Friday, April 19, 2013

કોના પુણ્ય પ્રતાપે ? – હરિકૃષ્ણ પાઠક



ગાંધીનગરમાં મકાન બંધાવવાનું શરૂ કર્યું ત્યારની મનઃસ્થિતિ કંઈક વિપરીત હતી. એ અરસામાં જ એક કાવ્ય લખેલું :
પાયા પૂર્યા ને કાઢ્યાં ભીંતડાં, મેલી છત ને કાંઈ કોર્યાં રે કમાડ; હવાને પાણીને તરતાં તેજના, પાડ્યા ખાંચા-ખચકા ને વાળી વાડ; કળીએ કપાણો જીવણ જીવડો !
પર્યાવરણ મારે માટે એક પ્રાથમિકતા ધરાવતી નિસબત છે, તેથી મકાનનાં ચણતરમાં વૃક્ષોના ઉચ્છેદનનું નિમિત્ત ન બનવાનો ખ્યાલ હતો. પણ રુચિ એવી કે લાકડાનાં બારીબારણાં વધુ ગમે ! એવામાં મિત્ર સનતભાઈ પાસેથી જાણ્યું કે ધ્રાંગધ્રામાં રેલવેના જૂના સલેપાટ (સ્લીપર્સ)ની સાઈઝો મળે છે, અને તેમણે તેવું લાકડું ઉપયોગમાં લીધું છે. સાથોસાથ એ પણ જાણ્યું કે તેમને આ કામ માટે એક સારા મિસ્ત્રી પણ મળ્યા છે. આથી ધ્રાંગધ્રાનું સ્લીપર્સનું લાકડું; ને ત્યાંના નજીકના ગામ શિયાણીના મિસ્ત્રી બળદેવભાઈની કારીગરી યોજવાનું ઠરાવ્યું. સ્લીપરની સાઈઝોનું માપ મિસ્ત્રીએ કાઢી આપ્યું. તેમાંથી જ તેમની ચોકસાઈનો અણસાર મળ્યો. એકાદ વાર તો હું ને સનતભાઈ ધ્રાંગધ્રા જઈ આવ્યા. ત્યાંના લાટીના શેઠ પ્રકાશભાઈ શાહનો આ તો સાઈડ બિઝનેસ હતો. પણ સનતભાઈ સાથે મૈત્રી થઈ ગયેલી તેનો લાભ મને પણ મળ્યો.
બીજી વાર અમે મિસ્ત્રીને સાથે લઈને ગયા. ત્યારેય જમવાનું તો પ્રકાશભાઈને ત્યાં જ હતું. અમે માત્ર લેવા જતા, પણ મહેમાન થઈને રહેતા. મિસ્ત્રીને વધુ રસ લાકડાના એ ગંજમાંથી સારામાં સારી સાઈઝો કાઢવાનો રહેતો. તેમનું કામ ખૂબ ખંત, ચીવટ, ચોકસાઈથી કરે. કેટલું લાકડું જોઈશે તેનો હિસાબ મનોમન કરી લે ને પ્રકાશભાઈ કૉમ્પ્યુટરનાં બટન દબાવીને અંદાજ આપે તો બળદેવભાઈનો હિસાબ સરખો જ ઊતરતો હોય ! લાટીમાં કામ કરતા બાબુલાલ, હિસાબકિતાબ રાખનાર રિટાયર્ડ રેલવે ગાર્ડ જોષી સાહેબ કે પરચુરણ સાંધા-સુંધીને ફાચર-રંધા મારનાર સતવારા કારીગર સાથે મિસ્ત્રીએ સહજમાં આત્મીયતા કેળવી લીધી. પછી અર્ધો માલ આવી ગયો ને મિસ્ત્રીએ તેમનું કામ શરૂ કર્યું. શરૂમાં દરવાજાની ફ્રેમો બનાવી. મારા ક્વાર્ટરના આંગણામાં જ ચીકુડીના છાંયડે મિસ્ત્રી કામ કરે. ક્યારેક મદદમાં કોઈ છોકરડાને લાવે. ક્યારેક પહોંચતી ઉપરના ડુંગરભાને લાવે, ને ક્યારેક તેમના મોટાબાપાના જમાઈ રમેશલાલને.
પોતાના જેવી જ ચોકસાઈથી બધાં કામ કરે તેવો તેમનો આગ્રહ. આથી સાથી કારીગરો સાથેનો મિસ્ત્રીનો વ્યવહાર રસ પડે તેવો રહેતો. પછી બાકી રહેલું બારીની સાઈઝોનું લાકડું આવવામાં મોડું થતું ગયું, તે પ્રકાશભાઈનો આગ્રહ એવો કે મિસ્ત્રી જાતે માલ પસંદ કરી જાય તો પછીથી સારું-મોળું ન થાય. એટલે એક વખત મિસ્ત્રીને એકલા જવાનું થયું. જાડી ગણતરી કરીને મેં તેમને ભાડાના, વાટ ખરચીના ને જમવાના પૈસા આપ્યા. મિસ્ત્રી ધ્રાંગધ્રા ગયા ને તેમનું કામ પાર પાડી આવ્યા. તેમના કહેવા પ્રમાણે ‘માલ કાઢ્યો નો’તો, એટલે બધાંયને ઉસકાવ્યા !’ ને પાછા આવીને મને વધેલા પૈસા પરત કર્યા.
મેં પૂછ્યું : ‘પૈસા વધે ક્યાંથી ? ભૂખ્યા રહ્યા’તા કે શું ?’
તો કહે : ‘આ વખતેય મને પ્રકાશભાઈએ લોજમાં જમાડ્યો’તો. એટલે ખાવાનું ખરચ થયું નથી.’
મેં કહ્યું : ‘ભલે રહ્યા, પછી વાત.’

પછી મિસ્ત્રીએ બિલ આપ્યું ત્યારે તેમના છેલ્લા ફેરાના દિવસનું રોજ ભર્યું ન હતું. અગાઉ ભરેલું, પણ આ વખતે નહોતું ભર્યું. મેં પૂછ્યું તો કહે : ‘હું ધ્રાંગધ્રા ગ્યો એ દિવસે અમાસ હતી; અમે અમાસને દિવસે કામ નો કરીએ, એટલે રોજ ભર્યું નથી !’ માત્ર પોતાના કામમાં જ નહીં, આર્થિક વ્યવહારોમાં એ નીતિનું એક ચોક્કસ ધોરણ જાળવીને, જાત તોડીને કામ કરતા એક આખા પ્રામાણિક નિમ્ન મધ્યમ વર્ગના પ્રતિનિધિરૂપે મેં મિસ્ત્રીને જાણ્યા. એક ઠેકાણે કામ ચાલતું હોય ત્યારે, તે પૂરું થાય ત્યાં સુધીમાં બીજું કામ મળી રહે, ને એમ ‘લાઈન’ ગોઠવાઈ જાય તેની ચિંતા આ ઊભડ કામ કરનારાઓને હંમેશ રહેતી હોય છે તેમ છતાં જે નીતિમત્તાનું ધોરણ આ વર્ગના લોકોમાં જોઉં છું, તેની સામે આપણા ઉચ્ચત્તમ પદો પર બિરાજનાર મહાનુભાવોના ભ્રષ્ટાચારોની ભરમાર વ્યથિત કરી મૂકે છે. આખા દેશની પ્રજામાં ભ્રષ્ટાચારીઓનું પ્રમાણ ટકાવારીની દષ્ટિએ કદાચ ઓછું હશે, પરંતુ તેમને હસ્તકની સત્તાઓ અને વગવસીલા એવા છે કે આખા દેશને પારાવારનું નુકશાન અને હાનિ પહોંચે છે. અને આમ છતાં આપણો આ સમાજ ટકી રહ્યો છે એ તો પેલા ઊભડિયાઓના પુણ્યપ્રતાપે જ ને !

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.