[‘ચાલો ભગવાનને મળવા જઈએ’ પુસ્તકમાંથી સાભાર.]
કર્મ કેવાં હોવાં જોઈએ ?
સાધના માટે કોઈ વિશિષ્ટ કર્મોની આવશ્યકતા નથી. જે કંઈ કર્મો કરવાના છે, એ બધાં જ સાધનાના ભાગ રૂપે બની શકે છે. આધ્યાત્મિક દષ્ટિએ કાર્યોમાં કોઈ ભેદ નથી. કોઈ કામ નાનું નથી કે કોઈ કામ મોટું નથી. જોડા સીવવા કે જાજરૂ સાફ કરવું એ હલકું કામ છે, અને ચિત્રો દોરવા, કવિતા લખવી, ભાષણ કરવું એ મહાન કામ છે, એવા ભેદ આધ્યાત્મિક વલણમાં હોતા નથી. એમાં બધાં કાર્યો સમાન છે. અને દરેક કાર્ય વ્યક્તિને તેની પોતાની સર્વોચ્ચ કક્ષાએ લઈ જઈ શકવા સમર્થ છે. પણ તે પરિપૂર્ણતાની ભાવનાથી કરવામાં આવતું હોવું જોઈએ. કાર્યો પાછળની ભાવના જ અગત્યની છે. જો પ્રભુને અર્પણરૂપે કાર્ય કરવામાં આવે તો તે કાર્ય લોકોની દષ્ટિએ ગમે તેટલું હીન કેમ ન હોય, તો પણ તે ઉચ્ચત્તર જ્ઞાનનું વાહક બની શકે છે. વ્યક્તિને તેની સામાન્ય ચેતનામાંથી વિશાળતર ચેતનામાં લઈ જઈ શકે છે.
સાધનાની દષ્ટિએ કાર્ય કેવી રીતે કરવું જોઈએ ?
સામાન્ય રીતે બધાં જ મનુષ્યોને એક યા બીજા પ્રકારનાં કાર્યો તો કરવાં જ પડે છે. કેટલાક તો જીવનના છેલ્લા શ્વાસ સુધી કાર્યો કરતાં જ રહે છે. પણ બધાંને કંઈ કાર્યો દ્વારા ઈશ્વરપ્રાપ્તિ થતી નથી. કેમકે એમનું કાર્ય કરવા પાછળનું ધ્યેય ધન, કીર્તિ-પ્રતિષ્ઠા, ભૌતિક સુખ સમૃદ્ધિની પ્રાપ્તિનું હોય છે. એટલે સખ્ખત કામ કરતા હોય છે. પણ ભગવાનને માટે કામ કરનારા તો લાખોમાં થોડા જ હોય છે. જેઓ ભગવાનને માટે કામ કરે છે, તેમને ભગવાન મળે છે, એટલું જ નહીં પણ ભગવાનનું સઘળું ઐશ્વર્ય પણ મળે છે ! તો ભગવાનને મેળવવા માટે જે કામ કરવાનું છે તે કેવી રીતે કરવું જોઈએ ?
