Sunday, July 15, 2012

આકાશવાણી

રોમેન્ટીક નામવાળી વર્જીન એરલાઈન્સના પ્લેનમાં લન્ડન છોડી હું અને મારી પત્ની ન્યુ જર્સી આવી રહ્યાં હતાં.

મારી પત્ની હંસાએ કહ્યું, ‘કોઈ ભગવાન પસન્દ કર.’

મેં પુછ્યું, ‘કાંઈ કારણ ?’

‘તેં જોયું નહીં ! લન્ડનમાં ટેલીફોન પર જવાબ આપતાં પહેલાં બધા ભગવાનનું નામ બોલે છે તે ?’

વાત એમ બની કે લન્ડનમાં હૉટલમાંથી મારી પત્ની હંસાએ મીના પન્ડ્યાને ફોન જોડ્યો. તે ‘હેલો’ બોલી અને પછી ફોન હેન્ગ અપ કરી દીધો. ‘રોંગ નમ્બર હતો; કોઈ મન્દીરમાં જોડાઈ ગયો હતો.’પછી મેં તે જ નમ્બર જોડ્યો. સામેથી સ્ત્રીનો અવાજ આવ્યો, ‘હરે રામ, હરે કૃષ્ણ.’

મેં પુછ્યું, ‘ઈઝ ધીઝ ટેમ્પલ ?’

પછીથી વાતો કરતાં ખબર પડી કે તે મીનાબહેન જ હતાં.

જ્યારે અમે કનુભાઈ ઋષીને ફોન કર્યો ત્યારે સામેથી જુની રંગભુમીના રાજાનો અવાજ આવ્યો : ‘શીવશમ્ભો.’

આપણને લાગે કે લાઈન સીધી કૈલાસમાં લાગી ગઈ કે શું !કનુભાઈ શીવશમ્ભો’ એટલું જોરથી બોલ્યા હતા કે સામેની વ્યક્તી ભડકીને ભાગી જાય.

મેં કહ્યું કે,‘જો આપ સ્વયં શમ્ભુ હો તો હું હરનીશ છું.’

આખી જીન્દગી મેં જ્યારે પણ ફોન ઉઠાવ્યો છે ત્યારે જાહેરાત કરી છે કે ‘હું હરનીશ જાની બોલું છું.’હવે આ લંડનનો અનુભવ તદ્દન નવો હતો. અમારા દશ દીવસના રહેવાસ દરમીયાન ‘જૅ સી કૃષ્ન’, ‘જય સ્વામીનારાયણ’, ‘જય અમ્બે’, ‘જય જલારામ’ વગેરે વગેરે સાંભળવા મળ્યું. સૌથી આશ્વર્યજનક ‘જય સન્ત દેવીદાસ’ સાંભળવા મળ્યું. ટેલીફોન ઉપરના આ ટાઈપના ‘ગ્રીટીંગ્સ’નું કારણ શું હોઈ શકે ? તેઓ પોતાના ભગવાનની જાહેરાત કરે છે, પોતાના ભગવાનનો પ્રચાર કરે છે; કારણ જે હોય તે પરંતુ વીચાર આવે છે એ લોકો અન્દરોઅન્દર અથડાતા હશે ત્યારે શું થતું હશે ?

‘જલારામ બાપાની જય. તમે સાંજે શું કરો છો ?’ ‘જય સ્વામીનારાયણ, આજે સાંજે સ્વામીનારાયણના મન્દીરમાં જવાના છીએ.’ ‘ઓહ ! તો તમે કશું ખાસ નથી કરતા, તો આવો આજે સાંજે.’

કદાચ એમ પણ બને કે ‘સન્તોષીમા’ના ગ્રીટીંગ્સવાળા ‘મેલડીમાતા’વાળા જોડે સમ્બન્ધ ન પણ રાખતા હોય.લન્ડનમાં પરધર્મીઓ આ લોકોને ફોન કરતાં હશે ત્યારે તેમની શી દશા થતી હશે ? ન્યુ જર્સીના વીષ્ણુભાઈ ન્યુ યોર્કના મહેશભાઈને ફોન કરે ત્યારે મહેશભાઈ ફોન ઉઠાવી બોલે, ‘હું મહેશ.’

