Monday, July 23, 2012

‘ધર્મ અને વીજ્ઞાન’

‘કહેવાતો ધર્મ પોતાનાં કપોળ કલ્પીત સત્યોને આખરી માને છે. જ્યારે વીજ્ઞાન પોતાની દરેક શોધને એક શરુઆત ગણે છે. ધર્મો પાસે ભીન્ન ભીન્ન અને પરસ્પર વીરોધી વીચારો છે; જ્યારે વીજ્ઞાનનું સત્ય સર્વત્ર એક સરખું જ હોય છે.’

પ્રસ્તુત મુદ્દો ચીંતનતુલ્ય છે. ઈશ્વર અને ધર્મ વીશે પ્રત્યેક ધર્મોમાં જુદા જુદા નીયમો અને જુદા વીચારો હોય છે. પરંતુ હૉસ્પીટલોમાં દરેક ધર્મ કે કોમના માણસની માઈલોગ્રાફી, એક્સરે કે કાર્ડીયોગ્રામ કરવાની પદ્ધતી એક સરખી હોય છે. ઈશ્વરના પુજા-પાઠ અને ખુદાની બંદગી વચ્ચે તફાવત હોય શકે; પણ કમળો, ટાઈફોઈડ કે હાર્ટએટૅક માટેની ટૅબ્લેટો સૌની સરખી. ગીતાના શ્લોકો અને કુરાનની આયાતોમાં ફેર હોય શકે; પણ રામ અને રહીમને હૉસ્પીટલમાં ક્સીજન આપવામાં આવે તે ક્સીજનમાં કોઈ તફાવત નથી હોતો. હજયાત્રા અને જગન્નાથની રથયાત્રામાં ફરક માત્ર સ્થળકાળનો… બાકી એરોપ્લેનના પૈંડા અને રથના પૈંડા વચ્ચે તાત્ત્વીક રીતે ઝાઝો ફેર નહીં. બન્નેનું કામ આગળ વધવાનું… બન્નેની વીધીમાં ફેર; પણ ગતીવીધીમાં કોઈ ફેર નહીં.

વીજ્ઞાનનું મોટું સુખ એ કે એમાં હમસચ્ચાઈનો કોઈ અવગુણ નથી હોતો. એકવાર શોધાયેલા સત્યથી વીપરીત એવું કોઈ બીજું સત્ય લાધે તો વીજ્ઞાન કશી નામોશી અનુભવ્યા વીના તે સ્વીકારી લે છે. આવું  એટલા માટે બને છે કે વીજ્ઞાન (માનવબુદ્ધી વડે જન્મેલો) અલ્લાદીનનો જાદુઈ ચીરાગ છે. પણ એને માટે વીજ્ઞાનીઓ  વચ્ચે કોઈ સ્પર્ધા નથી. સૌનો એક જ લક્ષ્યાંક… સત્યની શોધ. આનંદની વાત એ કે વીજ્ઞાનના કોઈ મઠો, આશ્રમો, મંદીરો કે સંપ્રદાયો નથી. વીજ્ઞાન એટલે બુદ્ધીના બલ્બમાંથી નીકળતાં તેજકીરણો… જેનાથી સમગ્ર સૃષ્ટી ઝળહળી રહી છે. વીજ્ઞાનને અહમ્ પણ નથી. (બુદ્ધીનો સદુપયોગ કરવા માટે કોઈને NOCની જરુર પડતી નથી.) સંશોધન કોઈ એકનો ઈજારો નથી. ધર્મમાં ઈર્ષા, દેખાદેખી, પદ, પ્રતીષ્ઠા અને અહમ્ નો ફુગાવો હોય છે. સાહીત્યના એક ટોચના ચીન્તકને સાંભળવા બીજા એવા જ મોટા સાહીત્યકારો ભેગાં થઈ શકે. પણ એક ધર્મગુરુનું પ્રવચન સાંભળવા બીજા સંપ્રદાયનો ગુરુ કે તેમના ચેલાઓ ના ફરકે. એમની પાસે જ્ઞાન અને શ્રદ્ધાની સીલક ઓછી પણ; અહમ્ ની આવક ‘પેટી’ અને ‘ખોખા’ (‘પેટી’ એટલે લાખ અને ‘ખોખું’ એટલે કરોડ)માં ગણાય તેટલી…! એક વીજ્ઞાની અન્ય વીજ્ઞાનીના પ્રયોગો જુએ, વીચારે, વખાણે અને જરુર પડ્યે પોતાના જ્ઞાન વડે તેનું નવસંસ્કરણ કરવાનીય કોશીષ કરે. પરંતુ એક ધર્મગુરુ બીજા ધર્મગુરુના વીચારોની ટીકા કરતા જ જોવા મળે… વખાણ તો કદી નહીં.

આ બધી વાત આજે એટલા માટે યાદ આવી કે હમણા ‘સુપ્રસીદ્ધ ચીન્તક બટ્રાન્ડ રસેલનું વીધાન વાંચવા મળ્યું. ‘જ્યાં સુધી મનુષ્ય ભુતકાળની અજ્ઞાનજનીત તથા અજ્ઞાનપ્રચારક એવી નીરર્થક નીતીકથાઓ તેમ જ માન્યતાઓને વેદવાક્ય માની માથે ચઢાવીને ફર્યા કરશે ત્યાં સુધી ઉજ્જવળ માનવ સંસ્કૃતીની આશા સેવવી એ કેવળ અર્થહીન કલ્પનામાં રાચવા જેવું બની રહેશે.’

