[ તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘ધુમ્મસની શેરીમાં ઉજાસ’ માંથી સાભાર. ]
છાપામાં જાહેરાત છપાય છે :
‘નીચેના ફોટાવાળા ભાઈ અમારા કહ્યામાં નથી. એમની સાથે કોઈ લેવડદેવડ કરવી નહિ. કરશો તો અમારી જવાબદારી રહેશે નહિ.’ નીચે સહી કરનાર કાં તો કુટુંબીજનો હોય છે અથવા જે તે વ્યક્તિ જ્યાં કામ કરતી હોય તેના માલિક અથવા શેઠ.
અર્થાત ક્યારેક એકમેકની અત્યંત નિકટ રહેલાઓ વચ્ચે જ આવી જાહેરાતની સ્થિતિ સર્જાતી હોય છે. બંને જણ એકબીજાના અંગતથી પરિચિત હોય છે. ક્યારેક એકબીજાની જવાબદારી નક્કી થઈ હોય છે. આવા સંબંધોમાં તિરાડ પડે છે ત્યારે વાત ચર્ચાય છે. ચર્ચાનો વિષય બની જાય છે. સંશોધન થાય છે અને એ સવાલ કેન્દ્રમાં આવે છે કે વાંધો ક્યાં પડ્યો છે ? આ સવાલના જવાબમાં, સંશોધનકર્તાનું પોતાનું તાટસ્થ્ય જેટલું જળવાય એટલા જ સત્યની નજીક જઈ શકાતું હોય છે. પૂર્વગ્રહ સાથે શરૂ થયેલ સંશોધન જવાબ કે તારણને પુષ્ટિ આપે તેવાં જ કારણો એકઠાં કરે છે અને સત્ય ક્યાંક દૂર રહી જાય છે.
સંઘર્ષનું શરૂઆતનું બિંદુ સંઘર્ષની ચરમસીમાને સમયે શોધી શકાતું નથી. ધુમાડા વચ્ચે અગ્નિનું ઉદ્દગમસ્થાન સંતાયેલું રહે છે. માત્ર અગ્નિનું પરિણામ નજર સામે બળેલા કાટમાળ રૂપે દેખાય છે. આ કાટમાળની મુલાકાત લેનારા ઘણા હોય છે પણ એને કાટમાળમાં ફેરવનાર અગ્નિના આરંભને આગોતરા ઓળખી એને સમયસર સમજણના જળથી ઓલવનારા બહુ ઓછા હોય છે. એના કરતાં તો કેરોસીનના શીશા હાથવગા કરાવી આપનાર અને પવન નાખનારા વધુ હોય છે. એ લોકોને આગનો તાપ દઝાડતો નથી, અંદર શાતા આપે છે. આજે જેણે બાળ્યું છે એનું જ કાલે બળે તો ત્યાં પણ એ પોતાની રોટલી શેકી શકવાની મનોવૃત્તિ ધરાવે છે. એમને આગ ધુમાડો ગમે છે એટલે એ કેરોસીન, દીવાસળી અને પવન પોતાની સાથે જ લઈને ફરે છે. એમને બળે એમાં આનંદ આવે છે. કોનું બળ્યું એ કરતાં કેટલું બળ્યું એ એમના રસનો વિષય છે. અને બળવાનાં કલ્પિત કારણોની ઉઘાડી ચર્ચા એમની અંદરની હીન રસવૃત્તિને સંતોષે છે. જગતમાં આગથી જેટલું નુકશાન નથી થયું ને તેટલું આ આગ જોઈને રાજી થનારાઓથી થયું છે.
