Saturday, January 19, 2013

આપણી દુર્બળતા-લેખક : સ્વામી શ્રી સચ્ચીદાનંદજી

આપણે કમજોર પ્રજા છીએ. પ્રજાને કમજો બનાવવામાં સૌથી મહત્વનો ભાગ ધર્મે ભજવ્યો છે. વર્ણવ્યવસ્થા અને જ્ઞાતીપ્રથા દ્વારા પુરી પ્રજાને વીભાજીત કરવામાં આવી છે. આ વીભાજન એવી રીતે કરાયું છે કે એકતા કરવી અત્યન્ત કઠીન કામ થઈ રહ્યું છે. હજી પણ ઘણા શાસ્ત્રીઓ વર્ણવ્યવસ્થાને જન્મજા આદર્શ વ્યવસ્થા માને છે અને મનાવે છે. પ્રજાને અન્ધકાર તરફ ધકેલી હ્યા છે.
બીજું, વીભાજન સમ્પ્રદાયોથી થઈ હ્યું છે. હજારો(લગભગ વીસ હજાર) સમ્પ્રદાયો, પન્થો, પરીવારો, મંડળો વગેરેના દ્વારા પ્રજાના ટુકડે ટુકડા કરવામાં આવ્યા છે. સમ્પ્રદાયો હજી પણ વધી રહ્યા છે. તે અટકે એવી કોઈ નીશાની દેખાતી નથી. આ વીભાજનો પ્રજાને દુર્બળ બનાવે છે અને ગુંચવાડામાં નાખે છે. પ્રત્યે વીભાજક પોતાને સુપરમૅન ઘોષીત કરે છે, જેમાંથી વ્યક્તીપુજા શરુ થાય છે. વ્યક્તીપુજા વંશપુજામાં પરીણમે છે. કરોડોની સંપત્તી વારસદારોને આપવામાં આવે છે અને પછી વંશને સુપરવંશ બનાવવાનું દુશ્ચક્ર શરુ થાય છે. કાશીમાં 360 મઠો હતા, બધાએ પોતપોતાના નજીકના વારસદારો કે સગાંવહાલાંને આપી દીધા, હવે આ મઠોનું અસ્તીત્વ રહ્યું નથી. બધાં ઘરો થઈ ગયાં છે. આવી જ રીતે બીહારમાં એક હજાર મઠો જમીન–જાગીરવાળા હતા, બધાએ પોતપોતાનાં પરીવારોને ઉત્તરાધીકારી બનાવી વીશાળ ધાર્મીક સમ્પત્તીને પરીવારની બનાવી દીધી છે. માનો કે મારે ત્રણ આશ્રમો છે. શું આ સમ્પત્તી મારા પુર્વાશ્રમનાં પરીવારને આપી દેવી ?
જો આવી પદ્ધતી ચાલુ રહેશે તો પ્રભાવશાળી લોકો પ્રથમ ભગવાનના નામે કરોડોની સમ્પત્તી ભેગી કરશે અને પછી કોઈ ને કોઈ બહાનું કરીને પરીવારને સોંપી દેશે ! રીતે સમ્પ્રદાયો કે પરીવારો ધર્મના નામે પ્રજાના શોષક બની જશે. અરે, બની હ્યાં છે ! કેટલાક તો ટ્રસ્ટ જ એવાં રચે છે કે પોતાનાં પરીવારના જ માણસોને ટ્રસ્ટી તરીકે બેસાડી દેવાયા હોય. આવાં પરીવાર–પોષક ટ્રસ્ટો, લોકોની ધાર્મીકતાને આંધળી બનાવીને આર્થીક લાભ ઉઠાવતાં હોય છે. ખરેખર તો ધાર્મીક અને રાજકીય ક્ષેત્રના સમર્થ પુરુષોએ પોતાનાં પરીવારોને દુર રાખવાં જોઈએ. જો તેમને નજીક લાવવામાં આવે તો પ્રથમ તો તે ખોટી દખલગીરી કરશે અને વહીવટને કમજોર બનાવશે; પછી મુળ પરુષની પાછલી જીન્દગીમાં તેની શારીરીક, માનસીક અને બૌદ્ધીક કમજોરીનો લાભ ઉઠાવી પુરી સંસ્થા ઉપર ચડી બેસશે.
