પોતાના ખાબોચીયાને સર્વસ્વ માનતા દેડકાઓ પરથી પ્રચલીત થયેલી ‘કુવામાંના દેડકા’ કહેવત, દેડકાઓ માટે નહીં પણ માણસો માટે બનાવવામાં આવી છે. દેડકાઓ કે પછી બીજા કોઈપણ પ્રાણીઓનું મગજ એટલું વીકસીત નથી હોતું કે પોતાની નાનકડી દુનીયાથી અલગ દુનીયાના અસ્તીત્વ વીશે એમને કંઈ ખબર હોય.
માણસોની બાબતમાં એવું નથી. આજના સમયમાં બધાને એટલી તો ખબર છે કે દુનીયા ઘણી વીશાળ છે. એમાં ભાતભાતના લોકો રહે છે. એમના આચાર–વીચાર, માન્યતાઓ, ધર્મ વગેરે એકબીજાથી અલગ છે. કંઈ જાણ્યા–સમજ્યા વગર લગભગ બધા જ બીજાનું ખોટું અને ફક્ત પોતાની માન્યતાઓ સાચી હોવાનો આગ્રહ સેવે છે.
જેલની કોટડીમાં પુરાયેલાને ફક્ત એક નાનકડી બારીમાંથી જોવા મળે છે. ત્યાંથી એને હમ્મેશ એક જ દૃશ્ય દેખાય છે. આંખો હોવા છતાં એ અન્ધાપો ભોગવે છે. જે મુક્ત અને જાગૃત છે, જેની ચારે તરફ બારીઓ (મોકળાશ) છે, એને જોવાની ઈચ્છા હોય તો હમ્મેશા ધબકતી, બદલાતી, જીવન્ત દુનીયા એના માટે મોજુદ છે.
મગજની બારીઓનું પણ એવું જ છે. ઘણા લોકો મગજની એક નાનકડી બારી ખુલ્લી રાખે છે. એમાંથી આવતી બધી જ માહીતીને સમ્પુર્ણ અને સાચી માનીને બીજી કોઈપણ માહીતીને અન્દર આવવા દેતા નથી. આ જાતે સ્વીકારી લીધેલો મનનો અન્ધાપો છે.
સામાન્ય માણસની મનની બારીઓ બન્ધ કરાવનાર હોય છે ધર્મગુરુઓ, રાજકારણીઓ અને અન્ય અંકુશની વૃત્તી ધરાવતા લોકો. તેઓ ફક્ત પોતા તરફ ખુલતી બારીને જ ખુલ્લી રાખવાનો આગ્રહ સેવે છે. જુદી વીચારધારા ધરાવતા લોકોની વાતોએ ન સાંભળે એટલા માટે ક્યારેક બીજા કોઈને ન સાંભળવાનું કે વાચવાનું વ્રત પણ લેવડાવે છે. આવું વ્રત માનસીક અન્ધાપાને કાયમી કરે છે. નાઝી જર્મની, સામ્યવાદી દેશો વગેરે આ પ્રકારના માનસીક અન્ધાપાને ઠોકી બેસાડનારાં રાજકીય ઉદાહરણો છે. ધાર્મીક ઉદાહરણો તો ચારેકોર દેખાય જ છે.
પ્રત્યેક ધર્મના મોટા ભાગના શ્રદ્ધાળુઓ પોતાના ધર્મગુરુ અને સમ્પ્રદાયના પ્રચાર–સાહીત્ય સીવાય બીજું કશું સાંભળવાની કે વાંચવાની તસ્દી લેતા નથી. આ ગુરુઓ એમના અનુયાયીઓને સદીઓ જુની ભ્રામક માન્યતાઓમાં અટવાયેલા રાખે છે. એનાથી દૃષ્ટી ટુંકી થઈ જાય છે. લોકો ગુરુઓથી એટલા પ્રભાવીત થયેલા હોય છે કે એમના કહેવાથી દુષ્કૃત્યો કરવા પણ તૈયાર હોય છે. આતન્કવાદીઓ તેમ જ સમ્પ્રદાયો વચ્ચેની હીંસક અથડામણો આના દાખલા છે.
