Sunday, December 2, 2012

ફરજપરસ્તી એ જ ઈશ્વરપુજા- ડૉ. શશીકાંત શાહ


(ડૉ. શશીકાંત શાહ વીર નર્મદ દક્ષીણ ગુજરાત યુનીવર્સીટીના ‘શીક્ષણ વીભાગના’ નીવૃત્ત વડા છે. આજીવન સન્નીષ્ઠ શીક્ષક રહ્યા. આ બધું જ એમણે જીવનમાં અમલમાં મુક્યું અને હજીયે એવું જ જીવન જીવે છે; પરીણામે એમને ઘણું વેઠવાનુંયે આવ્યું અને આવે છે.. કોઈ રખે માને કે લેખક પ્રખર નાસ્તીક કે રૅશનાલીસ્ટ હશે.. ના, ના, તેઓ તો એકનીષ્ઠ આસ્તીક છે. વૈષ્ણવ સમ્પ્રદાયના ચુસ્ત કૃષ્ણપ્રેમી અને પુજક છે એના અમે સાક્ષી છીએ.. આવા ઘણા ‘ફરજ–પરસ્ત, આસ્તીક શશીકાન્ત’ની સમાજને જરુર છે. …ગોવીન્દ મારુ)
      દુનીયામાં પ્રત્યેક માણસને એક ભુમીકા પ્રાપ્ત થયેલી છે. એ ભુમીકા એણે યોગ્ય રીતે નીભાવવાની છે. ‘મનુષ્યસેવા એ જ ઈશ્વરસેવા’ એમ કહેવાયું છે તે કેટલું યથાર્થ છે ! આપણે પોતે જે સ્થાને બેસીએ છીએ, મહીને હજારો રુપીયાનો પગાર વસુલીએ છીએ; ત્યાં કંઈ જ કામ ન કરીએ અને પછી જાણે કે એ પાપનું પ્રાયશ્ચીત્ત કરતા હોઈએ તે રીતે ઈશ્વર તરફ વધુને વધુ ઢળતા જઈએ (સ્થુળ અર્થમાં જ તો…! લોકો જુએ તેમ કથા સાંભળવા જવું, ધર્મસ્થાનની વારમ્વાર મુલાકાત લેવી, નોટબુકમાં (હૃદયમાં નહીં !) ઈષ્ટદેવનું નામ લખવું) તો એવી ભક્તી ઈશ્વર પણ કબુલ રાખતો નથી. દરેક માણસ પોતાને ફાળે આવેલું કામ યોગ્ય રીતે કરે તો દુનીયામાં એક પણ દુ:ખી માણસ ન બચે !
       થોડાંક વર્ષો પુર્વે એક મન્દીરમાં જોવા મળેલું એ દૃશ્ય હું હજુ આજે પણ ભુલ્યો નથી. ત્રીસેક વર્ષની એક મહીલા આરતીનો સમય થયો એટલે હાથમાં ઉંચકેલી બે વર્ષની પુત્રીને બાજુમાં ફર્શ પર સુવડાવી, ભગવાનના દર્શન કરવામાં લીન થઈ ગઈ. બાળકીએ જોરજોરથી રડવાનું શરુ કર્યું; તોયે મહીલાએ તેની દરકાર કર્યા વીના હાથ જોડેલા રાખીને ભગવાનની મુર્તીના દર્શન કરવાનું ચાલુ રાખ્યું. આરતી પત્યા પછી વૃદ્ધ પુજારી પેલી યુવતી પાસે આવ્યા અને બોલ્યા, ‘બેટા, આજે તારી તો ઠીક, અમારી પુજા પણ વ્યર્થ ગઈ. મારું ધ્યાન આરતીમાં લાગ્યું જ નહીં; કારણ કે આ બાળકી જોરજોરથી રડતી હતી. મને ભગવાનનો ડર તો છે જ નહીં; પરન્તુ જો એકત્ર થયેલા ભક્તોનો પણ ડર ન હોત તો આરતી અધુરી રહેવા દઈને મેં આ બાળકીને ઉંચકી લીધી હોત. આ બાળક સ્વયમ્ ઈશ્વરનું પ્રતીનીધી છે. અરે ઈશ્વર જ છે ! તું વળી કયા ઈશ્વરને શોધે છે ? યાદ રાખજે દીકરી, આવી પુજા ઈશ્વર મંજુર નથી રાખતા, એ તો ઈચ્છે છે કે પ્રથમ મેં તમને સોંપેલું કામ નીષ્ઠાથી પતાવો અને પછી સમય બચે તો મારી પાસે આવો.’