[1] સાચી રીતે કામ કરવું જોઈએ :
સામાન્ય રીતે માણસો કામ કરવું પડતું હોય છે, એટલે કામ કરતા હોય છે. ઉતાવળે પૂરું કરીને પછી એમાંથી જલદી છૂટી જવાય એ ભાવનાથી કરતા હોય છે. પરાણે કરતા હોય છે. ફરજ પડે એટલે કરતા હોય છે. આથી જેમ તેમ પતાવી દેવા માટે કરતા હોય છે. આવું કામ એમને બોજારૂપ અને ભારરૂપ લાગતું હોય છે. એમાં એમને આનંદ આવતો નથી. વેઠ જેવું લાગતું હોય છે. આવી રીતે કામ કરવાથી મનુષ્યની ચેતના નીચે ઊતરે છે. આવી રીતે કરેલા કામથી ભારે થાક લાગે છે. કંટાળો આવે છે. અણગમો ઉપજે છે. પરિણામે તેનો સ્વભાવ પણ ચિડિયો થઈ જાય છે. વાતવાતમાં ગુસ્સો આવે છે. વ્યક્તિની પ્રગતિ પણ રૂંધાઈ જાય છે. આંતરિક વિકાસની વાત તો બાજુએ રહી, પણ બાહ્ય વિકાસે ય થતો નથી. જો કાર્યને સાધનાના ભાગરૂપે બનાવવું હોય તો એ કાર્ય સાચી રીતે કરવું જોઈએ. તો પ્રશ્ન થાય છે કે સાચી રીત એટલે શું ? સાચી રીત એટલે શક્ય તેટલી ઉત્તમોત્તમ રીતે કામ કરવું જોઈએ. શ્રીમાતાજી કહે છે કે, ‘જો તમારે ઓરડો વાળવાનો હોય તો તમે ઓપરેશન થિયેટર સાફ કરી રહ્યા છો, એટલી કાળજીથી સાફ કરવો જોઈએ.’ કોઈ પણ કામ સંપૂર્ણ નિષ્ઠાથી અને દિલ રેડીને કરવું જોઈએ. આવી રીતે કામ કરવાથી ખૂબ ઝડપી પ્રગતિ થઈ શકે છે. શ્રીમાતાજી કહે છે કે, ‘તમે ધ્યાનમાં જેટલી પ્રગતિ કરો છો, તેના કરતાં દશગણી વધારે પ્રગતિ સાચી રીતે કામ કરવાથી કરી શકો છો.’ કેમકે સાચી રીતે કામ કરવાથી ચિત્તશુદ્ધિ ઝડપથી થાય છે. ચેતનાનો વિકાસ પણ ઝડપી બને છે.
[2] પૂર્ણતા માટે કાર્ય કરવું જોઈએ :
સાધનાની દષ્ટિએ કાર્ય પાછળ કઈ ભાવના રહેલી છે, એ મહત્વનું છે. પૂર્ણતાની પ્રાપ્તિ માટેની જો કાર્ય પાછળની ભાવના હોય તો નાનામાં નાના કાર્ય દ્વારા પણ વ્યક્તિની પૂરેપૂરી ચેતના અભિવ્યક્ત થાય છે અને તે રીતે તેની ચેતનાનો ઉત્તરોત્તર વિકાસ થાય છે. એ કાર્યો દ્વારા વિકાસ પામતી જતી ચેતના વિશાળતર બનીને ભાગવત ચેતના સાથે તદ્રુપ બને છે. દરેક કાર્ય પૂર્ણતાને વ્યક્ત કરે એ રીતે કરવામાં આવે તો પરમાત્મા પૂર્ણ છે, અને તેઓ કાર્ય દ્વારા અભિવ્યક્ત થઈને વ્યક્તિની સમગ્ર ચેતનાને આવરી લે છે. શ્રીમાતાજી કહે છે કે દરેક કાર્યમાં તમારે સ્વચ્છતા, સુંદરતા, સંવાદિતા અને સંયોજનનું પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ. પૂર્ણતાની અભિવ્યક્તિ માટે કરવામાં આવેલાં કાર્યો દ્વારા વ્યક્તિ પોતે જ પૂર્ણતા પ્રત્યે ખુલ્લી થવા લાગે છે અને ઊર્ધ્વ શક્તિઓના સંપર્કમાં આવે છે અને કર્મો પછી એના માટે પૂર્ણ એવા ભગવાનનું અનુસંધાન કરાવનાર બની રહે છે.