આ રીતે, પ્રજાની ધાર્મીક સમ્પત્તી અને શ્રદ્ધાનો દુરુપયોગ થવા લાગશે. પોતપોતાના અલગ અલગ વાડા રચનાર વીભાજકો છે. પ્રજાનું મોટું દુષણ આ વીભાજન છે. કરુણતા તો જુઓ કે આવા વીભાજકો ભગવાન થઈને પુજા છે અને સંયોજકો દુભાય છે ! જરુર છે સમ્પ્રદાયમુક્ત ધાર્મીકતાની.
ત્રીજું વીભાજન ગુરુવાદથી થાય છે. પ્રજા હજારો–લાખ્ખો ગુરુઓમાં વીભાજીત થાય છે. ‘ગુરુ તો કરાવવા જ જોઈએ, તેના વીના નગુરા કહેવાઈએ.’ આવી મીથ્યા ધારણાએ લોકો, ખાસ કરીને સ્ત્રીઓ, તેમાં પણ વીધવાઓ, કોઈ ને કોઈ માણસને ગુરુ કરાવે છે. પ્રત્યેક ગુરુ પોતાનું એક અલગ મંડળ બનાવે છે. આ વીભાજન છે. ગુરુ પોતે પરમેશ્વર બનીને પોતાની પુજા કરાવે છે. જેમાંથી અનેક દુષણો પણ જન્મે છે. ખરેખર તો ગુરુવાદથી જ્ઞાન થતું નથી; કારણ કે ગુરુ જ્ઞાની નથી. જે ગુરુ જેટલાં મોટાં ટોળાં ભેગાં કરીને વાડામાં પુરી શકે છે તે તેટલો જ મહાન ગણાય છે. શીષ્યોને જ્ઞાનની જગ્યાએ ઘેટાદીક્ષા અપાય છે અને પછી વર્ષમાં બે વાર તો અવશ્ય ઉન કાતરી લેવાય છે. ગુરુઓથી જ્ઞાન થતું હોત તો ભારત સૌથી વધુ જ્ઞાની થઈ ગયું હોત.
આ ગુરુવાદે પ્રજાને વીભાજીત કરીને તથા અજ્ઞાનને જ્ઞાન મનાવીને પારાવાર નુકસાન કર્યું છે. જો પ્રજાને આ વીભાજન અને શોષણથી મુક્ત કરવી હોય તો ગુરુપ્રથા બંધ કરવી જોઈએ. કદાચ આવું ન કરી શકાય તો બહુગુરુવાદનું પ્રચલન ચલાવવું જોઈએ. બહુગુરુવાદ એટલે જીવનમાં જેટલા જ્ઞાની પુરુષો મળે તે બધાને ગુરુ માનવા. કોઈ એક વ્યક્તીના પગમાં ચોટી બાંધી ન દેવી. જે લોકો માત્ર એક વ્યક્તીને ગુરુ માને છે તે સંકુચીત મગજવાળા થઈ જા છે. તેઓ વીશાળતા પ્રાપ્ત નથી કરી શકતા. દત્તાત્રેયની માફક જ્ઞાનપીપાસુ માણસે અનેક ગુરુ કરવા જોઈએ. બહુગુરુવાદથી વીશાળતા અને જ્ઞાન બન્ને વધશે. જરુર છે વીકૃત ગુરુવાદનો ત્યાગ કરી વીભાજન અને અજ્ઞાન રોકવાની. જેમ પ્રાથમીક શાળાથી વીશ્વવીદ્યાલય સુધી અનેક ગુરુજનોથી જ્ઞાન પ્રાપ્ત થાય છે, તેમ જીવનમાં પણ કક્ષા પ્રમાણે અનેક ગુરુઓની જરુર રહેતી હોય છે. જ્ઞાન માટે જ ગુરુ કરવા હોય તો બહુગુરુવાદ અત્યંત જરુરી છે.