છાપામાં છપાયેલા ફોટા નીચેની નોટિસમાં એક વાક્ય ખૂબ મહત્વનું છે અને આ એક જ વાક્ય આ આખીય ઘટનાના મૂળમાં છે. ‘ઉપરના ફોટાવાળા નીચે સહી કરનારના કહ્યામાં નથી.’ – ઘણું દર્દ સાથે લખાયું હોય છે આ વાક્ય. દર્દનું કારણ એક જ છે : ‘અમારા કહ્યામાં નથી.’ કહ્યામાં ન હોવું એટલે શું ? કહ્યું ન કરવું તે. કહ્યા પ્રમાણે ન વર્તવું તે. આ રીતે વર્તનારની હવે પછીની કોઈ પણ વર્તણૂંક માટેની જવાબદારી લેવાય નહિ. કહ્યા પ્રમાણે કરતા હતા ત્યાં સુધીની વાત બરોબર હતી. કહ્યા પ્રમાણે કરનારથી ફાયદો થતો હતો. હવે, કહ્યા પ્રમાણે ન કરનારાથી નુકશાન થવાનો ભય છે. આવી વ્યક્તિની જવાબદારી ન લેવાય. કહ્યા પ્રમાણે ન કરીને એ એની ફરજ ચૂક્યો છે. હવે એને આવો કોઈ હક રહેતો નથી. વર્ષોનો સંબંધ, પરિચય, ઓળખાણ બધું જ મિથ્યા – માત્ર એક કારણ : કહ્યામાં નથી. આપણા સંબંધોને કેવી કેવી અપેક્ષાઓ આભડી ગઈ છે ? કોઈ સાથે સંબંધાયા કે તરત અપેક્ષાએ જન્મ લીધો જ સમજો. સંબંધાયા એટલે જન્મેલી આ અપેક્ષાકુંવરી દિવસે ન વધે એટલી રાતે વધે છે ને રાતે ન વધે એટલી દિવસે વધે છે. એને કોઈ હદ નથી. મર્યાદા નથી. એક અપેક્ષા સંતોષાય કે તરત બીજી જન્મ લે. બીજી પણ સંતોષાવી જ જોઈએ કારણ કે પહેલી સંતોષાઈ હતી. પહેલી સંતોષાઈ હતી કારણ કે સંબંધાયા છીએ. આપણે એ રીતે વિચારી જ નથી શકતા કે પહેલી અપેક્ષા સંતોષાઈ કારણ કે તે સમય-સંજોગોમાં એ શક્ય હતું. સંભવ હતું. કોઈક અપેક્ષાનું સંતોષાવું શક્ય ન પણ હોય એવીય શક્યતા હોય એનો સ્વીકાર જ નથી. અહીં તો અપેક્ષા જાગી કે બીજાએ સંતોષવી જ રહી. અપેક્ષા સંતોષાય તો જ સંબંધ સચવાય.
અલબત્ત, આવું બંને પક્ષેથી થાય તો જ સંબંધ સચવાય એવું આપણે માનતા નથી. જેની પાસેથી રખાયેલી અપેક્ષા ન સચવાયા બદલ આપણે આટલા અકળાયા છીએ, એણે પણ એવી અપેક્ષા નહીં રાખી હોય કે આ વખતે તમારી અપેક્ષા પ્રમાણે નહીં વર્તી શકવાનાં એનાં કારણો કે સંજોગોને તમે સમજશો ? આપણે અપેક્ષાના સંતોષ-અસંતોષ બાબતે આક્ષેપબાજી કરી શકીએ છીએ તો એના વિષે પોતાના મનની વાત સ્વસ્થતાપૂર્વક, મોકળાશથી ચર્ચી શકાય તેમ મૂકી ન શકીએ ? આક્રોશમાં જ આપણે પ્રગટ થઈ શકીએ ? બે પુખ્ત વ્યક્તિ વચ્ચે અસરકારક પ્રત્યાયન સધાવું સરળ હોવું જોઈએ. અંત્યતિક પગલું