Friday, May 17, 2013

હું જમું ને તમને ઓડકાર આવે ખરો ? -જયકુમાર દમણીયા : ‘Bન્દાસ’

એક ભાઈનાં માતુશ્રી અવસાન પામ્યાં ત્યારે ભાઈએ એક કર્મકાંડી મહારાજને ઉઠમણામાં બોલાવીને સુતક તથા સારણ–તારણની તીથી–વાર જોવડાવ્યાં. પછી બ્રાહ્મણે કહ્યું, ‘તમારી સ્વર્ગસ્થ માતાના આત્માના પુણ્યાર્થે સજ્જા ભરવી પડશે અને સાથે ગાય કે વાછરડીનું દાન આપવું પડશે’

‘મહારાજ ! સજ્જા એટલે શું ?’

‘તમારાં માતુશ્રી જીવન દરમ્યાન જે વસ્તુઓનો ઉપયોગ કરતાં તે આંગણામાં મુકવી પડશે. દા.ત. તમારાં માતુશ્રીનાં પલંગ, રજાઈ, ઓશીકાં, જમવાનાં વાસણો, છત્રી, ટોપી, વસ્ત્રો જેવી અનેક જીવનજરુરીયાતની વસ્તુઓ મુકજો.’

‘એનાથી શું થાય ?’

‘એ બધી જ વસ્તુઓ તમારાં માતુશ્રીને સ્વર્ગમાં પહોંચે એથી એમને ત્યાં કશી અગવડ ના પડે.’

‘બરાબર, પરન્તુ મહારાજ ! આ બધી વસ્તુઓ સાથે ગાય કે વાછરડીનું દાન શા માટે ?’

‘ભાઈ, ગાય કે વાછરડીના દાનથી તમારા માતુશ્રી સ્વર્ગમાં આવેલી વૈતરણી નદી, ગાય કે વાછરડીનું પુંછડું પકડીને  સહેલાઈથી તરી શકે !’

‘એમ ! ?’

‘ચોક્કસ એમાં શંકાને કોઈ સ્થાન જ નથી.’

‘મહારાજ ! તમારી વાત હું માની લઉં છું; પણ તમે મારી વાત માનશો ?’

‘બોલો.’

‘મારાં માતુશ્રીને અંતકાળ સુધી પેટમાં દુખાવાની બીમારી રહી. ઘણા ડૉક્ટરો કે વૈદ્યોના ઈલાજ કામ નહીં આવ્યા અને અંતે એ બીમારીએ જ એમનો જીવ લીધો. એમના મૃત્યુ બાદ એક ભુવાએ કહ્યું કે, તારી માતાને પેટમાં ડામ મુકાવ્યા હોત તો બચી જાત. મારી બીચારી માતાને હજી પેટનો સખત દુ:ખાવો થતો જ હશે તો તમે એ ભુવા પાસે તમારા પેટ ઉપર ફક્ત બે જ ડામ મુકાવશો ? તો મારા માતુશ્રીને પેટમાં શાંતી થશે.’

‘એ કેવી રીતે બને ?’

‘તો પછી આ સજ્જા અને સારણ–તારણની વીધી મારા માતુશ્રીને સ્વર્ગમાં કેવી રીતે પહોંચે ? હું જમું અને તમને ઓડકાર આવે એ કેવી રીતે બની શકે ?’

અક્ષરાંકન:ગોવીન્દ મારુ

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.