કેટલાક કીસ્સાઓમાં ધર્મગુરુઓને ‘ભગવાન’ના નામે સમ્બોધાય છે અને ‘ભગવાન’ના સ્થાને બેસાડાય છે. એમની પાસે ચમત્કારીક અને અલૌકીક શક્તીઓ હોવાનો ભ્રમ ઉભો કરવામાં આવે છે. વ્યક્તીપુજાની આ પરાકાષ્ઠા છે.
એક વર્ગ એવો પણ છે જેણે ‘દુનીયા જોઈ છે’ છતાં એ જડતાપુર્વક પોતાની જુની માન્યતાઓને વળગી રહે છે. સામાન્ય રીતે બુદ્ધીશાળી અને શીક્ષીત ગણાતા કેટલાક લોકોનો આ વર્ગમાં સમાવેશ થાય છે. આ લોકો મનના અન્ધાપાનો ભોગ બનેલા હોય છે.
આપણાથી જુદું કંઈ જાણવું કે સાંભળવું નહીં એ મનનો અન્ધાપો છે. નવું તેમ જ સત્ય જાણ્યા અને સમજ્યા છતાં સ્વીકારવું નહીં એ બુદ્ધીનો અન્ધાપો છે. પ્રેમમાં કે દ્વેષમાં માણસ આંધળો થઈ જાય છે એવું કહેવા પાછળ આજ બુદ્ધીના અન્ધાપાની વાત છે. વોટર પ્યુરીફાયરનું શુદ્ધ પાણી કપડાના ગળણાથી ફરી ગાળવું એ બુદ્ધીના અન્ધાપાનું એક ઉદાહરણ છે. આવું તો બીજી કેટલીયે પ્રવૃત્તીઓમાં દેખાય છે. રુઢીચુસ્ત ધાર્મીક પકડે ઘણાને સાવ સાદી બાબતોમાં પણ માનસીક અન્ધ બનાવ્યા છે. જાણ્યા–સમજ્યા છતાં સમજુ લોકો પરમ્પરા છોડી શકતા નથી.
મનનો અને બુદ્ધીનો અન્ધાપો દુર કરવાનો સાદો, સરળ અને એકમાત્ર ઉપાય છે ‘તાર્કીકતા’. સાંભળેલી કે વાંચેલી કોઈપણ વાતની ખરાખોટાની શક્યતા પર વીચાર કરી વાસ્તવીક લાગે તેટલું જ સ્વીકારવાની પદ્ધતીને તાર્કીકતા કે તર્કશાસ્ત્ર કહેવાય છે – Logic and Reasoning. મનની બધી બારીઓ ખોલી નવી માહીતી અને વીચારોને પ્રવેશવા દેવાનો; ખુલ્લા મને એને સમજવાનો પ્રયાસ કરવાનો; એમાંથી સાચું અને સારું લાગે તેટલું સ્વીકારવાની પ્રામાણીકતા અને હીમ્મત દાખવવી એ માનસીક સ્વતન્ત્રતાની નીશાની છે. જીન્દગીભર એકની એક કથા સાંભળવાની પણ હદ હોય છે. માનસીક ગુલામીમાં અટવાયેલા માટે એને છોડવું અતી કઠીન પગલું લાગશે.
ધાર્મીક કે બીજી કોઈપણ વીચારધારા કુદરતના નીયમોથી વીરુદ્ધ ન હોઈ શકે. જ્યાં પણ કુદરતી નીયમોનો ભંગ થતો દેખાતો હોય ત્યાં તાર્કીક રીતે વીચારવું જોઈએ. ચમત્કારો અને અલૌકીક સીદ્ધીઓને વાસ્તવીકતાની નજરથી જોવું જરુરી છે.
