આજ કાલ લગ્ન ઘણા ખર્ચાળ થતા જાય છે . સોનાના ભાવ તોલાના 5000-6000 થી વધીને 30000-31000 સુધી પહોચ્યા છે ખાદ્ય સામગ્રીના ભાવ પણ દિન પ્રતિદિન વધતા જાય છે . લગ્ન પ્રસંગનો જમણવાર 100-125 રૂપિયામાં થતો તે હવે 500-550નો થઇ ગયો છે . હોલના ભાડા અને કપડા લત્તા બધું જ મોંઘુ અને મધ્યમ વર્ગીય માણસની પહોચની બહાર થતું જાય છે .
આવા કપરા સંજોગોમાં કન્યાનો બાપ એક સારો મુરતિયો ગોતવામાં લોહીનું પાણી કરે છે ( હાલના સંજોગોમાં દીકરાનો બાપ પણ બેહાલ છે . તેને પણ સારી ઘરરખ્ખુ કન્યા માટે ફાફા મારવા પડે છે )પરંતુ વાત ત્યાં પતતી નથી . સામા પક્ષની માંગણીઓ અને અપેક્ષાઓ સંતોષવાનો બોજ તેના અંતર મન પર છવાયેલો હોય જ છે . મોટા દેખાવાની અને સુખી દેખાવાની હરીફાઈમાં વર અને કન્યા પક્ષ લગ્ન ટૂંકા અને સાદા રાખવાને બદલે ભપકાદાર અને મોંઘા કરવાની કોશિશ કરે છે જેથી કરીને પોતે બીજાઓને ગર્વથી કહી શકે કે તેમના લગ્નમાં 550 રૂપિયાની થાળી હતી .
તેમને આવું ન કરવાનું સમજાવવાના પ્રયત્નો કરવામાં આવે ત્યારે તેઓ એવો પ્રશ્ન કરે છે કે સાદગીથી લગ્ન કરતા સમાજમાં અમારી છાપ ઉંધી પડે કડકા , ગરીબ કે કંજૂસ તરીકે ગણાવા લાગીએ આનાથી બીજા સંતાનો માટે યોગ્ય સાથી શોધવાનું કઠિન કામ અતિ કઠીન બની જાય માટે તેવું અમે કરી શકીએ એમ નથી .
સમાજે મધ્યમ વર્ગ માટે સમૂહ લગ્નનો વિકલ્પ અમલમાં મુકવાની કોશિશ કરી પણ તે તદ્દન અસફળ રહ્યો કારણકે સમૂહ લગ્નમાં ભાગ લેનાર ગરીબ અને ટૂંકા સાધનો વાળો ગણી લેવામાં આવે છે . મધ્યમ વર્ગીય માણસ ની હાલત સુડી વચ્ચે સોપારી જેવી છે . તેની પાસે મોટો ખર્ચ કરવાની તાકાત નથી અને ઓછો ખર્ચ કરી પોતાને અશક્ત જાહેર કરી શકતો નથી . ખર્ચનો હિસાબ કરીએ તો સહેજે 8-10 લાખનો ખર્ચ દીકરીના લગ્નમાં થઇ જાય છે આને પાર પાડવા માટે મધ્યમ વર્ગીય માણસની આંખે લોહીના આંસુ આવી જાય છે .તેની પાસે કદાચ આવક હોય તો પણ એક સાથે આટલી રકમની છૂટ હોતી નથી વધુમાં આજના પગારના ધોરણને હિસાબે તેનું જીવન ધોરણ પણ મોંઘુ થયેલ હોય છે .સમાજ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ ને ભણવા માટે વ્યાજ વગર લોન આપે છે અને હપ્તા વાર પૈસા પાછા લે છે જેથી મોટી રકમની ફી ભરવાનું કાર્ય તેને માટે સહેલું થઇ જાય છે આવું જ કઈક લગ્ન માટે શરુ કરવાની તાતી જરૂર જણાય છે . કન્યાના માબાપને એક લાખ અને વરના માબાપને 50 હજાર સુધી ની વગર વ્યાજુ લોન આપવાની યોજના મુકવી જોઈએ જે તેઓ એ હપ્તાવાર ચૂકવવાના રહે . જેઓ પાસે બચત નથી પણ આવક છે તેઓને માટે આ આશીર્વાદરૂપ થઇ શકે . મહીને 5-10 હજાર દેવાની ક્ષમતા ઘણા કુટુંબોમાં હશે તેઓ શાંતિથી લગ્ન પર પાડી શકે .
સમાજના સુખી દાતાઓ આગળ આવે અને એક ફંડ ઉભું કરી લગ્ન કરતા કુટુંબીજનોને મદદનો હાથ લંબાવે તો સમાજ ના મધ્યમ વર્ગીય કુટુંબીઓના આશિષ જરૂરથી મળે .
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.