Monday, May 13, 2013

પ્રેરણા ડૉ. આઈ. કે. વીજળીવાળા


બે સગા ભાઈઓ હતા. એમનો એક કેફી દ્રવ્યોનો બંધાણી, દારૂડિયો અને આડા રસ્તે ચડી ગયેલો હતો. એ વારંવાર ઘરમાં ઝઘડા કરતો. પોતાની પત્ની અને બાળકોને પણ અવારનવાર મારતો. જ્યારે બીજો ભાઈ એક સફળ બિઝનેસમૅન હતો. ખૂબ જ આનંદી, પ્રેમાળ અને કુટુંબપરાયણ હતો. સમાજમાં એનું ખૂબ માન હતું. ગામના થોડાક પ્રતિષ્ઠિત વ્યક્તિઓમાં એની ગણતરી થતી.
ઘણાને આની નવાઈ લાગતી. બધાને થતું કે એક જ માતાપિતાના સંતાન અને એક જ વાતાવરણમાં ઊછરેલા હોવા છતાં આ બંને ભાઈઓમાં આટલો બધો ફર્ક હોવાનું કારણ શું હોઈ શકે ? એટલે એમાંના એક જણે આ રહસ્યનો તાગ મેળવવાનું નક્કી કર્યું. સૌપ્રથમ એણે ખરાબ લતે ચડી ગયેલા ભાઈને જઈને પૂછ્યું, ‘તમે અત્યારે જે કાંઈ છો, જે કાંઈ કરો છો એ બધા માટે તમને પ્રેરણા ક્યાંથી મળેલી ? તમે આજે જે પરિસ્થિતિમાં છો એના માટે તમારા મતે જવાબદાર કોણ છે ?’
‘મારા પિતાજી ! બીજું કોણ વળી ?’ પેલા દારૂડિયાએ જવાબ આપ્યો, ‘એ પોતે નશીલી દવાઓના બંધાણી હતા. દારૂ પણ એટલો જ ઢીંચતા. રોજ રાત્રે ઘરે આવીને મારી માને મારતા. અમારામાંથી કોઈક ઝાપટે ચડી જાય તો અમનેય ઢીબી નાખતા. હવે તમે જ કહો ! આવું દષ્ટાંત ઘરમાં હોય તો આપણે પણ ધીમે ધીમે એના જેવા જ બની જઈએ ને ! મારા કિસ્સામાં પણ એમ જ બન્યું !’ પેલા પૂછનારને આ વાત બરાબર લાગી. ત્યાર બાદ એ બીજા ભાઈ પાસે ગયો. એ ભાઈ અત્યંત પ્રતિષ્ઠા ધરાવતો અને ઉચ્ચ જીવન જીવતો હતો. એને પણ પેલાએ એ જ સવાલ પૂછ્યો જે એણે એના દારૂડિયાભાઈને પૂછ્યો હતો કે, ‘તમે અત્યારે જે કાંઈ છો, જે કાંઈ કરો છો એ બધા માટે તમને પ્રેરણા ક્યાંથી મળેલી ? તમે આજે જે પરિસ્થિતિમાં છો એના માટે તમારા મતે જવાબદાર કોણ છે ?’
‘મારા પિતાજી ! બીજું કોણ વળી ?’ પેલા પ્રતિષ્ઠિત વ્યક્તિએ જવાબ આપ્યો.

હવે પેલા સવાલ કરનાર માણસને નવાઈ લાગી. એનાથી પૂછ્યા વિના રહેવાયું નહીં કે, ‘પરંતુ તમારા પિતાજી તો દારૂડિયા, નશીલી દવાના બંધાણી અને ઝઘડાળુ હતા. એ તમારી પ્રેરણામૂર્તિ કઈ રીતે હોઈ શકે ?’
‘અરે ! એમ જ છે. સાચું કહું છું. એ જ મારી પ્રેરણામૂર્તિ રહ્યા છે.’ પેલા ભાઈએ જવાબ આપ્યો, ‘જુઓ ! હું નાનો હતો ત્યારથી મારા પિતાજીને નશીલી દવા પીને કે દારૂ પીને ઘરે આવતા જોતો. એ મારી માતાને મારતા કે ઘણી વાર અમારો વારો પણ પાડી દેતા અને એવી દરેક રાત્રે એમને જોઈને હું નક્કી કરતો, અરે ! એમ કહું કે દઢ નિશ્ચય જ કરતો કે આવી જિંદગી તો મારી નહીં જ હોય અને આવો તો હું ક્યારેય નહીં બનું ! અને તમે જુઓ જ છો, એના લીધે મળેલું પરિણામ તમારી નજર સામે જ છે !’
પૂછવાવાળા માણસને એની વાત પણ બિલકુલ સાચી લાગી !
દુનિયા પાસે હકારાત્મક અને નકારાત્મક એમ બધું જ છે. એમાંથી શું મેળવવું એ કેવળ આપણા પર આધાર રાખે છે !

સૌજન્ય : રીડ ગુજરાતી 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.