Wednesday, December 26, 2012

ટાપટીપ ક્યાં સુધી ? કેટલી ? – હસમુખ પટેલ



કન્યાશાળાના એક કાર્યક્રમમાં એક બહેને મને સૂચન કર્યું : ‘શહેરોમાં બહેનોને હેલ્મેટમાંથી મુક્તિ આપવી જોઈએ. તેમનો મેકઅપ બગડી જાય છે.’ મેં કહ્યું : ‘ગામડાની બહેનોને મેકઅપની ચિંતા નહિ ?’ મારે તો આ સિવાય ઘણું કહેવું હતું, પણ સમય અને વિષયની મર્યાદા હતી. આજે કહી દઉં તો ? સુંદર દેખાવું તે દરેક સ્ત્રીની ઈચ્છા હોય છે – સ્ત્રીની જ શું કામ, સ્ત્રી-પુરુષ બન્ને એ સુંદરતા પ્રત્યે સભાન રહેવું જોઈએ. પણ ટાપટીપ જ જીવનસર્વસ્વ બની જાય તે કેમ ચાલે ?
હમણાં સાડીનું સેલ ક્યાં ચાલે છે ? બ્લાઉઝમાં નવી કઈ પૅટર્ન આવી છે ? ફિલ્મી હિરોઈનો કેવાં આભૂષણો પહેરે છે ? – આવા જ વિષયોમાં સ્ત્રીઓ અટવાઈ જાય તે કેમ ચાલે ? ઘણાં ઘરોમાં તો સ્ત્રીઓને દાગીને જડી દ્યો એટલે પત્યું, તેના સ્વતંત્ર વ્યક્તિત્વની ચિંતા નહિ. સ્ત્રીઓની અપેક્ષા પણ એવી જ. લગ્નદિવસે કે જન્મદિવસે પતિ તરફથી સરસ મજાની સાડી કે ઘરેણું મળ્યું એટલે પત્યું. પતિ તમારા વ્યક્તિત્વનો સ્વીકાર કરતો હોય, તમારા બાહ્ય દેખાવનો જ નહિ, આંતરિક સૌંદર્યનો આશક હોય તો તેની કિંમત નહિ. તેના કરતાં અઢીસો રૂપિયાની સાડી તમારે મન ઊંચી. વસ્ત્ર-આભૂષણ અને સૌંદર્ય-પ્રસાધનોની જ સ્વીકૃતિ પામવાની ભૂખ કાં ? આપણી ક્ષમતાઓ, આવડતો, સંસ્કારો, સાત્વિક શોખો આકર્ષણનું કારણ ન બની શકે ? આપણે આપણી વેશભૂષાથી જ શું કામ ઓળખાઈએ ? આપણી પાસે બીજું કંઈ નથી ? આપણે એક સારા શિક્ષક, વક્તા, ચિત્રકાર, નૃત્યકાર, લેખક, નાટ્યકલાકાર, ડૉક્ટર, વકીલ, કૉર્પોરેટર, લીડર કે સરકારી અમલદાર તરીકે શું કામ ન ઓળખાઈએ ?
બહેનો સામે એક આક્ષેપ અવારનવાર સાંભળવા મળે છે : તેઓ વસ્ત્રો બહુ ઉત્તેજક પહેરે છે. ઘણા તેના ઉપર નિયંત્રણો મૂકવાની માગણી પણ કરે છે. આવાં નિયંત્રણો મૂકી શકાય નહિ. મૂકવાનો વિચાર આવે તે પણ આપણી રુગ્ણતાની નિશાની છે. પુરુષો પોતે કેવાં વસ્ત્રો પહેરવાં તે જાતે જ નક્કી કરે તો સ્ત્રીઓ કેમ નહિ ? જ્યાં સુધી વસ્ત્રો બીભત્સ ન હોય ત્યાં સુધી સમાજને દખલ કરવાનો અધિકાર નથી. પણ, બહેનોએ એ જરૂર વિચારવું પડશે કે આપણે એવું કંઈ પણ ન કરીએ કે વ્યક્તિ મટી વસ્તુ બની જઈએ. આપણી સેક્સ અપીલ જ એકમાત્ર અપીલ શું કામ હોય ? આપણે આપણા વ્યક્તિત્વથી લોકોને કેમ આંજી ન શકીએ ? ક્યારેક પોતાની સ્વતંત્રતા સાબિત કરવા સારુ સ્ત્રીઓ વસ્ત્રોમાં અંતિમ છેડાની છૂટ લેતી હોય છે. સ્વતંત્રતા વ્યક્ત કરવા માટે આ જ એકમાત્ર ક્ષેત્ર છે ? આપણી શક્તિઓ-પ્રતિભાઓ ખીલવવામાં આવતા અંતરાયોને દઢતાપૂર્વક ઓળંગી જઈ આપણી સ્વતંત્રતાના ઢોલ ન પીટી શકીએ ? સફળતાનાં શિખરો સર કરો, દુનિયાએ તમારી સામે જોવું જ પડશે.
વસ્ત્રાભૂષણના સંસ્કાર મોટા ભાગે બાળપણ, તરુણ કે કિશોરઅવસ્થામાં પડતા હોય છે. દેખાદેખી ઘણો ભાગ ભજવે છે. બીજા છોકરા જેવાં જ કપડાં પહેરવાની બાળકોને ઈચ્છા થાય છે. બીજાઓ જેવાં કપડાં પહેરવાના ન મળે તો લઘુતાગ્રંથિ જન્મે છે. એવું ન થાય તે સારુ મા-બાપ પણ ઘણી વાર અનિચ્છાએ બાળકોની ઈચ્છા પૂરી કરે છે. ખરેખર તો બીજાઓ જેવા થવા કે દેખાવાની ઘેલછા પોતામાં ઊણપ દર્શાવે છે. બાળકોને એવી રીતે ઉછેરીએ, તેઓમાં સુષુપ્ત પડેલી શક્તિઓને એવી ખીલવીએ, કેળવીએ કે તેઓમાં ગજબ આત્મવિશ્વાસ જન્મે, પછી બીજાઓ જેવા બનવાની ઈચ્છા નહિ રહે. શૃંગાર જ આપણી જાતને વ્યક્ત કરવાનું એકમાત્ર માધ્યમ ન બને તેનું ધ્યાન રાખીએ. આમ પણ કોઈ પણ એક બાબત ઉપર વધારે પડતી નિર્ભરતા ગુલામી જ નોતરે. બિનટકાઉ બાહ્ય આવરણ કરતાં આંતરિક તાકાત ઉપર વધુ આધાર રાખીએ. આંતરિક શક્તિઓ ઓછી હોય તો કેળવીએ. મન નબળું હોય તો તેને જ મજબૂત કરવા કોશિશ કરીએ. સોળે કળાએ ખીલેલું વ્યક્તિત્વ જ સાચું આભૂષણ છે. (‘ચાલો વિકસીએ, ચાલો વિકસવા દઈએ’ પુસ્તકમાંથી સાભાર.)

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.