સામેથી સંભળાય, ‘હું વીષ્ણુ.’

અન્તરીક્ષમાં ક્યાંક કોઈક બોલતું હશે કે, ‘હું બ્રહ્મા અહીં લટકું છું.’

શીવશમ્ભોવાળા કનુભાઈનાં પત્ની નલીનીભાભીએ અમને જણાવ્યું કે ‘કનુને ટેલી–માર્કેટીંગની નોકરીમાંથી‘શીવશમ્ભો’ના સંબોધનના આગ્રહને કારણે પાણીચું મળ્યું હતું. પોતે બોલતા હતા એટલે નહીં; પરન્તુ સામેવાળા પાસે બોલાવતા હતા તેથી.’

જ્યારે કનુભાઈને મળવાનું થયું ત્યારે તેમણે જણાવ્યું કે, ‘મારા ગુરુ માને છે કે આ રીતે આપણા અને સામાના મનમાં એક પવીત્ર વીચારની ફુંક મારી શકીએ છીએ.’

આ ગુરુ કોણ છે ?

‘હરનીશપુરાણ’માં એક વાર્તા છે કે એક ગરીબ બ્રાહ્મણે જંગલમાં જઈને ખુબ તપ કર્યું અને ભગવાનને પ્રસન્ન કર્યા. ભગવાન પ્રગટ થયા. ગરીબ બ્રાહ્મણને કહે, ‘માગ તારે જે માગવું હોય તે.’ ગરીબ બ્રાહ્મણ બોલ્યો, ‘પ્રભુ ગરીબીને કારણે મારી પત્ની મને ત્યજી ગઈ છે. મારો દીકરો મારું માનતો નથી. પ્રભુ, જીવનમાં ઘણી તકલીફો છે.’ પ્રભુ કહે- તારે ભવસાગર તરવો હોય તો ગોઠવણ કરી આપું, મોક્ષ જોઈતો હોય તેમાં નામ લખાવી દઉં; પરન્તુ બૈરીને પાછી બોલાવવા માટે તારે પન્ડીત, મહારાજ કે અજમેરીબાબાનો સમ્પર્ક સાધવો પડે.’

પછી પ્રભુએ આગળ ચલાવ્યું. ‘વાત એમ છે કે હું ભગવતગીતામાં લખવાનું ભુલી ગયો છું કે હું અને ગુરુ એક સાથે તને મળીએ તો તારે કોને પહેલાં પગે લાગવાનું. કોઈ ભોજપુરી ગુરુએ તે લખી દીધું કે,

‘ગુરુ ગોવીન્દ દોનોં ખડે, કીસકો લાગું પાય,

પહેલો લાગુ ગુરુ કો, જીસને ગોવીન્દ દીયો બતાય’

‘ગુરુ અને હું સાથે ઉભા હોઈએ ત્યારે મને પહેલાં પગે લાગવું જોઈએ. એમ જો ગુરુએ શીખવાડ્યું ન હોય તો તે ગુરુ કેવા ? સામાન્ય રીતે મારી અને ગુરુ વચ્ચે સમજુતી છે કે અમારે બેએ એક સાથે ક્યાંય જવું નહીં. આમેય અમે બન્ને સાથે ઉભા હોઈએ તો કલીયુગના લોકો ગુરુથી જ અંજાય છે અને ગુરુને હેલીકોપ્ટરમાં ફેરવે છે. આ બાબાએ અને મહારાજોએ લોકોને એવાં ગોગલ્સ પહેરાવ્યાં છે કે એમને બાબાઓ અને મહારાજો મારાથી મોટા દેખાય છે અથવા એમ કહીએ કે માત્ર એ લોકો જ દેખાય છે.

