Wednesday, October 31, 2012

સરદાર વલ્લભભાઈ-વીર વિઠ્ઠલભાઈ પટેલ મેમૉરિઅલ – મૃગેશ શાહ



પ્રવાસ માટેનો ઉત્તમ સમય એટલે ઉનાળુ વેકેશન. આ દિવસોમાં મોટાભાગના પરિવારો નાના-મોટાં પ્રવાસોનું આયોજન કરતાં હોય છે. આ આયોજનોમાં વોટરપાર્ક અને સાયન્સ સીટીનો સમાવેશ થતો હોય છે. મનોરંજન અને જ્ઞાન-વિજ્ઞાનના હેતુથી આપણે આ પ્રકારના સ્થળોની મુલાકાત લઈએ તે સારું છે પરંતુ ક્યારેક સાવ જુદા પ્રકારના પ્રવાસનું આયોજન કરીને આપણી અગાઉ થઈ ગયેલા ઉત્તમ મહાપુરુષોના જીવનમાં ડોકિયું કરવાની તક ઝડપી શકાય છે. એ રીતે આપણે આપણાં બાળકોને ઉત્તમ ચારિત્ર્યના પાઠ શીખવી શકીએ છીએ. આપણી આસપાસના પ્રદેશમાં થઈ ગયેલા મહાન માનવીઓના જીવન વિશે તો આપણે નજીકથી જાણવું જ જોઈએ.

સ્વાતંત્ર્ય સંગ્રામમાં જેમનું અપ્રતિમ યોગદાન છે એવા ભારતના લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ કરમસદ, આણંદથી આશરે સાત કિ.મી.ના અંતરે આવેલી છે. ત્યાંના ‘સરદાર વલ્લભભાઈ પટેલ – વીર વિઠ્ઠલભાઈ પટેલ મેમૉરિઅલ’ની મેં લીધેલી તાજેતરની મુલાકાત વિશે આજે વાત કરવી છે.

સરદારની જીવનકથા ‘બરફમાં જ્વાળામુખી’ લખનાર સાહિત્યકાર શ્રી મહેશભાઈ દવે લખે છે કે લાક્ષણિક ભારતવાસી તરીકે મોટા થવું હોય તો ગામડામાં ઊછરવું જોઈએ. ભારત ગામડામાં વસે છે, શ્વસે છે. આજે પણ કરમસદ જાઓ તો ગામડાની ફોરમથી આંખ-નાક ભરાઈ જાય, હૈયું ઊભરાઈ જાય, તળપદો પ્રેમ સમજાઈ જાય. આજથી દોઢસો વર્ષ પહેલાં તો કરમસદ સાવ ગોકુળિયું. ખુલ્લાં ઘર, ફળિયાં ને ખેતરની વિશાળ મોકળાશ. કોઈ બહુ અમીર નહીં, કોઈ સાવ કંગાળ નહીં; ન કોઈ મોટું, ન કોઈ છોટું. બધાં સરખેસરખાં. છોકરાં સરખે-સરખાં થઈને રમે, ભમે, ઝઘડે; આંબા-આંબલી ચડે, પડે; એકબીજાને તળાવમાં ધકેલે, એકબીજાને કામમાં હાથ દે; ખડખડાટ ખુલ્લું હસે અને હસાવે. છલક છલકાતું ઉલ્લાસ અને ઉત્સાહનું તંદુરસ્ત અને મનદુરસ્ત વાતાવરણ. આવા ગ્રામ-પરિવેશમાં વલ્લભભાઈનું અહીં ઘડતર થયું….’ વલ્લભભાઈ અહીં સાત ચોપડી સરકારી શાળામાં ભણ્યા. એ પછી તેઓ પેટલાદ ભણવા ગયા. આ ભૂમિમાં રહીને તેમનામાં કૂશળ નેતાગીરીનું સિંચન થયું. તેઓ સ્પષ્ટ અને ધારદાર વક્તા તથા ઊંડી કોઠાસૂઝ ધરાવનાર વિરલ માનવી બન્યા. સ્વતંત્ર ભારતના નિર્માણ માટે અદ્વિતિય કાર્ય કર્યું. તેઓ નાનામાં નાના માણસની સંભાળ રાખવાનો ખૂબ પ્રયત્ન કરતા. ખેડૂતો અને સામાન્ય માણસોના હક માટે તેમણે અને તેમના ભાઈ શ્રી વીર વિઠ્ઠલભાઈએ આજીવન કામ કર્યું. શ્રી વીર વિઠ્ઠલભાઈ સ્વતંત્ર ભારતના પ્રથમ સ્પીકર હતા. તેઓ બે વખત મુંબઈના મેયર પદે રહી ચૂક્યા હતાં. સ્વતંત્રતાની ચળવળમાં તેમણે આપેલું યોગદાન આ ભૂમિને ગૌરવ અપાવે એવું છે.