વીકૃત ગુરુવાદનાં અનેક અનીષ્ટોમાંનું એક અનીષ્ટ છે વ્યક્તીપુજાનું. પ્રજા વ્યક્તીપુજક બની ગઈ છે. શીષ્યો કે અનુયાયીઓની સામે માત્ર એક જ વ્યક્તીને ફોકસ ધરવામાં આવે છે. ક્રમે ક્રમે બ્રેઈનવૉશ કરીને આવી વ્યક્તીની આંધળી ભક્તી શીષ્યવર્ગમાં પ્રસ્થાપીત કરવામાં આવે છે. આવી વ્યક્તી માટે કાલ્પનીક ચમત્કારો કે બીજી વાતો રચાય છે, જેથી તે મહાન સુપરમૅન દેખાવા લાગે છે. લોકો પરમેશ્વરપુજક અને ગુણપુજક થવાની જગ્યાએ માત્ર અને માત્ર વ્યક્તીપુજક થઈ જાય છે. બીજા વ્યક્તીપુજકો સાથે ઝઘડા અને ઝનુન અને અન્તે પોતાનામાંથી જ નવી–નવી નીકળતી સુપરવ્યક્તીઓ દ્વારા વીભાજીત થઈને પુરી પરમ્પરા વીખવાદનું કેન્દ્ર બની જાય છે.
વ્યક્તીપુથી પ્રજા વીભાજીત થઈને દુર્બળ થાય છે એટલે વ્યક્તીપુજાની જગ્યાએ ગુણપુજા તથા પરમેશ્વરપુજાની પ્રસ્થાપના થવી જોઈએ. બહુ જોરથી સમ્પ્રદાયો અને રાજકારણમાં વ્યક્તીપુજા વધી રહી છે. તેનાથી પ્રજા રાજકીય અને ધાર્મીક એમ બન્ને રીતે વીભાજીત થઈને દુર્બળ થાય છે. કોઈ એક વ્યક્તીને ધાર્મીક કે રાજકીય ક્ષેત્રની સુપરમૅન માની લેવાથી પ્રજા વ્યક્તીના કથીત સત્યને જ અન્તીમ સત્ય માની લેતી હોય છે. તે નવું સંશોધન નથી કરી શકતી, કદાચ કોઈ કરવા માગે તો તેને મૃત્યુદંડ કરવામાં આવે છે. એક સમ્પ્રદાયના અનુયાયીએ કહ્યું કે આજ સુધી અમારા ધર્મગ્રન્થમાં કે તેના સ્તોત્રોમાં એક પણ ભુલ કાઢવામાં આવી નથી. એટલે તે ભુલ વીનાનું પરમ સત્ય છે. આ ભાઈને એમ પુછી શકાય કે, ‘ભુલ કાઢવાની તમે કદી છુટ આપી છે ? જો કોઈ ભુલ કાઢે તો તરત તેની કતલ કરી નાખવાનો હુકમ કરો તો કોણ ભુલ કાઢે ?  હીટલર કે સ્તાલીન જીવતા હતા ત્યારે તેમની પણ કોઈ ભુલ કાઢતું ન હતું. કારણ સમજી શકાય છે. સત્ય તો સમયની સાથે ચાલતું હોય છે, જો તે સમયની સાથે જોડાયેલું હોય તો પણ સત્ય વ્યક્તી કે ગ્રંથની સાથે જોડાય તો તેના સમય સાથે જડબેસલાક જોડાઈ જાય. સેંકડો કે હજારો વર્ષ વીત્યાં પછી પણ તે જ્યાં હતું ત્યાં જ અટકી જાય. આ રીતે ભુતકાળ, વર્તમાન ઉપર સવારી કરી બેસે. જ્યારે તે મોટો વીસમ્વાદ કરે ત્યારે ચુસ્ત પંડીતો તેની જુદી જુદી વ્યાખ્યા કરી મેળ બેસાડવાનો પ્રયત્ન કરે. તેનાં ભાષ્યો અને ટીકાઓ બદલાતાં રહે. બદલવાં જ પડે. પણ મુળનું સમર્થન કરવું જરુરી થઈ જાય. મુળમાં જ ભુલ થઈ ગઈ છે: એવું કોઈ બોલી કે લખી ન શકે. કારણ કે પ્રજાના માનસ ઉપર મુળ પુરુષની વ્યક્તીપુજા એટલી તો સજ્જડ બેસાડી છે કે ચું કે ચાં કરી શકાય નહીં. આ રીતે આવો વ્યક્તીપુજક વર્ગ સત્યથી પછાત થતો જાય. પછાતોનું હમ્મેશાં શોષણ થતું હોય છે. આવી પ્રજા લામ્બે ગાળે જ્ઞાન–વીજ્ઞાન અને ધનધાન્યથી આપોઆપ દુર્બળ થઈ જતી હોય છે. કોઈ પણ સમ્પ્રદાય કે રાજ્યશાસન ઘણા લાંબા સમય સુધી માત્ર એક જ વ્યક્તીને સજ્જડ વળગીને ચાલતાં હોય છે, ત્યારે તે આપોઆપ પછાત થઈ જતાં હોય છે. એટલે પ્રજાને આન્ધળી વ્યક્તીપુજાથી સાવધાન કરવી જરુરી છે.