નાના બાળક માટે એના માતા–પીતા સર્વસ્વ હોય છે. એમની પાસેથી એના બધા પ્રશ્નોના ઉત્તર મળે છે. ત્યાં એ સલામતી અનુભવે છે. જ્યારે બાળક મોટું થાય છે ત્યારે બીજા લોકોના સમ્પર્કમાં આવવાથી એની દૃષ્ટી વીશાળ થાય છે. એ જાત અનુભવે ઘણું શીખે છે. એને મા–બાપની મર્યાદીત સમજ અને શક્તીનો ખ્યાલ આવે છે. પરીણામે મા–બાપની દરેક વાતમાં તે સહમત થતો નથી. આ બધું અનાયાસે થતું હોય છે. આના લીધે મા–બાપ પ્રત્યેનો એનો પ્રેમ અને માન ઓછાં થતાં નથી, ફક્ત તે એમની મર્યાદાઓને સ્વીકારતો થાય છે.
અફસોસની વાત એ છે કે આવા જાત અનુભવનો ઉપયોગ માણસ પોતાના માની લીધેલા ગુરુની મર્યાદાઓ સ્વીકારવા માટે નથી કરતો. ગુરુઓએ એનું એટલું બધુ બ્રેઈન વોશીંગ કરેલું હોય છે કે એ બીજી દીશામાં વીચારવાનું છોડી દે છે. બધા ધાર્મીક પન્થોની મુળ વાતનો સાર એકસરખો હોવા છતાં ધર્મગુરુઓ ગજબ રીતે ફક્ત પોતાને જ સાચું અને સમ્પુર્ણ જ્ઞાન હોવાનું ભોળા ભાવીકોના મનમાં ઠસાવે છે.
મોટા ભાગના લોકો પોતાના ગુરુની વાતોમાં સમ્પુર્ણ શ્રદ્ધા ધરાવે છે. કેટલાક લોકો આનાથી પર છે. એ ધર્મને નીતીશાસ્ત્ર રુપે જુએ છે. કોઈપણ ધર્મગુરુને ચુસ્તપણે અનુસરતા નથી. ધર્મપ્રચારના સાહીત્યમાંથી સત્યને વેગળું તારવવાની કોશીશ કરે છે. કહેવાતા ધાર્મીક લોકો, આવા લોકોને નાસમજ કે નાસ્તીક ગણે છે. જ્યારે એ પોતાને વાસ્તવવાદી અને જાગૃત માને છે.
આ લોકો કુદરતના નીયમોને સમ્પુર્ણપણે સ્વીકારે છે. ચમત્કાર અને પરલોકની દુનીયા કરતાં જે નજર સામે દેખાય છે એને વધુ મહત્ત્વ આપે છે. એમને ક્રીયાકાંડને બદલે માનવતા અને પ્રામાણીકતામાં, ધર્મ તેમ જ પ્રભુતા દેખાય છે. પોતાની મર્યાદામાં થાય એટલું એનું પાલન કરે છે. એક રીતે જોઈએ તો તેઓ નાસ્તીક નહીં પણ ખરા અર્થમાં આસ્તીક છે.
આ બે પ્રકારમાં ન આવતા હોય એવા બાકીના લોકોને ચીલાચાલુ માન્યતાઓ સ્વીકાર્ય નથી અને આ માન્યતાઓમાંથી સત્યને અલગ તારવવાની સમજ પણ નથી. પરીણામે તેઓ સામાજીક દબાણને કારણે બહુમતીમાં ભળે છે. વાસ્તવવાદી લધુમતીની એ નૈતીક ફરજ થઈ જાય છે કે અવઢવમાં ફસાયેલા આ લોકોને યોગ્ય માહીતી પુરી પાડવી. જેથી પોતાના નીર્ણયો તેઓ જાતે કરી શકે. આમ કરતાં કટ્ટર પન્થીઓને કદાચ મન દુ:ખ થાય; પણ એના માટે અન્ધશ્રદ્ધાને પોષતા રહેવું વાજબી નથી. આ ઉપદેશ નહીં પણ સન્દેશ છે. વીજ્ઞાન, સાહીત્ય, કળા, કાયદો વગેરે ક્ષેત્રોમાં વીચાર, ચીન્તન અને તર્કને મુલ્યવાન ગણવામાં આવે છે. સંગઠીત ધર્મોનું પહેલું કામ શ્રદ્ધા અને ભક્તીના નામે તર્ક અને વીચારને દબાવી દેવાનું રહ્યું છે. એમને સમ્પુર્ણ શરણાગતી ખપે છે. આ પન્થો ‘મારું તે સાચું’ની હઠ લઈને બેઠા છે. તર્ક પર રચાયેલી વૈજ્ઞાનીક વીચારસરણી ‘સાચું તે મારું’માં માને છે. વીજ્ઞાન ઘણી જુની ધાર્મીક માન્યતાઓને ખોટી સાબીત કરતું આવ્યું છે.