       કોઈ એક મહત્ત્વના સ્થાને ખુરશી પકડીને બેસી ગયેલો માણસ, પોતાનું કર્તવ્ય યોગ્ય રીતે ન બજાવે અથવા કામ કરવામાં વીલમ્બ દાખવે તો કેટલા બધા માણસોને પીડા ભોગવવી પડે છે, તેનો હીસાબ માંડવા જેવો છે. ટ્રેન આવવાનો સમય થઈ ગયો છે. લાઈન લાંબી છે. તમારી આગળ હજુ બાર તેર ઉતારુઓ ઉભેલા છે અને અચાનક ટીકીટ આપનારનો ‘ટી–બ્રેક’ શરુ થાય છે ! એક એક સેકન્ડનો વીલમ્બ તમને અકળાવે છે અને સાહેબ તો નીરાંતે ચાનો સ્વાદ માણી રહ્યા છે ! (એ તમને છેવટે વગર ટીકીટે મુસાફરી કરવાની ફરજ પાડશે !) ચાલુ નોકરીએ ફરજ પર હોઈએ ત્યારે મન્દીરે દર્શન કરવા જવું કે નમાજ પઢવા જવું કેટલું યોગ્ય છે ? આવી સેવા કે બન્દગી ઈશ્વરને કે અલ્લાહને કદી ગંવારા હોતી નથી. આ તબક્કે તર્ક કે દલીલ કે અન્ધ–ભક્તીના પ્રવાહમાં તણાઈ જઈને કોઈને પ્રસ્તુત રજુઆત ખોટી ઠેરવવાની ઈચ્છા થઈ આવે એવું બને. એવે વખતે એટલું જ વીચારવાનું કે કોઈનો એકનો એક દીકરો અકસ્માતમાં મરણતોલ રીતે ઘવાયેલો હોય કે કોઈની પુત્રી પ્રસુતીની પીડા ભોગવી રહી હોય, શરીરમાં ઝેર ફેલાવવાની શક્યતા હોય અને જાણવા મળે કે ડૉક્ટર સાહેબ પુજામાં બેઠા છે કે નમાજ પઢવા ગયા છે, તો શું થાય? માણસ ફરજ પર હોય ત્યારે જો એ આ પ્રકારના ક્રીયાકાંડમાં અટવાઈને માણસની સેવા કરવાનું ચુકી જાય તો એ પ્રકારની ભક્તી કદી માણસના ખાતે જમા થાય કે ?
       સપાટી પરનું અવલોકન એમ દર્શાવે છે કે દીવસે દીવસે માણસોનો ઈશ્વર પ્રત્યેનો પ્રેમ વધતો જાય છે ! કથાવાર્તા, ભજન–કીર્તન, હોમ–હવન, તીર્થયાત્રા શું શું નથી થતું ! નીરન્તર કંઈ ને કંઈ ચાલતું રહે છે. શું માણસમાં આધ્યાત્મીક વૃત્તીનો વીકાસ થયો છે ? નીતી અને મુલ્યો માટેનો પ્રેમ વધ્યો છે ? એ વધારે પ્રામાણીક, વધારે સહૃદયી અને સેવાભાવી બન્યો છે ? ના, એવું લાગતું નથી. પોતે જ્યાં બેઠો છે ત્યાં કંઈ કામ ન કરવું, પ્રજાનાં ન્યાયી કામો હોય તેને પણ વીલમ્બમાં નાંખવાં અને એવાં કામો જલદી પતાવવા માટે મોટી રકમની લાંચ માંગવી આ બધું કર્યા પછી પથ્થર એટલા દેવ પુજવાનો અને જાતજાતના વાર–ઉપવાસ કરવાનો કોઈ અર્થ ખરો ? એરણની ચોરી કરીને સોયનું દાન કરવાથી આપણે કોને ભ્રમમાં નાંખી શકીએ? પોતાને તો નહીં જ !
