Tuesday, July 17, 2012

પ્લાસ્ટીકનું લીંબુ અને મરચું એટલે અંધશ્રદ્ધાનું ઔધોગીકરણ

વાત અંધશ્રદ્ધાની કરવી છે. એથી ગમ્ભીરપણે જો એમ કહું કે ‘લાખાવાડીનો લલ્લુ લખોટી લંડન જાય તો ત્યાં પણ બારસાખે લીંબુ અને મરચું લટકાવે…’ તો કોઈને આશ્વર્ય નહીં થાય. કેમ કે મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે તે રીતે ‘લીંબુ અને મરચું’ ને આપણે આપણી અન્ધશ્રદ્ધાના રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારી લીધું છે. હમણાં મુમ્બઈ જવાનું બન્યું. ત્યાં પણ મેં દુકાનમાં, કે ઘરોમાં લીંબુ અને મરચું લટકતાં જોયા ! (મી મુમ્બઈત અંધશ્રદ્ધા ચા ભાંડા ફોડુન ટાકલા… !) 
 

શોધવા નીકળો તો દર દશમાંથી એક ઘરે અને દુકાને (અરે… હૉસ્પીટલોમાં અને સાયન્સની લેબોરેટરીના દરવાજે સુધ્ધાં..!) લીંબુ અને મરચું લટકતું જોવા મળશે. આ લખાય છે ત્યારે યોગાનુયોગ ‘ગુજરાતમીત્ર’ માં પ્રેમ સુમેસરા એક ચર્ચાપત્રમાં લખે છે- સુરત મહાનગરપાલીકાએ પચાસ કરોડ રુપીયાના ખર્ચે અત્યાધુનીક સાયન્સ સેન્ટરનું નીર્માણ કર્યું. એક અખબારી અહેવાલ અનુસાર એનું બાંધકામ સમ્પુર્ણપણે વાસ્તુશાસ્ત્રના નીયમો મુજબ કરવામાં આવ્યું છે. આ જાણ્યું ત્યારે એવું લાગ્યું કે જાણે બારાખડીમાં જ જોડણીની ભુલ કરવામાં આવી હોય. 

 

