‘સારાં કાર્યો કરીશું તો સ્વર્ગમાં જવાશે અને સ્વર્ગનું સુખ પ્રાપ્ત થશે.
પણ સ્વર્ગમાં જઈને મળશે શું ? સ્વર્ગીય સુખ એટલે શું ? સ્વર્ગીય સુખ એટલે
હર્ષોલ્લાસ, દુ:ખ વીનાનું – યાતનારહીત જીવન. સ્વર્ગમાં અપ્સરાઓ સેવા માટે
હાજર રહેશે. કલ્પવૃક્ષ હશે જેની નીચે બેસવાથી દરેક મનોકામના પુર્ણ થશે.
બેસીને ઈચ્છા માત્ર કરો અને તે વણમાંગ્યું મળી જશે. પૃથ્વી પરના ક્ષણભંગુર
જીવન દરમ્યાન દાન કરો – ત્યાં કરોડગણું પરત મળશે.’
ઉત્તમ, અતીઉત્તમ ! સોદો ઘણો સસ્તો પડે છે.
ગમતી ચીજ દાનમાં આપવી પડે તો વાંધો નહીં, સ્વર્ગમાં જઈને તો આ બધું જ
ચક્રવૃદ્ધી વ્યાજ સહીત મળવાનું જ છે; એટલું જ નહીં દરેક ઈચ્છાની પુર્તી પણ
થશે !
આ બોધપાઠમાંથી તો સાધુ – સંન્યાસીઓની
અતૃપ્ત ઈચ્છાઓ જ પુર્ણ થતી દેખાય છે. અહીં તેઓએ જે ત્યજ્યું છે તે સર્વ
કુદરતી આનંદને સ્વર્ગના સુખ તરીકે પ્રાપ્ત થવાનાં શમણાં તેઓ તો જોઈ જ રહ્યા
છે અને અનુયાયીઓને દેખાડી પણ રહ્યા છે. સ્વર્ગ, જન્નત, હેવન- જેવી અલૌકીક
કલ્પનાસભર માન્યતાઓ દરેક ધર્મમાં છે. જીવન દરમ્યાન માણસ ધાર્મીક નીયમોને
અનુસરે – ત્યાગ કરે, ઈચ્છા દબાવીને જીવે તો તેને મૃત્યુ બાદ સ્વર્ગ પ્રાપ્ત
થાય અને તે સ્વર્ગીય સુખનો હક્કદાર બને. વળી, સ્વર્ગનું સુખ મેળવવા માટેના નીયમો દરેક ધર્મમાં ભીન્ન હોવા છતાં; તેનો મુદ્રાલેખ તો એક સમાન જ છે કે, ‘પૃથ્વી પર ત્યાગ કરો અને તેનાથી અનેકગણું સ્વર્ગમાં પ્રાપ્ત કરો’.
સ્વર્ગના સુખની વ્યાખ્યા જ એવી છે કે આપણી
દરેક ઈચ્છા ત્યાં સંતોષાય. વાસના તૃપ્ત થવી, આશા-આકાંક્ષા પાર પડવી, જે
અહીં ત્યાગ્યાં તે યથેચ્છ સુખોની પ્રાપ્તી થવી વગેરે. પરંતુ આવુ સુખ તો
અહીં જ પ્રાપ્ત થઈ શકે તેમ છે ! એની પ્રાપ્તી માટે મૃત્યુ સુધીની અને તે
પછીની અવસ્થાની રાહ જોયા કરવી અને તે પણ ઈચ્છા વીરુદ્ધનું અકુદરતી જીવન
જીવીને..! આ તો નરી મુર્ખાઈ નથી લાગતી ?
જેનું અસ્તીત્વ જ સીદ્ધ નથી થઈ શક્યું નથી તેવા સ્થળે, ભવીષ્યમાં મળનારાં
કાલ્પનીક સુખમાં રાચવામાં આજનું એ જ પ્રકારનું હાથવગું સુખ ત્યજવું એમા
કયું શાણપણ છે ?
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.