રામપ્રસાદ બક્ષી:
‘હું જીવતાજાગતા દેવોની સેવા કરવામાં માનું છું’…
સાચાખોટા અસ્પષ્ટ ઉચ્ચારમાં
બોલાયેલા સંસ્કૃત શ્લોક અને દાન, સીધું, ભોજન કે દક્ષીણાની મદદથી મૃતાત્મા
માટે આંગડીયાની ગરજ સારવાનો દાવો કરતા કર્મકાંડી બ્રાહ્મણોની વીધીમાં
રામભાઈને શ્રદ્ધા નહોતી. આ ઉપરાન્ત જે
વ્યક્તીને પેટ ભરીને જમી શકાય તેના કરતાં પણ વધારે સીધું, દાન અને ભરપુર
દક્ષીણા મળતાં હોય, તેનું જ તરભાણું છલકાવવાને બદલે જેમ તેમ બે ટંક કાઢતાં
અને કપરી પરીસ્થીતીનો સામનો કરતાં જરુરતમન્દ બાળકોને આમન્ત્રણ આપવું તેમને
યોગ્ય લાગતું પોતાના મૃત્યુ પછી પણ ક્રીયાકાંડ ન કરવાની તેમની
સ્પષ્ટ સુચના હતી. ઘરમાં કોઈ પ્રસંગે જમણવાર હોય તો આમન્ત્રીત મહેમાનો
ઉપરાન્ત માળી, સફાઈ કામદાર, ટપાલી અને હાજર હોય તો ફેરીયાને પણ જમવા બેસાડી
દેતા. ‘तत् त्वम् असी’નું સચોટ ઉદાહરણ.
પ્રથમ પ્રસુતી વખતે કંચનબહેનને
મૃત પુત્ર જનમ્યો. બીજી પ્રસુતીમાં પુત્ર થોડી જ મીનીટોમાં મૃત્યુ પામ્યો.
ત્રીજી સગર્ભાવસ્થા દરમીયાન કોઈ વડીલે સલાહ આપી, ‘જામનગર નજીક માતાનું
મન્દીર છે. આ મન્દીરમાં ઘંટ બાંધવાની માનતા બધાંને ફળતી હોવાથી મન્દીરમાં
ઘણા ઘંટ બન્ધાયા છે. રામભાઈ, તમે પણ કંચનબહેનને દીકરો આવે તો એક ઘંટ
બાંધવાની માનતા લઈ લ્યો. ભગવાનની ઈચ્છા અને માતાજીની કૃપાથી તમારે ઘેર
દીકરો આવશે.’ રામભાઈએ જવાબ આપ્યો, ‘જો મારે ઘરે દીકરો આવશે તો હું બધા ઘંટ
છોડી આવીશ એવી માનતા લેવા તૈયાર છું. મારે મન માતા અને સન્તાનનું સ્વાસ્થ્ય વધારે મહત્ત્વનું છે.’
ઉપરછલ્લી દૃષ્ટીએ મશ્કરી જેવું લાગતું આ કથન ગેરસમજ ઉભી કરે તેવો સમ્ભવ
છે. રામભાઈ નાસ્તીક હતા; પણ નીરીશ્વરવાદી નહોતા. ઈચ્છાપુર્તી માટે તેમની
પુત્રીએ ભીડભંજન મન્દીરમાં દીપમાળા કરવાનો વીચાર કર્યો ત્યારે એને શાન્તીથી
કહ્યું, ‘જો તું પુણ્યની અપેક્ષા રાખતી હોય તો મન્દીરમાં તેલનું દાન
કરવાને બદલે, એટલા તેલનું દાન થોડાં ગરીબ કુટુમ્બોને કર. થોડાક કલાક માટેની
મન્દીરની દીપમાળાને બદલે થોડાક દીવસ એની ઝુંપડીનાં કોડીયાં માટે તેલ પુરું
પડશે. પ્રભુ ગરીબની ઝુંપડીમાં વસે છે. આથી જ મન્દીરમાં
કરવામાં આવતા દુધના અભીષેક માટે, અન્નકુટ માટે કે મુર્તીના શણગાર માટે
ફાળો આપવાને બદલે સારી એવી રકમ કે ચીજો જરુરીયાત હોય તેવાં કુટુમ્બોમાં
પહોંચાડી, આરસપહાણની કે પથ્થરની મુર્તી કરતાં હું જીવતાજાગતા દેવોની સેવા
કરવામાં માનું છું’, કહી તેઓ સન્તોષ અનુભવતા.
અક્ષરાંકન:ગોવીન્દ મારુ
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.