હવે તો પ્લાસ્ટીકનાં લીંબુ અને મરચાં તૈયાર મળે છે ! પ્લાસ્ટીકનાં લીંબુ અને મરચાંનું ફેક્ટરીમાં ઉત્પાદન થાય એટલે અન્ધશ્રદ્ધાનું ઔદ્યોગીકરણ કરેલું કહેવાય. આપણે સમાજ બદલવાની બુમરાણ મચાવીએ છીએ પણ સમજ બદલવાની આપણી તૈયારી નથી. ફેશન પ્રમાણે વસ્ત્રો બદલીએ છીએ પણ વખત પ્રમાણે વીચારો બદલતાં નથી. એક તરફ કમ્પ્યુટરની મદદ વડે હૃદયમાં પેસમેકર બેસાડીએ છીએ; તો બીજી તરફ એ જ કમ્પ્યુટરથી જન્મ કુંડળી કાઢીએ છીએ અને ઈન્ટનેટ દ્વારા ગ્રહોના નંગવાળી વીટી મંગાવીએ છીએ. (આળસુ ભીખારી અબજોપતી બની જાય તો કારમાં ભીખ માંગવા નીકળે તેવો આ મામલો છે. આપણને કમ્પ્યુટર મળ્યું તો તેનો ઉપયોગ પણ આપણે અન્ધશ્રદ્ધાના ફેલાવા માટે કરી રહ્યા છીએ) વીજ્ઞાન અને ટૅકનોલૉજીમાં આપણે અદ્ ભુત પ્રગતી કરી છે. ભગવાનની આરતીનાં નગારાં હવે ઈલેક્ટ્રીક ઉપકરણ દ્વારા વાગે છે. મંદીરમાં દીવા હવે તેલ-ઘીને બદલે ઈલેક્ટ્રોનીક સીસ્ટમથી થાય છે. અન્ધશ્રદ્ધાને પણ આપણા વૈજ્ઞાનીક વીકાસનો લાભ મળી રહ્યો છે. આપણે એવો વીકાસ કર્યો કે અન્ધશ્રદ્ધાનું પણ પુનર્વસન થઈ શક્યું. ગમે તેમ, પણ પ્લાસ્ટીકનાં લીંબુને મરચાંથી નુકસાનના વેપલામાં પણ થોડો ફાયદો થાય છે. સાચાં લીંબુ અને મરચાં માનવીય આહારમાં કામમાં લેવાતી ઉપયોગી શાકભાજી છે. કરોડો રુપીયાના શાકભાજી નીરર્થક બારસાખે લટકીને કમોતે મરે તેનાં કરતાં પ્લાસ્ટીકનાં લીંબુ અને મરચાં શાં ખોટાં ?  લીંબુ–મરચાં છાપ અન્ધશ્રદ્ધા નાબુદ જ ન થઈ શકવાની હોય તો એમ વીચારીને રાજી રહો કે દેવને બલી ચઢાવવા માટે જીવતાં મરઘાં કરતાં પ્લાસ્ટીકનો મરઘો શું ખોટો ? તેમાં કોઈ ઝંઝટ નહીં. પૈસા આપો, તૈયાર લીંબુનાં લટકણીયાં ખરીદો અને બારસાખે લટકાવી દો. બસ, આટલું કરો એટલે તમારા 84 લાખ અવતાર સફળ…! તમને કોઈની નજર ના લાગે… કોઈ નુકસાન ન થાય… કોઈ તમારું કાઈ બગાડી ના શકે… ધંધામાં બરકત રહે… દુર્ભાગ્ય સદ્ ભાગ્યમાં ફેરવાઈ જાય…! (પેલાં લીંબુ મરચાં સીવાય) જગતમાં સૌનું કલ્યાણ થઈ જાય… અમારા બચુભાઈએ ત્સુનામી વખતે કહેલું- ‘અટલબીહારી બાજપેયીની ભુલને કારણે આખો દેશ મુશ્કેલીમાં આવી પડ્યો. આપણા રાષ્ટ્રધ્વજની સાથે લીંબુ ને મરચાંનું માત્ર એક લટકણીયું લટકાવી દીધું હોત તો આખો દેશ ત્સુનામીમાંથી ઉગરી ગયો હોત…’ 

 

લીંબુ મરચાંની વાત છોડી માણસની અન્ય માન્યતાઓની થોડી ચર્ચા કરીએ. આપણે ત્યાં સોમનાથ સહીતના ઘણાં મંદીરોના દરવાજા બારથી ત્રણ સુધી બન્ધ રાખવામાં આવે છે. એક સ્થળે મન્દીરમાં મુર્તીને માથે પંખો ફરતો જોઈ મને નવાઈ લાગી. મેં કારણ પુછ્યું. તો પુજારીએ મારા અજ્ઞાન પર હસી કાઢતાં કહ્યું- ‘માણસને પંખાની જરુર હોય તો ભગવાનને નહીં…? એમને પણ તાપ તો લાગે જ ને, એને પણ જીવ છે.. !’ (એ વૃદ્ધ પુજારીને ન આપી શકાયેલો જવાબ આ રહ્યો. હું જાણું છું ત્યાં સુધી વનસ્પતીમાં જીવ છે એવું ડૉ. જગદીશચન્દ્ર બોઝે શોધેલું. પણ મુર્તીમાં જીવ છે એવી શોધ હજી સુધી થઈ નથી. વળી જેને પોતાને તાપ દુર કરવા માટે મેનમેઈડ પંખાની જરુર પડતી હોય તેવો ભગવાન માણસને સંસારના તાપમાંથી શી રીતે ઉગારી શકે ? તમે પ્રભુને માથે પંખો લટકાવીને તેમના અસામર્થ્યની પોલ ખોલી રહ્યાં છો).

