‘નયા માર્ગ’માં સુનીલ ચેતન લખે છે: ‘ભારત ભલે ગરીબ દેશ કહેવાય; પણ અહીંના ભગવાનો બેહદ અમીર છે.’ એમણે દેશનાં કયાં મંદીરની તીજોરી કેટલી તરબતર છે તેની વીગતે માહીતી પણ આપી છે. એ આંકડાઓ વાંચી ઈશ્વરની અસ્ક્યામત અંગે કોઈને પણ ઈર્ષા થઈ શકે. અહીં એક સાથે બે તારણો–રીઝલ્ટ સામે આવ્યાં છે. પહેલું એ કે માણસની શ્રદ્ધા એવો જાદુઈ ચીરાગ છે જે વડે આસાનીથી અબજો રુપીયા ભેગા કરી શકાય છે. અને બીજું એ કે શ્રદ્ધાના ઉપાર્જનમાંથી માણસ ધારે તો પોતાનાં સેંકડો દુ:ખો દુર કરી શકે છે; પણ ઓછા કીસ્સામાં તેમ થતું જોવા મળે છે.
દોસ્તો, અહીં પ્રશ્ન થાય છે જે દેશના ભગવાનો આટલા અમીર છે તે દેશના લોકો આટલા ગરીબ કેમ ? કદાચ એ માટે માણસ જ જવાબદાર છે. શ્રદ્ધાળુ માણસે પોતાની ગરીબીમાં દુર્બુદ્ધીનું ખાતર નાંખીને તેને કાળજીપુર્વક ઉછેરી છે. પોતાની શ્રદ્ધાનો માનવજીવન સાથે બુદ્ધીપુર્વકનો વીનીયોગ કરવાનું તે ચુકી ગયો છે. એ સન્દર્ભે એક મુર્ખ ખેડુતની કથા યાદ આવે છે. એ ખેડુતના વાડામાં એક ઘટાદાર આંબો હતો. એ આંબા વીશે એની માતાએ મરતાં પુર્વે કહેલું, ‘આ આંબામાં મારો જીવ છે. એને કાપવાનું તો દુર; એનું એક પાંદડુંય તોડીશ નહીં.’ દર વર્ષે એ આંબા પર પુષ્કળ કેરીઓ આવતી પણ માતાના આદેશ પ્રમાણે ખેડુત એક પણ કેરી તોડતો નહીં. ન તો એ ખેડુત પોતે કેરી ખાતો, ન તો વેચીને કમાણી કરતો. અંતે બધી કેરીઓ કોહી–સડી જતી. આપણાં મન્દીરોની આવકની હાલત પણ એ કેરી જેવી થઈ છે. કેમ કે આપણે સૌ પેલા ખેડુત જેવા છીએ.
દોસ્તો, એક વાત સાબીત થઈ ચુકી છે કે શ્રદ્ધા એ માણસની પ્રચંડ તાકાત ધરાવતી લાગણી છે. ધારો તો શ્રદ્ધાની આવકમાંથી આખા દેશની ગરીબી દુર થઈ શકે. પણ કોઈએ સાચું જ કહ્યું છે : ‘જીવનમાં સુખ હોવું પુરતું નથી. સુખી થતાં પણ આવડવું જોઈએ.’ એક માણસને ત્યાં રાત્રે ચોર બધું લુંટી ગયો. લોકોએ સવારે એને પુછ્યું : ‘પણ તારી પાસે બંદુક તો હતીને…?’ પેલાએ જવાબ આપ્યો: ‘એ તો મેં પલંગ નીચે સંતાડી દીધી હતી એથી બચી ગઈ.’ માણસ પાસે બંદુક હોવા છતાં તેને ચોર લુંટી જાય એમાં બંદુકનો વાંક ખરો ? (એણે ધડાકો કર્યો હોત તો ચોર બીજેથી ચોરેલી મતા પણ ત્યાં મુકીને ભાગ્યો હોત !) દોસ્તો, જેમ બંદુક ચલાવવા માટે તેમ પૈસા ખર્ચવા માટે હોય છે. શ્રદ્ધાને સાચે જ પ્રભુકૃપામાં ફેરવવી હોય તો મન્દીરોમાં જે આર્થીક ઉપાર્જન થાય છે; તેમાંથી ગરીબો માટે રોટી, કપડાં અને મકાનનો પ્રબન્ધ કરો. સરકારની ગરીબકલ્યાણ યોજના તરફ હાથ ફેલાવવાને બદલે ઈશ્વરની તીજોરીનાં નાણાં માનવકલ્યાણમાં વાપરો. નહીં વાપરશો તો પેલા ખેડુતની કેરી જેવી એની હાલત થશે. ઈશ્વરે પૈસાની પીસ્તોલ આપી છે. દુ:ખરુપી ધાડપાડુઓને એના ધડાકા વડે ભગાડવાના છે. પીસ્તોલ સ્વયં ધડાકો કરવાની નથી. તમે ગમે તેટલા શ્રદ્ધાળુઓ હશો તો પણ, તમારાં દુ:ખદર્દો નીવારવા ભગવાન ધડાકો કરવા આવવાનો નથી. તેના નીમીત્તે મળેલા પૈસાની પીસ્તોલ તમારે ચલાવીને જીન્દગીને ખુશહાલ કરવાની છે. ઈશ્વર સીક્કાનો નહીં; શ્રદ્ધાનો ભુખ્યો છે. માણસો પાસે અબજો ટન શ્રદ્ધા છે. તે દ્વારા સીક્કાની ટંકશાળ પડી શકે છે. મદ્રાસ સહીત દેશનાં હજારો મન્દીરોની દાનપેટીમાંથી એ વાતની સાબીતી મળે છે. એ સીક્કાઓ પેલી કેરીની જેમ નીરર્થક પડ્યા રહે. તેને બદલે માણસ ધારે તો તેમાંથી પોતાનાં મહત્તમ દુ:ખો અને સમસ્યાઓનું નીવારણ કરી શકે. અને તે જ ઈશ્વરનો આશીર્વાદ ગણાય. તાત્પર્ય એટલું જ કે ઘઉં ફાકીને તમે પેટની ભુખ ન મીટાવી શકો; પણ એ ઘઉંમાં તમારી બુદ્ધી અને આવડત વડે રોટી બનાવી શકો તો આખા કુટુમ્બની ભુખ મટી શકે. માણસ ઈશ્વરના ખજાનાને મન્દીરમાં જ સંઘરી રાખશે તો ન તો એ રુપીયા ઈશ્વરનું કલ્યાણ કરી શકશે, ન એનાથી માણસનું દળદર ફીટી શકશે.
બચુભાઈ કહે છે: ‘અંગ્રેજો ગયા પછી સરદાર વલ્લભભાઈએ સાતસો દેશી રજવાડાઓનું વીલીનીકરણ કરી એક અખંડ રાષ્ટ્ર બનાવ્યું હતું. તે રીતે ભારતના નામી–અનામી તમામ ભગવાનોની તમામ સ્થાવર જંગમ મીલકતને દેશની તીજોરીમાં ખાલસા કરવી જોઈએ. અને તે અબજો રુપીયામાંથી દુ:ખીઓનાં આંસુઓ લુછી શકાય એવા રુમાલો બનાવવા જોઈએ. અપંગોના અંગો ચાલી શકે એવાં સાધનો બનાવવાં જોઈએ. ભુખ્યાઓનાં પેટ ભરાઈ શકે એવાં ભોજનાલયો બનાવવાં જોઈએ. માણસની દરેક સમસ્યા મટી શકે એવાં આયોજનો કરવાં જોઈએ ભગવાનનાં મન્દીરો ભલે ‘દીન દુગુની; રાત ચૌગુની’ તરક્કી કરતાં રહે; પણ માણસના ઘરમાં પણ સુખશાંતી અને સમૃદ્ધીનાં સાધનો હોવાં જોઈએ. માણસ ધારે તો માત્ર મધ્યમ વર્ગ જ નહીં; ગરીબીની રેખા નીચે જીવતા સાવ રાંક માણસો આર.સી.સી.નાં મકાનોમાં રહી શકે. લાખ વાતની એક વાત એટલી કે ઈશ્વર માટે તો રોટી, કપડાં અને મકાન (અર્થાત્ નૈવેદ્ય, જરકસી જામા અને મન્દીરો)ની વ્યવસ્થા માણસે જ કરી છે. હવે આપણા જ આધ્યાત્મીક આંબાવાડીયામાં લાગેલી લુમખાબંધ કેરીઓનો માણસ સદુપયોગ કરે તો તેમાં કોઈ નુકસાન નથી. મન્દીરોની દાનપેટીમાં પડતા સીક્કાઓ એ ઈશ્વરનો આશીર્વાદ નથી તો બીજું શું છે ?