[3] કાર્યો અર્પણ રૂપે કરવાં જોઈએ :
સાધનામાં કાર્યનો પ્રકાર મહત્વનો નથી. પણ તે કઈ ચેતનામાંથી કરવામાં આવે છે અને કઈ ભાવનાથી કરવામાં આવે છે, તે મહત્વનાં છે, એક જ પ્રકારનું કાર્ય હોય પણ જો વ્યક્તિ સામાન્ય ભૂમિકા પરથી કરી રહી હોય તો તે બોજારૂપ લાગે છે, પણ જો તે પ્રભુને અર્પણ કરવા માટે કરી રહી હોય તો તે કાર્ય તેને પ્રભુના સાંનિધ્યમાં મૂકી આપે છે. કેમકે કાર્ય કરતી વખતે તેના મનમાં પ્રભુનું સ્મરણ હોય છે કે આ કામ હું પ્રભુને અર્પણ કરવા કરું છું. એટલે કાર્ય દ્વારા સૂક્ષ્મ રીતે તે પ્રભુની સાથે સંકળાઈ જાય છે. કાર્ય કરતી વખતે બધો જ વખત તે પ્રભુ માટે છે – એની યાદ રહેતાં તેની સામાન્ય ચેતનાની સ્થિતિ જ બદલાઈ જાય છે. આમ કાર્ય તેને પ્રભુની સમીપ લઈ જાય છે. શ્રી અરવિન્દ કહે છે કે, ‘ભગવાનને માટે કરેલું બધું જ કામ સંગીતથી માંડીને સુથારીકામ, રસોઈ કે ઝાડુ વાળવાનું કામ સુદ્ધાં તેની નાનામાં નાની બાહ્ય વિગતમાં તેમ જ તે જે ભાવથી કરવામાં આવે છે, તે ભાવમાં પૂર્ણ કરવું જોઈએ. એવું જ કામ અર્પણ રૂપ બની શકે છે.’ પ્રભુને નિવેદન કરીને, કાર્ય માટે તેમની પ્રેરણાશક્તિની અભીપ્સા કરીને, પછી કામ કરવામાં આવે અને તે કાર્ય અર્પણ રૂપે કરવામાં આવે તો એ કાર્ય દ્વારા વ્યક્તિને પ્રભુનું સાન્નિધ્ય સાંપડે છે.
[4] કાર્યો એકાગ્રતાપૂર્વક કરવાં જોઈએ :
સામાન્ય રીતે મનુષ્ય કાર્ય કરે છે, ત્યારે તે હાથથી કામ કરતો હોય છે, પણ એનું મન તો બીજે ભટકતું હોય છે. વેરવિખેર થયેલી તેની ચેતનાથી જે કામ કરવામાં આવે છે તે કામ સારાં થતાં નથી. તેથી તેનો થાક લાગે છે. કંટાળો આવે છે. શ્રી માતાજી કહે છે કે જ્યારે તમે કામ કરતાં હો, ત્યારે તમારે સંપૂર્ણપણે એ કાર્યમય જ બની રહેવું જોઈએ. તે સમયે મનમાં બીજી કોઈ યોજનાઓ ઘડાતી ન હોવી જોઈએ. તમારી ચેતનાની ઊંચામાં ઊંચી ભૂમિકા પર રહીને કાર્ય પૂરું કરવું જોઈએ. એકાગ્રતાપૂર્વક કામ કરવાથી સમય અને શક્તિ બંને બચે છે. કાર્યમાં મગ્ન થવું અને તે દ્વારા સાચી ચેતનાને વ્યક્ત કરવી એ પણ એક પ્રકારનું ધ્યાન જ છે. વળી કામ કરતાં કરતાં જ મનુષ્ય નિ:સ્વાર્થતા, આજ્ઞાધીનતા, શિસ્ત, સંવાદિતા, ધીરજ, સહિષ્ણુતા, સત્ય માટેની જાગૃતિ અને પરિપૂર્ણતાની ભાવનાનો વિકાસ આ બધું સહજ રીતે પ્રાપ્ત કરે છે. ભગવાનને માટે કરવામાં આવતાં કાર્યોથી તો ભગવાનની વિશિષ્ટ શક્તિઓ તો મળે જ છે, પણ પછી ભગવાન સ્વયં પણ મળે છે.