આ ભૂમિમાં જન્મેલા આ બંને મહાનુભાવોની સ્મૃતિમાં કંઈક બનવું જોઈએ – એવો વિચાર કરીને સૌપ્રથમ 1964માં શ્રી મોરારજીભાઈ દેસાઈ, બળવંતરાય મહેતા, ત્રિભુવનદાસ પટેલ તથા ડાહ્યાભાઈ વલ્લભભાઈ પટેલની અધ્યક્ષતામાં કરમસદ ખાતે ‘સરદાર વલ્લભભાઈ પટેલ મેમૉરિઅલ ફંડ’ની રચના કરવામાં આવી. એ પછી મોડેથી શ્રી એચ. એમ. પટેલ અને ઉદ્યોગપતિ શ્રી જે.વી. પટેલની હાજરીમાં એક જુદા ટ્રસ્ટની રચના કરવામાં આવી, તેને ‘સરદાર પટેલ ટ્રસ્ટ’ એવું નામ અપાયું. તેની રચના 1975માં થઈ. શ્રી એચ.એમ. પટેલ કહેતા કે વીર વિઠ્ઠલભાઈ અને વલ્લભભાઈનું યોગદાન ભૂલાઈ જવું ન જોઈએ અને તેથી જ આ બંને ભાઈઓનું સંયુક્ત મેમૉરિઅલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ માટે કરમસદની મ્યુનિસિપાલિટીએ ચાર એકર જમીન આપી. અન્ય વધુ જમીન ટ્રસ્ટે સંપાદિત કરી. જમીન મળ્યા બાદ સૌપ્રથમ આખો પ્લોટ એકથી છ ફૂટ ઊંચો લેવામાં આવ્યો. મેમૉરિઅલનું બાંધકામ જમીન કરતાં સાત ફૂટ ઊંચું રાખવામાં આવ્યું જેથી પ્રવેશદ્વારથી તે સ્પષ્ટ રીતે જોઈ શકાય. તેની બંને બાજુ વિશાળ ઉદ્યાનની રચના કરવામાં આવી. આ રીતે તૈયાર થયેલા મેમૉરિઅલને શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની 125મી જન્મજયંતિના રોજ તા. 11 એપ્રિલ, 2000ના દિવસે ભૂ.પૂ.વડાપ્રધાન શ્રી અટલ બિહારી બાજપેયીના હસ્તે રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું.









આ વિશાળ મેમૉરિઅલના મુખ્ય દરવાજે પગ મૂકતાં જ ચોતરફ ફેલાયેલી લીલોતરી આંખોને ઘેરી વળે છે. સુંદર મજાના નાળિયેરીના વૃક્ષો, ગુલમહોર અને વિવિધ રંગના ફૂલોથી આખું પરિસર મઘમઘે છે. વૃક્ષની છાયામાં નાનકડા સ્પીકરો લગાડવામાં આવ્યા છે, જેમાંથી આશ્રમ ભજનાવલિના પદોનું સંગીત રેલાય છે. બંને તરફ ફેલાયેલા આ બગીચાની વચ્ચે રંગીન ફુવારો છે. મેમૉરિઅલમાં પ્રવેશ કરતાંની સાથે જ સરદાર વલ્લભભાઈ અને વીર વિઠ્ઠલભાઈના ફૂલોથી સુશોભિત બાવલાં નજરે ચઢે છે. તેની જમણી બાજુ વિશાળ ઓડિટોરિયમ આવેલું છે. આ ઓડિટોરિયમની બાંધણી વિશિષ્ટ પ્રકારની છે. આશરે 510 માણસો બેસી શકે તેવા આ ઓડિટોરિયમમાં અનેક વક્તવ્યો અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે. અત્યાધુનિક ઓડિટોરિયમમાં પ્રોજેક્ટરની પણ વ્યવસ્થા છે. આ જ ઓડિટોરિયમની પાછળ સેમિનાર રૂમ આવેલો છે. જેમાં આશરે 50 વ્યક્તિઓ એક સાથે મિટિંગ કરી શકે તેવી સુવિધા છે. સ્મારકની ડાબી તરફથી ગોળાકારે આખા હોલમાં શ્રી વલ્લભભાઈ અને શ્રી વિઠ્ઠલભાઈના જીવનની ઝાંખી કરાવતા ફોટોગ્રાફ્સનું પ્રદર્શન જોવા મળે છે. તેમાં મુખ્યત્વે તેમનું બાળપણ, પરિવારજનો સાથેનું કૌટુંબિક જીવન તથા ગાંધીજી સાથેના સ્વાતંત્ર્ય સંગ્રામની ઝાંખી થાય છે. જન્મથી લઈને અંતિમ દર્શન સુધીના તેમના ઘણા દુર્લભ કહી શકાય તેવા ફોટાઓ અહીં જોવા મળે છે. વલ્લ્ભભાઈના પૂર્વજોની વંશાવલિ જોઈ શકાય છે. આ રીતે વલ્લભભાઈના અંગત જીવનનો ઘણો પરિચય મળી રહે છે.




