-સુરેશ એસ. દેસાઈ
આપણે ઘણી બધી બાબતોમાં વીશ્વની પ્રજાઓથી જુદા પડીએ છીએ અને આપણા ‘જુદાપણા’ને આપણે ‘ભારતીય સંસ્કૃતી’
તરીકે ઓળખાવીએ છીએ. આપણી આ વૈચારીક અને વ્યાવહારીક ભીન્નતાને આપણી વીશેષતા
માનવાનું આપણું વલણ યોગ્ય છે ? ભારતીય ક્રીકેટ ટીમે હમણાં વર્લ્ડ કપ
જીત્યો એટલે આપણે કેવા હરખાઈ ઉઠ્યા ! કરોડો રુપીયાનું દારુખાનું ફુટ્યું,
લોકો રસ્તા ઉપર આવીને મોડી રાત સુધી નાચ્યા. બી.સી.સી.આઈ.એ અને રાજ્ય
સરકારોએ ક્રીકેટરોને કરોડો રુપીયાનાં ઈનામો આપ્યાં. સોનીયા ગાંધી સુધ્ધાં
રસ્તા પર આવી ગયાં ! વીશ્વમાં ક્રીકેટ રમતા દેશોની સંખ્યા પંદરથી વધારે
નથી. પરન્તુ આપણે કોઈ મહાન સીદ્ધી મેળવી હોય એવો આપણો પ્રતીભાવ હતો.
મોંઘવારી, ફુગાવો, આર્થીક અસમાનતા, ભ્રષ્ટાચાર– આ બધી સમસ્યાઓથી ઘેરાયેલા
દેશ માટે વર્લ્ડ કપ જીતવો એ મહાન સીદ્ધી શી રીતે હોઈ શકે ? આપણા
વડાપ્રધાને, સોનીયા ગાંધીએ મેચ જોવા ચાર કલાક બગાડ્યા અને ચેનલોએ ત્રણચાર
દીવસો સુધી ક્રીકેટનું જ ગાણું ગાયું. વર્ષે એકસો કરોડથી વધુ કમાણી કરતા
સચીનને ‘ભારતરત્ન’ આપવાની માગણી થઈ અને મહારાષ્ટ્ર સરકારની વીધાનસભાએ ઠરાવ
પણ કરી નાખ્યો ! આપણું આવુ જુદાપણું હરખાવા જેવું છે ખરું કે ?
વસતીગણતરીના રીપોર્ટ મુજબ ભારતની વસતી
121 કરોડને આંબી ગઈ છે. આવી બેફામ વસતીવૃદ્ધી માટે, ના તો વડાપ્રધાને કે
ના તો વીરોધ પક્ષોએ, ચીન્તા વ્યક્ત કરી. ન્યુઝ ચેનલોએ પણ મૌન ધારણ કરી
લીધું ! વસતીવૃદ્ધીને અંકુશમાં લેવા કોઈ વીચાર સુધ્ધાં રજુ ના થયો. આર્થીક
રીતે પાછળ રહેલા વર્ગમાં સન્તાનોત્પત્તી બેફામ રીતે વધી છે. એવું તારણ
જરુર નીકળ્યું છે. પરન્તુ આપણી સરકાર ફરજીયાત સન્તતીનીયોજનની વાત તો દુર
રહી; પરન્તુ પ્રચાર માધ્યમો દ્વારા કે સન્તતીનીયમન માટે રોકડ ઈનામની યોજના
જેવા ઉપાયો યોજવાની હીમ્મત પણ નહીં કરે !
આપણા દેશમાં અસંખ્ય મન્દીરો છે,
મસ્જીદો છે (કેટલાંક તો જાહેર રસ્તાઓ ઉપર છે !), આપણા મન્દીરોની આવક
કરોડોમાં છે. આપણે ત્યાં છાશવારે ટ્રાફીકજામ કરી મુકતાં ધાર્મીક સરઘસો,
જુલુસો, વરઘોડાઓ નીકળે છે ! રસ્તા ઉપર નાચગાન થાય અને કાન ફાડી નાખતા
ફટાકડા ફુટે છે ! હજારો માણસોના જમણવાર થાય છે અને વધેલી રસોઈ ઉકરડામાં
ફેંકી દેવામાં આવે છે ! દેશમાં લાખો ભીખારીઓ છે અને ભીક્ષુકોને મફત ભોજન
આપવાથી પુણ્ય મળે છે એવું આપણે માનીએ છીએ, દેવદર્શન માટે કલાકો સુધી લાઈન
લગાવીને આપણે તપશ્ચર્યા કરીએ છીએ, પૈસા લઈને આપણે નાલાયક ઉમેદવારના પક્ષમાં
મતદાન કરીએ છીએ, આપણો દેશ લાંચીયો છે એવી આપણે બુમરાણ કરીએ છીએ; પરન્તુ
આપણું કામ હોય ત્યારે લાંચ આપવા આપણે તત્પર હોઈએ છીએ.
આપણો દેશ, આપણી પ્રજા, આપણી સંસ્કૃતી
વીશ્વના બીજા દેશો, બીજી પ્રજા, બીજી સંસ્કૃતીથી ચોક્કસ અલગ પડે છે. પરન્તુ
બીજા દેશો, બીજી પ્રજા, બીજી સંસ્કૃતીઓ સામે આપણે મહાન છીએ કે વામણા ?
વીશેષ છીએ કે નીકૃષ્ટ ?
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.