[ જીવનમાં સંસ્કારનું ઘડતર કરે તેવા ઉત્તમ પ્રેરક પ્રસંગોનું એક સુંદર પુસ્તક છે ‘જીવન સાફલ્યની વાટે...’ આજે તેમાંથી કેટલાક ચૂંટેલા પ્રસંગો અહીં સાભાર પ્રકાશિત કરવામાં આવ્યા છે. ]
પરિવર્તનની રીત
એક સુંદર મજાનું નગર હતું. એ નગરમાં લોકો ખૂબ સંપથી રહેતા હતાં. ત્યાંના લોકો ખૂબ જ બુદ્ધિશાળી, મહેનતુ અને સુખી હતા. એ લોકોએ ભેગા મળીને એક કાયદો બનાવ્યો હતો કે એ નગરના રાજાને પાંચ વર્ષ થાય એટલે નદીપારના ગાઢ જંગલમાં હિંસક પ્રાણીઓ વચ્ચે મૂકી આવવા ! કેવો વિચિત્ર કાયદો ? છતાં આ કાયદાનું ચુસ્તપણે પાલન કરવામાં આવતું. પરિણામે જે વ્યક્તિ આ નગરનો રાજા બનતી તે વ્યક્તિ મનોમન વિચારતી કે આપણે તો માત્ર પાંચ જ વર્ષ જીવવાનું છે એટલે જેટલી થાય તેટલી મોજ-મજા મનાવો અને રંગરેલીયા કરી લ્યો. પછી તો હિંસક પ્રાણીઓના શિકાર બનવાનું જ છે ને ? એમ માની ઘણાબધા રાજાઓ આ રંગે રંગાઈ જતા, પરિણામે મંત્રીઓ દ્વારા વહીવટ તો થતો પણ વિકાસ નહિ.
પરંતુ એક વાર એક બુદ્ધિશાળી વ્યક્તિ આ નગરનો રાજા બન્યો. તેણે તેના પૂરોગામી રાજાઓ કરતાં કંઈક અલગ રીતે રાજ-કાજ શરૂ કર્યું. તેણે નગરમાં ઠેર-ઠેર લોકોપયોગી દવાખાનાઓ, દુકાનો, બાગ-બગીચા, શાળા-મહાશાળાઓની શરૂઆત કરાવી વેપાર-ધંધાને પણ પ્રોત્સાહન આપવા માંડ્યું અને પરિણામે નગરનો વિકાસદર વધવા લાગ્યો. સાથે સાથે નદીપારના જંગલમાંના હિંસક પ્રાણીઓને પકડી પકડીને બીજે તેમના માટે નિયત કરાયેલ અભયારણ્યોમાં મૂકી આવ્યો. જંગલ સાફ કરાવી ત્યાં નવાં મકાનો-શાળા મહાશાળાઓ, નવા નવા ધંધા રોજગાર, બાગ-બગીચા દવાખાનાઓ વગેરે તૈયાર કરાવ્યા. બુદ્ધિમાન લોકોને તેણે વસાવવાની શરૂઆત કરી. આ રીતે ત્યાં એક સુંદર સુયોજિત નગર નદીપાર પણ ઊભું કરી દીધું !
પાંચ વર્ષ પૂરાં થયાં એટલે રાજાએ નગરના લોકોને ભેગા કરી ઉત્સવ મનાવી રાજીખુશીથી પદત્યાગ કરી નદીપાર જવાની તૈયારી કરી. જ્યારે આ પહેલાંના જે-જે રાજાઓને નદીપાર મોકલવામાં આવેલા તેઓ રડતા-રડતા અને પગ પછાડતા પછાડતા ગયા હતા ! રાજા જ્યારે આ નગરમાંથી નદીપાર ગયો ત્યારે ત્યાંની પ્રજાએ રાજાનું સામૈયું કર્યું, સન્માન કર્યું અને ત્યાંના રાજા તરીકે કાયમ માટે હૃદયના સિંહાસને તેને બેસાડી ખૂબ માન-પાન આપ્યાં. પરિવર્તનની કેવી ગજબની રીત ! આ વાર્તાનો આપણે દરેક ક્ષેત્રે ઉપયોગ કરી શકીએ અને ચીલાચાલુ કામગીરીને બદલે નાવિન્યતાપૂર્ણ અને અસરકારક કામગીરી કરીને જે-તે ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન આણી શકીએ.