બંનેના હૃદયને ઠેસ પહોંચાડે છે અને અણગમાની કે અભાવની ગાંઠ ગંઠાતી રહે. ગાંઠ ઉકેલવાની એક માત્ર આવડત ધીરજ છે. ધીરજની જનની સમજણ છે. સમજણ હશે તો ધીરજ કેળવાશે. ધીરજ હશે તો ગાંઠ જરૂર ઊકલશે. સમજણ હશે તો નવી શરૂઆતની સંભાવના રહેશે. દરવાજા ખોલવામાં કે ખોલાવવામાં, દરવાજાની બંને બાજુએ ઊભેલી વ્યક્તિને સંકોચ ન થાય એનું નામ જ સાચો સંબંધ. સંબંધ એટલે સમ્યક બંધ. બંને બાજુએથી સરખા જોડાયેલાં હોવું તેનું નામ સંબંધ છે. સંબંધ એકપક્ષી ન હોય. અન્ય સહુને આપણા કહ્યામાં રહેવું જ એવો આગ્રહ અહંકારમાંથી જન્મે છે. અહંકારને જ આપણે અધિકારનું રૂપાળું નામ આપ્યું છે. આપણને આપણા અધિકારો યાદ રહે છે, આપણી ફરજો યાદ નથી રહેતી. કોઈ સંસ્થામાં પોતાની ફરજો બજાવવાની જાગૃતિ દર્શાવતા દેખાવો નથી યોજાતા, અધિકારને નામે લડવા સહુ તૈયાર હોય છે. ક્યારેક ક્યારેક ‘સ્વચ્છતા સપ્તાહ’ ઊજવાય છે, ત્યારે હસવું આવે છે. સ્વચ્છતા સચવાય એ તો પ્રત્યેક નાગરિકની ફરજનો ભાગ છે. સ્વચ્છતા સપ્તાહ તો સ્વચ્છતાનું કામ કરનારા કર્મચારીનું ગૌરવ કરવા માટે ઊજવાય તે જરૂરી છે.
કહ્યું કરાવવાનો આગ્રહ હઠાગ્રહ બને છે ત્યારે સંઘર્ષનો આરંભ થાય છે એમ માનવું ભૂલભરેલું છે. આવા હઠાગ્રહીઓ જે કહ્યું કરે તેવાઓની શોધમાં હોય છે અને એવા એમને આવી ય મળે છે. આવા આવી મળનારાને પોતાનો સ્વાર્થ હોય છે. આવા સ્વાર્થ અને સગવડ માટે રચાયેલા સંબંધની શરૂઆત જ આવનારા સંઘર્ષના મૂળમાં હોય છે. કહ્યું કરવા પાછળનો સ્વાર્થ સંતોષાતાં દૂર જવા મથનારને પકડી રાખવા જતાં અવિવેક અને અનાદરનું પ્રદર્શન કરાવતો સંઘર્ષ આકાર લે છે. એકનો હેતુ સરી ગયો છે, એને હવે જવું છે. બીજાનો અહંકાર હજી ભૂખ્યો છે, એ જવા દેવા માંગતો નથી. ત્યાં ટકરાવ સહજ છે. ટકરાવની સ્થિતિ આવા સ્વાર્થભૂખ્યા વચ્ચે જ સર્જાય છે એવું નથી. ક્યારેક જે હેતુ માટે સંબંધાવાયું હોય તેનાથી અલગ પડવાનું, એ આદર્શથી ઉફરા ચાલવાનું લાગે ત્યારે પણ છૂટા પડવાનું ઉચિત જણાય છે. ભેગા થવા પાછળનાં કારણો અને છૂટા પડવાનાં કારણોને ઊંડાણથી તપાસવાનો વિવેક હોય ત્યાં સંઘર્ષ ટળી શકાય છે. દામ્પત્યમાં છૂટાછેડાનાં કારણો અને એક થવાનાં કારણો ઘણીવાર એક જ હોય છે ! પહેલાં જેમાંથી પ્રેમની સુગંધ આવતી