       સરકારી કચેરીઓમાં, કલેક્ટરની ઓફીસમાં, શાળા, કૉલેજ કે યુનીવર્સીટીમાં, બેન્કમાં કે રેલવેની ટીકીટબારીઓ પર સર્વત્ર ‘વર્ક–એથીક્સ’નો અભાવ જોવા મળે છે, જે સામાન્ય નાગરીકોને પારાવાર તકલીફોમાં મુકે છે. થોડીક જ મીનીટોમાં પતી શકે એવાં કામો માટે પણ બીચારો માણસ વર્ષો સુધી રાહ જોતો રહે છે અને એને આપવામાં આવે છે મુદત(ચાર દીવસ પછી તપાસ કરી જજો. આવતા મહીને આવજો, પતાવી આપીશું). પેન્શન મેળવવા માટે, ટીકીટનું રીઝર્વેશન કરાવવા માટે, રેશનીંગનો કાર્ડ મેળવવા માટે કે પછી બાળકનું એડ્મીશન મેળવવા કાજે એણે કેટકેટલું ભટકવું પડે છે ! બાળકને સારી શાળામાં પ્રવેશ મળે તેની ચીન્તામાં વાલીના કેટલાયે મહીનાઓ ઉંધ વગરના વીતે છે. પેન્શન માટે માણસે વર્ષો સુધી ગાંધીનગર (‘ગાંધી’–નગર, વૉટ અ જોક !) ધક્કા ખાવા પડે છે, ત્યાર પછીયે પૈસા ખવડાવ્યા વીના એનું કામ થતું નથી. કહેવાય છે કે ગાંધીનગરના જે અધીકારી સૌથી વધારે ભ્રષ્ટાચારી છે તે સૌથી વધુ ધાર્મીક (?) વૃત્તીના પણ છે ! એને ત્યાં રોજ કંઈક ને કંઈક નીમીત્તે કથા–વાર્તા, રામાયણ–પારાયણ, પ્રસાદ (પ્રજાના અવસાદમાંથી જન્મેલો !) વગેરે ચાલ્યા જ કરે છે. અઠવાડીયામાં પાંચ દીવસ સાહેબ ટુર પર હોય છે. ટુર પર એટલે ક્યાં ? અમ્બાજી, ડાકોર, શીરડી, શ્રીનાથજી, દ્વારકા એ તમામ સ્થળો પર તેઓ સરકારની કારમાં સહકુટુમ્બ જાય છે. (યાત્રાધામોમાં સરકારી ગાડીમાં પત્ની અને બાળકો સાથે દર્શનાર્થે પધારેલા એક અધીકારીને તો તમે પણ જોયા હતા ને ? હું એમની જ વાત કરી રહ્યો છું !)
       જે વ્યક્તી પોતે કોઈ એક સ્થાન પર બેસીને ની:સ્વાર્થ ભાવે નીષ્ઠાપુર્વક પોતાનું કામ કરે છે, પોતાની ફરજ અદા કરે છે એણે ત્યાર પછી પોતાના દેહના કે આત્માના કલ્યાણ માટે કંઈ જ કરવાની જરુર રહેતી નથી. જેમણે ‘જનસેવા એ જ પ્રભુસેવા’ના મંત્રને પોતાના જીવનમાં ચરીતાર્થ કર્યો છે એમણે મન્દીરમાં કે મસ્જીદમાં જવાની શી જરુર ? એ જ્યાં બેઠો છે તે સ્થળ તીર્થધામ છે. એ ત્યાં બેઠા બેઠા પ્રભુસેવા કરી રહ્યો છે. બેન્કમાં કે સરકારી કચેરીમાં કોઈ પ્રકારની માનસીક યાતના ભોગવ્યા વગર થોડીક મીનીટોમાં જ પોતાનું કામ પતાવીને બહાર નીકળતો માણસ જે આશીર્વાદ આપે છે, તેની તોલે તો ભગવાનના આશીર્વાદ પણ ફીક્કા સાબીત થાય ! વળી જ્યારે આ પ્રકારે વીના વીધ્ને અને વીના વીલમ્બે, ની:સ્વાર્થભાવે કામ થાય છે ત્યારે કામ કરનાર અને કરાવનાર બન્ને ઉંડા પરીતોષની લાગણી અનુભવે છે. જેણે આ પ્રકારનો આત્મસંતોષ મેળવ્યો છે તેણે ત્યાર પછી કોઈ ઈષ્ટદેવનું સ્મરણ કરવાની જરુરીયાત ઉદ્ ભવતી નથી. કામને પુજા ગણનારા માણસોને લીધે આ સમાજ ટકી રહ્યો છે. કામને પુજા ગણનારા માણસોની આ સમાજને વધારેમાં વધારે જરુર છે. પુરો પગાર લઈ કામ નહીં કરતા માણસોએ, ફરજ પર મોડા આવી વહેલા ભાગી જતા માણસોએ, ફરજ દરમ્યાન ઈષ્ટદેવની પુજા કરવા ગાળીયું કાઢતા માણસોએ અને પોતાની ખુરશી પર બેઠાં બેઠાં ઉંઘ ખેંચી લેતા માણસોએ સમાજને જેટલું નુકસાન પહોંચાડ્યું છે તેટલું નુકસાન બીજા કોઈએ પહોંચાડ્યું નથી. બાય ધ વે, ફરજ દરમ્યાન ઉંઘવામાં પણ ઉંચો, તગડો પગાર મળતો હોય તેવા દેશમાં જન્મ આપવા માટે આપણે કુદરતનો (ઈશ્વરનો અને અલ્લાહનો) વીશેષપણે અલાયદો આભાર માનવો જોઈએ એવું નથી લાગતું ?
–ડૉ. શશીકાંત શાહ


અક્ષરાંકન: ગોવીન્દ મારુ 
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.