.
સાચી વકીલાત
ડૉ. રાજેન્દ્રપ્રસાદ જ્યારે વકીલાત કરતા હતા તે સમયની આ વાત છે. અદાલતમાં તેઓ એક બાહોશ અને કુશળ ધારાશાસ્ત્રી તરીકે પ્રસિદ્ધ હતા. જે અસીલનો કેસ તેઓ હાથ પર લેતા એમાં અચૂક અસીલને જીતાડી આપતા. તેમની કાયદાની સૂઝ ખૂબ ઊંડી હતી. પણ અસત્યનો જ્યાં આશ્રય લેવો પડે એવા કેસને તેઓ કદી હાથ પર લેતા નહોતા. અસત્યથી પ્રાપ્ત થતી કમાણી તેઓ કદી ઈચ્છતા નહોતા.
એક વાર એક માણસ તેમની પાસે આવ્યો અને પોતાનો કેસ લડવા તેણે રાજેન્દ્રબાબુને આગ્રહ કર્યો; એટલું જ નહિ એ કેસ હાથ પર લેવાય તો ઘણી મોટી ફી આપવાની પણ તેણે પોતાની તૈયારી બતાવી. રાજેન્દ્રબાબુએ કહ્યું : ‘તમે કેસનાં કાગળિયાં મારી પાસે મૂકતા જાઓ. આજે રાત્રે હું તે જોઈ લઈશ અને કાલે તમને જવાબ આપીશ.’ તેમણે કાગળિયાં તપાસ્યાં. બીજે દિવસે પેલો માણસ તેમની પાસે આવ્યો કે તરત જ રાજેન્દ્રપ્રસાદે તેને કાગળિયાં પરત કર્યાં અને કહ્યું : ‘તમારો કેસ હું લડી શકીશ નહિ.’ પેલાએ કારણ પૂછ્યું તો રાજેન્દ્રબાબુએ કહ્યું : ‘તમારી પાસે બધા જ પૂરાવાઓ છે. તમે સો એ સો ટકા કેસ જીતી જાઓ તેમ છો; છતાં તમે એક વિધવા બાઈ સામે કેસ કર્યો છે. તમે જીતો એનો અર્થ એ થાય કે એ વિધવા બાઈનો રોટલો ઝૂંટવાઈ જાય, એ સાવ નિરાધાર બની જાય ! તમને એની મિલકત મળે તેથી તમને તો આનંદ થાય પણ એ બિચારી વિધવાનું શું ? એણે તો ભૂખે મરવાના દિવસો જ જોવાના રહે ! વ્યવસાયની સાથે સાથે મારા કેટલાક આગવા સિદ્ધાંતો પણ છે. મારી તો તમને સલાહ છે કે તમે એ વિધવાની સામે કેસ કરવાનું માંડી જ વાળો. આમ કરવામાં માનવતા છે. એક વાત સદા યાદ રાખો કે કોઈની આંતરડી કકળાવીને પ્રાપ્ત કરેલી મિલકત તમને સંતોષ નહિ આપે; તમારા આંતરિક સંતોષને એ નષ્ટ કરશે. આમ છતાં જો તમે એ વિધવાની સામે કેસ કરશો તો હું એ વિધવાનો બચાવ કરીશ અને તેની પાસેથી ફીની એક રાતી પાઈ પણ લઈશ નહિ !’ અને અસીલે પેલી વિધવા સામે કેસ કરવાનું માંડી વાળ્યું !
આપણ આ ડૉ. રાજેન્દ્રપ્રસાદ તેમની આવી સેવાભાવના, દયા, કરુણા, માનવસેવા જેવા ઊંડા ગુણોને લીધે ધીમેધીમે આપણા દેશના રાષ્ટ્રપતિ પદે પણ બિરાજમાન થયા જે આપણે બધા જાણીએ છીએ. આપણે પણ જે વ્યવસાય સ્વીકાર્યો હોય ત્યાં આવા માનવીય ગુણો ના કેળવી શકીએ ?
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.