Sunday, December 16, 2012

કારકિર્દીના કારખાનાં – ડૉ. પંકજ જોશી



[ ભારતના મુખ્ય વૈજ્ઞાનિકોમાંના એક એવા શ્રી પંકજભાઈના નામ તેમજ તેમના લેખનથી આપણે સૌ પરિચિત છીએ. તેઓએ આઈન્સ્ટાઈનના ગુરુત્વાકર્ષણના સિદ્ધાંત ઉપર પી.એચ.ડી. પ્રાપ્ત કરી છે. હાલ તેઓ મુંબઈની ‘ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ’ ખાતે પ્રોફેસર તરીકે સંશોધનકાર્ય કરી રહ્યાં છે. તારાઓના ગુરુત્વીય ભંગાણ અને વિલય વિશેની એમની ફાયરબોલ થિયરીની આંતરરાષ્ટ્રીય ધોરણે નોંધ લેવાઈ છે. ગુજરાતી ભાષા અને યુવાશિક્ષણ વિશે તેઓ સતત ચિંતિત રહે છે. તેમના પ્રસ્તુત લેખમાં પણ કારકિર્દીની રેસમાં જીવનનો આનંદ ખોઈ નાખતાં યુવાનો પ્રતિ ચિંતા વ્યક્ત થાય છે.]

ક મિત્રનો દીકરો ચૌદ-પંદર વરસનો છે. દસમાની પરીક્ષા હમણાં જ આપી. સવારે સાડા-સાતે શાળા શરૂ થાય. બપોરે અઢી વાગે પાછો આવે. પછી સાડા-ત્રણે ક્લાસમાં જવાનું. અત્યારથી આઈ.આઈ.ટી.ની તૈયારી શરૂ. કોચિંગ ક્લાસમાંથી રાત્રે સાડા-આઠે પાછો આવે. પછી જમી લેવાનું અને રાત્રે સાડા-નવે બધું ક્લાસનું અને શાળાનું હોમ-વર્ક કરવા બેસી જવાનું. તે એ બધું રાત્રે એક વાગ્યા સુધી ચાલે. ત્યારે એ સમયે સુવે અને ફરી સવારે સાડા-છ વાગે ઉઠીને જેમ તેમ નાસ્તો કરી નિશાળે ભાગતો થાય !
તેના મમ્મી-પપ્પાને મેં પૂછ્યું કે તેને આ બધું અને આટલી મજૂરી ફાવે છે અને ગમે છે ? આટલી નાની ઉંમરમાં આટલું યંત્રવત જીવન, વરસના બાર મહિના આ જ રીતે ? અને બાળકના મન પર તેની શી અસર થાય ? ત્યારે તેઓ કહે કે એ તો બધું કરવું જ પડે, તેમાં કંઈ ચાલે જ નહી ! આમાં ગમવા-ન ગમવાની વાત જ ક્યાં આવે ? એન્જિનિયર થવું હોય, કારકિર્દી બનાવવી હોય તો અત્યારે તો આ જ રસ્તો છે, આમ જ કરવું પડે ! અમારે તો જરા મોડું થઈ ગયું, નહીં તો આઈ.આઈ.ટી.ના ક્લાસ તો આઠમા-નવમા ધોરણથી જ શરૂ થઈ જાય છે, ત્યારે જ શરૂ કરી દેવાના હોય ને ! મેં કહ્યું કે આમાં તેના શોખ, રસના વિષયો, આ બધાનું શું ? તેઓ કહે, તેનું કંઇ નહી. કેરિયર તો બનાવવી પડશે ને ? અને તે માટે તો આ સિવાય ચાલે જ નહીં, પછી ગમે કે ન ગમે ! અત્યારે તો છોકરાઓને રાત-દી મહેનત કરવી પડે તેવું છે !