દોસ્તો, હવે એક નજર ઈશ્વરની દાનપેટી પર કરીએ. ઈશ્વરની અસ્ક્યામતના આંકડાઓ જાણી તમે બોલી ઉઠશો – ‘અધધધ…! આ દેશને ગરીબ હોવાનો કોઈ અધીકાર નથી !’ બચુભાઈ કહે છે કે આપણે પ્રભુપીતાના સન્તાનો છીએ. ભારતીય સંવીધાન–બંધારણ મુજબ પીતાની તમામ મીલકતના વારસદાર તેનાં સંતાનો હોય છે એ નાતે તો આપણે આપણી જાતને ગરીબ કહેવાનો કોઈ અધીકાર નથી. (અને આપણને ગરીબ રહેવાનો પણ અધીકાર નથી) આપણે ૧૨૫ કરોડ ભારતવાસીઓ શા’આલમનાં સગાં છીએ… આપણે શેરીએ ભીખ માંગવાની જરુર નથી ! ઈશ્વરે મુકપણે ‘તથાસ્તુ’ કહીને એની તીજોરી આપણને અર્પણ કરી દીધી છે. એનો ઉપયોગ કરવો કે એને ઈશ્વરનાં ચરણોમાં જ પડી રહેવા દેવી એ નક્કી કરવાનું કામ આપણા રાજનેતાઓ અને ધર્મનેતાઓની વીવેકબુદ્ધી પર નીર્ભર છે. ઈશ્વરની સ્થાવર જંગમ મીલકત આ પ્રમાણે છે : (જુઓ ‘ધુપછાંવ’માં)
‘ધુપછાંવ’
કેરળની રાજધાની તીરુઅનન્તપુરમના શ્રી પદ્મનાભસ્વામી મન્દીરના ભોંયરામાં છ ઓરડા ખોલવામાં આવ્યા છે. હજુ સાતમો ઓરડો ખોલવાનો બાકી છે. છ ઓરડાઓમાંથી આશરે એક લાખ (૧,૦૦,૦૦૦) કરોડની સમ્પત્તી મળી છે. ખજાનામાંથી મળેલી મુખ્ય વસ્તુઓ પર નજર કરીએ. (૧) સોનાનાં આભુષણોથી ભરેલા ૭૦ કોથળાઓ અને સાત મોટાં ખોખાં. (૨) દાણાના આકારમાં એક હજાર (૧,૦૦૦) કીલો સોનાનો ઢગલો. (૩) ઈસ્ટ ઈન્ડીયા કમ્પની સમયની ૧૦ કીલો સોનાની ઈંટો. ત્રાવણકોર ટંકશાળમાં ૧૪ કીલો સોનાના સીક્કાઓ. (૪) નેપોલીયનના સમયના બીજા ૧૦૦ સીક્કાઓ. (૫) ૧૮ ફુટ લાંબા એક હજાર (૧,૦૦૦)થીય વધુ સોનાના હાર. (૬) સુવર્ણ અને હીરાથી જડીત ૧૦ કીલો વજનનો સોનાનો એક નેકલેસ અને બબ્બે કીલોના સોનાના ચાર હાર. (૭) પાંચ હજાર (૫,૦૦૦) કરોડ રુપીયાની કીંમતના સોનાચાંદીનાં વાસણો, મુગટો અને સુવર્ણછત્રો. (૮) સોનાની એક હજાર (૧,૦૦૦) જંજીરો. (૯) પાંચ કરોડ (૫,૦૦,૦૦,૦૦૦) હીરા અને સેંકડો સોનામહોરો. (૧૦) એક ક્વીન્ટલથી વધુ વજનનો સોનાનો હાર, એક લાખ (૧,૦૦,૦૦૦) સોનાચાંદીના સીક્કાઓ અને અનેક મીણબંધ લોકેટ વગેરે. (૧૧) બે કીલો વજનવાળી સોના અને ચાંદીની સેંકડો છડીઓ. (આ તો કેરળના માત્ર એક મંદીરમાંથી પ્રાપ્ત થયેલી મીલકત છે. એ સીવાય તીરુપત્તી બાલાજી, શીરડીના સાંઈબાબા, હીમાચલ પ્રદેશનાં મન્દીરો સહીત દેશભરનાં તમામ મન્દીરોની બધી દાનપેટીઓ એક જગ્યાએ ખોલવામાં આવે તો તેમાંથી એક અંદાજ મુજબ આશરે ૯૧,૮૭,૮૯,૯૦,૦૦,૦૦૦ અબજ કરોડની અસ્ક્યામત પ્રાપ્ત થવા સમ્ભવ છે.)
-દીનેશ પાંચાલ
અક્ષરાંકન: ગોવીન્દ મારુ
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર
અક્ષરાંકન: ગોવીન્દ મારુ
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.