[5] અનાસક્ત ભાવે કર્મો કરવાં જોઈએ :
સામાન્ય રીતે મનુષ્યોને કર્મ પ્રત્યે આસક્તિ હોય છે, એટલે કે ‘આ કામ મારું છે, એ મેં કર્યું છે !’ એવી ભાવના હોય છે. તેથી એ કર્મો બંધનરૂપ બની જાય છે. તેના સારાં-માઠાં ફળ પણ ભોગવવાં પડે છે. પણ કર્મોનો ત્યાગ કરવાનો નથી. કર્મો છોડી દેવાના નથી. પણ કર્મો પ્રત્યે જે લગાવ રહેલો છે, ફળપ્રાપ્તિની જે ઈચ્છા રહેલી છે, તેનો ત્યાગ કરવાનો છે. ભગવાનને અર્પણ રૂપે જ જો કાર્યો કરવામાં આવતાં હોય તો પછી તેમાં આસક્તિ રહેતી નથી. કેમકે જે કંઈ કરવામાં આવે છે. તે સઘળું કાર્ય ભગવાનને જ અર્પણ કરી દેવામાં આવે એટલે પછી તેનાં ફળની આકાંક્ષા પણ રહેતી નથી. પણ એ સ્થિતિ પ્રાપ્ત થઈ ન હોય અને સંસારમાં રહીને દૈનિક જીવનના બધાં કર્મો કરવાનાં જ હોય તો તે કેવી રીતે કરવાં ? એ દ્વારા સાધના કેવી રીતે થઈ શકે ? આ માટે શ્રીરામકૃષ્ણદેવ એક સચોટ ઉદાહરણ આપે છે કે સંસારમાં તમે મોટા ઘરની કામવાળીની જેમ રહો. એટલે કે મોટા ઘરની કામવાળી શેઠના ઘરે કામ કરે છે, ત્યારે તે શેઠના ઘરને મારું ઘર કહે છે. શેઠના છોકરાને મારો હરિ એમ કહીને બોલાવે છે. પણ મનમાં તે સમજે છે કે આ મારું સાચું ઘર નથી ને મારો સાચો હરિ નથી. મારું સાચું ઘર તો પેલી ઝૂંપડી છે. મારો સાચો હરિ તો તે ઝૂંપડીમાં છે. ઘરને મારું ઘર ને શેઠના છોકરાને મારો છોકરો કહેવા છતાં જ્યારે શેઠાણી કાઢી મૂકે છે ત્યારે તે ક્ષણમાં ઘર છોડીને ચાલી જાય છે. કેમકે તે તેમાં બિલકુલ આસક્ત નથી. એ જ રીતે સંસારમાં રહીને ઉત્તમોત્તમ રીતે બધાં કાર્યો કરવા છતાં જો તેમાં આસક્ત ન હોય તો બિલકુલ દુ:ખ થતું નથી. કર્મોમાં સાચી અનાસક્તિ તો એ કહેવાય કે કામ કરતી વખતે સમગ્ર ચેતના એમાં જ નિમગ્ન હોય અને જાણે એ કામ સિવાય બીજું કંઈ જ કરવાનું નથી. એ રીતે કાર્ય કરવામાં આવે અને એ કાર્ય પૂરું થયા પછી પાટીમાં જેમ અક્ષરો ભૂંસાઈ જાય તેમ તે કાર્યની સ્મૃતિ પણ ન રહે, અને નવું કાર્ય ફરી એ જ રીતે કરવામાં આવે, તો એવી રીતે કાર્યો કરવાથી ચેતનાનો ઝડપી વિકાસ થાય છે.
સામાન્ય જીવનમાં કર્મો મનુષ્યને બંધનરૂપ એટલા માટે થાય છે કે મનુષ્યો પોતાનાં કર્મોમાં એટલા બધા આસક્ત હોય છે કે અનાસક્ત ભાવે કર્મ થઈ શકે એ ખ્યાલ જ તેમને હોતો નથી. મોટેભાગે લોકો એવું માનતા હોય છે કે આસક્તિ ન હોય તો આનંદ કેવી રીતે મળે ? કર્મના સુંદર ફળો ન મળે તો શા માટે મનુષ્ય કામ કરે ? આ વાત પણ સાચી છે. સામાન્ય ભૂમિકામાં તો કર્મની આસક્તિ જ કર્મમાં મનુષ્યોને પ્રેરે છે કેમકે અનાસક્ત ભાવે કર્મો કરવાની સ્થિતિ પ્રાપ્ત કરવા માટે તો સામાન્ય ભૂમિકાથી ઉપર જવું જોઈએ. રાજા જનક સમગ્ર મિથિલા રાજ્યમાં એક જ હતા કે જેઓ સમગ્ર રાજ્ય ચલાવતા હતા, સંસાર ચલાવતા હતા અને છતાં બધાથી નિર્લેપ હતા. આટલું વિશાળ રાજ્ય ચલાવવા છતાં