Monday, July 9, 2012

ખારી કૉફી ! – ડૉ. આઈ. કે. વીજળીવાળા


[ ‘હૂંફાળા અવસર’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ડૉ. વીજળીવાળાનો (ભાવનગર) ખૂબ ખૂબ આભાર. ]
રદેશની એક હોટલમાં કોઈએ એક સરસ મજાની પાર્ટીનું આયોજન કર્યું હતું. હાજરી આપવાવાળા બધા બરાબર બનીઠનીને આવેલા હતા. એ બધામાં સાવ સામાન્ય દેખાવવાળો અને સાદાં કપડાંવાળો એક યુવાન પણ સામેલ થયો હતો. એ બિચારો એક ખૂણામાં આવેલા ટેબલ પાસે બેઠો બેઠો બધાને જોઈ રહ્યો હતો. કદાચ મનથી થોડીક લઘુતાગ્રંથિ અનુભવી રહ્યો હોય એવું પણ લાગતું હતું.
એ આખી જ પાર્ટીનું મુખ્ય આકર્ષણ એક યુવતી હતી. એ સૌથી રૂપાળી અને ખૂબ જ સ્માર્ટ લાગતી હતી. પાર્ટીમાં હાજર ઘણા લોકો એની સાથે વાત કરવા તેમ જ હાથ મિલાવવા તલપાપડ હતા. એવું કહેવાય કે લોકો એની આગળપાછળ જ ફરતા હતા. એવું લાગતું હતું કે જાણે એ એક યુવતીના કારણે જ પાર્ટીમાં રોનક છવાયેલી હતી. પેલા છોકરાને પણ એની સાથે વાત કરવાનું મન થયું, પરંતુ પોતાના સામાન્ય કપડાં તેમ જ સીધાસાદા દેખાવનો વિચાર આવતા જ એ ખંચાયો. એકાદ-બે ક્ષણ એમ જ વિચાર કરતો એ બેસી રહ્યો. પછી ગમે તે હોય, અચાનક જ એ પોતાના સંકોચને ખંખેરીને પેલી યુવતી પાસે ગયો. એની સાથે હાથ મિલાવી, એની આંખોમાં આંખો પરોવીને અત્યંત આત્મવિશ્વાસથી એણે વાતો કરી. એટલું જ નહીં, બીજા દિવસે શહેરના સારામાં સારા ગણાતા કૉફીશોપમાં કૉફી પીવા આવવા માટેનું આમંત્રણ પણ આપી દીધું. એ છોકરાની આંખોમાં ઝળકતા આત્મવિશ્વાસને લીધે હોય કે એની વાતોના કારણે હોય, પરંતુ પેલી યુવતીએ એ પ્રસ્તાવનો સ્વીકાર પણ કરી લીધો.
બીજા દિવસે બંને જણ નક્કી કરેલ કૉફીશોપમાં ભેગાં થયાં. આગલા દિવસે ભેગી કરેલી હિંમત જાણે દગો દઈ ગઈ હોય એમ એ યુવક સાવ નર્વસ થઈ ગયો હતો. શું બોલવું, કઈ વાત ઉખેળવી, કઈ રીતે બંને વચ્ચેના મૌનને તોડવું એની કાંઈ જ ખબર ન પડવાથી એ ચૂપચાપ બેઠો હતો. પેલી યુવતીને પણ ખૂબ અકળામણ થતી હતી. એને તો મનમાં થતું હતું કે આના કરતાં તો પોતે આવી જ ન હોત તો સારું હતું. એ ઊભી થવા જ જતી હતી એ જ વખતે વેઈટર કૉફી લઈને આવ્યો. પેલા યુવકે આજુબાજુના ટેબલવાળા સાંભળે એટલા ઊંચા અવાજે વેઈટરને કહ્યું : ‘વેઈટર ! પ્લીઝ, મને કૉફીમાં નાખવા માટે સૉલ્ટ (મીઠું) આપશો ?’ સાંભળીને પેલી યુવતી સહિત બધાને નવાઈ લાગી કે કૉફીમાં મીઠું ? બધાએ આશ્ચર્યના ભાવો સાથે એની સામે જોયું. વેઈટરે પણ મોં પર એવા જ ભાવો સાથે એને મીઠાની ડબ્બી આપી. પોતાથી જરા વધારે પડતા મોટા અવાજે બોલાઈ ગયું છે એ વાતનું ભાન થતાં એ યુવાનનો ચહેરો શરમથી લાલ થઈ ગયો, છતાં નીચું જોઈને એણે પોતાની કૉફીમાં મીઠું નાખી એને ખારી બનાવીને ચૂસ્કી લીધી.