‘અને ટીવી પર તો ‘ટીવી ગુરુ’ઓનો વર્ગ ઉભો થયો છે. તમે મારા આશ્રમમાં નહીં આવો તો કાંઈ નહીં. હું તમારા ઘરમાં આવીશ. ગુરુની દયાનો પાર નથી ! આ ગુરુઓ હવે ટીવી પર ઝળકતા થઈ ગયા છે. ઈન્ટરનેટ દ્વારા દાન સ્વીકારે છે. ઈન્ટરનેટ દ્વારા આશીર્વાદ મોકલે છે. ટીવી પર દેખાવડા જુવાન ગુરુઓની માંગ વધારે છે. ગુરુ સ્ટુડીઓમાં બોલે અમે પાછળ ઓડીયન્સ બતાવીશું. ટુંકમાં ટીવી હવે મનોરંજનનું સાધન નથી રહ્યું. આ મારી માયા છે કે ગુરુની ! મને ખબર નથી.’

કલીયુગના ગરીબ બ્રાહ્મણે ભગવાન તરફ જોયું અને બોલ્યો, ‘ફરગેટ એબાઉટ ભવસાગર. તમારી પાસે પન્ડીત મહારાજનો ફોન નમ્બર છે ?’

ભગવાન કહે, ‘તે તો મોઢે છે. લખ 01144-176-176.’ બ્રાહ્મણે તે લખી લીધો. ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા.

એલેકઝાન્ડર ગ્રેહામ બેલ નાસ્તીક હશે. જેથી માળા ફેરવવાનો સમય બગાડીને આ ફોનની શોધ કરવા બેઠો અને ફોન શોધીને જેસીકુષ્ન’બોલવાની જગ્યાએ ‘હેલો’ બોલ્યો.

મારી પત્નીએ પાછું પુછ્યું, ‘કોઈ ભગવાન પસન્દ કર્યા ખરા?’ મેં કહ્યું ‘મને કોઈ ભગવાન માટે પક્ષપાત નથી. બધા ભગવાન પાવરફુલ લાગે છે.’ તો પત્ની કહે છે કે, ‘આપણે કોઈક નામ બોલવું જ પડશે.’

તો મેં કહ્યું કે, ‘મને ભગવાન કરતાં ઐશ્વર્યા રાયમાં વધુ શ્રદ્ધા છે અને મને ઐશ્વર્યા રાયનું નામ રટણ કરવાનું ગમે છે.’ તો પત્ની બોલી, – ‘ઓ.કે., એ નામ ચાલશે. ઈશ્વર અને ઐશ્વર્યા, સરખું જ થયું.’ પત્નીએ સ્વીકાર્યું, એ જ મારા માટે મોટી સીદ્ધી હતી !

ઘરે આવ્યા. કોઈકનો ફોન આવ્યો. શુભસ્ય શીઘ્રમ્. મેં ફોન ઉપાડી કહ્યું, ‘જય ઐશ્વર્યા રાય, હું હરનીશ બોલું છું.’સામેથી અવાજ આવ્યો, ‘ઐશ્વર્યા નહીં, જય કરીના કપુર – કરીના કપુર બોલો.’

હરનીશ જાની

(‘માણસ ભલે ગુજરાતમાંથી નીકળી જાય; પરન્તુ માણસમાંથી ગુજરાત નીકળતું નથી’ એમ કહેનાર હાસ્યલેખક હરનીશ જાની ગુજરાતમાં જનમ્યા, મોટા થયા, નોકરી કર્યા પછી છેલ્લાં 40 વર્ષોથી અમેરીકામાં સ્થાયી થયા છે. પ્લાસ્ટીક ઈજનેરની લાંબી નોકરી પછી હાલ નીવૃત્ત છે.) તેમના હાસ્યરચના સંગ્રહ ‘સુશીલા’ ના પાન ક્રમાંક54 પરથી, લેખકન પુર્વ પરવાનગી અને સૌજન્યથી સાભાર…

અભિવ્યક્તિ માંથી  સાભાર 






No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.