મને તરત એક જ વિચાર આવ્યો કે આપણા દેશમાં બાળ-મજૂરીની વાતો તો ઘણી થાય છે. તો આ પણ અઢાર-વીસ કલાકની બાળ મજૂરી નથી તો શું છે ? અને સુખી-સદ્ધર માતા-પિતાઓ હોંશે હોંશે પોતાના બાળકોને આવા બધા કેળવણીના કારખાનાઓમાં ખુશીથી ધકેલી દે છે ! તેમાં બાળકને સફળતા મળી તો રાજીના રેડ અને ગામ ગજવશે અને નિષ્ફળતા મળી તો જાણે દુનિયા ડૂબી ગઈ તેવો શોક અને ખરખરો કરશે ! આમાંથી પરિણામ શું આવે છે ? છોકરા હોંશિયાર અને મહેનતુ હોય તો કંઈ ને કંઈ કરી તો લે છે, પરંતુ તેઓ અતિ યંત્રવત બનતા જાય છે. તેમનામાં એક પ્રકારની લાગણી શૂન્યતા જન્મવા લાગે છે અને તેઓ જડ જેવા બનતા જાય છે. કેરિયર અને કારકિર્દીને નામે તેમના પર જે એક પ્રકારનો બળાત્કાર વર્ષો સુધી થયા કરે છે તેના પરિણામે દુનિયાને જોવાની તેમની દ્રષ્ટિ જ બદલાઈ જાય છે. આમાં મૂળ કામ બાળકની સર્જનાત્મકતાનો નાશ થવાનું જ થાય છે અને છેવટે શાળાઓ, માતા-પિતા અને બાળકની લાગણીશૂન્યતા… આ જ સરવાળો નીકળે છે.
મહેનત કરવાની, ઊંચી સિદ્ધિઓ પ્રાપ્ત કરવાની કે કારકિર્દીઓ બનાવવાની ના નથી અને તેમાં કંઈ ખોટું પણ નથી. પરંતુ તે આવી અને આટલી હઠ કરીને જોર-જુલમથી ન થવું જોઈએ, જે માતા-પિતાઓ અને શાળાઓ આજે કરે છે. કેવળ સહજતા, સમજણ અને રસપૂર્વક બાળક પ્રેરાવું જોઈએ, પોતે જે કંઇ કરે તેમાં. કદાચ સાચી કેળવણીનું હાર્દ એમાં જ છે. વાસ્તવમાં શાળાઓનું તો કાર્ય જ આ છે અને બાળકનો સહજ વિકાસ તેનું નામ જ સાચી કેળવણી છે. પણ આજે તો આપણી મોટાભાગની શાળાઓ કેળવણી આપનાર સંસ્થાઓ નહીં પણ કારકિર્દીના કારખાનાંઓ બની ચુકી છે ! કવિ કૃષ્ણ દવેએ લખ્યું છે, ‘આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે, પતંગિયાઓને પણ કહી દો સાથે દફતર લાવે.’ જો શક્ય હોય તો આપણી આધુનિક શાળાઓના ‘મેનેજમેન્ટ’ શિસ્તને નામે આ પણ કરે તેવી આજે પરિસ્થિતિ છે.
આ બધામાં મૂળ વૈજ્ઞાનિક વાત સમજવાની છે તે એ છે કે માતા-પિતાનો કે સમાજનો મૂળ ઉદ્દેશ્ય શું છે ? છેવટે તો પોતાનું બાળક તેના જીવનમાં સુખી થાય, તેના જીવનમાં આનંદ પ્રગટે, તે શરીર અને મનથી એક અતિ આરોગ્યપૂર્ણ, સ્વસ્થ અને વિકાસશીલ જીવન જીવે… આ જ આપણે ઇચ્છીએ છીએ ને ? પણ જે પ્રકારનો અત્યાચાર આજે કેળવણી અને કારકિર્દીને નામે આજે બાળક પર થાય છે તેમાં એની સ્વસ્થ મનોભૂમિકાનો તો કેવળ નાશ જ થઇ જાય છે. છેવટે પેદા થાય છે તે તો એક યંત્રવત અને જડ વ્યક્તિત્વ, જેમાં સુખ પાંગરવાની અપેક્ષા કેવી રીતે રાખી શકાય ? આને કારણે જ આજે બાળકોમાં પણ અનેક માનસિક વિકૃતિઓ અને આપઘાતોનું પ્રમાણ વધતું ચાલ્યું છે અને અન્ય અનેક વિચાર વમળોમાં પણ બાળકો ફસાય છે. આ બધી કહેવાતી આધુનિક વિચારધારા તથા વિકાસની બલિહારી છે. આઈ.આઈ.ટી.ના વિદ્યાર્થીઓમાં અને આવી બીજી સંસ્થાઓમાં પણ અનેકવાર વિદ્યાર્થીઓ ભારે માનસિક તાણનો ભોગ બનતા હોય છે. આ બધાનું મૂળ કારણ આપણા કેવળ ખોટા અગ્રતાક્રમો જ છે. આવા બાળકો પછી ગેરમાર્ગે દોરાય છે, આપઘાતો કરે છે અથવા મોટા થાય ત્યારે જડ રોબોટ જેવા બની જાય છે.
