Sunday, January 27, 2013

જીવન સાફલ્યની વાટે….. – દિનેશ પટેલ (2)

દષ્ટિ તેવી સૃષ્ટિ
એક ગુરુ તેમના શિષ્યો સાથે વિહાર કરવા નીકળેલા. ત્યાં ગુરુ-શિષ્યોની નજરે એક દશ્ય પડ્યું. એક છોકરાએ આંબાના વૃક્ષ પર જોરદાર પથ્થર માર્યોને એક રસદાર કેરી પેલા છોકરા આગળ આવીને પડી. ગુરુએ એક શિષ્યને પૂછ્યું, ‘બોલ વત્સ, તું આમાંથી શું શીખ્યો ?’ શિષ્યે જવાબ આપ્યો : ‘ગુરુદેવ, આમાં મને આંબાની ઉદારતાનાં દર્શન થાય છે. પથ્થર મારનારને ય તે કેરી આપે છે. માણસે આંબા જેવું બનવું જોઈએ; સજ્જન અને ઉદાર.’
એ જ પ્રશ્ન ગુરુએ બીજા શિષ્યને પૂછ્યો. એણે જવાબ આપ્યો : ‘ગુરુદેવ, મને તો આમાં એક જ વાત દેખાય છે કે જગત હરામી બની ગયું છે; પથ્થર માર્યો એટલે આંબાએ કેવી કેરી આપી ! આ જગતમાં તાકાતનો પરચો બતાવ્યા વગર કોઈ કંઈ આપતું નથી, પછી તે આંબો હોય કે માણસ. પણ જરાક લાલ આંખ દેખાડો એટલે તરત જ આપી દે. માગવાની કશું મળતું નથી, મારવાથી મળે છે !’ એક જ ગુરુના બે શિષ્યો. પણ બન્નેની દષ્ટિ અને અભિગમ જુદા. આપણે કેવો અભિગમ રાખવાનો છે અને આપણી આંખો પરનાં ચશ્માના કાચ કેવા રંગના રાખવાના છે તે આપણે જ નક્કી કરવાનું છે. આપણા ચશ્માનો કાચ જે રંગનો હશે તે રંગનું જગત આપણને દેખાશે.
.

સાચી પ્રાર્થના : સેવા
એક વખત દીનબંધુને મળવા તેમના એક જૂના મિત્ર આવ્યા. બન્ને વાતોએ વળગ્યા. વાતોમાં ને વાતોમાં દસ વાગી ગયા. દીનબંધુ એન્ડ્રુઝે ઘડિયાળ જોઈ અને પેલા સજ્જનની ક્ષમા માગતા કહ્યું :
‘માફ કરજો, મારે ગિરજાઘર જવાનું છે.’
પેલા સજ્જને કહ્યું : ‘મારેય ગિરજાઘર જવું છે, ચાલો સાથે જઈએ. આપનો સંગાથ વળી ક્યાંથી મળે ?’
દીનબંધુ એન્ડ્રુઝે કહ્યું : ‘પરંતુ તમે જે ગિરજાઘર જવાની વાત કરો છો તે ગિરજાઘર હું નથી જઈ રહ્યો.’
‘તો પછી આપ પ્રાર્થના ક્યાં કરશો ?’ સજ્જને આશ્ચર્યથી પૂછ્યું.
દીનબંધુ હસ્યા અને કહ્યું : ‘ચાલો, હું તમને મારા ગિરજાઘરમાં લઈ જાઉં.’

પેલા મિત્રને લઈને શહેરના સ્વચ્છ રસ્તા પર થઈને બાજુમાં આવેલી ઝુંપડપટ્ટીમાંની એક ઝૂંપડીમાં તેઓ ગયા. ત્યાં એક તેર વર્ષનો બાળક તાવથી તરફડતો ખાટ પર સૂતો હતો. એક વૃદ્ધ માણસ એને પંખો નાખતા હતા. દીનબંધુએ એ વૃદ્ધ માણસના હાથમાંથી પંખો લઈ લીધો અને કહ્યું : ‘બાબા હવે આપ જાઓ.’ એ વૃદ્ધના ગયા બાદ દીનબંધુએ પેલા સજ્જનને કહ્યું : ‘આ બાળક અનાથ છે અને તેને ક્ષય નામનો રોગ થયો છે. પડોશમાં રહેતો એક વૃદ્ધ માણસ એની સંભાળ લે છે. પરંતુ દરરોજ સવારે 11 થી 2 વાગ્યા સુધી તેને કામ પર જવાનું હોય છે; ત્યારે હું અહીં બાળક પાસે આવું છું. ચાર કલાક પછી એ કામ કરીને પાછા આવશે. આ છે મારી પ્રાર્થના અને આ ઝૂંપડી એ જ મારું ગિરજાઘર.’
.

છલકતો આત્મવિશ્વાસ
એક દિવસ ભગતસિંહ અને તેમના પિતા લાહોરના બજારમાં ફરી રહ્યા હતા. બપોરનો સમય હતો. દુકાનો પર ખરીદી માટે લોકોની ભીડ હતી. પિતાપુત્ર ફરતા ફરતા અનારકલી નામથી ઓળખાતા બજારમાં જઈ પહોંચ્યા. પણ ભગતસિંહ તો પ્રથમથી જ તોફાની ! તેમણે ચાલવાને બદલે કૂદકા મારવા માંડ્યા. પિતાને આ ગમ્યું નહિ. પિતાએ કૂદકા મારતા ભગતસિંહને એક તમાચો માર્યો.
બાદ પિતાએ પુત્રને કહ્યું : ‘આટલો બધો શાનો ફૂલાયા કરે છે ? ખબર છે તને કે તું મારા નામથી શહેરમાં ઓળખાય છે ! લોકો તને નહિ, મને ઓળખે છે. એટલે તો તેઓ કહે છે કે તું ફલાણાનો પુત્ર છે. તારા નામથી તો તને શહેરનું કોઈ ઓળખતું નથી. પછી આટલો બધો ફાંકો તું મનમાં શાનો રાખે છે ?’

પિતાના શબ્દો ભગતસિંહના હૃદયમાં શૂળની જેમ ભોંકાઈ રહ્યા. પિતાના નામથી પુત્ર ઓળખાય તેમાં પુત્રની શી હોંશિયારી ? એમ બાળક ભગતસિંહના મનને થયું. તે ઘડીભર તો પિતાને કશો જવાબ આપી શક્યો નહિ. પણ બેચાર ક્ષણ પછી એ ગર્વીલા અને મહત્વાકાંક્ષી પુત્રે પિતાને જે જવાબ આપ્યો તે આત્મવિશ્વાસના એક રણકાર સમાન હતો. ભગતસિંહે પિતાને કહ્યું : ‘પિતાજી, ગુસ્તાખી માફ કરજો ! પણ…. એક દિવસ એવો જરૂર આવશે કે લોકો તમને ઓળખશે ભગતસિંહના પિતા તરીકે ! હું તમારા નામથી નહિ, પણ તમે મારા નામથી ઓળખાશો.’ અને એ બાળકનો આ આત્મવિશ્વાસ એક દિવસ સાચો જ નીવડ્યો ! સમય જતાં લોકો એવું કહેતા થયા કે આ મુરબ્બી વીર ભગતસિંહના પિતા થાય ! આનું નામ તે છલકાતો આત્મવિશ્વાસ !

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.