 

એક શ્રદ્ધાળુ વૃદ્ધે ધાર્મીક યાત્રા ગોઠવી હતી. તેમને ખબર પડી કે પુરા સાડાત્રણ કલાક પછી મન્દીરના દરવાજા ખુલશે. જો ભગવાનના દર્શન કરવા હોય તો પ્રવાસનો એક દીવસ લમ્બાવવો પડશે. વૃદ્ધ સમ્પુર્ણ શ્રદ્ધાળુ હતા; છતાં તેમના મોઢામાંથી શબ્દો નીકળી ગયા- ‘ભગવાનને વળી આરામની શી જરુર… ?’ પછી તપાસ કરતાં ખરું કારણ જાણવા મળ્યું. પુજારીને જમ્યા બાદ આરામ કરવાની ટેવ હતી. એથી રોજ બપોરે મન્દીર બન્ધ કરી દઈ આરામ ફરમાવતા. આ જાણ્યા પછી કાકા શ્રદ્ધાળુ મટી વ્યવહારુ બની ગયા. ખીસ્સામાંથી સોની પાંચ નોટ કાઢીને (જાણે ભગવાનનો પ્રસાદ હથેળીમાં મુકતા હોય એવા શ્રદ્ધાભાવે) પુજારીના હાથમાં મુકી. પુજારીએ પ્રસન્ન થઈ દરવાજો ખોલી આપ્યો. અને ‘વ્હાઈટ’માં જે દર્શન શક્ય ન બની શક્યા તે ‘બ્લેક’માં કરીને એમણે મુસાફરીનો એક દીવસ બચાવ્યો. એમ કહો કે પાંચેક હજાર જેટલો વધારાનો ખર્ચ થનાર હતો તે એમણે પાંચસો રુપીયામાં પતાવ્યો (શુળીનું વીઘન સોયથી પતાવ્યું..!). 

 

શ્રદ્ધાના કાળા બજાર પણ થઈ શકે. ખરીદતાં આવડે તો બધું જ ખરીદી શકાય. અને ઉઠાડતાં આવડે તો કુમ્ભકરણને શું ભગવાનને પણ ઉઠાડી શકાય ! શરત એટલી તમારા દીલમાં શ્રદ્ધા (?!) હોવી જોઈએ અને દીમાગમાં બુદ્ધી. શ્રદ્ધા બુદ્ધીના રૅપરમાં વીંટળાયેલી હોય તો જ તે ઉપયોગી નીવડી શકે. કો’કે એસ.એમ.એસ. મોકલ્યો હતો.સારો સ્વભાવ શુન્ય જેવો હોય છે. આમ તો એની કશી કીંમત નહીં; પણ એ જેની સાથે હોય તેની કીંમત વધી જાય છે.’ ચલણી નોટની ચાવીથી પુજારી મન્દીરનો દરવાજો ખોલી આપે એમાં વપરાતી બુદ્ધી શુન્ય જેવી ગણાય. બુદ્ધીનું સ્વતંત્ર અસ્તીત્વ શુન્ય જેવું હોય છે. પણ એ જેને સાથ આપે છે તેને માટે ભગવાનના દરવાજા પણ ખુલી જાય છે.

ધુંપછાંવ

એક ખેડુત પોતાની વાડીમાં લીંબુ અને મરચાંની ખેતી કરે છે. એમ. એસ. સી. થયેલા એ ખેડુતે એની વાડીના ઝાંપે લીંબુ અને મરચું લટકાવ્યું છે. બોલો શું કહેવું છે…? લીંબુ અને મરચાંની આખેઆખી વાડીને ઝાંપે પણ લીંબુ અને મરચું…??? !!! (ભીમની સુરક્ષા માટે બોડી ગાર્ડ ગોઠવવા જેવી આ વાત થઈ કે નહીં ?)

-દીનેશ પાંચાલ

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.