 આજે સમાજનાં ઉત્કર્ષ માટે અંધશ્રદ્ધા વીરોધી કાયદાની તાતી જરુરીયાત છે. તેમણે કહ્યું હતું કે મેલી વીદ્યા, નજરબંધી, એકના ડબલ કરવા, માતાજીના નામે રોગ નીવારણ, પશુનો બલી આપવો, તેમ જ ભગત-ભુવા કે ડાકણ-ભુત જેવી અનેક અંધશ્રદ્ધાઓ ગામડાં તથા શહેરોમાં હજી પ્રવર્તે છે. એકવીસમી સદીમાં પણ આપણો સમાજ આવી જર્જરીત મનોદશામાં જીવે છે તે દુ:ખદ બાબત છે.

અંધશ્રદ્ધા એ થીજી ગયેલી અબૌદ્ધીકતા છે. સદીઓથી માણસના મનના ડીપફ્રીઝરમાં જર્જરીત માન્યતાઓ અને વહેમોનો બરફ ઝામી ગયો છે. આપણો કહેવાતો ધર્મ બીજું કાંઈ નહીં; પણ આધ્યાત્મીકતાના ગેસથી ચાલતું કોમ્પ્રેસર છે. (એ કોમ્પ્રેસરનું મોડેલ ઘણું જુનું છે. હવે અદ્યતન ટેકનોલોજીના ફ્રોસ્ટ ફ્રી ફ્રીઝમાં બીનજરુરી બરફ ઝામતો નથી. ફ્રીઝની જેમ સંસ્કૃતીય ફ્રોસ્ટ ફ્રી હોવી જોઈએ.) પશ્વીમમાંય અંધશ્રદ્ધાળુઓ વસે છે. પરંતુ તેમની તુલનામાં આપણે અતી અંધશ્રદ્ધાળુ પ્રજા છીએ. કમ્પ્યુટર ઈન્સ્ટીટ્યુટ કે હૉસ્પીટલોના દરવાજે પણ મરચું અને લીંબુ લટકતાં મેં જોયા છે. પેલા ડીપ ફ્રીઝરનો બરફ પીગળીને ગામ, શહેર, ગલી, નુક્કડ અને ઘરેઘરમાં ફેલાઈ ગયો છે. 

  હકીકતનું સમર્થન શ્રી ખીમજીભાઈ કચ્છી ની નીચેની ‘ધર્મ   અને   વીજ્ઞાન’ રચનામાંથી મળે છે.

‘ધર્મ   અને   વીજ્ઞાન’

અંધશ્રદ્ધા   છે   આંધળી, વહેમને   વંટોળે   વહે;

અતીશ્રદ્ધા છે અવળચંડી, વેવલાપણાંનાં વાવેતર કરે.

યુરોપે  અટપટાં યંત્રો  શોધી,  ફીટ  કર્યાં  ફૅક્ટરીમાં;

આપણે   સીદ્ધીયંત્રો  બનાવી, ફીટ  કર્યાં  ફોટામાં.

પશ્ચીમે   ઉપગ્રહ   બનાવી, ગોઠવી   દીધા  અંતરીક્ષમાં;

આપણે ગ્રહોના નંગ બનાવી, મઢી દીધા  અંગુઠીમાં.

જાપાન વીજાણુ  યંત્રો  થકી, સમૃદ્ધ  બન્યું  જગમાં;

આપણે  વૈભવલક્ષ્મીનાં વ્રતો  કરી, ગરીબી  રાખી  ઘરમાં.

અમેરીકા વૈજ્ઞાનીક  અભીગમથી  બળવાન  બન્યો  વીશ્વમાં;

આપણે  ધાર્મીક  કર્મકાંડો  થકી, કંગાળ  બન્યા  દેશમાં.

પશ્ચીમે  પરીશ્રમ  થકી, સ્વર્ગ  ઉતાર્યું  આ લોકમાં;

આપણે પુજાપાઠ–ભક્તી   કરી, સ્વર્ગ    રાખ્યું   પરલોકમાં.

ડવર્ડ  જેનરે  રસી  શોધી, શીતળા  નાબુદ  કર્યા  જગમાં;

આપણે  શીતળાનાં  મંદીર  બાંધી, મુર્ખ  ઠર્યા  આખા  જગમાં.

પર્યાવરણ–પ્રદુષણથી  જયારે  જગત  આખું   છે  ચીંતામાં;

આપણે  વૃક્ષો જંગલો  કાપી, લાકડાં  ખડક્યાં    ચીતામાં..

વાસ્તુશાસ્ત્રનો દંભ  ને  વળગાડ, લોકોને પીડે  આ દેશમાં;

ફાલતુશાસ્ત્ર છે એ, છેતરાશો નહીં, ઠગનારા  ઘણા છે આ દેશમાં.

સાયંટીફીકલી   બ્લડ   ચૅક   કરી, ઍંગેજમેન્ટ   કરે પશ્ચીમમાં,

સંતાનોને ફસાવી જન્મકુંડળીમાં, લગ્નકુંડાળાં  થાય  આ  દેશમાં.

લસણડુંગળીબટાકા ખાવાથી પાપ લાગે આ દેશમાં,

આખી ને આખી બેન્ક ખાવા છતાં પાપ ન લાગે આ દેશમાં.

 

-દીનેશ પાંચાલ (થોડું ટૂંકાવીને )

 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.