હીન્દુપ્રજાના પતનમાં અહીંસાવાદે મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ચુસ્ત અહીંસાવાદ અને વીરતા સાથે  દેખાતાં નથી. પ્રજા શસ્ત્ર વીનાની અને નમાલી થાય તો ગુલામીનાં ફળ ભોગવવાં જ પડે. મહાત્મા ગાંધીજીની જે અહીંસા, અંગ્રેજોની સામે સફળ થઈ તે જુનાગઢ, નીઝામ હૈદરાબાદ કે ગોવાની સામે  કેમ સફળ ન થઈ ? અંગ્રેજોની સૈન્યશક્તી આગળ આ રાજ્યો તો સાવ તુચ્છ હતાં; તો પણ અહીં અહીંસા ચાલી નહીં. સત્ય તો એ છે કે અહીંસાની સફળતામાં અંગ્રેજો પણ તેટલા જ કારણભુત છે, જેટલા ગાંધીજી. પ્રજાને વીરતાધર્મ આપવો જોઈએ. અહીંસાથી પ્રશ્નો ઉકેલાતા ન હોય તો તેને ચુસ્ત રીતે વળગી રહેવાનો શો અર્થ છે ?
પલાયનવાદ આપણી રગ–રગમાં ભરી દેવાયો છે. કર્તવ્યથી કે સંઘર્ષથી કેમ ભાગી છુટવું તે આપણને જ્ઞાન–વૈરાગ્ય અને ત્યાગના નામે ઉપદેશાયું છે. પ્રજા અન્યાયનો પ્રતીકાર નથી કરતી, ભાગી છુટે છે. કારણ કે પલાયનવાદમાં ઉચ્ચ આદર્શોના દ્વારા ભાગી છુટવાની કળા બતાવવામાં આવી છે. આજે આવો ટનબંધ ઉપદેશ પ્રજાના માનસ ઉપર ઠલવાય છે. પ્રજા ભાગેડુ બને છે, જે તેને દુર્બળ બનાવે છે.
સન્તતીનીયમન અત્યન્ત જરુરી છે. પણ તેમાં પણ વીવેકની જરુર છે. જેની પાસે ઘણાં ઘર છે, ઘણા ધન્ધા છે, ઘણી સગવડો છે, ઘણું સામર્થ્ય છે તેને ત્યાં એક જ બાળક હશે તો તેનાથી પ્રશ્નો ઉભા થશે. ખરેખર તો તેને ઘણાં બાળકોની જરુર છે. પણ જેની પાસે છાપરુંય નથી, પોતે બેકાર છે, સામર્થ્ય છે જ નહીં, તેને ઓછામાં ઓછાં બાળકો હોવાં જોઈએ. આપણે વાસ્તવીકતાને સમજીએ અને સ્વીકારીએ તો જ સાચી દીશામાં પ્રયત્નો થઈ શકે.
અક્ષરાંકન: ગોવીન્દ મારુ
પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.