મન્દીરની દીવાલ ઉપર થાય તે અમીઝરા,
અને ઘરની દીવાલ ઉપર થાય તે ભેજ !
–રોહીત શાહ
• ચીંતનની ચાંદની •
ચમત્કારને નમસ્કાર
કરવાની આપણી ઘેલછા સદીઓ જુની છે. આપણી અન્ધશ્રદ્ધા ઉપર કોઈ વ્યક્તી આંગળી
મુકે તો તરત જ આપણે ખળભળી ઉઠીએ છીએ. અજ્ઞાન અને આડંબરની બાદબાકી કરવામાં
આવે તો આપણા અધ્યાત્મજગતનું અસ્તીત્વ જોખમાઈ જાય. પોતાના અજ્ઞાન પ્રત્યે
અહોભાવ ધરાવનારા લોકોને આપણે ભક્તો કહીએ છીએ !
એક મન્દીરનો પુજારી વહેલી પરોઢથી
માઈકમાં ભક્તીગીતોની કેસેટ વગાડીને આસપાસના રહીશોની નીદ્રાને ખલેલ
પહોંચાડતો રહે છે. એ પોતે અભણ છે, તેથી એને ખબર જ નથી પડતી કે મન્દીરની
આજુબાજુ રહેતા વીદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવા માટે કેવી શાન્તી જોઈએ !
ક્યારેક મોડી રાત સુધી ભક્તીના રાગડા તાણનારા લોકોને એટલુંય ભાન નથી
રહેતું કે, આસપાસમાં કેટલાક એવા લોકો વસે છે, જેમને વહેલી સવારે
નોકરી–વ્યવસાય માટે જવું પડે છે અને તેમને વહેલા સુઈ જવાની જરુર છે. આપણને
ભક્તીનો ઉભરો આવે એટલે ગમે ત્યારે, ગમે તેટલા લોકોને ત્રાસ આપવાનો હક્ક મળી
જાય ?
ભક્તી કરવાની કોણ ના પાડે છે ? પણ
ભક્તો જયારે ભગવાનને બહેરો સમજીને માઈક અને લાઉડસ્પીકર ઉપર વરસી પડે છે
ત્યારે એમાં ભક્તી કરતાં પ્રદર્શન વધુ દેખાય છે. કબીરજી તો કહે છે કે
કીડીના પગમાં ઝાંઝર પહેરાવીએ અને તેનો જે રણકાર થાય એ રણકાર પણ ઈશ્વર
સાંભળી શકે છે. કબીરજીની વાત છોડો, આપણે સ્વયમ્ ઈશ્વરને અંતર્યામી ક્યાં
નથી કહેતા ? અંતર્યામી એટલે આપણા ચીત્તમાં–મનમાં જાગેલા વીચારને પણ જાણી
લેનાર ! જો ભગવાન આપણા ભીતરની સંવેદનાનેય સ્પર્શવાનું સામર્થ્ય ધરાવતા હોય
તો મોટા અવાજે રાગડા તાણવાની શી જરુર છે ?
એક ચોક્કસ સમ્પ્રદાયના એક કહેવાતા
ભક્ત પોતાના જ ઘરમાં રોજ સવારે તેમની ખાસ ભક્તી–ગીતોની કેસેટ વગાડવા માંડે
છે. એમના આ પરમેનન્ટ ત્રાસથી કંટાળેલા, આસપાસમાં વસતા લોકો હવે એ મહાશયના
સમગ્ર સમ્પ્રદાયને જ ધીક્કારવા લાગ્યા છે.
ભક્તી કે આરાધના એવી રીતે થવાં
જોઈએ કે જેને કારણે કોઈને ખલેલ ન પહોંચે. આપણે ભલે કોઈ પણ ધર્મ–સંપ્રદાય કે
દેવ–દેવીમાં શ્રદ્ધા ધરાવતા હોઈએ; પરન્તુ એનું વરવું પ્રદર્શન તો ના જ
કરવું જોઈએ ને !