આપણે મેળવેલું બધું જ્ઞાન અને બધી સમજ આપણી આસપાસની દુનીયા અને એમાં બનતા બનાવોના અવલોકન પરથી આવેલ છે. જે પણ પ્રખર બુદ્ધીશાળી અને પ્રતીભાશાળી વ્યક્તીઓ થઈ ગઈ એમણે કેટલાક સનાતન પ્રશ્નોના ઉત્તર પોતાની સમજ પ્રમાણે આપ્યા છે. એમાંથી જ બધી ધાર્મીક વીચારધારાઓ શરુ થયેલી છે. એમનાં વીચારો અને તારણો પર તત્કાલીન સ્થળ અને કાળની અસર હોવાથી એમના દ્વારા કરેલું અર્થઘટન એકબીજાથી થોડું ભીન્ન છે. પરીણામે આટલી બધી વીચાર ધારાઓ પ્રચલીત થઈ છે. હજી સુધી દુનીયામાં એવી કોઈ વ્યક્તી પેદા નથી થઈ જેના બધા જ વીષય પરના વીચારો સમ્પુર્ણ અને સત્ય હોય. તર્કમાંથી જ શરુ થયેલી આ બધી વીચારધારાઓ આગળ જતાં, (કમનસીબે) તર્કને પોતાનો હરીફ અને પછી વીરોધી માનવા લાગી છે.
માનવજાતનું સંયુક્ત જ્ઞાન અને સમજ સતત વધી રહ્યાં છે. વર્તમાનમાં વધેલી વસતી અને વૈચારીક સ્વતન્ત્રતાને લીધે જ્ઞાન વધવાની ગતીમાં પણ વધારો થઈ રહ્યો છે. દરેક વીષયની સમજ પહેલાં ક્યારે પણ હતી એના કરતાં અત્યારે અનેકગણી છે. આમાં કોઈપણ ક્ષેત્ર અપવાદરુપ નથી. એનો લાભ ન લેવો એ સામુહીક અન્ધાપો થશે.
ઘણા લોકો સામાજીક માન્યતાઓ, રીતરીવાજ અને પ્રવૃત્તીઓ પ્રત્યે ઘણી જ પ્રગતીશીલ વીચારસરણી ધરાવે છે. એવાઓની ‘સંસ્કારી’ તરીકે ગણના થાય છે. જ્યારે એ જ લોકો ધાર્મીક માન્યતાઓ અને ક્રીયાકાંડની બાબતમાં અતીશય રુઢીચુસ્ત વલણ ધરાવે છે. સામાજીક અને ધાર્મીક આચરણના આ વીરોધાભાસ પાછળ મુખ્યત્વે વ્યક્તીપુજાને લીધે આવતો મનનો તથા બુદ્ધીનો અન્ધાપો અને તાર્કીક રુચીનો અભાવ જવાબદાર છે. આ નરી વાસ્તવીકતા છે.
: તણખો :
જે તર્ક કરી શકતા નથી એમની મર્યાદાઓ ક્ષમ્ય છે. આવડત હોવા છતાં જે તર્ક કરવા માંગતા નથી તે મતાન્ધ છે. જેમનામાં તર્ક કરવાની હીમ્મત પણ નથી તે માનસીક કાયર છે.
http://govindmaru.wordpress.com/ માંથી સાભાર
http://govindmaru.wordpress.com/ માંથી સાભાર
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.