આ મેમૉરિઅલમાં ‘મ્યુઝિયમ’નો એક અલગ વિભાગ ઊભો કરવામાં આવ્યો છે. તેમાં વલ્લભભાઈ જે જે વસ્તુઓ વાપરતાં હતાં તે અમૂલ્ય ચીજવસ્તુઓને સંગ્રહિત કરવામાં આવી છે. આ ચીજવસ્તુઓમાં તેમનાં પગરખાં, ખડિયો-કલમ, હસ્તલિખિત પત્રો વગેરેનો સમાવેશ થાય છે. વલ્લભભાઈના પિતાશ્રી ચૂસ્ત સ્વામીનારાયણ ધર્મ પાળતાં હતાં. વલ્લભભાઈને તેમના પિતાશ્રીએ ભેટ આપેલ ગ્રંથને અહીં સાચવવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમના નામે પ્રકાશિત થયેલ ટપાલ ટિકિટ તથા અન્ય ચીજવસ્તુઓ અહીં જોવા મળે છે. શ્રી વલ્લભભાઈને અપાયેલ ભારત-રત્ન એવોર્ડ તથા લોર્ડ માઉન્ટબેટને તેમને આપેલ ટી-સેટ જોઈ શકાય છે. આ ઉપરાંત, વલ્લભભાઈએ ભારતના બંધારણ પર સહી કરતી વખતે જે શાલ ઓઢી હતી તે અહીં મૂકવામાં આવી છે. આ શાલ શ્રી વલ્લભભાઈના પૌત્ર શ્રી બીપીનભાઈ. ડી. પટેલ દ્વારા ‘સરદાર પટેલ ટ્રસ્ટ’ને સુપ્રત કરવામાં આવી છે. તેઓ કાંતતા હતા તે રેંટિયો અહીં મૂકવામાં આવ્યો છે. ભારત સરકારે નમૂનારૂપ તૈયાર કરેલ 100રૂ. અને 50 રૂ.ના સિક્કાઓ તથા 1947માં ટાઈમ મેગેઝિને સરદારશ્રીના વિશે પ્રકાશિત કરેલ વિશેષ લેખ અહીં જોઈ શકાય છે.





અહીં પુસ્તક વેચાણ કેન્દ્ર છે જેમાં સરદારશ્રીના જીવન વિશે તથા અન્ય મહાપુરુષોના જીવનકાર્ય વિશેના પુસ્તકો મળી રહે છે. મેમૉરિઅલની ભોંયતળિયે વિશાળ લાઈબ્રેરી છે જેમાં તમામ નવા સામાયિકો અને ‘ગાંધીજીનો અક્ષરદેહ’ જેવા જરૂરી પુસ્તકો ઉપલબ્ધ છે. અભ્યાસુઓ, જિજ્ઞાસુઓ, વિદ્યાર્થીઓ કે સંશોધકો તેનો ઉપયોગ કરી શકે છે. અહીં પ્રોજેક્ટર દ્વારા વલ્લભભાઈના જીવન વિશેની 30 મિનિટની ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બતાવવામાં આવે છે.

આમ, કરમસદ ખાતે આવેલું આ મેમૉરિઅલ ખરેખર જોવાલાયક છે. ખાસ કરીને, બાળકો-કિશોરો ટીવી પર પેસિફિક મહાસાગરની માછલીઓ જોઈને કોરું જ્ઞાન વધારવાને બદલે ઋષિકર્મ કરનાર આવા મહાનુભાવોના જન્મસ્થાનની મુલાકાત લેશે અને તેમના જીવનકર્મને નજીકથી જોશે તો જીવનમાં પોતાનો આદર્શ નક્કી કરી શકશે. આપણે સૌ વિવિધ પ્રવાસોની સાથે ક્યારેક આ રીતે મહાનુભાવોના જન્મસ્થાનની મુલાકાત લેવાનું શરૂ કરી શકીએ તો કેટલું સારું !
આ સ્થળની મુલાકાત લેવા માટે સંપર્કની વિગત  આ પ્રમાણે છે :
સરદાર વલ્લભભાઈ પટેલ અને વીર વિઠ્ઠલભાઈ પટેલ મેમૉરિઅલ
આણંદ-સોજિત્રા રોડ,
શ્રી કૃષ્ણ હોસ્પિટલની પાસે,
કરમસદ-388325.
ફોન : +91 2692 223005 / 223006
વેબસાઈટ : www.sardarpateltrust.org

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.