હોય છે એમાંથી જ પછી અધિકાર અને આશંકાની દુર્ગંધ છૂટતી અનુભવાય છે. વિચારશીલ દંપતી હોય તો એને ઓળખી જઈ, કારણનો જ ઉપચાર કરી નાખે છે. એમને છૂટા પડવું પડતું નથી. રાજીખુશીથી જોડાવું કે કહ્યામાં ન રહેવા બદલ છૂટા થવું તે બંને સાવ અંગત બાબત છે. એનાં પ્રદર્શન ન હોય. કહ્યામાં ન રાખવાનો આગ્રહ રાખનાર કોઈના ય કહ્યામાં રહેતા નથી. એમના પોતાના પણ. સ્વવિવેકના કહ્યામાંથી ય એ બહાર નીકળી જાય છે ત્યારે એમણે કરેલો અવિવેક એમનો તો ‘વટભર્યો વહેવાર’ જ લાગે છે, કારણ કે, એમાં હા જી હા ભરનારા એમની આગળ પાછળ જ ફરતા હોય છે. એમની વાહ વાહના ઘોંઘાટ પાછળ પેલો વિવેક જાળવવાની વાત સૂચવતો સ્વર ક્યાંય દબાઈ જાય છે. અને જો ભૂલથી આવો સ્વર બલવત્તર બને તો બહુમતી એને દબાવવા સક્ષમ છે. ત્યારે છાપામાં ફોટા છપાય છે અને નીચે લખાય છે : કહ્યામાં નથી.
કોઈને ય સતત એકધાર્યું કોઈના ય કહેવામાં રહેવું ગમતું નથી. એ શક્ય પણ નથી. એનો આગ્રહ પણ ન હોય. હઠાગ્રહ તો જરાય નહિ. પિતાની કાર્યશૈલીથી પુત્રની પદ્ધતિ જુદી પડવાની જ. પિતાએ માત્ર એ જોવાનું કે પદ્ધતિ પ્રગતિના માર્ગે લઈ જાય છે કે અવનતિના. અવનતિનો માર્ગ ઓળખાય તો સમયસર પુત્રને ચેતવાય. ચેતવું ન ચેતવું એ એની મરજી છે. કેટલાક જાતે જ પડીને શીખે છે. કેટલાક અનુભવીની સલાહ પણ ધ્યાનમાં લઈને અંગત નિર્ણય લે છે. કેટલાક નિર્ણય ગણતરીપૂર્વકના હોય છે તો કેટલાક સાહસપૂર્ણ. પણ, પિતા અને પુત્ર, પતિ અને પત્ની જેવા અતિ નિકટના સંબંધોમાં પણ આવી ક્ષણો આવતી જ રહેવાની. એનો ઉકેલ કાઢવામાં જ આપણી સમજની કસોટી થાય છે. ઓળખ થાય છે. ‘કહ્યામાં નથી’ની જાહેરાત માત્રથી સંબંધ પૂર્ણ નથી થતા. વાંચનારા રાજી થાય છે. કોઈ વળી સહાનુભૂતિ વ્યક્ત કરે છે તો કોઈને કારણ જાણવાનું, કૂથલી કરવાનું કુતૂહલ થાય છે. બધામાં સરવાળે આપણે જ પીડાવાનું થાય છે. સંબંધનું ગૌરવ જળવાય તે રીતે સંબંધાવું ને છૂટા પડવું તે જ પુખ્તતાની નિશાની છે. કોઠી ધોવાથી કાદવ જ નીકળે. ઘરનાં ગંદાં વસ્ત્રો જાહેરમાં ન ધોવાય. કાળી ચૌદશે ઘરનો કંકાસ ચાર રસ્તે મૂકવા જનારા અણસમજુ એમ માને છે કે ઘરમાંથી કંકાસ ગયો ! પણ એ ચાર રસ્તે પહોંચ્યો એ ન સમજાયું ?
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.