skip to main |
skip to sidebar
સારા માણસ બનવું એ સૌથી કઠિન કાર્ય છે-ભુપતભાઇ વડોદરિયા
આજના જમાનામાં લોકો સાતમા આસમાને વિહરતા જોવા મળે છે. કોઈ સાદગીથી જીવવામાંમાનતું જ નથી, પરંતુ જેમના સંસ્કાર સાતમા આસમાન જેટલી ઊંચાઈવાળા છે તેવા લોકો ગણ્યા ગાંઠ્યા જ છે. સાતમા આસમાને દિમાગનો પારો ધરાવતા અસંસ્કારી લોકોની સંખ્યા વધતીજાય છે. અત્યારે સમાજમાં સૌના દિલમાં જાગૃતિનો પ્રકાશ પ્રસરવો જરૃરી છે.
મનુષ્યનો જન્મ પામીને સારા માણસ બનવું એ સંસારનું સૌથી કઠિન કાર્ય છે. મનુષ્ય જો સારો માણસ બને તો તેની આસપાસ સારો માહોલ આપોઆપ જ નિર્માણ પામે છે. સારો માહોલ ઊંચા મહેલમાં જ બને છે એવું નથી. જો ઝૂંપડામાં રહેતા માણસની રહેણીકરણી અને આચારવિચાર સારા હોય તો તેની આસપાસ સારો માહોલ રહેવાનો જ છે. જો ઊંચા મહેલોમાં રહેતો માણસ ભ્રષ્ટ હોય,વ્યસની હોય તો તેનો માહોલ ક્યારેય સારો રહેવાનો જ નથી. એક સારા પરિવારનું નિર્માણ કરવામાં કેટલીય પેઢીઓ વીતી જતી હોય છે, પણ જો પરિવારનો એક માણસ ખરાબ વિચારવાળો હોય તો તે સમગ્ર કુળની કીર્તિ એક ક્ષણમાં જ ધૂળમાં મેળવી દે છે. બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારથીજ તે માતાના વિચારો વડે સંસ્કાર પામવાનું શરૃ કરી દે છે. જીવનું ચરિત્ર જ સંસારનો ધર્મ છે.
માનવની પ્રકૃતિ જ એવી છે કે એ ઉપકાર અને સહઅસ્તિત્વની ભાવના વિના એક પળ પણસુખેથી જીવી શકતો નથી. સુખનો ભલે આભાસ થતો હોય, પણ વાસ્તવિક સુખ બહુ ઓછાનાનસીબમાં હોય છે. ધર્મનો પ્રાણ છે વિવેક. જે પ્રકારે આત્માવિહીન શરીરનું કોઈ મૂલ્ય અને ઉપયોગ હોતો નથી એવી જ રીતે સંસ્કારરહિત વિવેકહીન ધર્મનો પણ કોઈ ઉપયોગ હોતો નથી. આવા ધર્મનું કોઈ મૂલ્ય હોતું નથી. આત્માવિહીન શરીરની જેમ આવો ધર્મ પણ સડો ધરાવે છે અને દુર્ગંધ પ્રસરાવે છે. ધર્માંધતાથી અનેક વિકૃતિઓ જન્મે છે. અહિંસા અને પરોપકારને બદલે સ્થાપિત હિત,સ્વાર્થની ચડસાચડસી, પરસ્પર ઈર્ષ્યા અને આતંકવાદ પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરે છે. જો તમેધર્મની સુરક્ષા ઈચ્છતા હો તો ધર્માત્મા બનો. ધર્મ જડ નથી, તેની સુરક્ષા કરવી જોઈએ. ધર્મ કોઈ જાતિ કે સંપ્રદાય પણ નથી. ધર્મને ખરીદી શકાતો નથી. ધર્મ એક ચૈતન્યની અનુભૂતિ છે, તેની સુરક્ષા આપણે ચૈતન્યની અનુભૂતિ દ્વારા જ કરી શકીશું. આ સિવાય ધર્મની સુરક્ષાનો કોઈ રસ્તો નથી.તમામ સંપ્રદાય, વર્ગ, ઉપવર્ગ નાશવંત છે, માત્ર ધર્મ જ શાશ્વત છે. થોડા પરિશ્રમ દ્વારા આપણે સારાં પરિણામ પ્રાપ્ત કરી શકીએ છીએ. આજે આપણી શક્તિનો એક મહત્ત્વનો હિસ્સો સામાજિક ઝઘડાઓનો ઉકેલ લાવવામાં જ વપરાઈ જાય છે. જો આ શક્તિને આપણે આંતરિક વિકાસનાકામમાં જોતરીએ તો ઈતિહાસમાં સ્થાન પ્રાપ્ત કરી શકીશું. આજે દરેક માણસ સ્વાર્થમાં આંધળો છે,નાહકની ચડસાચડસીમાં વ્યસ્ત છે, તેને બધું જ પોતાના માટે જોઈએ છે અને બીજાના ભોગે જોઈએ છે. આવું વિચારવું યોગ્ય નથી. વિજ્ઞાન અને સુવિધા એ જીવનને સરળ બનાવવા માટે છે,તે પોતે જ જીવન નથી.
સૌજન્ય : શબ્દપ્રીત
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.