સામાન્ય રીતે આપણે ત્યાં એવી
પરમ્પરા હતી કે મન્દીરો ગામના પાદરે હોય. મોટા ભાગનાં તીર્થો કાં તો
જંગલમાં હશે અથવા તો કોઈ પર્વત ઉપર હશે. એનાં બે કારણો હતાં. એક કારણ તો એ
કે માણસ જ્યારે ભક્તી કરવા જાય ત્યારે સાંસારીક બાબતો એને ખલેલ ન પહોંચાડે.
રહેઠાણની આબોહવા કરતાં કંઈક જુદી આબોહવા મળે તો એની ભક્તી ખીલી ઉઠે. બીજું
કારણ એ કે મન્દીરમાં થતાં ઘંટારવ અને આરતી વગેરેને કારણે માણસનું રોજીન્દુ
જીવન ડીસ્ટર્બ ન થાય.
હવે ગલીએ–ગલીએ અને મહોલ્લે–મહોલ્લે
જાતજાતનાં ધર્મસ્થાનો ઉભાં કરી દેવાય છે. પહેલાં સાવ નાનકડી દેરી હોય,
થોડા સમય પછી એનો ઘેરાવો વધતો જાય. દરરોજ હજારો લોકોને અવરજવરમાં તકલીફ પડે
તોય સૌ મુંગે મોંએ વેઠતા રહે. એ જ રીતે તીર્થો પણ હવે જંગલ અને પર્વતની
ટોચ છોડી દઈને હાઈવે ઉપર ઉતરી આવ્યાં છે. ઘરાકી વધુ રહે ને !
એમાંય જો ક્યાંક ચમત્કારની અફવા
ઉડી તો ટોળેટોળાં ઉમટી પડે. કોઈ દહેરાસરમાં અમીઝરા થાય છે; તો કોઈ મન્દીરની
દીવાલ ઉપર જાતજાતનાં આધ્યાત્મીક આકારો ઉપસી આવે છે. કોઇ મુર્તી દુધ પી જાય
છે; તો કોઈ દેવીનાં ઝાંઝર રણકી ઉઠે છે. અરે ભાઈ, તમે ધારીને જોશો તો
તમારા ઘરમાંય ઠેરઠેર અમીઝરા દેખાશે ! ઘરની દીવાલો ઉપર દેખાય તે ભેજ કહેવાય
અને મંદીરની દીવાલો ઉપર દેખાય તે અમીઝરા કહેવાય ? પહાડ ઉપર તો મોટીમોટી
શીલાઓમાંથી બારેમાસ ઝરણાં વહેતાં હોય છે, એ જ પથ્થરમાંથી બનેલી મુર્તી ઉપર
પાણીનું એકાદ બુંદ દેખાય તો લોકો હોબાળો મચાવી મુકે છે !
દેવ–દેવી અને પરમાત્મા શા માટે
ચમત્કાર કરે ? એને આપણી પાસેથી શું લઈ લેવું છે ? તમે એને સુખડી કે અન્ય
પ્રસાદ રુપી લાંચ આપો તો જ એ તમારું કામ કરે ? શું ઈશ્વરને તમે કોઈ સરકારી
ભ્રષ્ટ અધીકારી સમજો છો ?
સદ્ ભાવથી ચઢીયાતી કોઈ સ્તુતી નથી, પ્રેમથી ચઢીયાતી કોઈ પ્રાર્થના નથી. પુરુષાર્થથી ચઢીયાતી કોઈ પુજા નથી. નીતી અને નીષ્ઠા જેવું કોઈ નૈવેદ્ય નથી. અંધશ્રદ્ધા અને અજ્ઞાનને થોડીક વાર બાજુએ મુકીએ તો આ વાત સમજવાનું સાવ સરળ છે.
અક્ષરાંકન: ગોવીન્દ મારુ
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર
http://govindmaru.wordpress.com/ માંથી સાભાર
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર
http://govindmaru.wordpress.com/ માંથી સાભાર
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.