કેટલાક સમય પહેલાં મુંબઈમાં અને અન્યત્ર ઉપરા-ઉપરી અનેક વિદ્યાર્થીઓના આપઘાતોના કિસ્સાઓ બન્યા હતાં તે ઘણાને યાદ હશે. કમનસીબી એ છે કે આપણે કાયમી ઉપાય કરવાને બદલે આ બધું બહુ જલદીથી ભૂલી જઈએ છીએ. આ બધી આત્મહત્યાઓ ભણવાના અને પરીક્ષાઓને લગતા પ્રશ્નો અને તાણમાંથી જ પેદા થઈ હતી અને આજે પણ થતી રહે છે. આ નવ યુવાનો કેવી કારમી મનોવ્યથામાંથી પસાર થતા હશે તેની કલ્પના તો કરી જુઓ ! પરંતુ આજે તો આપણને આપણા ‘વ્યસ્ત’ જીવનમાંથી એ વિશે વિચારવાનો પણ સમય નથી ! ખરેખર તો કરવા જેવું એક કામ એ છે કે એક રવિવારે નિરાંત હોય ત્યારે શાંતિથી એક ઓરડામાં બારણાં બંધ કરીને પંદર મિનીટ બેસી જાઓ અને તમારા બાળકના અંતરમાં પ્રવેશ કરવાનો, તેની માનસિકતા સમજવાનો પ્રયત્ન અને વિચાર કરો. એ સમયે બીજો કોઈ વિચાર કે બીજી વાત ન જોઈએ. અને તમને તેમાંથી બાળકની ઘોર માનસિક તાણ તરત સમજાશે.
મૂળ વાત એ થઈ છે કે આજે આપણા સમાજ પાસે સાચી સફળતા એટલે શું તે વિચારવા-સમજવાની પૈસા સિવાય કોઈ અન્ય દ્રષ્ટિ જ રહી નથી. બાળકને આપણે જીવન માટે તૈયાર કરવું છે કે કેવળ પૈસા કમાવાનું મશીન બનાવવું છે ? અહીં જે. આર. ડી. ટાટાની એક વાત યાદ કરવા જેવી છે. આપણો દેશ ‘સુપર પાવર’ બની જાય તેવી વાત જયારે થાય ત્યારે તેઓ કહેતા, ‘મારો ભારત દેશ સુખી બને એ મારે જોઈએ છીએ, સુપર પાવર બને તે નહી !’
અલબત્ત, અહીં સ્વાભાવિક પ્રશ્ન તમે એ જ કરશો કે આ બધામાં તે વળી ઉપાય શું અને આમાં તે સુધારો કેમ કરીને થાય ? આભ ફાટ્યું ત્યાં થીગડું કેમ દેવું ? પણ અહીં નિરાશાજનક અભિગમ અપનાવવાની જરૂર નથી. એકવાર વાસ્તવિક પરિસ્થિતિ સાચી રીતે સમજીને વિચાર કરવાનું શરૂ કરીએ એટલે પરિવર્તન અવશ્ય શરૂ થાય જ છે. એટલે સહુથી પહેલું કામ વિચાર કરવાની શરૂઆત કરવાનું છે.
સૌજન્ય : રીડગુજરાતી

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.