‘આ તો મારા માટે ખરેખર નવાઈ કહેવાય. એમ કહોને કે મેં તો આવું ક્યારેય જોયું જ નથી ! તું નાનપણથી જ આવી ખારી કૉફી પીએ છે ?’ પેલી યુવતી આશ્ચર્યથી બોલી ઊઠી.
‘હા !’ એ યુવાને જવાબ આપ્યો, ‘હું નાનો હતો ત્યારે અમે દરિયાકિનારાના એક ગામમાં બરાબર દરિયાને અડીને જ રહેતા હતા. મારો ઘણો ખરો સમય દરિયાકાંઠે જ વીતતો. મને મારી દરેક વસ્તુઓમાં… અરે, મારી ચામડી પર સુદ્ધાં દરિયાનો સ્વાદ આવતો. મને એ ખૂબ જ ગમતું. એ સ્વાદ બરાબર આ ખારી કૉફી જેવો જ લાગતો. હવે જ્યારે જ્યારે હું સૉલ્ટી (ખારી) કૉફી પીઉં છું ત્યારે ત્યારે મને મારું બાળપણ, મારું ગામ, મારાં મા-બાપ, મારો એ દરિયો અને એનો સ્વાદ એમ બધું જ યાદ આવે છે. હું એમાં પાછો ખોવાઈ જાઉં છું. આજે પણ મારાં ઘરડાં મા-બાપ ત્યાં જ રહે છે.’ આટલું બોલતા એની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. એ આગળ કાંઈ પણ બોલી શક્યો નહીં. પોતાના બાળપણના સ્થળ અને એની યાદો બાબતે કોઈ આટલું ભાવુક હોઈ શકે એ પેલી યુવતીને માન્યામાં જ નહોતું આવતું. આવા અત્યંત પ્રેમાળ યુવકને જોઈ પેલી યુવતીને એના માટે ખૂબ જ આદર અને લાગણી બંને થઈ આવ્યાં. એ જ ક્ષણે એને થયું કે, ‘બસ, આવો યુવાન જ એને પોતાના જીવનસાથી તરીકે જોઈએ છે !’ પોતાના વતન કે માતાપિતાને યાદ કરતી વખતે પણ જેનું હૃદય ભરાઈ આવતું હોય એને પોતાનું ઘર વહાલું જ હોય ! અને એ પછી તો એ પણ ખૂલી ગઈ. એણે પણ પેલા યુવાન સાથે દિલ ખોલીને વાતો કરી.

