે માટલું એના સ્પર્શ વગર મુરઝાઈ જવાનું હોય ! અરે, માટલું તો તારા કરતાંય ચુસ્ત છે બેની ! ઈ’તો તું નહાઈ હોય તોય તને ન અડે, શું ?
જે નહાયા વગર માટલાને ન અડે એ નહાયા વગર ખાય-પીવે તો શાનાં ? મારું ઊંધું છે. હું ખાધાપીધા વગર નહાતી નથી. અને મારો આવો ચુસ્ત અધર્મ જાણ્યા પછી ચુસ્તધર્મીઓ હવે નહાયા પછી મારું મોઢું જોતાં નથી બોલો ! મારે કેટલી શાંતિ ! પ્રેમ એકમેકને બાંધી રાખે છે, પણ પ્રેમનું બંધન ન હોવું જોઈએ. ‘દેવદાસ’ એ પ્રેમના બંધનનું વરવું દષ્ટાંત છે. એક ‘પારો’ના જ પ્રેમના બંધનમાં બંધાયો એમાં દારૂ પીને સડી જવાનો વારો આવ્યો. ‘બંધાય એ ગંધાય’ એના કરતાં ‘જબ ભી કોઈ લડકી દેખું…’ જેવું રાખ્યું હોત તો દેવદાસને દારૂનો ખર્ચો અને જિંદગી બેય બચી જાતને ?! ખૈર, પ્રેમના બંધન કરતાંય પૈસાનું બંધન ખતરનાક છે. મારું ચાલે તો હું બધી બૅન્કોને ટેન્કોથી ઉડાડી દઉં ! બૅન્કોએ જ વહેતા પૈસાને રોકી દીધા છે. માણસ પાણીપૂરી ખાવા માટેય એફ.ડી. પાકવાની રાહ જુએ ! ફિક્સ પાકે એ પહેલાં તો ગંગાજળનો ઘરાક થઈ જાય !!! માણસે સુખ માટે સગવડો ઊભી કરી અને પછી સગવડનો ગુલામ થઈ ગયો. શિયાળામાં હીટર-ગીઝરનું બંધન અને ઉનાળામાં કૂલરનું બંધન.
જગતમાંથી એક આઝાદ વ્યક્તિ શોધી આપનારને મારા બધા રીસર્ચ પેપર ફ્રીમાં આપ્યા બોસ, જાવ ! કારણ કે આઝાદ તો કોઈ પણ દેશ જ થાય છે, દેશવાસી નહીં ! ગુલામ દેશ સ્વતંત્ર થાય તો અલગ બંધારણની જોગવાઈ કરે છે. બંધારણ શબ્દ જ બંધનનું એંધાણ આપે છે ! એક સાદી જ વાત લો ને ! આપણે આઝાદ થઈ ગયા છીએ એ રીમાઈન્ડ કરાવવા વર્ષમાં બે દિવસ રજા આપવામાં આવે છે, પણ ખુદ સ્વાતંત્ર્યદિને જ ‘ધ્વજવંદન’નું બંધન હોય છે ! ફિલ્મ ‘ખૂબસૂરત’નું એક ખૂબસૂરત ગીત છે : ‘સારે નિયમ તોડ દો, નિયમ પે ચલના છોડ દો…’ ઈન્કલાબ ઝિંદાબાદ, ઈન્કલાબ ઝિંદાબાદ ! ઝંડો ડંડાના બંધનમાંથી મુક્ત થાય છે ત્યારે જ લહેરાઈ શકે છે. બંધાયેલો હોય ત્યાં સુધી નહીં !
‘મન ભી તુમ્હારા હૈ, વિચાર ભી તુમ્હારે હૈ,
પૈસા ભી તુમ્હારા હૈ, દિલ ભી તુમ્હારા હૈ
ઈન પર કિસીકી હુકૂમત નહીં ચલતી,
ખુદકી હુકૂમત ઉઠા દો ઔર એશ કરો !’
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.