Thursday, May 9, 2013

આંખ ખુલે તો સારું !–મનસુખ નારીયા–


મોડીવહેલી આપણ સૌની આંખ ખુલે તો સારું !

નહીંતર સુરજ સામે જુઓ તોય હશે અન્ધારું.

હોમ, હવનનાં કુંડાળાંનો રહ્યો છે ઘેરાવો,

વીચારોનાં માંદળીયાંઓ માણસને પહેરાવો

ક્યાં સુધી સૌ પીધા કરશે ચરણામૃતનો દારુ ?…

મોડીવહેલી આપણ સૌની…

ચમત્કારને નામે પોલમ્પોલ બધાયે ખેલ,

સમજી લે વીજ્ઞાન બધાયે સામે છે ઉકેલ,

પુરાવા–આધાર વગર કાં સ્વીકારે પરબારું ?…

મોડીવહેલી આપણ સૌની…

તું સદીઓએ બાંધેલા દોરા–ધાગાઓને છોડ,

તું વહેમો પાછળ ઉંધે માથે કર મા દોડંદોડ,

જે ઘેટાંઓની જેમ જીવે છે એને કેમ સુધારું ?…

મોડીવહેલી આપણ સૌની…

દુર દુરના ગ્રહો અમસ્તા તને જ શાથી નડે ?

જ્યોતીષ, જન્તર–મન્તર, વાસ્તુ ચક્કરમાં કાં પડે ?

અન્ધ બનેલી શ્રદ્ધાઓમાં કર મા જીવન ખારું ?…

મોડીવહેલી આપણ સૌની…

– મનસુખ નારીયા,

અક્ષરાંકન:ગોવીન્દ મારુ

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.