એ વાતને પછી તો દિવસો વીતી ગયા. બંને જણ મળતાં રહ્યાં અને એક દિવસ પરણી પણ ગયાં. પેલી યુવતી પોતાને ઘણી નસીબદાર માનતી હતી, કારણ કે એ યુવાન તો એની ધારણા કરતા પણ ઘણો વધારે પ્રેમાળ, લાગણીશીલ અને વફાદાર નીકળ્યો હતો. પોતાના નસીબ માટે એ કાયમ ભગવાનનો આભાર માનતી અને સાથોસાથ પોતાના પતિની કૉફીમાં મીઠું નાખવાનું ક્યારેય ભૂલતી નહીં. હા, ક્યારેક વળી એ કૉફી બનાવતી વેળા થોડીક ચાખી લેતી અને એને મનમાં થતું પણ ખરું કે એના પતિને આવો ભંગાર સ્વાદ કઈ રીતે ભાવતો હશે ? તેમ છતાં એ સૉલ્ટી (ખારી) કૉફી બનાવવાનું ક્યારેય ભૂલતી નહીં. એમ જ આનંદ અને સ્નેહથી ભર્યાં ભર્યાં 40 વર્ષ પસાર થઈ ગયાં. એ એવાં સરસ વર્ષો હતાં કે બંનેમાંથી એકેયને એકબીજા અંગે ફરિયાદનો એક મોકો પણ નહોતો મળ્યો. એ પછી જાણે કે કુદરતને એમના સુખની ઈર્ષ્યા આવી ન હોય એમ પેલાને કૅન્સર થયું. મરણ પથારી પરથી એણે પોતાની પત્નીને એક કવર આપ્યું અને પોતે મૃત્યુ પામે એ પછી જ ખોલવું એવી ખાસ તાકીદ પણ કરી. એ પછીના થોડા દિવસોમાં જ પતિ મૃત્યુ પામ્યો.
પેલી યુવતી, જે પોતે પણ હવે 60 વર્ષ વટી ગઈ હતી. એણે એક દિવસ બપોરે પોતાના પતિએ આપેલું કવર ખોલ્યું. એમાં લખ્યું હતું, ‘વહાલી ! તારી માફી માગવા જ આ પત્ર હું લખી રહ્યો છું. તારી સામે આખી જિંદગી મેં એક જુઠાણું ચલાવ્યું છે અને એ એક જૂઠને તારે હવે માફ કરવું જ રહ્યું !’ પેલીને નવાઈ લાગી. એણે આગળ વાંચવાનું શરૂ કર્યું. આગળ લખ્યું હતું, ‘તને યાદ છે આપણી પહેલી મુલાકાત ? આપણા શહેરની મશહૂર કૉફીશોપમાં આપણે પ્રથમ વખત મળ્યાં હતાં એ તને યાદ જ હશે. હકીકતે એ દિવસે હું ખૂબ જ નર્વસ થઈ ગયેલો. મને બીક હતી કે મારો સામાન્ય દેખાવ તેમ જ સાવ સામાન્ય વ્યવહારને કારણે તું મને છોડીને જતી રહીશ એટલે એ ગભરાટમાં જ મેં વેઈટરને ખાંડને બદલે મીઠું લાવવાનું કહી દીધું હતું. વળી એ વખતે એ એટલું જોરથી બોલાઈ ગયેલું કે ત્યાર પછી મારું બોલેલું સુધારવાનો પણ કોઈ અવકાશ જ નહોતો એટલે પછી મેં કૉફીમાં મીઠું (સૉલ્ટ) નાખીને જ ચલાવી લીધું. આપણા લગ્નજીવન દરમિયાન ઘણી બધી વાર આ વાત તને કહી દેવાનું મેં નક્કી કરી નાખેલું, પરંતુ કદાચ તું નારાજ થઈ જઈશ તો ? એ બીકને લીધે હું અટકી જતો, પરંતુ હવે મને કોઈ જાતની બીક નથી, એટલે લખું છું કે મને ખારી કૉફી બિલકુલ ભાવતી નથી ! હે ભગવાન ! કેટલો બધો ભયંકર અને ખરાબ સ્વાદ હોય છે એનો ! પરંતુ તારા માટે મને એ બધું જ કબૂલ હતું અને સંજોગો તો જો ! જેનો સ્વાદ મને બિલકુલ પસંદ નથી એ જ ખારી કૉફી મારે જિંદગીભર પીવી પડી ! પરંતુ ડિયર ! મને એનો લેશમાત્ર પણ રંજ નથી, કારણ કે એ ખારી કૉફીએ જ મને તારો આખી જિંદગીનો મીઠો સાથ અપાવ્યો હતો. હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે જો એ બીજી વખત જીવન આપતો હોય અને એ જીવનમાં તું જ મારી પત્ની બનવાની હો, તો એ વખતે પણ હું જિંદગીભર ખારી કૉફી પીવા તૈયાર છું, કારણ કે મને તું ખૂબ જ ગમે છે. I really love you dear !’
આંખમાં વરસતાં આંસુઓએ પતિના પત્રને ક્યારે ભીનો કરી દીધો એની પણ એ સ્ત્રીને ખબર ન રહી. એ પછી તો એણે પણ ખારી-સૉલ્ટી કૉફી પીવાની શરૂઆત કરી દીધી. કોઈ એને ક્યારેક પૂછતું કે, ‘સૉલ્ટી કૉફી કેવી લાગે ?’ તો એ હંમેશાં હસીને જવાબ આપતી કે, ‘સ્વીટ ! ખૂબ જ મીઠી !’ અને એ પછી એની આંખોમાં આછાં ઝળઝળિયાં આવી જતાં !

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.