તેમનું મન આમાં ક્યાંય ચોંટેલું ન હતું. તેથી તેઓ સર્વ કાર્યોનો મહત્તમ આનંદ લઈ શકતા હતા. કાર્યોનો સાચો આનંદ અનાસક્ત ભાવે કર્મો કરવામાં જ રહેલો છે, એ સામાન્ય ભૂમિકામાં સમજાતું નથી. પણ પ્રયત્ન કરતાં અનાસક્ત ભાવે કર્મ કરવાની સ્થિતિ જરૂર પ્રાપ્ત થઈ શકે છે. એ માટે શરૂઆતમાં કોઈપણ કાર્ય શરૂ કરતાં પહેલાં ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે, ‘હે ભગવાન, આ કાર્ય તમને અર્પણ કરવા કરું છું. આ કાર્યમાં તમે સહાય કરો.’ કર્મ પૂરું થયા પછી પણ ભગવાનને અર્પણ કરીને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી. આ રીતે કરતાં એ કાર્ય પૂરતો તો વ્યક્તિને આનંદ મળે છે. તેનો ઉત્સાહ વધે છે. આ રીતે ભગવાનની શક્તિની અનુભૂતિ થતાં તેના માટે કાર્ય એ ભગવાન સાથેનો સંપર્ક કરાવનાર માધ્યમ બની રહે છે. આ રીતે કામ કરતાં કરતાં કામમાં એટલો બધો આનંદ મળવા લાગે છે કે આસક્તિનો આનંદ એની પાસે સાવ તુચ્છ બની જાય છે. પછી અસલ આનંદની પ્રાપ્તિ થતાં ક્ષણિક ને ક્ષુલ્લક આનંદની ઈચ્છા રહેતી જ નથી.
આ રીતે મનના વલણને બદલીને ભગવાન માટે જો કર્યો કરવામાં આવે તો કાર્ય એ જ પૂજા બની જાય છે. શ્રીમાતાજીએ કહ્યું છે કે, ‘કાર્ય કરવું એટલે શરીરથી પ્રભુને પ્રાર્થના કરવી.’ સામાન્ય પ્રાર્થનામાં તો એકલું મન જ જોડાય છે. શરીર તો સ્થિરપણે બેઠેલું હોય છે. પણ જ્યારે વ્યક્તિ પ્રભુને માટે કામ કરે છે, ત્યારે તેના મનમાં તો સતત એ જ ભાવ હોય છે કે’ ‘હું પ્રભુને માટે કામ કરું છું.’ મનમાં પ્રભુનું સ્મરણ છે અને શરીર કામ કરે છે એટલે શરીર પણ પ્રભુની પ્રાર્થનામાં જોડાય છે. આ રીતે કામ કરવાથી વ્યક્તિની સમગ્ર ચેતના મનોમય અને શારીરિક, પ્રભુને પ્રાર્થના કરે છે. એટલે માત્ર પ્રાર્થનાથી વ્યક્તિની ચેતનાનું જે ઊર્ધ્વગમન થાય તેના કરતાં આ રીતે કાર્ય કરવાથી અનેકગણું વધારે ઊર્ધ્વગમન થાય છે. વળી પ્રભુને અર્પણરૂપ કાર્ય થવાથી વિશ્વમાં દિવ્યતાનો વિસ્તાર વધે છે. એટલા પ્રમાણમાં અદિવ્ય પરિબળો દૂર થતાં વૈશ્વિક જગતમાં આપણું સાવ નાનું એવું કાર્ય પણ ઘણું મોટું પ્રદાન કરનારું બની રહે છે. એ દ્વારા આપણી ચેતનાનું વૈશ્વિક ચેતના સાથે અનુસંધાન થઈ જતાં વૈશ્વિક શક્તિઓની બક્ષિસ મળે છે. વળી ભગવાનને માટે કાર્ય કરવામાં આવતું હોઈને, તેમને અર્પણ કરવામાં આવતું હોઈને, ભગવાન પ્રસન્ન થઈ આપણને બઢતી આપે છે, અને એમના વિરાટ કાર્યોની જવાબદારી સોંપે છે, એટલું જ નહીં પણ એમની વિશિષ્ટ શક્તિઓથી નવાજે છે. આમ ભગવાનને અર્પણ રૂપે કાર્ય કરતાં કરતાં આપણે તેમનાં સીધાં માર્ગદર્શન હેઠળ આવી જઈએ છીએ. અને પછી ભગવાન ક્યારે પેલો પરદો હટાવી લે છે, તેની આપણને ખબર પણ પડતી નથી અને આપણે ભગવાનની સન્મુખ જઈ પહોંચીએ છીએ.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.